કર્ણાટકના ઉદ્યોગજગતમાં સફળતાના શિખરો કરતી મહિલા ઉદ્યોગસાહસિકો

કર્ણાટકના ઉદ્યોગજગતમાં સફળતાના શિખરો કરતી મહિલા ઉદ્યોગસાહસિકો

Sunday January 31, 2016,

4 min Read

કર્ણાટક વિવિધ પરંપરાગત ઉદ્યોગોની ભૂમિ છે, પછી તે સિલ્ક ઉત્પાદનનું ક્ષેત્ર હોય કે ચન્નાપાટનાના રમકડાં હોય. આ રાજ્યના સમૃદ્ધિ ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસાનું દર્શન હમ્પી અને મૈસૂર, ચિત્રગુદર્ગા અને ધારવાડમાં થાય છે. વળી 20મી સદીના અંતિમ દાયકા અને 21મી સદીની શરૂઆતમાં કર્ણાટક દેશમાં આઇટી ક્રાંતિની રાજધાની બની ગયું છે. અહીં દેશવિદેશની ટોચની આઇટી કંપનીઓના હેડક્વાર્ટર્સ છે. છેલ્લાં થોડા દાયકામાં અહીં ઉદ્યોગસાહસિકતાએ પણ કાઠું કાઢ્યું છે અને અનેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળ્યું છે.

અહીંની ઇકો-સિસ્ટમમાં મહિલાઓએ પણ સારું કાઠું કાઢ્યું છે અને ઉદ્યોગસાહસિકતાના નવા શિખરો સર કર્યા છે. હકીકતમાં 1983થી કર્ણાટક AWAKE (એસોસિએશન ઓફ વિમેન આંત્રપ્રિન્યોર્સ ઓફ કર્ણાટક) ધરાવે છે, જેનું સંચાલન કિરણ મઝૂમદાર શૉ અને અન્ય કેટલીક મહિલાઓ કરે છે.

અહીં રાજ્યની કેટલીક મહિલા ઉદ્યોગસાહસિકોની યાદી આપી છે, જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને કંપનીઓ સ્થાપિત કરીને મોટી સફળતા હાંસલ કરી છે.

image


કિરણ મઝૂમદાર શૉ

તેઓ બેંગલુરુ સ્થિત બાયોટેકનોલોજી કંપની બાયોકોન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે ગયા વર્ષે યોરસ્ટોરીને મુલાકાત આપી હતી. તેમાં તેમણે પોતાના ઉદ્યોગસાહસિકતાની સફર વિશે જણાવ્યું હતુઃ

"જ્યારે 1978માં મને લાગ્યું કે હું બ્રૂ માસ્ટર બનવાનું અને બ્રૂઅરી સ્થાપિત કરવાનું સ્વપ્ન સાકાર નહીં કરી શકું, ત્યારે મેં, હું બીજું શું કરી શકું છું તેનો વિચાર કર્યો. ત્યારે અચાનક મને જોગાનુજોગે બાયોટેકનોલોજીનો વ્યવસાય મળ્યો. મને બિઝનેસ શરૂ કરવા વિશે કશી ગતાગમ પડતી નહોતી, કારણ કે મેં ક્યારેય કોઈ બિઝનેસ કર્યો નહોતો. પણ જેમ જેમ શીખતી ગઈ, તેમ તેમ આગળ વધતી ગઈ."

અત્યારે મઝૂમદારની ગણના દેશની ટોચની મહિલા ઉદ્યોગસાહસિકોમાં થાય છે. તેમની કંપની બાયોટેકની નેટવર્થ 1.1 અબજ ડોલર છે. વર્ષ 2015માં ફોર્બ્સ મેગેઝિને તેમને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 85મું સ્થાન આપ્યું હતું.

ડૉ. કામિની.એ.રાવ

તેઓ આસિસ્ટેડ રિપ્રોડક્શનના ક્ષેત્રમાં પથપ્રદર્શક ગણાતી મિલનના સ્થાપક અને મેડિકલ ડિરેક્ટર છે. મિલનની સ્થાપના બેંગલુરુમાં વર્ષ 1989માં થઈ હતી.

ડૉ.રાવે બેંગલુરુમાં સેન્ટ જોહન્સ મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેમણે ફેટલ ઇનવેસિવ થેરપીમાં તાલીમ પણ લીધી છે અને ભારતની પ્રથમ SIFT બેબીના જન્મનો શ્રેય તેમને જાય છે.

મીના ગણેશ

સીરિયલ આંત્રપ્રિન્યોર મીના ગણેશ પોર્ટિઆ મેડિકલના સીઇઓ છે, જે ભારતમાં વાજબી ખર્ચે ગુણવત્તાયુક્ત હોમ હેલ્થકેર પ્રદાન કરે છે. ગયા વર્ષે કંપનીએ એક્સેલ અને વિશ્વ બેંકના ગ્રૂપના સભ્ય ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (આઇએફસી), ક્વોલકોમ વેન્ચર્સ અને વેન્ચરએસ્ટ દ્વારા સંચાલિત સીરિઝ બી રાઉન્ડમાં 37.5 મિલિયન ડોલરનું ભંડોળ ઊભું કર્યું હતું.

મીનાએ તેમના પતિ અને સીરિયલ આંત્રપ્રિન્યોર ક્રિષ્નન ગણેશ સાથે અન્ય ચાર સ્ટાર્ટઅપ્સની સહસ્થાપના કરી છે. મીના ફિઝિક્સમાં ગ્રેજ્યુએટ છે અને આઇઆઇએમ, કલક્તામાંથી એમબીએ કર્યું છે. તેમણે પ્રાઇઝવોટરકૂપર્સ, માઇક્રોસોફ્ટ અને ટિસ્કોમાં કામ કર્યું છે.

શ્રીવિદ્યા શ્રીનિવાસન

તેમણે 24 વર્ષની વયે બેંગલુરુમાં તેમના પ્રથમ સાહસ સોફ્ટવેર કંપની ઇમ્પલ્સસોફ્ટની શરૂઆત કરી હતી. તેઓ આ કંપનીના સહસ્થાપક હતા. કંપનીને વર્ષ 2016માં નાસ્ડેક-લિસ્ટેડ સેમિકન્ડક્ટર કંપની સિર્ફે એક્વાયર કરી હતી. પછી તેઓ વર્ષ 2008માં એમાગી ટેકનોલોજીસ સહસ્થાપક હતા. એમાગી ભરોસાપાત્ર, વધારી શકાય તેવો અને વાજબી ખર્ચે પરંપરાગત સેટેલાઇટ ટીવી પ્રસારણનું માળખું ઊભું કરવા ક્લાઉડ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમણે વિપ્રોના ચેરમેન અઝિમ પ્રેમજીની ફેમિલી ઓફિસ પ્રેમજી ઇન્વેસ્ટમાંથી સીરિઝ સી રાઉન્ડમાંથી રોકાણ મેળવ્યું હતું. તેઓ સતત મેફિલ્મડ ફંડમાંથી રોકાણ મેળવે છે. શ્રીવિદ્યા કહે છે કે,

"જ્યારે તમે તમને સૌથી વધુ રોમાંચ જગાવતું કામ કરો છો, ત્યારે તમને તમારો બોજ નથી લાગતો નથી અને તે જ તમારું જીવન બની જાય છે."

રિચા કર

તેઓ ઓનલાઇન લોન્જરે સ્ટોર ઝિવામેના સ્થાપક અને સીઇઓ છે, જે દર મિનિટે એક બ્રા વેચવાનો દાવો કરે છે. તેની શરૂઆત વર્ષ 2011માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીએ ઝોડિયાસ ટેકનોલોજી અને મલેશિયા સરકારના સ્ટ્રેટિજિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ખઝાના નેશનલ બર્હાડ પાસેથી સીરિઝ સી રાઉન્ડનું રૂ. 250 કરોડનું રોકાણ મેળવવાની જાહેરાત કરી હતી.

રિચાએ બિટ્સ પિલાનીમાં એન્જિનિયરિંગ કર્યા પછી આઇટી ઉદ્યોગમાં થોડો સમય કામ કર્યું હતું. તેઓ ઝિવામે શરૂ કર્યા અગાઉ રિટેઈલર અને ગ્લોબલ ટેકનોલોજી કંપની સાથે પણ કામ કર્યું છે.

કર્ણાટકમાં અન્ય ઘણી મહિલાઓ છે, જેમણે ઉદ્યોગસાહસિકતાનો માર્ગ અપનાવ્યો છે અને વિવિધ જિલ્લાઓમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનું નિર્માણ કર્યું છે. જો તમે આવી કોઈ સ્ટોરી જાણતા હોય તો અમને her.yourstory.com પર લખો.


યોરસ્ટોરીને કર્ણાટક સરકારના ‘ઇન્વેસ્ટ કર્ણાટક’ સાથે જોડાવવાનો ગર્વ છે, જેમાં કર્ણાટકે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં કરેલી પ્રગતિ દર્શાવવામાં આવશે અને સમગ્ર દુનિયામાંથી રોકાણો પણ આકર્ષવામાં આવશે. આ ઇવેન્ટ 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી, 2016 વચ્ચે બેંગલુરુમાં યોજાશે. (અહીં રજિસ્ટર કરો)

ઇન્વેસ્ટ કર્ણાટક, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં તમામ સહભાગીઓને ડિજિટલ યુઝર પ્લેટફોર્મ પ્રદાન કરવાના આશય સાથે કર્ણાટક સરકારે તાજેતરમાં ઇન્વેસ્ટ કર્ણાટક 2016 મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરી છે. તમે તમારી એન્ડ્રોઇડ ડિવાઇઝ પર એપ ડાઉનલોડ કરી શકો છો.


લેખક- તન્વી દુબે

અનુવાદક- કેયૂર કોટક