કપરી પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર, તેનો ડટીને મુકાબલો કરીને ચમત્કાર સર્જતા 'કાજુના રાજા' રાજમોહન પિલ્લઇ

કપરી પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર, તેનો ડટીને મુકાબલો કરીને ચમત્કાર સર્જતા 'કાજુના રાજા' રાજમોહન પિલ્લઇ

Friday July 01, 2016,

27 min Read

'કાજુના રાજા'નામથી જાણીતાં રાજમોહન પિલ્લઇનું જીવન અદમ્ય સાહસ, બુલંદ ઉત્સાહ અને બહાદુરીનું એક આગવું ઉદાહરણ છે. કેરળના આ મહેનતુ ઉદ્યોગપતિએ એવી કઠોર અને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કર્યો છે જેની કલ્પના માત્રથી કેટલાંયેનો પરસેવો છૂટી જાય છે તો કેટલાંયેના રૂંવાડા ઉભા થઇ જાય છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરતા લોકો સામાન્ય રીતે તૂટી જતાં હોય છે, તમામ સપનાઓ છિન્ન-ભિન્ન થઇ જતાં હોય છે. ડગલે ને પગલે આવેલી મોટી મોટી મુશ્કેલીઓનો સમયગાળો અને ઘણી જ કપરી પરિસ્થિતિઓમાં પણ રાજમોહન પિલ્લઇએ હિંમત હાર્યા વગર તેનો ડટીને સામનો કર્યો અને જીત મેળવી. રાજમોહન પિલ્લઇએ જે રીતે અને જે રીતની સફળતા હાંસલ કરી છે તેને લોકો ચમત્કારથી ઓછું કંઈ નથી માનતા.  

image


રાજમોહન પિલ્લઇના દાદા, પિતા અને મોટા ભાઈએ વિવિધ પ્રકારના કારોબાર કરીને ખૂબ પૈસા કમાયા હતાં, પરંતુ કેટલીક દુર્ઘટનાઓના કારણે એ તમામ સુખ-સાહ્યબી તેમનાથી છીનવાઇ ગઈ. કરોડો રૂપિયાનો નફો કરતી પિતાની કંપનીનું દિવાળું નીકળી ગયું અને મોટા ભાઈની ધરપકડ અને ત્યારબાદ લોકઅપમાં મોતથી કારોબારી સામ્રાજ્ય કેટલીક ક્ષણોમાં જ ખતમ થઇ ગયું. આ વિકરાળ અને વિપરીત પરિસ્થિતિઓમાં જેવી રીતે રાજમોહન પિલ્લઇએ ધૈર્ય, સાહસ, આગવી સૂઝ-બૂઝ અને વિવેકનો પરિચય આપ્યો તે આજે પણ લોકો સમક્ષ પ્રેરણાસ્ત્રોત સમાન છે.

કારોબારની દુનિયામાં રાજમોહન પિલ્લઇની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા એ કારણે પણ ખૂબ વધી કે તેમણે ન માત્ર પોતાના પિતાનું કરોડો રૂપિયાનું દેવું ચૂકવ્યું પણ પોતાના ભાઈની કંપની પણ પુનર્જીવિત કરી અને ઘર-પરિવારનો મોભો અને ધન પાછા મેળવ્યા.   

પોતાના ધૈર્ય-સાહસ, કારોબારીની સૂઝ-બૂઝનો ડંકો દુનિયાભરમાં વગાડનાર રાજમોહન પિલ્લઇની સફળતાની સફરના ઘણાં અદ્વિતીય અને રસપ્રદ પાસાંઓ છે. આ પાસાંઓને જાણવા-સમજવાથી માનવજીવનને સાર્થક અને સફળ બનાવવાના સૂત્રો મળે છે.

ઘણી રસપ્રદ વાત તો એ છે કે કેરળના કોલ્લમમાં 12 મે, 1964ના રોજ જન્મેલા રાજમોહનનો ઉછેર ઘણાં જ અનોખા અંદાજમાં થયો. ધનાઢ્ય પરિવારમાં જન્મ લેવા છતાં પણ રાજમોહન પિલ્લઇનો ઉછેર ધનવાન અને સંપન્ન પરિવારોના બાળકોની જેમ ન થયો. તેમના પિતા કે. જનાર્દન પિલ્લઇએ પોતાના દીકરા રાજમોહનનો ઉછેર કંઇક એવી રીતે કર્યો કે સમય જતાં તેમનો એ દીકરો અન્યો કરતા ઘણું જ અલગ વ્યક્તિત્વ ધરાવતો બન્યો.  

image


રાજમોહન પિલ્લઇએ સ્કૂલનું શિક્ષણ કેરળની રાજધાની ત્રિવેન્દ્રમમાં મેળવ્યું. તેઓ સ્કૂલ તો મર્સિડીઝ કારમાં જતાં હતાં પરંતુ તેમના ખિસ્સામાં એક રૂપિયો પણ નહતો રહેતો. તેમના પિતાના નિયમ-કાયદાઓ કંઇક અલગ પ્રકારના હતાં. આ નિયમોમાંનો એક નિયમ એ હતો કે જેના કારણે રાજમોહનને પોકેટમની નહતી મળતી. 

રાજમોહન કહે છે,

"મારી સ્કૂલમાં એવા ઘણાં બાળકો હતાં જેમના માતા-પિતા વિદેશમાં રહેતા હતાં. આ બાળકો જોડે ખૂબ મોટી પોકેટમની રહેતી. તેમના માતા-પિતા નિયમિતરૂપે વિદેશથી પૈસા મોકલતા રહેતા. હું મર્સિડીઝ કારમાં સ્કૂલ તો જરૂર જતો હતો પરંતુ મારું ખિસ્સું ખાલી રહેતું. આ બાબતના કારણે કેટલાંયે મિત્રો મારો મજાક પણ ઉડાવતા. ખિસ્સામાં એક પણ રૂપિયો ન હોવાના કારણે ઘણું દુઃખ પણ થતું. એ સમયે મને બહુ ખરાબ લાગતું જ્યારે મારા મિત્રો વડા ખાતા અને મને પણ વડા ખાવાની ઈચ્છા થતી પણ મારી પાસે તે ખરીદવાના પૈસા ન રહેતા."

એવું પણ નહતું કે તેમના પિતા રાજમોહનને પૈસા નહતા આપતા. રાજમોહનને તેમના પિતા માત્ર ચાર કામો માટે પૈસા આપતા. પહેલું- ભણવા માટે, બીજું- ટેનિસ, ત્રીજું- શહેરની બહાર જતી વખતે સારી જગ્યા પર રહેવા માટે અને ચોથું- રમતોને લગતા કોઈ પણ કામ માટે. જયારે કે તેમના સ્કૂલના મિત્રો પાસે તેમના દરેક શોખ પૂરા કરવા માટે પૂરતા રૂપિયા રહેતા. આ કારણ પણ હતું કે જ્યારે તમામ બાળકો મોજ-મસ્તી કરતા રહેતા તો બીજી બાજુ રાજમોહન પોતાના પિતાના અલગ નિયમોના કારણે અલગ જ બાળપણ જીવી રહ્યાં હતાં. કરોડપતિની સંતાન હોવા છતાં પણ રાજમોહનના કપડાં પણ ખૂબ સરળ પ્રકારના રહેતા. અન્ય સાથીઓની જેમ રાજમોહન પૈસાનો દેખાડો કરવામાં નહતા માનતા. પિતા જે પૈસા આપતા હતાં રાજમોહન તેનો પણ પૂરતો હિસાબ રાખતા.

પિતાના આ જ કડક અને વિચિત્ર નિયમોથી રાજમોહનને ઘણી ચીડ ચઢતી હતી. તેમને પોતાના પિતા પ્રતિ નફરત થવા લાગી હતી અને મનમાં ને મનમાં જ તેમણે કોસતા રહેતા.

વધુમાં તો, પિતાએ રાજમોહનને ચૌદ વર્ષની ઉંમરથી જ કારોબાર સાથે જોડી દીધા હતાં. પિતા માટે આવતા ફોનકૉલ્સને રિસીવ કરવાની જવાબદારી રાજમોહનને સોંપવામાં આવી હતી. કારોબારને લઈને પિતા અલગ અલગ લોકોની સાથે જે બેઠકો કરતા ત્યાં પણ રાજમોહને હાજરી આપવી ફરજિયાત હતી. જે સમયે તેમની ઉંમરના બાળકો મોજ મસ્તી કરતા, ફરવા જતાં અને પોતાના સપનાઓ પૂરા કરવાની કોશિશ કરી રહ્યાં હતાં ત્યારે રાજમોહને તેમના પિતાએ આપેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેતું. રાજમોહન પાસે એવી આઝાદી નહતી જે કિશોરાવસ્થામાં પ્રવેશ કરતા બાળકોની હોય છે. 

પિતાએ રાજમોહન પાસે જોખમી કામો પણ કરાવ્યા હતાં. રાજમોહનને કાજુની ફેક્ટરીમાં મોકલ્યા જ્યાં મજૂરી કામ કરી રહ્યાં હતાં. ફેકટરીમાં રાજમોહને અન્ય મજૂરોની જેમ રહેવું અને કામ કરવું પડતું. એક મોટા ઉદ્યોગપતિના દીકરા હોવાનો ઠાઠ-બાઠ તેમની પાસે નહતો. ફેકટરીમાં તમામ માટે એક જ પ્રકારનું ભોજન પીરસાતું અને જોડે જ ઉઠવા બેસવાનું રહેતું. ઘણાં બધાં કામો એક જ પ્રકારના રહેતા. રાજમોહને પણ આ તમામ કામો કરવા પડતા. 

રાજમોહને મજૂરોની સાથે જમીન પર સૂવું પડતું. તેમની જેમ જ કપડાં પહેરવા પડતા. કાજુના થેલા ઉઠાવવામાં મજૂરોની મદદ કરવી પડતી. અચાનક જ વરસાદ પડતા સૌની સાથે મળીને કાજુને પાણીની દૂર લઇ જવા પડતા. ફેક્ટરીમાં કામ કરવું સરળ નહતું. દરેકની જેમ મહેનત તો કરવી પડતી હતી, જોખમો પણ ઘણાં બધાં હતાં.

એક વાર થયું એવું કે ફેકટરીમાં જ્યાં રાજમોહન સુઈ રહ્યાં હતાં, ત્યાં એક સાપ આવી ચડ્યો. માંડ માંડ તેમનો જીવ બચ્યો. એ ઘટના આજે પણ તેમણે એટલી જ તાજી છે. તેઓ આ અંગે કહે છે,

"એકવાર હું ફેકટરીમાં સૂતો હતો અને મારી પાસે એક સાપ આવીને બેઠો. મને ખબર જ ન પડી કે તે કેવી રીતે અને ક્યારે આવી ચડ્યો. જ્યારે મજૂરો અને મેનેજરે મારી પાસે સાપ જોયો તો તેઓ ગભરાઈ ગયા. તેમના તો જાણે હોંશ જ ઉડી ગયા. તેઓ બૂમબરાડા પણ નોતા કરી શકે એમ. તેમને ડર હતો કે જો અવાજથી સાપ છંછેડાઈ જશે તો મને ડંખ પણ મારી શકે છે. મેનેજરે ધીમા અવાજે મને જગાડવાનો અને સાવધાન કરવાનો પ્રયત્ન કર્યો. જયારે મારી આંખ ખુલી તો હું પણ ચોંકી ઉઠ્યો. સાપ પોતાની ફેણ ફેલાવીને બેઠો હતો. જો થોડી પણ હલચલ થાય તો કંઈ પણ થઇ શકે તેમ હતું. ઘણી સાવધાનીથી હું ત્યાંથી દૂર જતો રહ્યો અને થોડી વાર બાદ સાપ ત્યાંથી જતો રહ્યો. પરંતુ, હાલત એવી હતી કે કંઈ પણ થઇ શકે તેમ હતું. હું ભાગ્યશાળી હતો કે સાપે મને ડંખ ન માર્યો અને મારો જીવ બચી ગયો."

આ ઘટના બાદ પણ પિતા રાજમોહનને ફેક્ટરી મોકલતા રહ્યાં.

પિતાના સખત નિયમો અને અલગ કામોને સમજવામાં રાજમોહનને ઘણો સમય લાગ્યો. તેઓ કહે છે,

"પિતાના અસલી ઈરાદાઓ સમજવાની જે પ્રક્રિયા હતી તે ખૂબ મુશ્કેલ હતી. આ પ્રક્રિયા લાંબી ચાલી. મને એ વાત પર ઘણું આશ્ચર્ય થતું કે મને સૌથી સારી અને જાણીતી સ્કૂલમાં ભણાવવામાં આવે છે, મર્સિડીઝ કારમાં સ્કૂલ મોકલાય છે, તાજ હોટેલમાં રહેવાના મોકા મળી રહ્યાં છે, સારો અને મોંઘો આઈસ્ક્રીમ ખાવા મળે છે પણ મને પોકેટમની નથી આપવામાં આવતી. ટેનિસ રમવાની પૂરી છૂટ હતી. અલગ અલગ શહેરોમાં જઈને ટેનિસ રમવા પર પણ ક્યારેય રોક ટોક નહીં, પણ હું અન્ય બાળકોને જેમ પિકનિક કે પણ કોઈ અન્ય કામ માટે બહાર નથી જઈ શકતો. સીધા-સાડા કપડાં પહેરાવવાનું કારણ પણ સમજમાં નહોતું આવતું. પિતા જાણતા હતાં કે ફેક્ટરીમાં કંઈ પણ થઇ શકે છે, ત્યાં ખૂબ ખતરો છે, તેમ છતાં પણ તેમણે મને ફેક્ટરી મોકલ્યો. ઘણાં દિવસો બાદ હું જાણી શક્યો કે તેમણે મારા માટે આવા વિચિત્ર નિયમો કેમ બનાવ્યા હતાં!"

રાજમોહનના જણાવ્યા પ્રમાણે તેમના અલગ પ્રકારના ઉછેરના કારણે જ તેઓ ઘણી રીતે અન્યોથી અલગ અને આગળ હતાં. તેઓ કહે છે,

"દસમા ધોરણની રજાઓમાં પિતાએ મને કારોબાર સાથે જોડી દીધો. લોકોના ફોન ઉપાડવાથી મને ઘણો ફાયદો થયો. લોકોથી વાતચીત કરવાની યોગ્ય રીત મને શીખવા મળી. પિતાની કારોબારી બેઠકોમાં હાજર રહેવાના કારણે મને બાળપણમાં જ માલૂમ પડી ગયું હતું કે અમારો પરિવાર કયા કયા પ્રકારનો કારોબાર કરી રહ્યો છે."  

નાની ઉંમરમાં જ રાજમોહન એ સમજવા લાગ્યા હતાં કે કારોબાર કેવી રીતે કરી શકાય છે. તેમને એ પણ સમજમાં આવી રહ્યું હતું કે તેમના પરિવારની કઈ કઈ કારોબારી પરિયોજનાઓ છે અને તેઓ કઈ રીતે કામ કરી રહ્યાં છે. 

image


પિતાના નિયમ-કાયદાઓએ તેમણે પોતાની પ્રાથમિકતા પણ નક્કી કરવાનું શીખવાડી દીધું હતું. રાજમોહન જણાવે છે,

"મને ઘણાં વર્ષો બાદ અહેસાસ થયો કે પિતાના નિયમોએ મને મારી પ્રાથમિકતા નક્કી કરવાનું શીખવાડ્યું હતું. જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મારું સૌથી પહેલું કામ રહેતું કે હું મારી પ્રાથમિકતા નક્કી કરું. વગર કામની વસ્તુઓથી હું દૂર રહેતો. પિતા પાસેથી મેં જે પણ કંઈ શીખ્યું હતું તેના કારણે હું મારા મિત્રો કરતા અલગ જ નહીં પરંતુ ઘણો આગળ પણ હતો. જે બાબતો મેં બાળપણમાં જ શીખી લીધી હતી તે વર્ષો બાદ મારા મિત્રો શીખ્યા હતાં. પિતાના કારણે કારોબાર સાથે જોડાયેલા ઘણાં બધાં કામો હું શીખી ગયો હતો. નાની ઉંમરે જ મેં ઘણાં અનુભવો હાંસલ કરી દીધા હતાં. હું પડકારોને સમજ્યો અને તેમનો સામનો કરવાની રીતો પણ શીખી. સારા-ખરાબ દિવસો મેં ખૂબ જલ્દી જોઈ લીધા હતાં. 30 વર્ષની ઉંમર સુધી મેં જે જોયું અને સમજ્યો હતો તે જોતા અને સમજતા મારા સાથીઓને 40 વર્ષ લાગી ગયા. એટલે કે હું મારા મિત્રો કરતા 10 વર્ષ આગળ હતો."

આ પિતાના ઉછેરનું જ પરિણામ હતું કે રાજમોહન સિગરેટ, પાન-મસાલા જેવી વસ્તુઓથી દૂર રહેતો. આ ઉછેરના કારણે રાજમોહન પિલ્લઇમાં એક વ્યાપક વિચારસરણીએ જન્મ લીધો હતો. રાજમોહનના શબ્દોમાં જાણીએ,

"કઈ પેનથી તમે પરીક્ષામાં લખી રહ્યાં છો તે વાત મહત્તવ નથી રાખતી પણ મહત્વપૂર્ણ એ હોય છે કે તમે પરીક્ષા કેવી રીતે આપી છે, તમે પરીક્ષામાં સફળ થયા છો કે નહીં. એ વાત પણ મહત્તવ નથી ધરાવતી કે તમે કેવા કપડાં પહેરીને ટેનિસ રમો છે, મહત્તવની વાત એ છે કે તમે તમારા પ્રતિદ્વંદીને કેવી રીતે હરાવો છો. હું બહુ પહેલાં જ સમજી ગયો હતો કે દેખાડાથી કંઈ નથી થતું, પણ આત્મસંતોષ ખૂબ જરૂરી હોય છે."

રાજમોહનના પિતાએ તેમને સારું શિક્ષણ આપવામાં કોઈ કસર નહોતી છોડી. આ જ કારણ હતું કે રાજમોહન બાળપણથી જ સારા અને ખરાબની સમજ ધરાવતા હતાં. 

સખત ટ્રેઈનિંગ બાદ રાજમોહનને કારોબારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી. તેમને ઓડીસાથી કાચા કાજુ ખરીદવાનું કામ સોંપવામાં આવ્યું. રાજમોહન તેને પોતાની કારોબારી જિંદગીનું પહેલું પોસ્ટીંગ જણાવે છે. આ પહેલા પોસ્ટીંગ અંતર્ગત રાજમોહનને કાચા કાજુ ખરીદવા માટે ઓડીસાના ગામે ગામ ફરવું પડતું. કેટલાંયે કિલોમીટર સુધી દૂર દૂરના ક્ષેત્રોમાં જઈને લોકોને મળવું પડતું. માત્ર ઓડીસા જ નહીં પરંતુ કાજુ ખરીદવા તેમણે પશ્ચિમ બંગાળ પણ જવું પડતું હતું. રાજમોહન ન ઉડિયા ભાષા જાણતા, ન બાંગ્લા જાણતા, પરંતુ તેમને લોકો સાથે સન્માનજનક વ્યવહાર કરવાની શીખ મળી હતી અને તેનું અનુસરણ તેમણે ઓડીસા અને બંગાળમાં કર્યું. યુવાન રાજમોહનનો વ્યવહાર, વર્તન ખેડૂતોને ઘણું પસંદ પડ્યો અને કેટલાંક ખેડૂતો તો તેમના આશિક બની ગયા.

image


ઓડીસા અને બંગાળની કારોબારી યાત્રાઓ દરમિયાન રાજમોહનને જમીની સ્તર પર કારોબાર સમજવામાં મદદ મળી. બહુ ઓછા સમયમાં તેમણે અજાણ્યા અને દૂર પ્રદેશના વેપારીઓ અને ખેડૂતો સાથે સારા સંબંધો વિકસાવ્યા. રાજમોહન થોડા જ દિવસોમાં ઓડીસાના ઘણાં જિલ્લાઓમાં ઘણાં જાણીતાં બની ગયા. તેઓ એટલા લોકપ્રિય બની ગયા હતાં કે જ્યાં તેમનું ગોડાઉન હતું, તે બસ સ્ટોપનું નામ જ રાજમોહન જંકશન પડી ગયું. ઓડીસા અને બંગાળના કાજુની ખરીદીના પોતાના અનુભવો યાદ કરતા રાજમોહન જણાવે છે,

"તે મારા માટે ઘણો રસપ્રદ અનુભવ હતો. એ દિવસોમાં ગામના મુખિયાઓ નક્કી કરતા હતાં કે ખેડૂતો પોતાના કાજુ કોને વેચશે. પહેલાં ગામના મુખિયાને સમજાવવા અને મનાવવા જરૂરી હતાં. તે સમયે કારોબારીઓ માટે સરકારી નિયમો પણ કડક હતાં. બાળપણમાં જ મેં શીખી લીધું હતું કે કારોબાર કરતી વખતે લોકો સાથે કેવો વ્યવહાર કરવો અને આ અનુભવ મારા કામમાં આવ્યો. બહુ જ જલ્દી ખેડૂતો પણ મારી સાથે હતાં અને મારી સાથે સીધો સોદો કરવા લાગ્યા."

ગ્રેજ્યુએશન પૂર્ણ કરતા જ રાજમોહનને વિદેશ મોકલવામાં આવ્યા. વિદેશમાં કામ કરતા કરતા રાજમોહનને ઘણી નવી વસ્તુઓ વિશે શીખવા મળ્યું. રાજમોહન પહેલાં બ્રાઝીલ ગયા. બ્રાઝીલમાં રાજમોહને અમેરિકાની ફૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી કંપની નબિસ્કોની એક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. કેટલાંક સમય માટે રાજમોહને ઇંગ્લેન્ડમાં પણ કારોબાર કર્યો.

બ્રાઝીલમાં કામ કરતી વખતે રાજમોહન વામપંથી વિચારધારાથી ઘણાં પ્રભાવિત થયા. એક રીતે તો તેમણે વામપંથને સ્વીકારી લીધો. તેઓ પણ એ સમાજ અને વ્યવસ્થાના વિરોધી હતાં જ્યાં કેટલાક લોકો ઘણાં જ ધનવાન અને ઘણાં બધાં લોકો અત્યંત ગરીબ હતાં. તેઓ પૈસાદાર અને ગરીબ લોકો વચ્ચેનું અંતર ઘટાડવાના ઈરાદા સાથે ભારત પરત ફર્યા હતાં. ગરીબ અને ધનવાન વચ્ચેની અસમાનતાને દૂર કરવી પણ તેમની પ્રાથમિકતા બની ગઈ હતી.

ભારત પરત ફર્યા બાદ જ્યારે રાજમોહને પોતાના ક્રાંતિકારી વિચારો પોતાના પિતા સમક્ષ મૂક્યા ત્યારે જાણે ભૂકંપ આવી ગયો. પિતા અને દીકરા વચ્ચે વામપંથને લઈને દલીલો થવા લાગી. રાજમોહન માનતા હતાં કે પરિવારની ફેકટરીઓમાં મજૂરોનું વેતન ઓછું છે અને તેને વધારવાની વકીલાત કરવા લાગ્યા. નવા જોશથી ભરેલા રાજમોહનને સમજાવવા તેમના પિતા માટે મુશ્કેલ થઇ પડ્યું. પોતાને નડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવાના ઈરાદાથી પિતાએ રાજમોહનની સામે એક પડકાર ફેંક્યો. પિતાએ રાજમોહનને એ સાબિત કરવાનું કહ્યું કે તેમની વામપંથી વિચારધારા ખરેખર વ્યાવહારિક છે. પિતાએ પોતાની એક સોફ્ટડ્રીંકની ફેક્ટરી રાજમોહનને સોંપી અને પોતાની વિચારધારા સાબિત કરવા કહ્યું. 

એ દિવસોમાં રાજમોહનના પિતાને થમ્સ અપ, લિમ્કા અને ગોલ્ડસ્પોટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. તેમના પિતા પાસે સોફ્ટડ્રીંકની ફેક્ટરી હતી અને તેમાં 42 કર્મચારી કામ કરતા હતાં. પિતાએ રાજમોહનને આ નવા પ્રયોગ માટે આ ફેક્ટરીમાં મોકલ્યા. કારોબારની તમામ જવાબદારી યુવા અને જોશીલા રાજમોહનને સોંપતા પિતાએ કહ્યું કે જો તેઓ તેમના ઉદ્દેશ્યમાં સફળ થયા તો તે કંપની તેમની થશે અથવા તેમણે કહેલી દરેક વાત રાજમોહને માનવી પડશે. રાજમોહને આ પડકાર અને શરત બંને સ્વીકારી લીધી. 

નવા ઉમંગ અને ઉત્સાહની સાથે રાજમોહને 42 કર્મચારીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. ફેક્ટરી સંપૂર્ણ રીતે યાંત્રિક હતી અને એટલે જ કર્મચારીઓ ઓછા હતાં. જ્યારે કે તેમના પિતા આશરે 50 હજાર કર્મચારીઓ અને મજૂરોની જવાબદારી સંભાળતા હતાં.

ફેક્ટરીના કામકાજની જવાબદારી લેતી વખતે રાજમોહને વામપંથી વિચારધારાનો અમલ કરવાનો શરૂ કરી દીધો હતો. નવો અનુભવ પ્રાપ્ત કરવાનો સારો અવસર તેમને મળ્યો હતો. જેવી તેમણે ફેક્ટરી સંભાળી, તરત જ કર્મચારીઓનો પગાર 3 ગણો વધારી દીધો. કર્મચારીઓનું એક દિવસનું વેતન 7 રૂપિયા હતું જેને વધારીને તેમણે 21 રૂપિયા પ્રતિ દિવસ કરી દીધું હતું. પગાર વધારતી વખતે રાજમોહને કર્મચારીઓને કહ્યું હતું કે ફેક્ટરીની કુલ ક્ષમતાની સરખામણીએ હાલ માત્ર 42 ટકા કામ થઇ રહ્યું છે. તેમણે કર્મચારીઓને 60 ટકા કામ કરવાનું કહ્યું. 60 ટકા પ્રોડક્શનનો અર્થ હતો બ્રેક-ઇવન એટલે કે કોઈ પણ જોખમ વગરનો કારોબાર. રાજમોહનના પિતાએ આ ફેક્ટરીમાં 3 કરોડનું રોકાણ કર્યું હતું. રાજમોહનને આશા હતી કે પગાર વધારી દેવાથી કર્મચારીઓ મન લગાવીને કામ કરશે અને જલ્દી જ પ્રોડક્શન વધશે અને ફેક્ટરી બ્રેક-ઇવન પર પહોંચી જશે. પરંતુ, કર્મચારીઓનો પગાર વધારવાના કેટલાંક મહિનાઓ બાદ જ રાજમોહનની આશાઓ પર પાણી ફરી ગયું અને તેમને મોટો ઝટકો પણ લાગ્યો. કેરળના સૌથી મોટો તહેવાર ઓણમ આવતા કર્મચારીઓએ ફરીથી પગાર વધારવાની માગ કરી. રાજમોહને પગારવધારાની ના પાડતા કહ્યું કે નવ મહિના પહેલાં તો પગાર વધાર્યો છે અને ફેક્ટરી હજી ખોટમાંથી બહાર નથી આવી. પરંતુ કર્મચારીઓ પોતાની માગ પર અડગ રહ્યાં. કર્મચારીઓનું કહેવું હતું કે ફેક્ટરી જેટલી માલિકની છે તેટલી જ તેમની પણ છે અને ફેક્ટરીની સંપત્તિ પર તેમનો પણ હક છે. કર્મચારીઓની આ વાતો સંભાળીને રાજમોહનનું માથું ચકરાવવા લાગ્યું. તેઓ પણ જિદ્દ પર ઉતર્યા બાદ કર્મચારીઓનો પગાર નહીં વધારવામાં આવે. 

image


ત્યારે મજૂરોએ હડતાળની જાહેરાત કરી. ફેક્ટરીનું કામ ઠપ્પ થઇ ગયું. આ દરમિયાન તોડ-ફોડની કેટલીક ઘટનાઓ પણ બની. રાજમોહન માટે પરિસ્થિતિ બેકાબૂ બની રહી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઇને પિતાએ રાજમોહનને પોતાની પાસે પાછા બોલાવી લીધા. પાછા બોલાવ્યા બાદ તેમના પિતા રાજમોહનને ખખડાવ્યા નહીં. આ સમસ્યાને લઈને રાજમોહનને કંઈ કહ્યું પણ નહીં. તેઓ અહીં પણ પોતાના પુત્રને કોઈ શીખ આપવા માગતા હતાં.

હડતાલ ચાલુ હતી અને આ દરમિયાન કર્મચારીઓના મુખિયાએ રાજમોહનના પિતાને સંદેશ મોકલ્યો કે આ મામલાનો વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં આવે. પિતાએ વાતચીત દ્વારા સમાધાન કરવાની રજૂઆતનો સ્વીકાર કરી લીધો અને કર્મચારીઓના મુખિયાને પોતાની ઓફિસ બોલાવ્યો. વાતચીત શરૂ થઇ. કર્મચારીઓના મુખિયાએ પગાર વધારીને પ્રતિ દિન 30 રૂપિયા કરવાની માગ કરી. પિતાએ તે માગને પૂરી કરવાની ચોખ્ખી ના પાડી દીધી. અને સાફ કરી દીધું કે ખોટના કારણે પગાર વધારો નહીં કરાય. પિતા અને કર્મચારીઓ વચ્ચેની વચ્ચેની વાતચીત દરમિયાન રાજમોહન ત્યાં હાજર હતાં પણ તેઓ ચૂપ બેસી રહ્યાં અને કંઈ ન બોલ્યા. કમચારીઓના લીડર તેમની માગ પર અડફ હતાં અને રાજમોહનના પિતા જનાર્દન પિલ્લઇ પોતાની વાત પર અડગ હતાં, વાતચીતથી કોઈ ઉકેલ ન આવ્યો. કર્મચારીઓનો લીડર નિરાશ અને નારાજ થઇ ત્યાંથી પરત ફર્યો.

આ ઘટનાના થોડા દિવસ બાદ ફરીથી કર્મચારીઓના લીડરનો સંદેશ આવ્યો. સંદેશ એ હતો- વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. આ વખતે પણ જનાર્દન પિલ્લઇએ મુખિયાની વાત માની લીધી અને ફરીથી વાતચીત માટે તેમને ઓફિસ બોલાવ્યા. આ વખતે પણ રાજમોહને ચૂપ રહેવામાં જ પોતાની ભલાઈ સમજી. જનાર્દન પિલ્લઇએ આ વખતે વાતચીતને સફળ બનાવવા એક અલગ રસ્તો અપનાવ્યો. તેમણે 10 હજાર રૂપિયાનો થોકડો પોતાના ટેબલ પર મુખિયાની સામે મૂક્યો અને મુખિયા સાથે વાતચીત શરૂ કરી. વાતચીત દરમિયાન લીડરનું સમગ્ર ધ્યાન નોટોના થોકડા પર રહ્યું. રાજમોહનના પિતાએ ચોખ્ખું કહી દીધું કે પગાર વધારવાનો કોઈ સવાલ જ નથી અને પગાર પ્રતિ દિવસ માત્ર 10 રૂપિયાના હિસાબે આપવામાં આવશે. આ વાત સંભાળીને લીડર ગભરાઈ ગયા અને તેમણે કહ્યું કે જો તેઓ આ પ્રસ્તાવ લઈને કર્મચારીઓ પાસે ગયા તો તેનો જીવ લઇ લેશે. આ વાત સાંભળીને જ રાજમોહનના પિતાએ નોટોનો થોકડો ટેબલ પરથી હટાવવાનો શરૂ કર્યો. પોતાની સામેથી નોટો ગાયબ થતાં લીડરના ચહેરાનો રંગ ફિક્કો પડતો દેખાયો અને તેના ધબકારા વધી ગયા, તેનાથી રહેવાયું નહીં અને 10 રૂપિયાથી કંઇક વધારવાની વિનંતી કરવા લાગ્યો. આખરે વાત 15.50 રૂપિયા પ્રતિ દિવસ પર આવીને ઉભી રહી. કર્મચારીઓનો લીડર નોટોનું બંડલ લઈને ચાલતા થયા.   

રાજમોહન આ બધું જોઈ રહ્યાં હતાં. તેમના માટે આ બધું કલ્પનાથી ઉપર હતું. તેઓ પુસ્તકિયા જ્ઞાન અને વ્યાવહારિકતા વચ્ચેનું અંતર પોતાની આંખોથી જોઈ રહ્યાં હતાં. તેમની વિચારધારાના લીરેલીરા ઉડી રહ્યાં હતાં. તેઓ મૌન રહ્યાં, તેમના પિતાએ ફરી એક વખત એક નવી શીખ શીખવાડી હતી. આગલા દિવસે ફેક્ટરીમાં હડતાળ ખતમ થઇ, કર્મચારીઓએ ઉજવણી કરી અને કામ પર પરત ફર્યા.

આ ઘટનાઓ રાજમોહનને હેરાન-પરેશાન કરી રહી હતી. રાજમોહન માટે આ આશ્ચર્યનો વિષય હતો કે કર્મચારીઓના એ લીડરની નજર મજૂરોના હિત પર ઓછું અને નોટો પર વધારે હતું. રાજમોહન માટે આ રહસ્ય જ રહી ગયું કે કર્મચારીઓના લીડરે હડતાળ પર ઉતરેલા મજૂરોને મનાવ્યા કેવી રીતે? તેઓ એ ના સમજી શક્યા કે લીડર ફેક્ટરીના તે કર્મચારીઓને કેવી રીતે મનાવ્યા કે 15.50 રૂપિયા, 21 રૂપિયાથી વધારે છે! પરંતુ, રાજમોહન એ જરૂરથી સમજી ગયા હતાં કે પગાર વધારવાનો એ મતલબ નથી કે કર્મચારીઓ વધુ મહેનત કરશે. કર્મચારીઓ મહેનત કરે તે માટે તેમણે પ્રોત્સાહિત કરવા જરૂરી હતાં. રાજમોહન કહે છે,

"સોફ્ટડ્રિંકની ફેક્ટરીવાળી ઘટનાથી મને મોટો પાઠ શીખવા મળ્યો. કર્મચારીઓ અને મજૂરો પાસેથી મહેનત કરવા માટે એક પ્રકારનો મૂડીવાદ અત્યંત જરૂરી છે. આ વાત મારા માટે એક મોટી શીખ હતી."

રાજમોહનને પોતાના પિતાના કારણે કારોબારના મૂળ તત્વોને સમજવનો મોકો મળ્યો. મોટી વાત એ હતી કે પિતાની પહેલ અને દૂરદર્શીતાના કારણે ઘણી જ નાની ઉંમરે રાજમોહન કારોબારને ઝીણવટથી અને સારી રીતે સમજી ગયા હતાં. 

રાજમોહનના પિતા સિવાય અન્ય લોકો પણ ઘણું બધું શીખ્યા હતાં. કારોબારી થવાના કારણે તેઓ ઘણાં લોકોને મળતાં હતાં. દેશ-વિદેશમાં તેઓ ઘણાં કારોબારીઓ, કર્મચારીઓ, મજૂરો, ખેડૂતો અને અન્ય ક્ષેત્રના લોકોને પણ મળ્યા હતાં. દરેક મુલાકાતમાં કંઇક ને કંઇક નવું શીખવાના પ્રયત્નોમાં રહેતા રાજમોહન. રાજમોહન કહે છે,

"પિતા જીવનભર ટીચર અને માર્ગદર્શકની ભૂમિકા થોડી નિભાવવાના હતાં. હું લોકોને મળતો હતો અને તેમના અનુભવોથી ઘણું બધું શીખ્યો હતો. હજી પણ હું એવું જ કરું છું." 

પરંતુ, આગળ જઈને રાજમોહને એ દિવસો પણ જોયા જ્યારે તેમના પિતાને કારોબારમાં ઘણી ખોટ ગઈ. પરિસ્થિતિ એવી થઇ કે કારોબાર કરવામાં અને નફો કરવામાં પોતાને નિપુણ માનતા તેમના પિતાનું દિવાળું નીકળી ગયું. થયું એમ હતું કે રૂસ અને ભારત વચ્ચે એક કારોબાર સંધિ થવાની હતી. કંઈક કારણોસર બંને દેશો વચ્ચે વાતચીતનો કંઈ સારો નિવેડો ન આવ્યો. સંધિપત્ર પર હસ્તાક્ષર ન થઇ શક્યા. સમાધાન ન થવાના કારણે રૂસે રાજમોહનના પિતા પાસેથી કાજુ ન ખરીદ્યા, જ્યારે કાજુ ખરીદવાનો કોન્ટ્રાક્ટ થઇ ચૂક્યો હતો. જોકે દેશોની વચ્ચે સમાધાન ન થવાના કારણે રૂસે રાજમોહનના પિતા પાસેથી કાજુ ખરીદવાની ના પાડી દીધી. જે કાજુ રૂસને વેચવા ખરીદવામાં આવ્યા હતાં, તે હવે બેકાર સાબિત થઇ રહ્યાં હતાં. રૂસ અને ભારત વચ્ચેની સંધિ ન થવાના કારણે ભારતમાં કાજુનો ભાવ અડધાથી પણ ઘટી ગયો. જેનાથી રાજમોહનના પિતાને ભારે નુકસાન થયું. આ વાત છે વર્ષ 1982ની. 

આ દરમિયાન રાજમોહનના પિતાને હાર્ટઅટેક આવ્યો. તેમનું સ્વાસ્થ્ય એટલું બગડ્યું કે તેઓ ફરી વખત કારોબાર સંભાળી ન શક્યા. ધંધામાં ખોટ જવાના કારણે પરિવારની પ્રતિષ્ઠાને પણ ધક્કો લાગ્યો. તેમના પિતા પર આશરે 10 મિલિયન અમેરિકી ડૉલરનું દેવું થઇ ગયું જે એક મોટી રકમ હતી. તે સમયના મોટામાં મોટા ઉદ્યોગપતિ માટે પણ આ રકમ ખૂબ મોટી હતી. ખરાબ તબિયતના કારણે પિતા કારોબાર નહતા સાંભળી શકતા અને ઘર પરિવારની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી હતી, માતાએ રાજમોહનને દેવું ચૂકતે કરવાની જવાબદારી સોંપી. 18 વર્ષના રાજમોહનના ખભે હવે 10 મિલિયન અમેરિકી ડૉલરનું દેવું ચૂકવવાનો ભાર આવી ગયો હતો. 

પિતાની દેખરેખમાં જેવી રીતે પાલન-પોષણ થયું હતું અને જેવી રીતે તેમને શિક્ષણ મળ્યું હતું, રાજમોહન માનસિક રીતે વધુ મજબૂત બની ગયા હતાં. તેઓ પરિસ્થિતિથી ગભરાવાના ન હતા. તેઓ દિલથી મજબૂત બની ગયા હતાં. મગજ તેજ હતું, કારોબારી સૂઝ-બૂઝ પણ હાંસલ કરી લીધી હતી, આજ કારણોસર રાજમોહને પહાડ જેટલું દેવું ચૂકવવાની જવાબદારી પોતાના ખભા પર લઇ લીધી. જિંદગીમાં અત્યાર સુધીના સૌથી વધુ મુશ્કેલ સમયમાં પણ રાજમોહને હિંમત નહતી હારી.

દેવું ઘણું બધું હતું, લોકોને ઘણાં રૂપિયા આપવાના હતાં. ઇન્ડિયન ઓવરસીઝ બેંકે કાનૂની કેસ પણ બનાવ્યો, પરંતુ રાજમોહન હાર્યા નહીં. તેમણે થોડું થોડું કરીને દેવું ચૂકતે કરવાનું શરૂ કર્યું. નાની-નાની રકમ ચૂકવવા પર બેંકે નારાજગી પણ દર્શાવી. બેંકના અધિકારીઓએ કહ્યું કે આટલી નાની નાની રકમ ભરવાથી દેવું ચૂકતે નહીં થાય. બેંકની નારાજગી પર રાજમોહનને ચોખવટ કરી દીધી. તેમણે બેંકની સામે વિકલ્પ રાખ્યો કે તેમણે તેમના પર વિશ્વાસ કરવો જ પડશે અથવા તો પછી તેમનો કારોબાર બંધ કરાવી શકે છે. બેંકે તેમના પર વિશ્વાસ મૂક્યો અને તેમણે ધીરે ધીરે દેવું ચૂકતે કરવાનું કામ ચાલુ રાખ્યું. 

રાજમોહન માટે આ સંઘર્ષનો સમય હતો. 1987થી 2007 સુધી એમનું સંપૂર્ણ ધ્યાન કારોબારની સાથે સાથે દેવું ચૂકવવા પર પણ હતું. મુશ્કેલીઓથી ભરેલા આ દિવસોમાં પણ પોતાના રસ્તાથી ટસથી મસ થયા વગર રાજમોહન આગળ વધી રહ્યાં હતાં. પિતાના કારોબારને ખોટથી બહાર લાવવા માટે તેઓ દિવસ રાત એક કરી રહ્યાં હતાં. કારોબાર પણ વધવા લાગ્યો હતો, આશાનું એક નવું કિરણ દેખાવા લાગ્યું હતું. પરંતુ, આ દરમિયાન રાજમોહનને બીજો એક મોટો ઝટકો લાગ્યો. તેમના મોટા ભાઈ રાજન પિલ્લઇના વિરુદ્ધ સિંગાપોરમાં એક અપરાધિક મામલો નોંધાયો. રાજન પિલ્લઇ પણ મોટા કારોબારી હતાં. તેમનો કારોબાર પણ કેટલાંયે દેશોમાં ફેલાયેલો હતો. બિસ્કીટના કારોબારથી તેમણે ઘણી ધન-દોલત અને પ્રતિષ્ઠા કમાઈ હતી. તેઓ 'બિસ્કીટ કિંગ'ના નામથી જાણીતાં હતાં. સિંગાપુરમાં તેમના વિરુદ્ધ અપરાધિક મામલો નોંધાયા બાદ તેઓ ખૂબ જ સરળતાથી ભારત આવી ગયા. પરંતુ, ઘણાં પ્રયત્નો બાદ પણ તેઓ ધરપકડથી બચી ન શક્યા. ધરપકડ બાદ તેમને તિહાડ જેલ મોકલવામાં આવ્યા. જેલમાં જ રાજન પિલ્લઇનું મૃત્યુ થઇ ગયું. તેમના ભાઈની મોત ઘણી જ શંકાસ્પદ હતી. 1995માં મોટા ભાઈ અને કરોડપતિ ઉદ્યોગપતિ રાજન પિલ્લઇની મોત બાદ રાજમોહન વધુ મુસીબતોથી ઘેરાઈ ગયા.

ઘર-પરિવારની કંપનીઓની પ્રતિષ્ઠા હવે ખતરામાં હતી. પ્રતિષ્ઠાને આ વખતે બીજો એક મોટો ઝટકો લાગ્યો હતો. કર્મચારીઓ પણ કંપની છોડવા લાગ્યા હતાં. કમચારીઓ અને મજૂરોને લાગતું હતું કે એક બાદ એક ઝટકાઓથી હવે પિલ્લઇ પરિવાર ક્યારેય નુકસાનની બહાર નહીં આવી શકે. જૂના અને વફાદાર કર્મચારીઓએ પણ સાથ છોડી દીધો. મિત્રો અને ઘણાં સંબંધીઓ પણ હવે અંતર રાખવા લાગ્યા હતાં. 

ઈરાદાઓના પાક્કા રાજમોહન આ વખતે તો ઘણી વધુ ખરાબ હાલતમાં હતાં પરંતુ હિંમત ન હાર્યા. તેમણે ન માત્ર પોતાને માનસિક રૂપે સ્થિર અને મજબૂત બનાવી રાખ્યા, પણ કારોબારને પાછો પાટે ચડાવવા કોઈ કરકસર ન છોડી. રાજમોહન ધક્કા પર ધક્કા ખાતા રહ્યાં પણ માનસિક રૂપે નબળા ન પડયા. રાજમોહને અદમ્ય સાહસ અને શાનદાર કારોબારી સૂઝ-બૂઝનો પરિચય આપતા આખરે પિતાનું બધું દેવું ચૂકતે કરી દીધું. આટલું જ નહીં, તેમણે પોતાના ઘર-પરિવારના કારોબારને પુનર્જીવિત કર્યો અને નફાની દિશામાં લઇ ગયા. નુકસાનમાંથી બહાર આવતા તેમને ઘણાં વર્ષો લાગ્યા પણ તેમણે ઘર-પરિવારને એ જ પ્રતિષ્ઠા પરત મેળવી આપી જેના કારણે દુનિયાભરમાં તેમની ખ્યાતિ થઇ.

મોટા ભાઈની મોતથી પણ વધારે ખરાબ હાલત વિષે રાજમોહન જણાવે છે,

"કોઈ પણ વ્યાપારનું મૂળ બિંદુ પ્રતિષ્ઠા હોય છે. ભાઈની ધરપકડ અને ત્યારબાદ જેલમાં મોત બાદ અમારા કારોબારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. અમારા ગ્રાહકો અમારાથી દૂર થઇ રહ્યાં હતાં, જૂના અને વફાદાર કર્મચારીઓ પણ અમને છોડીને જવા લાગ્યા. પિતાનું દેવું ચૂકવવાનું હજી બાકી હતું અને કારોબારમાં વધુ નુકસાન થવા લાગ્યું. ખૂબ મુશ્કેલીભર્યા એ દિવસો હતાં. એ દિવસોમાં મારું કામ બે ગણું થઇ ગયું અને મહેનત પણ બે ગણી કરવી પડી."

રાજમોહનની મહેનત રંગ લાવી. સાહસિક રાજમોહનને સફળતા મળી. આ સફળતા કંઈ નાનીસૂની સફળતા નહતી. બહુ મોટી અને ઐતિહાસિક સફળતા હતી. રાજમોહન વર્ષો સુધી મહેનત કરતા રહ્યાં, અને આખરે 10 મિલિયન અમેરિકી ડૉલરનું દેવું ચૂકતે કરવામાં સફળ રહ્યા. માત્ર તેમાં જ સફળતા નહતી છુપાઈ, તેઓ પોતાના પરિવારની કંપનીઓને પ્રગતિ અને નફાના રસ્તા પર લાવવામાં સફળ રહ્યાં. આ સફળતાની પાછળ એક બીજી સફળતા પણ છુપાયેલી હતી જેનો અહેસાસ રાજમોહનને પણ નહતો. જબરસસ્ત મહેનત, બહાદુરી, ધૈર્ય અને સાહસનું ફળ તેમને એક સુખદ આશ્ચર્યમાં ડૂબાડવા તૈયાર હતું.

જેમ રાજમોહન પિલ્લઇએ ઇન્ડિયન ઓવરસીઝ બેંકનું દેવું ચૂકવી દીધું, ત્યારે બેંકના અધિકારીઓએ તેમને એ જમીન-મિલકતના દસ્તાવેજ સોંપ્યા, જે લોન લેતી વખતે ગેરંટી તરીકે સોંપવામાં આવ્યા હતાં. લોનની ચૂકવણી કરતી વખતે પણ રાજમોહનને આ વાતનો અહેસાસ ન થયો કે તેમની જમીન-મિલકતના દસ્તાવેજ બેંક પાસે રાખેલા છે. પરંતુ, જમીન-મિલકતના દસ્તાવેજ મળતાં તેમની ખુશીનું કોઈ ઠેકાણું રહ્યું, કારણ કે હવે આ જમીન-મિલકતની કિંમત કરોડો રૂપિયા હતી. દેવું ચૂકવતા રાજમોહનને 27 વર્ષ લાગ્યા જતાં અને આ દરમિયાન જમીન-મિલકતની કિંમત કેટલીયે ગણી વધી ગઈ હતી. અચાનક જ એક દિવસમાં જ રાજમોહન પિલ્લઇ દેવાળિયા વ્યક્તિના બદલે નફો કમાનાર કરોડપતિ કારોબારી બની ગયા હતાં.

તે શાનદાર અને યાદગાર દિવસને યાદ કરતા રાજમોહન કહે છે,

"મેં ક્યારેય પણ વિચાર્યું નહતું કે એક દિવસ બધું જ બદલાઈ જશે. મારા માટે તો આ એક મિરેકલ સમાન હતું. પરંતુ મને જલ્દી જ સમજમાં આવી ગયું કે આ મિરેકલ કંઈ એક દિવસમાં નથી થયો. આ મિરેકલ પાછળ વર્ષોની મહેનત છે. જો હું મહેનત ન કરતો અને દેવું ચૂકતે ન કરતો તો આ બધું મારું ન થતું. આમ તો મને જમીન-મિલકતના કાગળો વિષે ખબર જ નહતી. હું મારું કામ કરતો ગયો અને જ્યારે કામ ખતમ થયું ત્યારે મને મારી મહેનતનું પરિણામ આ રીતે મળ્યું."  

પોતાના સંઘર્ષ અને સફળતાની સફર સંભળાવતી વખતે રાજમોહને એમ પણ કહ્યું,

"પરિસ્થિતિઓ બદલાતી રહે છે, અને બદલાતી પરિસ્થિતિઓની સાથે નવા નવા પડકારો પણ આવે છે. દરેક પડકાર તે સમયનો સૌથી મોટો પડકાર હોય છે. મેં શરૂઆતથી માન્યું હતું કે જ્યારે કુદરતે કોઈ મુસીબત સર્જી છે ત્યારે તે મુશ્કેલીનો અંત પણ તેની પાસે હશે જ. પિતાનું દેવું ચૂકવવા અને પરિવારનો કારોબાર બચાવવા દરમિયાન મને લાગ્યું કે કુદરત જ સમસ્યાનું સમાધાન લાવશે. હું તો બસ એ નિરાકરણ લાવવાનું એક માધ્યમ છું."

રાજમોહનને દુનિયાભરમાં લોકો બે કામો માટે જાણે અને માને છે. પહેલું- પોતાના પિતાનું ભારે ભરખમ દેવું ચૂકવવા માટે, અને બીજું- મોટા ભાઈના મૃત્યુ બાદ આવેલા મોટા સંકટથી બહાર આવવા અને પરિવારની કંપનીઓને પુનર્જીવિત કરી નવું કારોબારી સામ્રાજ્ય ઉભું કરવા માટે. આજ અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં રાજમોહને કહ્યું,

"લોકો મારી બે મુસીબતો વિષે જાણે છે પણ તેમને ખબર નથી કે મેં કેટલીયે મુસીબતોનો સામનો કર્યો છે. મેં ઘણી મુસીબતો સહન કરી છે. હજારો વાર પડકારો ઝીલ્યા છે. મારી સામે વિવિધ પડકારો આવતા રહ્યાં છે. ઘણી ચિંતાઓ રહી છે. અલગ અલગ સમયે પ્રાથમિકતા બદલાતી રહી. કેટલીક વખત મેં મારા કરોડોના કારોબાર વિષે નહીં પરંતુ મારી પત્ની સાથેના સંબંધ વિષે વિચાર્યું છે. જો મારો દીકરો બીમાર પડી જાય તો મારું સમગ્ર ધ્યાન મારા દીકરાની સારવારમાં લાગી જાય છે. કોઈ વાતને લઈને કોઈ મિત્ર સાથે થયેલી ગેરસમજને દૂર કરવી મારી પ્રાથમિકતા બની જાય છે. લોકો આ બધાં વિષે નથી જાણતા. કેટલાંયે લોકોને લાગે છે કે મેં જીવનમાં બે વાર જ મુસીબતોનો સામનો કર્યો છે જ્યારે કે હકીકત તો એ છે કે દરેક દિવસે સંઘર્ષ હોય છે, દરેક દિવસે નવો પડકાર હોય છે."

આ દિવસોમાં રાજમોહનની ગણતરી ભારતનાં જાણીતાં ઉદ્યોગપતિઓમાં થાય છે. તેઓ બીટા ગ્રુપના ચેરમેન છે અને આ ગ્રુપની ઘણી બધી કંપનીઓ દુનિયાના ઘણાં દેશોમાં કારોબાર કરીને કરોડોનો નફો કમાઈ રહી છે. પરિવારમાં છેલ્લી ત્રણ પેઢીઓથી કાજુનો કારોબાર થાય છે અને રાજમોહનની ઘણી કમાણી કાજુના કારોબારથી જ છે, તેઓ હવે દુનિયાભરમાં 'કાજુના રાજા' નામથી પણ ઓળખાવા લાગ્યા છે. ઘણી જ ખરાબ હાલતમાં સમસ્યાઓ સામે ઝઝૂમિ, દટીને પડકારોનો સામનો કરનારા, લોકોમાં વિશ્વાસ પેદા કરનારા, ચકનાચૂર થયેલા સપનાઓને ફરીથી જોડી ફરી એક મોટું કારોબારી સામ્રાજ્ય ઉભું કરનારા રાજમોહનના જીવનની સફર હવે સફળતાની અજોડ વાર્તાઓમાં સામેલ છે. 

તેમનો બીટા ઉદ્યોગ હવે માત્ર કાજુ અને ફૂડ પ્રોસેસિંગ જ નહીં પરંતુ કેટલાંયે અન્ય ક્ષેત્રોમાં ફેલાઈ ચૂક્યો છે. બીટા ગ્રુપ 2 બિલીયન અમેરિકી ડૉલરના કારોબારનો વિસ્તાર ધરાવે છે. ફૂડ પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ અને ડીસ્ટ્રીબ્યુશનમાં તેમની મજબૂત સ્થિતિ છે. એન્ટરટેઈનમેન્ટ લોજીસ્ટીક્સ અને કન્સલ્ટીંગ ક્ષેત્રમાં પણ તેમનો વ્યાપાર ફેલાયેલો છે. પરંતુ જે કઠિન સમય તેમણે જોયો, સહન કર્યો છે, તેમાં સામાન્ય લોકો માટે ઉભું થવાનું તો દૂર પણ બચવું પણ મુશ્કેલ હતું. આ રાજમોહનનું જ સાહસ હતું કે જેના કારણે તેઓ ફરી એક વાર એટલી જ તાકાત સાથે ઉભા થઇ શક્યા.  

રાજમોહન સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ પણ છે કે તેઓ ઠાઠ-બાઠ નથી રાખતા. દેખાડો નથી કરતા. રોફ નથી મારતા. સૌની સાથે સારું વર્તન કરે છે અને પૈસાના આધારે વ્યક્તિ-વ્યક્તિમાં ફર્ક નથી કરતા. તેઓ માનવીય લાગણીઓને સારી રીતે સમજે છે અને તેમની કદર પણ કરે છે. તેમની એ પણ ખાસિયત છે કે, સ્થિતિ-પરિસ્થિતિ ગમે તેવી કેમ ન હોય પણ તેઓ પોતાને હંમેશા સંતુલિત રાખે છે. રાજમોહન કહે છે,


"આ બધું પણ મેં મારા પિતા પાસેથી શીખ્યું છે. ખુશીનો અવસર મોટો હોય કે સંકટનો સમય, પણ તેઓ હંમેશા એક જેવા જ દેખાય અને એક જેવા જ રહે. સમય અને પરિસ્થિતિઓ સાથે તેમનો વ્યવહાર નથી બદલાતો. તેઓ પોતાને સંતુલિત રાખે છે. તેઓ હંમેશા સીધું-સાદું જીવન જીવ્યા છે. સાદગી સાથે રહ્યાં છે."

પિતાએ આપેલા સંસ્કારોના કારણે જ રાજમોહને પોતાના જીવનમાં અનુશાસને ઘણું મહત્તવ આપ્યું છે. હંમેશા પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી અને કામ કરતા ગયા. એક રીતે તો રાજમોહન માટે તેમના પિતાનો ઉદ્યોગ જ શીખ મેળવવાની સૌથી મોટી સ્કૂલ હતી. પિતા જ રાજમોહન માટે સૌથી મોટી પ્રેરણા હતાં. એક વખત તેઓ રસ્તા પર આવી ગયા હતાં અને તેમાંથી બહાર નીકળીને સફળતા અને પ્રસિદ્ધિ હોવા છતાં પણ રાજમોહને તેમના પિતા પાસેથી શીખેલા પાઠ નથી ભૂલ્યા અને જીવન જીવવા માટે આદર્શ મૂલ્ય બનાવીને રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે 1947માં રાજમોહન પિલ્લઇના પિતાએ બીટા ગ્રુપની સ્થાપના કરી હતી, જેણે ફૂડ પ્રોડક્ટ્સથી પોતાની શરૂઆત કરી અને લોજિસ્ટિકસ, ફિલ્મ અને રીફાઈનરીના ઉદ્યોગમાં સફળતાની ઘણી વાર્તાઓ લખી. આગળ ચાલીને પિલ્લઇ પરિવારે આંતરરાષ્ટ્રીય બજારમાં બહુઆયામી સ્તરની ઘણી કંપનીઓની સ્થાપના કરી. રાજમોહનના પિતા જનાર્દન પિલ્લઇ દુનિયાના સૌથી મોટા કાજુ વેપારીઓમાંના એક હતાં અને મોટા ભાઈ રાજન પિલ્લઇ એશિયાના સૌથી મોટા ફૂડ ઉદ્યોગસાહસિક હતાં. પિતા અને ભાઈએ ખૂબ કારોબાર ફેલાવ્યો હતો. પિતા પર દેવું વધી જતાં અને ભાઈની મોતે પરિવારના કારોબારી સામ્રાજ્યને છિન્ન-ભિન્ન કરી નાખ્યું હતું. પરંતુ રાજ્મોહને ફરી એક વાર એ સામ્રાજ્ય ઉભું કર્યું. 

image


રાજમોહને પોતાના ભાઈ રાજન પિલ્લઇની યાદમાં 9 કંપનીઓની સ્થાપના કરી. વર્તમાનમાં આ કંપની બદામ, ખજૂર, અખરોટ અને પીસ્તા સહિત સૂકા ફળોના વેપારમાં અગ્રણી છે. રાજમોહન પિલ્લઇએ પોતાના પિતા કે.જનાર્દન પિલ્લઇની યાદમાં કેજેપી રીસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન કાજુ અને બાગબાની ક્ષેત્રમાં રીસર્ચ અને શોધ કરે છે. પોતાના ભાઈની યાદમાં રાજન પિલ્લઈ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે. આ સંસ્થા સમાજ-કલ્યાણ અને માનવ-સેવાના આશયથી ખેલ, સમાજ વિજ્ઞાન, ઔષધિ જેવા અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સંબંધ, સામાજિક કલ્યાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં મહત્તવપૂર્ણ સેવાઓ પ્રદાન કરતી સંસ્થાને સન્માનિત અને પ્રોત્સાહિત કરે છે.  

રાજ્મોહને પોતાના મોટા ભાઈની શંકાસ્પદ મોત પર 'અ વેસ્ટેડ ડેથ' નામનું એક પુસ્તક પણ લખ્યું છે. તેમના પિતાના જીવનમૂલ્યો પર પણ તેમણે એક પુસ્તક લખ્યું છે અને તેનું નામ રાખ્યું 'કે.જનાર્દન પિલ્લૈ જીવીતમ દૈવતિંતે નડેકોમ.'  

image


રાજમોહન પિલ્લઇએ વ્યાપાર પ્રબંધનમાં શોધનો અનોખો રેકોર્ડ પ્રસ્તુત કર્યો. તેમણે 'ધ વર્લ્ડ કૈશિવ ઈન્ડસ્ટ્રી - એન ઇન્ડિયન પર્સપેક્ટિવ નામથી પોતાની શોધ-પ્રબંધ દુનિયાની સામે લાવ્યા. કાજુના વ્યાપારમાં કરવામાં આવેલી શોધ, અનુસંધાન અને વિકાસના કાર્યોની સરાહના કરતા ન્યૂ એજ ઇન્ટરનેશનલ યુનિવર્સીટીએ તેમણે ડૉક્ટરેટની પદવી પણ આપી છે.  

રાજમોહનના જીવનમાં ટેનિસનું પણ ખાસ્સું મહત્તવ છે. નાનપણથી જ તેમને ટેનિસથી લગાવ રહ્યો છે અને આ પ્રેમ કોઈનાથી છૂપાયેલો નથી. રાજમોહન પિલ્લઇ એક સારા વેપારી, પ્રબંધક અને પડકારોને સ્વીકારીને તેનો મુકાબલો કરતા ઉદ્યમીની સાથે ટેનિસના સારા ખેલાડી પણ છે. ભારતમાં ટેનિસને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રકારના કાર્યક્રમ અને સ્પર્ધાઓ પણ તેઓ આયોજિત કરતા રહે છે.

તિરુવનંતપુરમમાં તેમના ઘર પર થયેલી એક ખાસ વાતચીતમાં રાજમોહન પિલ્લઇએ પોતાની સફળતાના રહસ્ય પરથી પડદો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે દરરોજ તેઓ ત્રણ વાગ્યે ઉઠી જય છે અને એકાંતમાં મળતાં બે કલાકમાં જ તેઓ પોતાનું મોટા ભાગનું કારોબારી કામ પતાવી લે છે. કર્મ-સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવતા રાજમોહન પિલ્લઇ કહે છે,

"જીવન ત્યારે જ સુંદર બનશે જ્યારે વ્યક્તિ પ્રયત્ન કરશે. દરેક વ્યક્તિએ પોતાના વર્તમાનમાં જ જીવવું જોઈએ. જે સમયની માગ છે, હાથમાં જે કામ છે તેના પૂરા કરવાની કોશિશ કરતા રહેવી જોઈએ. મિરેકલ એક દિવસમાં ક્યારેય નથી થતાં. કામ કરતા રહેવાથી એક નિર્ધારિત સમય પર મિરેકલ આપમેળે જ થઇ જાય છે."  

બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા રાજમોહન એક સવાલના જવાબમાં જણાવે છે,

"જો કોઈ વ્યક્તિના સપનાઓ મોટા છે તો તેણે આ સપના પૂરા કરવા માટે મોટું મેદાન પસંદ કરવું પડશે. મોટા ગોલ્સ રાખી નાના મેદાનમાં રમવું એ ખોટું સાબિત થશે. જો તમે કોઈ ક્લબની ચૂંટણી લડો છો તો એ પ્રમાણેની તાકાત, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી તો એ પ્રમાણેની તાકાત લગાવવી પડશે અને તો જ તમે જીત મેળવી શકશો. જો તમે ખરેખર મોટા પાયે લોકોની મદદ કરવા ઈચ્છો છો તો તમારે મોટો દાવ રમવો પડશે. ઈરાદા મોટા હોય તો કામ પણ મોટા હોવા જોઈએ. નાના કામોથી મોટા લક્ષ્યો પ્રાપ્ત નથી થતાં." 

રાજમોહન પિલ્લઇએ એમ પણ કહ્યું, 

"જોખમો દરેક જગ્યાએ છે. મારી નજરે તો નોકરી કરવી એ પણ એટલી જ જોખમી છે જેટલું ધંધો કરવો. મેં જાતે જોયું છે કે IAS, IPS જેવી મોટી સરકારી નોકરીઓમાં પણ જોખમ છે. મારા બે IAS મિત્રો જે ઘણાં જ ઈમાનદાર અને મહેનતુ હતાં તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને તેમના વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો. એ કહેવું ખોટું છે કે માત્ર કારોબાર કરવામાં અને ઉદ્યમી બનવામાં જ જોખમ છે. સમસ્યાઓ તો દરેક જગ્યાએ હોય છે. પડકારો પણ દરેક જગ્યાએ હોય છે, તે વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે નોકરીના પડકારોને પસંદ કરે છે કે ધંધાના." 
image


આ સફળ ઉદ્યોગપતિની સલાહ છે કે દિલના જે અરમાન છે તેને પૂરા કરવા માટે પ્રયત્નો થવા જોઈએ. પ્રયત્નોમાં જ જિંદગીની અસલી સુંદરતા અને સફળતા છૂપાયેલી છે. 

લેખક- ડૉ.અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર, યોરસ્ટોરી ઇન્ડિયન લેન્ગેવેજીસ

વધુ હકારાત્મક સ્ટોરીઝ અને સંઘર્ષગાથા વિશે જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

કેનવાસમાં રંગો ભરવામાં અને મોબાઈલ ગેમ્સમાં રંગોથી રમવામાં મહારત હાંસલ કરતા ચિત્રકાર ડિમ્પલ મૈસુરિયા

વ્હીલચેરની નિરાશાથી રેમ્પ વૉકની ખુશી સુધી, આ છે રૂચિકા શર્માની સફળતાનું સૌથી રસપ્રદ પાસું

કરોડોની નોકરી છોડી, અનેક નિષ્ફળતાઓનો સામનો કરી એક સફળ ઉદ્યોગસાહસિક બનેલા રાજુ ભૂપતિ