કુંભારોના ઘરોનો ચૂલો સળગતો રાખવાનો અનોખો પ્રયાસ એટલે 'માટી'

કુંભારોના ઘરોનો ચૂલો સળગતો રાખવાનો અનોખો પ્રયાસ એટલે 'માટી'

Tuesday December 15, 2015,

7 min Read

બેંગલુરુમાં ખૂબ જ ઓછા વિસ્તારો એવા બચ્યા છે કે જ્યાં વિશાળ વૃક્ષો આવેલાં હોય, આખીયે ગલીઓ ઝાડપાનથી ઢંકાયેલી હોય, અને એક મોટા પ્લોટમાં મકાન હોય કે જેનાં આંગણાંમાં વૃક્ષો વાવેલાં હોય અને તે તમારું સ્વાગત કરતાં હોય. કદાચ તમને ત્યાં દક્ષિણ ભારતીય ઢબની પરંપરાગત ફિલ્ટર કૉફી પણ પીવા માટે મળી જાય. બેંગલુરુના જયાનગર ફર્સ્ટ બ્લોકના અશોક પિલ્લર (જોકે, હવે શહેરના પ્રતિક સમો આ વિસ્તાર બસોના રૂટ, શોપિંગ કોમ્પ્લેક્સ, કલ્યાણ, કૉફીશોપની ફ્રેન્ચાઇઝી વગેરેથી ઢંકાઈ ગયો છે.)

image


તેની નજીકમાં જ આવેલા લાલબાગ ગાર્ડનના સાઉથ ગેટ પાસે એકદમ શાંત વિસ્તાર આવેલો છે. શશી બાગચીનું ત્રિકોણીયો બગીચો ધરાવતું બે માળનું ઘર અહીં આવેલું છે. તેના આંગણામાં આંબો, નાળિયેરી અને અન્ય કેટલાંક ફૂલોનાં ઝાડ તેમજ છોડ ઉગાડેલાં છે.

શશીને બાગબગીચા પ્રત્યેનો પ્રેમ પિતા તરફથી વારસામાં મળ્યો હતો. તે ઉત્સાહપૂર્વક તેનાં બગીચાની સંભાળ લે છે, તેની પાછળ સતત કામ કરતી રહે છે અને તેને પાણી આપ્યા કરે છે. અહીં મોટાભાગના છોડ ટેરાકોટાના વિવિધ આકાર ધરાવતાં કૂંડાંમાં ઉગાડવામાં આવ્યાં છે. આ તમામ કૂંડાંઓ 'માટી-અ ટેરાકોટા સ્ટોર' નામની સંસ્થા કે જે શશી દ્વારા બનાવવામાં આવેલી છે અને હવે પ્રખ્યાત બ્રાન્ડ બની ગઈ છે.

શશી જણાવે છે,

"જ્યારે મારે બગીચો બનાવવો હતો ત્યારે હું ટેરાકોટાનાં કૂંડાં લેવાં બજારમાં ગઈ હતી. પણ હું ખૂબ જ નિરાશ થઇ. કારણ કે બજારમાં બધે જ સિમેન્ટ અને પ્લાસ્ટિકનાં કૂંડાં મળતાં હતાં. આ કૂંડાંઓ છોડ માટે સારાં નથી કારણ કે તેમાં રહેલી છિદ્રોળુતાના અભાવે છોડને યોગ્ય માત્રામાં પોષણ નથી મળતું. રસ્તા ઉપર કેટલાક લોકો ટેરાકોટાનાં કૂંડાં વેચતાં હતાં પરંતુ તે દેખાવમાં જરાય સારાં નહોતાં અને તેની ગુણવત્તા ખૂબ જ ખરાબ હતી. તેથી મેં જાતે જ કૂંડાં બનાવવાનું નક્કી કર્યું તેના માટે મેં માટીકામ અંગેના ક્લાસમાં ખાસ તાલિમ લીધી. ત્યારબાદ મેં એવાં કુંભારોની શોધ કરી કે જેઓ મારી ડિઝાઇન તેમજ જરૂરીયાત અનુસારના કૂંડાં બનાવી આપે."

બેંગલુરુના કુંભારો

બેંગલુરુમાં ટેરાકોટાનો ભવ્ય ઇતિહાસ રહેલો છે. આ દખ્ખણની ભૂમિ ઉપર આવેલી લાલ માટી ટેરાકોટાની બનાવટો માટે એકદમ અનુકૂળ છે. બેંગલુરુમાં એક જમાનામાં 'પોટરી ટાઉન' નામનો વિસ્તાર હતો પરંતુ શહેરની બદલાતા જતાં ભૂગોળને કારણે તે હવે બદલાઈને પોટરી રોડ થઈ ગયો છે. ત્યાં જઈને શશીએ કેટલાક કુંભારો સાથે વાતચીત કરી તો તેને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે અનુભવ્યું કે કદાચ તે કુંભારકામ જાણનારા લોકોની છેલ્લી પેઢી સાથે વાત કરી રહી છે. (કારણ કે મોટાભાગના લોકો હવે પ્લાસ્ટિક, કોંક્રિટ અને શીટ મેટલનો વેપાર કરવા લાગ્યા હતા) મૂળ કુંભારના કુટુંબોમાંથી ખૂબ જ ઓછા લોકો પોતાના વ્યવસાયને વળગી રહ્યા હતા અને પોતાની કલાને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા કે જેથી કરીને તેમનું ઘર ચાલે. તેમાંના મોટાભાગના લોકો શિક્ષિત નહોતા અને તેઓ માટીકામની પ્રાથમિક જાણકારી જ ધરાવતા હતા. તેમની પાસે માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાને કારણે વેપારમાં તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને તેઓ જે વસ્તુ બનાવતા હતા તેની યોગ્ય અને પોષણક્ષમ કિંમત તેમને મળતી નહોતી. વધુમાં બજારમાં જેની માગ સતત વધારે રહેતી હતી તે વસ્તુઓ ઝડપથી વધારે માત્રામાં બનાવી શકે તેવી તેમની કુશળતા નહોતી. આવી પરિસ્થિતિમાં કુંભારો ઇચ્છતા નહોતા કે તેમનાં બાળકો પણ નુકસાન અને ગરીબીનો પર્યાય બની ગયેલી આ કળા શીખે. શશી તેમની આ સ્થિતિ અને નિર્ણયને કારણે જ ભયભીત થઈ ગઈ અને ટેરાકોટાની કળાને મૃતપ્રાય થવાનો પણ તેને ડર લાગ્યો.

ટેરાકોટાનો ઇતિહાસ

ટેરાકોટાનો ઇતિહાસ આપણે ઇસવિસન પૂર્વે સાતમી સદીમાં ગ્રીકમાં જોવા મળે છે કે તેઓ તેમનાં દેવી-દેવતાઓની મૂર્તિ ટેરાકોટામાંથી બનાવતાં હતાં અને તેમની સ્ત્રીઓ માટેનાં ઘરેણાં અને આકર્ષક વસ્તુઓ ટેરાકોટામાંથી બનતી હતી. વેપારમાં અધિકૃતતા તરીકે તેઓ ટેરાકોટાના સિક્કા અને નાની ગોળીઓ બનાવતાં હતાં.

image


સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ ટેરાકોટાનાં પૂતળાં, વાસણો, વિશ્વપ્રતિસ્ધ ગટર વ્યવસ્થા, વેપાર માટેનાં પ્રતીકો વગેરે જોવા મળે છે.

આમ ટેરાકોટાનો એક ભવ્ય ભૂતકાળ તેમજ ઇતિહાસ છે અને આ એક દુઃખદ બાબત છે કે હાલમાં આ કલા મરવાનાં વાંકે જીવી રહી છે.

સામાજિક ઉત્થાન માટેનું કામ

શશી પોતે પણ ચિત્રકાર અને કલાકાર હોવાને કારણે તેણે નાના પાયે આ સ્થિતિ સામે લડવાનું નક્કી કર્યું. કુંભારોની આ સ્થિતિએ તેને પ્રેરણા આપી અને તેણે ઉપાય શોધી કાઢ્યો. થોડા સમયમાં તેણે પોતાનાં આંગણાંમાં જ 'માટી' નામનો એક સ્ટોર શરૂ કર્યો. તે અહીં માટીની વસ્તુઓ બનાવીને વેચી રહી છે. પોતાને જેવી વસ્તુ જોઇએ છે તેવી જ કોઈ કુંભાર બનાવી આપે તેના માટેની શોધખોળ અને સંશોધનમાં બે વર્ષ લાગ્યાં. હાલમાં તેની પાસે ત્રણ કુંભારોની ટીમ છે અને જરૂર પડ્યે તો વધુ થોડા કુંભારો આવી જાય છે. તેમને સંપૂર્ણ તાલિમ આપવામાં આવી છે અને તેઓ તેના કામમાં તેની મદદ કરી રહ્યા છે. તે કહે છે કે હું કુંભારોને સારાં એવાં નાણાં આપવાની ખાતરી આપું છું એટલું જ નહીં તેને એડવાન્સમાં રકમ આપું છું. જેથી કરીને તેમનાં વેચાણનું ચક્ર અટકે નહીં. માટીએ પોતાનો વેપાર શરૂ કર્યે આઠ વર્ષ થઈ ગયાં છે અને હવે તે ટેરાકોટામાં દક્ષિણની અગ્રગણ્ય બ્રાન્ડ બની ગઈ છે.

ઉત્પાદનો

લોકોની માન્યતા કરતાં વિપરીત ટેરાકોટાનાં ઉત્પાદનો ટકાઉ હોય છે. જોકે તેનો આધાર તેમાં કયા પ્રકારની માટી વાપરવામાં આવી છે તેના ઉપર રહે છે. માટીને ખૂબ જ ઊંચા તાપમાનમાં પકવવામાં આવે છે. શશીની ખાસ ડિઝાઇન તેમજ કુંભારોની કલાકારીગરીને કારણે માટી શહેરની અગ્રગણ્ય બ્રાન્ડ બની ગઈ છે.

'માટી' હાલમાં ઘર અને બગીચાના સજાવટની વસ્તુઓ બનાવે છે જેમાં વિવિધ પ્રકારના કૂંડાં, લેમ્પશેડ્ઝ, પક્ષીઓનાં નહાવા માટેનાં કૂંડાં, પક્ષીઓનાં દાણા માટેનાં કૂંડાં, ઉપરાંત ઘરે આવીને દિવાલ ઉપર માટીકામ પણ કરી આપે છે.

ટેરાકોટાની ઘરસજાવટની વસ્તુના કારણે રૂમ, બાલ્કની કે બગીચો દીપી ઉઠે છે. પ્રાણીઓના આકારના ટેક્ચર્ડ બાસ્કેટ્સ, કપરકાબી વગેરેના કારણે ઘરની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. તેમજ તમારા ચહેરા ઉપર સ્મિત આવે છે. તેમ શશીએ જણાવ્યું હતું.

બજાર અને સ્પર્ધા

બેંગલુરુના સમગ્ર બજારમાં નીચી ગુણવત્તા ધરાવતી અને પ્લાસ્ટિક, પથ્થર, મેટલ શિટ તેમજ હલકી ગુણવત્તાના ટેરાકોટામાંથી બનાવેલી વસ્તુ મળે છે. માટીની કોઈ જ સ્પર્ધા નથી કારણ કે તે ડિઝાઇન અને ફિનિશિંગની રીતે સારી ગુણવત્તાની વસ્તુઓ વેચે છે. તેના કારણે માટી બજારમાં અગ્રગણ્ય છે. તેને કોઇમ્બતૂર અને ચેન્નાઈમાંથી પણ ઓર્ડર મળે છે.

image


હાલમાં 'માટી' વાર્ષિક ધોરણે 10 હજાર કરતાં વધારે કૂંડાંનું વેચાણ કરે છે. બજાર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને બજારમાં સારી ગુણવત્તાની ટેરાકોટાની વસ્તુઓની માગ વધી રહી છે. શશીના પતિ અનિન કે જે હાલમાં આ વ્યવસાય સંભાળી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે અમે બેંગલુરુમાં અન્ય સ્ટોર ખોલવા માગીએ છીએ ખાસ કરીને વ્હાઇટલેન્ડ ખાતે પરંતુ ક્યારે તે કહી શકાય નહીં. આ ઉપરાંત અમે ટિઅર 1 શહેરો જેવાં કે પૂણે, કોઈમ્બતૂર અને મૈસુરમાં પણ સ્ટોર શરૂ કરવા માગીએ છીએ પરંતુ તેના માટે અમારે થોડો સમય જોઇએ છીએ. ઉત્પાદન વધારવું તે અમારા માટે સૌથી મોટો પડકાર છે. આ ક્ષેત્રે કુશળ કારીગરોનો અભાવ છે અને પરિવહન ખર્ચ પણ વધારે છે. આના માટે અમારે અનેક કુંભારોને તાલિમ આપવી પડે તેમ છે પરંતુ તેમ છતાં પણ અમે કંઇક વિસ્તરણ કરવા માગીએ છીએ. ઓનલાઇન વેચાણ અંગે તેમણે જણાવ્યું હતું કે ટેરાકોટાની વસ્તુઓ તૂટી શકે છે અને તેનું વજન પણ વધારે હોવાને કારણે તે શક્ય નથી, જોકે અમે કેટલીક એવી વસ્તુઓ ડિઝાઇન કરી રહ્યા છીએ કે જે વજનમાં હળવી હોય અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય. પરંતુ તમામ વસ્તુઓ આ રીતે બનાવવી શક્ય નથી. અત્યારના જમાનામાં હાયપર લોકલ ડિલિવરી મિકેનિઝમ અમને લાભકારક સાબિત થઈ શકે તેમ છે અને અમે તેના માટેના પ્રયાસો કરી રહ્યા છીએ.

ગ્રાહકો

શશી કહે છે,

"એક વખત જે 'માટી'માંથી વસ્તુ ખરીદે છે તે ફરીથી જરૂર અમારે ત્યાં આવે છે."

શશી અને અનિન બંને જયાનગર પોતાનાં ઘરે આવેલાં સ્ટોર ખાતે રવિવારે પણ ગ્રાહકો સાથેની વાતચીતમાં વ્યસ્ત રહે છે. અનિન કહે છે કે અમારે ત્યાં આખાં શહેરમાંથી લોકો આવે છે કેટલાક વ્હાઇટલેન્ડમાંથી પણ આવે છે. શશી અને 'માટી' વિશે અનેક લાઇફસ્ટાઇલ મેગેઝિન, છાપાંઓ અને સ્થાનિક ટીવી ચેનલમાં સમાચારો આવી ચૂક્યાં છે. તેના કારણે પણ તેની લોકપ્રિયતા વધી છે તદુપરાંત સન્ડે સોલમેટ, હન્ડ્રેડ હેન્ડ્ઝ અને અન્ય પ્રદર્શનોમાં ભાગ લેવાને કારણે પણ માટી વિખ્યાત બની છે અને હા, અમે ફેસબુક ઉપર પણ છીએ.

માટીના કેટલાક મોટા ગ્રાહકો છે જેમ કે આરતી કિર્લોસ્કર (પોતાનાં પૂણે ખાતેનાં મકાન માટે), બેંગલોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર (બીઆઈઈસી), ઓબેરોય હોટલ્સ, મૂવનપિક હોટલ એન્ડ સ્પા, અંગસાના સ્પા, શ્રી ક્રિશ્ના હોસ્પિટલ, રિટ્ઝ કાર્લટન, પાર્ક હોટલ, વિન્ડસર મેનર શેરેટોન તેમાંના કેટલાક છે.

ભવિષ્ય

ભવિષ્ય ઉજ્જ્વળ છે અને ટેરાકોટામાંથી વસ્તુઓ બનાવવાનો જમાનો પાછો ફરશે. માટીનું નામ હવે મોટું થતું જાય છે. શશીને આનંદ છે કે કુંભારોને મદદ કરવાની તેના ભાવના સાર્થક થઈ છે. જોકે, હજી આ ક્ષેત્રે ઘણું ખેડાણ કરવાનું બાકી છે.


લેખક – સૌમિત્ર .કે. ચેટરજી

અનુવાદ – YS ટીમ ગુજરાતી