13 વર્ષની નૃત્યાંગનાએ કથકમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અટક્યા વગર 25 મિનીટમાં 2150 વખત ફરી ગોળ!

13 વર્ષની નૃત્યાંગનાએ કથકમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અટક્યા વગર 25 મિનીટમાં 2150 વખત ફરી ગોળ!

Thursday May 12, 2016,

3 min Read

27 એપ્રિલ 2016ની સાંજે ઈન્દોરના આનંદ મોહન માથુર સભાગૃહમાં એક હજાર લોકોની શાંતિ વચ્ચે ગાજી રહ્યા હતા માત્ર તબલા, મૃદંગની થાપ અને ઘુંઘરુંનો લયબદ્ધ રણકાર. જેવું સંગીત બંધ થયું કે, આખો સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. 13 વર્ષની છોકરી માટે બધા તાળીઓ પાડી રહ્યા હતા. આ નાનકડી છોકરી હતી મુસ્કાન જેણે સંગીતના તાલ સાથે અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મુસ્કાન કથક કરવા દરમિયાન અટક્યા વગર 2150 વખત ગોળ ફરી હતી. કથકની ભાષામાં કહીએ તો ત્રણ તાલના ઠેકા અને મૃદંગના ત્રણ તાલ વચ્ચે સંપૂર્ણ રીતે લયમાં રહીને મુસ્કાને આ કામ કરી બતાવ્યું હતું. આ વર્લ્ડ રેકોર્ડ કરવા દરમિયાન મુસ્કાન ન તો લયની બહાર ગઈ અને ન તો તેણે કથકનૃત્યના ચહેરાના ભાવના અનુશાસનને પણ ગુમાવવા દીધો. વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ મુસ્કાનના ચહેરા પરનું સ્મિત જ તેની ખુશી વ્યક્ત કરતું હતું. પરિવારજનોએ મુસ્કાનને ખભે ઉચકી લીધી હતી. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી મુસ્કાનને નવો રેકોર્ડ બનાવવા બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ સફળતા પાછળ કંઈ થોડાઘણા દિવસોની મહેનત નહોતી. 

image


મુસ્કાનના માતા-પિતા સપના અને અલ્કેશ જૈન બંને જ વ્યવસાયે ડૉક્ટર છે. એક સમયે તેમની પાંચ વર્ષની દીકરી મુસ્કાન ટીવી જોતા જોતા ડાન્સના સ્ટેપ કરવા લાગી. તેના સ્ટપ જોઈને જૈન દંપતીને નવાઈ લાગી કારણ કે ડાન્સ સાથે તેમના પરિવારને ક્યાંય સુધી લેવાદેવા નહોતી. તેમને એટલી વાત સમજાઈ કે તેમની દીકરી જે સ્ટેપ કરે છે તે વિશેષ છે. મુસ્કાન સાત વર્ષની થઈ અને તેણે જાતે જ શીખી શીખીને ડાન્સ કરવાનું ચાલુ રાખ્યું હતું જેના કારણે આ શોખ વધતો ગયો. મુસ્કાનના માતા-પિતાને લાગ્યું કે હવે તેની આવડતને મઠારવાની જરૂર છે. તેના કારણે તેને ઈન્દોરના જાણીતા ક્લાસિકલ ડાન્સર પ્રતિમા ઝાલાનીને ત્યાં ડાન્સ શીખવા માટે મોકલવામાં આવી. કથક ડાન્સર પ્રતિમાની શિષ્યા બન્યા બાદ મુસ્કાનની આવડતમાં ઝડપથી સુધારો થવા લાગ્યો. અભ્યાસ ઉપરાંત મુસ્કાન પોતાનો મોટાભાગનો સમય ડાન્સ પાછળ પસાર કરતી. પ્રતિમા ઝાલાનીએ જોયું કે મુસ્કાન 150-200 ફુંદરડી તો આરામથી ફરી લે છે. ધીમે ધીમે મુસ્કાને એક હજાર ફુંદરડી ફરવાનં શરૂ કરી દીધું.

image


એક દિવસ મુસ્કાનને જાણ થઈ કે અત્યાર સુધી 1100 ફંદરડી ફરવાનો વર્લ્ડ રેકોર્ડ છે. મુસ્કાને 1500 ફંદરડી ફરીને આ રેકોર્ડ તોડવાની વાત પોતાના ગુરુને કરી. પ્રતિમા ઝાલાનીએ મુસ્કાનને છ મહિના સુધી પ્રેક્ટિસ કરાવી. 27 એપ્રિલના દિવસે આ અનોખો રેકોર્ડ બનાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ રેકોર્ડ માટે કોઈ સમયસીમા નથી હતો પણ મુસ્કાને માત્ર અડધો કલાકમાં આ રેકોર્ડ કરવાનું જાતે નક્કી કર્યું. કથક જ્યારે શરૂ થયું ત્યારે હોલમાં બેઠેલા તમામ લોકો મુસ્કાનની ફંદેરડીઓ ગણવા લાગ્યા. મુસ્કાન કથકના તાલમાં એવી ખોવાઈ ગઈ કે પંદરસોના બદલે 2150 ફંદરડી ફરી ગઈ અને તે પણ માત્ર 25 મિનિટમાં.

image


મુસ્કાન નવમાં ધોરણની વિદ્યાર્થીની છે અને ડાન્સની જેમ અભ્યાસમાં પણ તેજસ્વી છે. મુસ્કાનનું કહેવું છે,

"મારા ડાન્સ ગુરુએ ખૂબ જ તૈયારી કરાવી હતી. 1500 ફુંદરડી ફરવાની હતી. મને વિશ્વાસ હતો કે તે આરામથી કરી લેવાશે. આટલા લોકોની ભીડમાં ડાન્સ કરવાની એટલી મજા આવી કે ધ્યાન જ ન રહ્યું અને ફુંદરડીઓ વધતી ગઈ. ડાન્સ મારું ઝનુન છે અને ડાન્સમાં આગળ ડિગ્રી કોર્સ કરવાની છું."
image


મુસ્કાનના ડાન્સ ગુરુ પ્રતિમા ઝાલાની કહેવા લાગ્યા,

"મુસ્કાન સાચે જ ક્લાસિકલ ડાન્સ કરવા માટે જન્મી છે. આ બાબતે તે ખૂબ જ ગંભીર છે. આજના બાળકો કંઈક નવું જ કરવા માગે છે અને તેથી મુસ્કાને મને કહ્યું કે હું જૂનો રેકોર્ડ તોડવા માગું છું. મેં મુસ્કાનને તૈયારીઓ કરાવવાની શરૂ કરી દીધી. મુસ્કાન ક્લાસિકલ ડાન્સમાં પ્રયાગ સંગીત મહાવિદ્યાલયથી સીનિયર ડિપ્લોમા કરી ચૂકી છે. તેણે ડિગ્રી કોર્સ કરવા જઈ રહી છે. તેનામાં પોતાની ઉંમર કરતા વધારે ટેલેન્ટ છે."

લેખક- સચિન શર્મા

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

અમદાવાદમાં રહેતો ૧૪ વર્ષનો હર્ષવર્ધન છે એક ટેક કંપનીનો CEO! 

દિલ્હીના 3 વિદ્યાર્થીઓનો પ્રદૂષણ મુક્તિનો અનોખો પ્રયાસ

વિદ્યાર્થીઓએ લીધું વારાણસી નજીકનું એક ગામ દત્તક, પોકેટમનીમાંથી ઉપલબ્ધ કરાવે છે મૂળભૂત જરૂરિયાતો