કેટલીયે મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની અમદાવાદની 'છાયા' હેઠળ

કેટલીયે મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની અમદાવાદની 'છાયા' હેઠળ

Monday November 16, 2015,

6 min Read

એક એવી મહિલાના જીવનની સફર કે જે પોતાના માટે નહીં પણ અન્ય મહિલાઓને પગભર બનાવવા જીવી રહી છે. કોઈ પણ કઠીન પરિસ્થિતિનો મક્કમપણે સામનો કરવાની હિંમત આપે છે છાયા સોનવણે!

A woman is the full circle. Within her is the power to create, nurture and transform.” – Diane Mariechild

છાયા સોનવણે એક સક્ષમ સ્ત્રી છે. તેઓ જણાવે છે, "હું કોઈ પણ સ્ત્રીને કે યુવતીને દિવસનાં 500 રૂપિયા કમાતા શીખવી શકું છું, જેથી તે કોઈના પર પણ નિર્ભર રહ્યાં વગર પોતાના પગ પર ઊભી રહી શકે."

છાયા સાથેની સમગ્ર વાતચીતમાં આ હાઈલાઈટ હતી, જેમણે પોતાના ઉચ્ચ અભ્યાસની ઉણપને, પોતાને તથા અન્ય મહિલાઓને સશક્ત કરવાનાં માર્ગમાં ક્યારેય નથી આવવા દીધી. એક ઘરેલું સ્ત્રીમાંથી ઉદ્યોગસાહસિકતામાં ઝંપલાવનાર છાયા પોતાના બાળકોને એ તમામ સુવિધા આપવા માંગતાં હતાં જે તેમને નહોતી મળી શકી- ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષણ તથા મોંઘી એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ. આજે તેમના બન્ને પુત્રો સોફટવેર એન્જિનિયર્સ છે અને આઈ.ટી કંપનીઓમાં કામ કરે છે.

છાયા જણાવે છે, "મેં અત્યંત ગરીબી જોઈ છે, તેથી હું નહોતી ઈચ્છતી કે મારા બાળકોને પણ એવી જ જીંદગી મળે. આ જ વાતે મને હિંમત આપી. આજે, મારા બાળકોને સફળ જોઈને હું ઘણો ગર્વ અનુભવું છું. મારા પુત્રો સારું કમાય છે અને હવે અમારે આર્થિક બાબતની કોઈ ચિંતા નથી, છતાંય આજે પણ હું જ્યારે પાછળ વળીને જોઉ છું, તો મારી આંખો ભરાઈ આવે છે."

એક સાધારણ બાળપણ

તેઓ મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લાનાં ધરનગાવ નામનાં એક નાનકડા ગામમાં, ખૂબ જ ગરીબ પરિવારમાં ઊછર્યા. સાત ભાઈ-બહેનોની વચ્ચે મોટા થવું અને તેમાંય તેમના પિતા જ એકમાત્ર કમાતા હોવાથી, છાયાનું બાળપણ રમકડાં વગર જ વીતી ગયું. આપણી માટે જે મૂળભૂત સુખ-સુવિધાઓ સામાન્ય બાબત હોય છે, તેવી સુખ-સુવિધા તેમના માટે તો જાણે સપનાં સમાન હતી. પરિવારમાં જે સીમિત સાધન-સંપત્તિ હતી તેનાથી છાયા 10માં ધોરણ સુધીનો અભ્યાસ કરી શક્યાં. ઉચ્ચ અભ્યાસ તો એક છેટું સપનું હતું.

image


છાયાનાં લગ્ન ગુજરાતનાં એક ટેક્સટાઈલ મિલનાં વર્કર સાથે થયાં. તેઓ પતિ સાથે અમદાવાદ આવી ગયાં. 80નાં દાયકામાં તેમના પતિનું કાર્ય પ્રતિષ્ઠિત માનવામાં આવતું હતું. પણ ધીમે-ધીમે મિલો બંધ થવા લાગી અને છાયાનાં પતિ બેરોજગાર થઈ ગયાં. કહેવાય છે ને કે ભૂખ માણસ પાસે ગમે તે કરાવી શકે છે અને એટલે જ પરિવારનું ભરણપોષણ કરવા તેમના પતિએ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું.

આર્થિક સ્વતંત્રતા તરફ

છાયા તેમના પતિની બદલાતી આર્થિક સ્થિતિનાં મૂક દર્શક હતાં, પણ તેઓ ક્યારેય તેમની જવાબદારી નહોતા ભૂલ્યાં. આ વાતે તેમના મન પર ઊંડી અસર કરી હતી અને તેમને પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા માટે કંઈક કરવાની પ્રેરણા આપી હતી. તેમણે સીવણ શીખવાનો અને ત્યારબાદ, બીજાઓને પણ પોતાના પરિવારને નબળી આર્થિક પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સીવણ શીખવાડવાનો નિર્ણય લીધો. છાયા માટે આ નિર્ણય લેવો સરળ બાબત નહોતી, કારણ કે તેમના સાસરીયાંઓ તેમના આ વિચાર સાથે સહમત નહોતાં. પણ તેમના પતિની મદદથી તેઓ આ નિર્ણયને પાર પાડી શક્યા.

જ્યારે છાયાએ પોતાનો આ વિચાર પરિવાર સામે મૂક્યો હતો ત્યારે તેમના સાસુનાં શબ્દો કંઇક આવા હતાં: "એ શું કરી લેશે?" છાયાનાં કાનમાં આ શબ્દો ક્યાંય સુધી ગૂંજતા રહ્યાં અને તેથી જ તેઓ બધાને બતાવી દેવા માગતાં હતાં કે તેઓ શું કરી શકે છે.

તેમને સ્ત્રીઓનાં કપડાં સીવવાનું શીખવામાં 3 મહિના જેટલો સમય લાગ્યો. થોડાં જ સમયમાં તેમણે સીવણના ઘરે બેઠા ઑર્ડર્સ લેવાનું શરૂ કરી દીધું તથા 'વર્ડ-ઑફ-માઉથ’ દ્વારા તેઓ પોતાનાં ક્લાઈન્ટ્સનું મોટું નેટવર્ક બનાવવામાં સફળ રહ્યાં, જેથી તેમને ઘણાં વધુ પ્રમાણમાં ઑર્ડર્સ મળવા લાગ્યાં.

નવાં મેળવેલા આર્થિક મોભાનાં આ આત્મવિશ્વાસનાં કારણે, છાયાએ તેમનો વ્યવસાય વધારવાનો નિર્ણય લીધો અને ગરીબ ઘરની યુવતીઓ તથા સ્ત્રીઓ માટે સીવણ ક્લાસિસની શરૂઆત કરી, જેથી તેઓ પણ સીવણકામ દ્વારા પોતપોતાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી શકે અને આર્થિક રીતે સ્વતંત્ર રહી શકે. જલ્દી જ, છાયાનાં વેન્ચર ‘દેવશ્રી’ નું કામ જામવા લાગ્યું અને ઘણી સ્ત્રીઓ તેમના ક્લાસિસમાં જોડાવા લાગી.

જ્યારે છાયા સ્ત્રીઓને આર્થિક રીતે સ્વતંત્ર રહેવાનું શીખવી રહ્યાં હતાં, તેવામાં તેમના બીજા બાળકનો જન્મ થયો. તેઓ બાળપણમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ નહોતા કરી શક્યાં, તેથી તેમણે પોતાના બન્ને પુત્રોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું નક્કી કર્યું. તેમના પરિવારની આર્થિક પરિસ્થિત જોતાં, છાયાનો આ નિર્ણય ઘણો સાહસિક હતો, પણ છાયા તેમના નિર્ણય પર મક્કમ રહ્યાં.

છાયાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમને કોના પાસેથી પ્રેરણા મળી, તો તેઓ તરત જ જવાબ આપે છે કે, “મારી માતા મારી પ્રેરણાનો મોટો સ્ત્રોત રહ્યાં છે. તેમની પાસે મોટો પરિવાર હોવા છતાં, તેઓ તેમની પાસે હાજર હોય તેવી સીમિત વસ્તુઓ દ્વારા જ હંમેશા સૌને ખુશ રાખવાનો પ્રયાસ કરતાં હતાં."

જાતે જ પરિવર્તન લાવવું

છાયા જણાવે છે, “તેમણે આજથી 25 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી અને ત્યારથી આજ સુધી એક પણ મહિનો એવો નથી ગયો જ્યારે તેમના ક્લાસમાં વિદ્યાર્થીઓ ન આવ્યાં હોય."

તેમના કહેવા પ્રમાણે ગરીબ પરિવારમાંથી આવતી 3,000 થી પણ વધુ સ્ત્રીઓને તેમણે શિક્ષણ આપ્યું છે. આ સ્ત્રીઓ હાલમાં પોતાના સીવણ ક્લાસિસ ચલાવીને પોતાના પરિવારની આર્થિક રીતે મદદ કરે છે. આ વાત છાયાને અત્યંત પ્રસન્નતા આપે છે અને તેઓ ઘણો ગર્વ પણ અનુભવે છે.

તેઓ સ્મિત સાથે કહે છે, “જે સ્ત્રીઓને મેં શિક્ષણ આપ્યું હતું , તેઓ હવે તેમની પુત્રીઓને પણ મારી પાસે સીવણકામ શીખવા મોકલે છે."

image


મહાત્મા ગાંધીજીએ કહ્યું છે ને, “તમે દુનિયામાં જે બદલાવ જોવા માંગતા હોવ, તે બદલાવ સૌ પ્રથમ પોતાની અંદર લાવો." છાયાએ પણ આવું જ કંઈક કર્યું છે. તેમનો પુત્ર જય, તેમની માતા વિશે પોતાના બાળપણનો એક કિસ્સો યાદ કરતાં કહે છે, "એક વાર એક પિતા પોતાની પોલિયોગ્રસ્ત પુત્રીને સીવણ શીખવાડવા માટે, મારી માતા પાસે લઈને આવ્યાં. ઘણાં લોકોએ તે યુવતીનાં પગની નબળી તાકાતનાં લીધે ના પાડી દીધી હતી કારણ કે, તેના માટે સીવણકામ મુશ્કેલ થઈ પડત."

પણ છાયાએ પરિવર્તન લાવવાનું નક્કી કર્યું અને તેમણે તે યુવતીનું ક્લાસમાં નામ દાખલ તો કર્યું જ પણ તેના માટે એક ઑટૉમૅટિક સીવણ મશીન પણ લઈ આવ્યાં અને તેને સીવણ શીખવાડ્યું. ચાર મહિનાના અંતમાં તે યુવતી સીવી પણ શકતી હતી અને પોતાનું ગુજરાન પણ ચલાવી શકતી હતી.

સ્ત્રી સશક્તિકરણ

સ્ત્રી સશક્તિકરણ છાયાનાં હૃદયમાં વસે છે. તેમનો ઉદ્દેશ્ય છે કેવધુ ને વધુ યુવતીઓને મારી જેમ બનવા માટે ટ્રેઈનિંગ આપવી, જેથી તેઓ પોતે પણ કમાઈ શકે અને પોતાના પરિવારને આર્થિક મદદ કરી શકવા સક્ષમ બને, ખાસ કરીને એવી સ્ત્રીઓ જે પોતાના બાળકોને ઉત્તમ જીવન આપવાની ઈચ્છા ધરાવે છે."

તેમના ઘરમાં, વિદ્યાર્થીઓને સીવણકામ શીખવાડવા માટે તેમણે એક મોટો હૉલ બનાવ્યો છે, જેમાં સતત કાર્ય ચાલતું જ રહે છે. હવે એક દાદીનાં રૂપમાં તેઓ ખુશ છે કે, તેમણે પોતાની સાસુને એ સાબિત કરી બતાવ્યું કે જ્યારે તમારા મનમાં કંઈક કરી છૂટવાની ધગશ હોય તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી.

છાયા સાથેની વાતચીતનાં અંતમાં, મારા મનમાં ઍમ રૅન્ડની કહેવત યાદ આવી કે, “સવાલ એ નથી કે કોણ મને જવા દેશે; પણ એ છે કે કોણ મને રોકી શકશે." છાયાની વાર્તા પણ આવી જ કંઈક છે.

લેખક - તન્વી દુબે

અનુવાદક- નિશિતા ચૌધરી