ભારતના પ્રાચીન અને છુપાં રહસ્યોને કેમેરામાં કંડારતા અનુ મલ્હોત્રા

ભારતના પ્રાચીન અને છુપાં રહસ્યોને કેમેરામાં કંડારતા અનુ મલ્હોત્રા

Tuesday December 01, 2015,

5 min Read

ભારત દુનિયાનો સૌથી વધુ વિવિધતા ધરાવતો દેશ છે, પણ પ્રગતિ અને વિકાસની દોટમાં આપણે આપણો જ પ્રાચીન અને સાંસ્કૃતિક વારસો ભૂલી ગયા છીએ. આપણા જ સ્થાનિક સમુદાયોની જીવનશૈલીને વિસરી ગયા છે. દેશના વિવિધ ખૂણાઓમાંથી હજારો વર્ષો જૂની સંસ્કૃતિઓ લુપ્ત થઈ રહી છે અને ઇતિહાસના પાનાઓમાં ભૂતકાળ બની રહી છે. આપણે આપણા જ મૂળિયા ભૂલી રહ્યાં છીએ ત્યારે ટેલીવિઝન અને પ્રોડક્શન જગતમાં એક ઉત્સાહી મહિલા ઉદ્યોગસાહસિક ખભે કેમેરો મૂકીને આપણને આપણો વારસો યાદ કરાવે છે. આપણને આપણી જ સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવે છે.

image


અનુ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મમેકિંગ હંમેશા વ્યવસાયથી વિશેષ છે; તે અભિવ્યક્તિનું સ્વરૂપ છે, પોતે જે દ્રઢપણે માને છે તેને રજૂ કરવાનું માધ્યમ છે. અર્થસભર સર્જન કરવું અને ટેલીવિઝનમાં ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ પૂરું પાડવાનું તેમનું લક્ષ્ય છે. જ્યારે તેમણે 22 વર્ષ અગાઉ 1993માં સિલ્વર સ્ક્રીન પર પહેલી વખત હાથ અજમાવ્યો ત્યારે પણ તેઓ આ જ લક્ષ્ય ધરાવતા હતા.

અનુ 28-30 વર્ષની ઉંમરે ભારતીય ટેલીવિઝનને સંપૂર્ણપણે નવા કન્ટેન્ટ આપવા કટિબદ્ધ હતા. તેઓ કહે છે, “મેં મારી કારકિર્દીની શરૂઆત એડવર્ટાઇઝિંગમાં શરૂ કરી હતી એટલે ટેલીવિઝનમાં આગળ વધવું સ્વાભાવિક હતું. તે સમયે 1994માં મેં મારી કંપની એઆઇએમ ટેલીવિઝન શરૂ કરી હતી. ટેલીવિઝન ઉદ્યોગ પ્રાથમિક તબક્કામાં હતો અને એટલે તે તબક્કો રોમાંચક પણ હતો.”

બુટિક પ્રોડક્શન હાઉસ તરીકે તેમણે ઝી ટીવી, સોની અન દૂરદર્શન જેવી પ્રીમિયમ ભારતીય ટેલીવિઝન ચેનલ્સ માટે 600 કલાકથી વધારે સમયના નોન-ફિક્શન ટેલીવિઝન પ્રોગ્રામ બનાવ્યા છે. જ્યારે પ્રોડક્શન હાઉસ લાસોએ તેની ઇન્ફોટેઇન્મેન્ટ સીરિઝ બીબીસી, ડિસ્કવરી, ટ્રાવેલ ચેનલ યુકે, ફ્રાન્સ 5 જેવી ટીવી ચેનલ્સ પર રજૂ કરી હતી ત્યારે લાસો પ્રોડક્શન હાઉસની સાથે તેમનું નામ પણ જાણીતું થઈ ગયું હતું.

image


ટેલીવિઝનની લોકપ્રિયતા આધુનિકતા, માહિતી અને સંશોધન માટેના માધ્યમ તરીકે સતત વધી રહી છે અને તેની સંભાવનાનો ઉપયોગ કરીને અનુ ટ્રાવેલોગ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટરી સાથે પ્રોગ્રામ બનાવવાની પહેલ કરનાર સાહસિક પ્રોડ્યુસર-ડિરેક્ટર્સમાં સામેલ હતા. અત્યારે આ પ્રકારના શો સૌથી વધુ જોવાતી કેટેગરીમાં સામેલ છે. ‘નમસ્તે ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયન હોલીડે’ ટેલીવિઝન પર આપણને ભારતની બહારના વિશ્વની ઝાંખી કરાવતા પ્રથમ શો હતા, જે માટે આપણે અનુના આભારી છીએ.

અનુને ટેલીવિઝનમાં તેમના કામ બદલ અનેક એવોર્ડ્સ મળ્યાં હતાં અને તેઓ એક પછી એક સફળતા મેળવી રહ્યાં હતાં. આ સમયે તેમને અહેસાસ થયો કે તેમના કામમાં કશુંક ખૂટે છે. પોતાની ફિલ્મનિર્માણની કુશળતા સાથે તેઓ પર્વતો અને ડુંગરામાં પ્રકૃતિને માણવા જ ઇચ્છતાં નહોતા, પણ તેની કોતરોમાં ઝડપથી વિસરાઈ રહેલી જીવનશૈલી અને સંસ્કૃતિને જાણવા ઇચ્છતાં હતાં. તેઓ આ વિસરાઈ રહેલા વારસાને લોકો સુધી પહોંચાડવા ઇચ્છતાં હતાં અને તે કામ ડોક્યુમેન્ટરી મારફતે જ સારામાં સારી થઈ શકશે તેવો અહેસાસ તેમને થયો હતો.

“હું ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને જીવંત પ્રથાઓને મારા કેમેરામાં કંડારવા માંગતી હતી. મારું મિશન ઝડપથી લુપ્ત થઈ રહેલી સંસ્કૃતિઓની ડોક્યુમેન્ટરી બનાવવાનું અને તેને રજૂ કરી દર્શકોને તેમના પરંપરાગત શાણપણનું જતન કરવા પ્રેરિત કરવાનું અને તેમાંથી શીખવાનું મહત્ત્વ સમજવવાનું હતું.”

અત્યારે અનુ લુપ્તપ્રાય સંસ્કૃતિઓ પર તેમની સુંદર ડોક્યુમેન્ટરીઓ માટે તેમજ ટેલીવિઝનમાં પ્રદાન બદલ જાણીતું નામ છે. ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધિત તેમના કેટલાંક અસરકારક અને ઉત્કૃષ્ટ સંદેશ તેમની ફિલ્મ ‘The Apatani of Arunachal Pradesh’, ‘The Konyak of Nagaland’, ‘The Maharaja of Jodhpur’ and ‘Shamans of the Himalayas’ તેઓ કહે છે, “અત્યારે ટેલીવિઝન સર્વવ્યાપી અને શક્તિશાળી માધ્યમ છે! એટલે તેનો ઉપયોગ સામાજિક પરિવર્તન લાવવા માટે કરવો પડશે. હું હંમેશા માનું છું છે કે મીડિયામાં કામ કરનાર દરેક વ્યક્તિ સામાજિક રીતે જવાબદાર હોવી જોઈએ અને એટલે તમે જે સામગ્રી પીરસો તેમાં અતિશય કાળજી રાખવી જોઈએ. અત્યાર સુધી મારા તમામ કામનો એક જ સિદ્ધાંત રહ્યો છે કે, ‘ટ્રાવેલ, ફૂડ કે ફેશન – કોઈ પણ પ્રોગ્રામ હોય, હું મારા ડિરેક્ટર્સને ફક્ત હકારાત્મક, અર્થસભર અને સમાજને ઉપયોગી થાય તેવા પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપું છું.”

image


“અત્યારે આપણે જીવન સાથે આધ્યાત્મને જોડવાની તાતી જરૂરિયાત છે. આપણા શહેરોની જીવનશૈલી ધીમે ધીમે સાદગી અને સરળતામાં ખુશીઓ શોધવાની આપણી ક્ષમતાનો નાશ કરી રહી રહી છે અને સમાજ નૈતિક અને પર્યાવરણીય રીતે અધઃપતન થવાની અણી પર છે.” તેવું તેઓ તેમની ડોક્યુમેન્ટરીની પસંદગીનું કારણ સમજાવતા કહે છે. તેમની ડોક્યુમેન્ટરીના વિષયો દેશના સીમાડા સાથે સંબંધિત હોય છે, જે જીવનશૈલી, વિચારધારાથી વર્તણૂંક વગેરે તમામ વિપરીત બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે તેમની ડોક્યુમેન્ટરીનો વિષય રહેલા સ્થાનિકોનો આત્મવિશ્વાસ વધાર્યો છે, જે એક પ્રકારનું સાહસ જ છે.

“આશ્ચર્યજનક વાત એ છે કે, મારી સફરમાં મને અવરોધરૂપ બને તેવી કોઈ વિચારધારા હું ધરાવતી નથી. મારો સિદ્ધાંત છે ‘સફર એક મુકામ છે’ અને મેં હંમેશા ઉત્સાહ સાથે અર્થસભર કામ કર્યું છે, એટલે મને જે મળ્યું છે તે મારી સફરનો જ એક ભાગ છે. મેં મુશ્કેલીઓને પડકાર ગણી છે અને શીખવા-વિકસવાની તક ગણી છે. મેં હંમેશા જોયું છે કે આદિવાસી અને ગ્રામીણ ભારતમાં લોકો શહેરીજનો કરતા વધારે નિખાલસ હોય છે અને તેમની સ્વીકાર્યક્ષમતા વધારે હોય છે!”

એક સ્થળે એક મહિનાથી વધારે સમય ભાગ્યે જ પસાર કરતા અને દુનિયાના વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વિવિધતાને હંમેશા શોધતા અનુ કહે છે, “મારા માટે દુનિયા એક કેલિડોસ્કોપ છે – જે એકબીજામાં ભળી ગયેલી, ફેલાયેલા રંગોની, એકબીજામાં વિલિન થઈ ગયેલી, અનેક સ્વરૂપોમાં બહાર આવતી તસવીરોનો ખજાનો છે, જે જીવનની અનેક શક્યતાઓ પ્રદર્શિત કરે છે.”

હકીકતમાં તેમની આવી જ જિજ્ઞાસા તેમની અંદર છુપાયેલી કલાત્મક ખૂબીઓને બહાર લાવી છે. તેઓ કહે છે, “કલા મારા માટે વ્યવસાય નથી, પણ જીવન છે, મારા જીવનનો ઉદ્દેશ છે. હું મારા પ્રવાસના વિચારો કરું છું અને તેના સ્વપ્નો સેવું છું – કેનેડિયન પર્વતો અને સરોવરોના અદ્ભૂત નજારા, તેના આસમાની વાદળો; લદાખના વિશાળ ઊંચા પર્વતો, તેના જાંબલી ગુલાબી વાદળો; એમાલ્ફીનો રોમાંચક કિનારો અને કેપ્રિમાં તેના વાદળી લૂગનના જાદુઈ પિરોજા; માલ્દિવ્સના દરિયાની અંદર રત્નોનું જીવન. રંગો મને હંમેશા આકર્ષે છે – રણની ચમકદાર ઓઢણી; ગોવાના ગામડાઓના પંચરંગી ઘર, રંગીન નાગા જ્વેલરી, કર્ણાટકના મંદિરમાં જોવા મળતી રંગીન ફૂલોની કોતરણી...કોઈક રીત, ક્યાંક, આ ઇમેજ અને રંગો મને કશુંક વ્યક્ત કરવા બોલાવતું હતું. એટલે 15 વર્ષ અગાઉ મેં મારા વધારાના સમયમાં પેઇન્ટિંગ શરૂ કર્યું છે.”

ઘણા આર્ટ શો અને પ્રદર્શકોનું આયોજન કર્યા પછી તેનો વિષય ભૂલવો મુશ્કેલ છે – રંગો અને પીંછીનો સુભગ સમન્વય, એકબીજા પર પ્રસરાઈને એકબીજામાં ભળી ગયેલા અદ્ભૂત રંગો. તે તેમની વિચાર – આત્મા – જુસ્સાને અભિવ્યક્ત કરે છે તેવું કહેવું ખોટું નથી, જે હંમેશા વૈવિધ્યપૂર્ણ રસ ધરાવે છે. તેઓ જ્યાં સુધી તેમના નવા સહાસમાં તેમની કુશળતા અને ઉત્સાહને ભેગો કરીને માસ્ટરપીસ ન બનાવે ત્યાં સુધી તેઓ તેમના સંશોધનના દરેક પાસામાં ઊંડા ઊતરે છે.

લેખક- બિંજલ શાહ

અનુવાદક- કેયુર કોટક