મહિલાઓને શોષણ અને અત્યાચારથી મુક્તિ અપાવી તેમને આત્મવિશ્વાસુ અને સક્ષમ બનાવે છે સુનીતા કૃષ્ણન

સુનીતા નાનપણથી જ તેજસ્વી અને સ્વાભિમાની. આઠ વર્ષની નાની ઉંમરે જ માનસિક રીતે નબળા બાળકોને શીખવાડ્યો ડાન્સ.. બાર વર્ષની ઉંમરે જ આસપાસ રહેતા બાળકો માટે ખોલ્યું શિક્ષણ કેન્દ્ર.. પંદર વર્ષની ઉંમરે જ દલિતોના ઉત્થાન માટે શરૂ કરી પહેલ.. કિશોરાવસ્થામાં થઇ સામૂહિક બળાત્કારનો શિકાર.. આ ઘટના બાદ યુવતીઓ અને મહિલાઓને શોષણ અને અત્યાચારમાંથી મુક્ત કરવાના આંદોલનની કરી શરૂઆત.. મહિલાઓના સશક્તિકારણ માટે સ્થાપી 'પ્રજ્જવલા' નામની સંસ્થા.. હજારો મહિલાઓની જિંદગી થઇ રોશન 'પ્રજ્જવલા'ના કારણે...

મહિલાઓને શોષણ અને અત્યાચારથી મુક્તિ અપાવી તેમને આત્મવિશ્વાસુ અને સક્ષમ બનાવે છે સુનીતા કૃષ્ણન

Monday May 23, 2016,

17 min Read

સોળ વર્ષની એક કિશોરી તેની ઉંમરની અન્ય કિશોરીઓ કરતા અલગ હતી. વિચારો, દ્રષ્ટિકોણ, સપના, લક્ષ્ય અને ઘણાં બધાં કામ પણ અલગ. તે સવારે ભણવા માટે કોલેજ જતી તો સાંજ થતાં જ વેશ્યાઓને મળવા જતી. તે કિશોરી ક્યારેક વેશ્યાઓના ઘરે જતી તો ક્યારેક એ જગ્યાએ જ્યાં તે મહિલાઓ દેહવ્યાપાર ચલાવતી, અથવા તો એમ કહો કે જ્યાં એ મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવાતો. આ કિશોરી વેશ્યાઓની પીડાને જાણવા અને સમજવા ઈચ્છતી હતી. લગભગ દરરોજ તે વેશ્યાઓને મળવા લાગી. મોકો મળે તો વેશ્યાઓ જોડે વાતચીત થતી, નહીંતર તે દૂરથી જ વેશ્યાલયોમાં થતી દરેક ગતિવિધિઓને જોતી. દરરોજ, સળંગ, વારંવાર, કોઈના શોષણનો ભોગ બનતી મહિલાઓ અને યુવતીઓને જોઈ આ કિશોરી મનોમન દુઃખી થઇ જતી. તેને થતું કે આ યુવતીઓને પોતાની હવસનો શિકાર બનાવતા લોકોથી છૂટકારો મળે. ક્યારેક ક્યારેક મોકો મળે તો આ કિશોરી વેશ્યાલયો ચલાવતી મહિલાઓને પણ વિનંતી કરતી કે આ લોકોની હવસનો શિકાર બનતી આ યુવતીઓને 'આઝાદ' કરી દેવાય. પણ આમ કરવા પર તેને ગાળો જ મળતી, તેને ગુસ્સાથી વેશ્યાલયની બહાર કાઢી મૂકાતી. પણ આ કિશોરી તેના પ્રયત્નો પર કાયમ રહેતી. 

એક દિવસ આ કિશોરી બેંગ્લોર શહેરના એક વેશ્યાલયમાં ગઈ. તેના મનમાં શંકા હતી કે વેશ્યાલય ચલાવતાં લોકો તેને ગાળો આપશે. પણ, તે દિવસે કંઇક અલગ થયું. કંઇક એવું થયું જે જોઈ-સાંભળીને તેને ખૂબ આશ્ચર્ય થયું. જેવો કિશોરીએ વેશ્યાલયમાં પ્રવેશ કર્યો, તેમ તરત જ બ્રોથલકીપર્સે આ કિશોરીને અન્ય કિશોરી બતાવી. એક અન્ય કિશોરી જેની ઉંમર આશરે બાર-તેર વર્ષ હશે. તે બાર-તેર વર્ષની કિશોરી તરફ ઈશારો કરતા બ્રોથલકીપર્સે આ સોળ વર્ષની કિશોરીને પડકાર ફેંક્યો કે 'જો તારે મુક્તિ જ અપાવવી છે તો પહેલાં આ કિશોરીને મુક્તિ અપાવ.' અને કોલેજ જતી આ કિશોરીએ તે બાર-તેર વર્ષની કિશોરીને વેશ્યાલયથી મુક્તિ અપાવવાનો મનોમન નિર્ણય કરી લીધો. તે કિશોરીને ખૂબ જ જલ્દી માલૂમ પડી ગયું કે બાર-તેર વર્ષની એ કિશોરી માનસિક રૂપે નબળી છે અને આજ કારણે અન્ય વેશ્યાઓ પણ આ કિશોરીને ત્યાંથી મુક્તિ અપાવવા ઈચ્છતી હતી. 

image


જ્યારે આ કિશોરીએ તે બાર-તેર વર્ષની કિશોરીને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો તો તેના તો હોંશ જ ઉડી ગયા. તેણે જોયું કે દરરોજ ન જાણે કેટલાંયે લોકો આ માસૂમને પોતાની હવસનો શિકાર બનાવે છે. યુવાન, વૃદ્ધ, દરેક ઉંમરના પુરુષો આ નાની બાળકીને લૂંટી રહ્યાં હતાં, બરબાદ કરી રહ્યાં હતાં. અને પોતાની કામ-વાસના પૂરી કર્યા બાદ એ પુરુષો આ કિશોરીના બ્લાઉઝમાં પાંચ કે દસ રૂપિયાની નોટ મૂકીને જતાં રહેતા. તે માસૂમ આ નોટોને પોતાના હાથમાં લેતી અને તેને જોયા કરતી. એ માસૂમ કિશોરીને સમજ નહોતી પડી રહી કે તેની સાથે શું થઇ રહ્યું છે અને કેમ! તેને એ પણ ખબર નહોતી કે આ રૂપિયા-નોટ આખરે શું છે? 

માનસિક રૂપે મંદ છોકરીની પીડા જોઈ આ કિશોરી જડમૂળથી હલી ગઈ. કોલેજ જઈ વિવિધ વિષયોનું જ્ઞાન લઇ રહેલી આ કિશોરીએ તે માસૂમને 'આઝાદ' કરવાના પ્રયત્નો શરૂ કર્યા. તે માસૂમને યોગ્ય રીતે વાતચીત કરતાં પણ નહોતું આવડતું, અને એટલે તેના ઘર-પરિવાર વિશે જાણવું-સમજવું પણ બિલકુલ સરળ નહોતું. પરંતુ, સોળ વર્ષની આ કિશોરી નાનપણમાં માનસિક રૂપે મંદ લોકો સાથે કામ કરી ચૂકી હતી. અને તે અનુભવનો જ લાભ લેતા આ કિશોરીએ તે માસૂમના તૂટ્યા-ફૂટ્યા વાક્યો સાંભળીને તેના ગામનું નામ જાણી લીધું. અને પછી કિશોરીએ એ માસૂમ બાળકીને તેના ઘર-પરિવાર સુધી પહોંચાડવાની તમામ કોશિષો આરંભી દીધી. આ કિશોરીએ તેના પિતાની ઓફિસના એક સિનીયર ઓફિસરની ગાડીની વ્યવસ્થા પણ કરી દીધી. તે સિનીયર ઓફિસર પણ આ કિશોરીને ખૂબ માનતા અને એટલે તેમણે તરત જ ગાડી માટે હા પાડી દીધી અને એ ગાડી લઇ કિશોરી વેશ્યાલય પહોંચી. ચાર વેશ્યાઓ પણ ગાડીમાં બેસી ગઈ, તે લોકો પણ માનસિક રૂપે મંદ એવી માસૂમ છોકરીને તેના પરિવાર સુધી પહોંચાડવામાં પોતાનું યોગદાન આપવા માગતા હતાં. વર્ષોથી દેહવ્યાપાર કરતી આ મહિલાઓમાં આવેલા બદલાવ જોઈ, સોળ વર્ષની કિશોરી તો દંગ જ રહી ગઈ. તેના આશ્ચર્યચકિત થઇ ગઈ.

જ્યારે આ સૌ માનસિક રૂપે મંદ છોકરીને લઈને તેના ગામ પહોંચ્યા ત્યારે તેમણે જે જાણવા મળ્યું તેનાથી એ તમામને ખૂબ આશ્ચર્ય થયું. માલૂમ પડ્યું કે તે છોકરીના પિતા ખૂબ મોટા જમીનદાર હતાં. તેમની પાસે ખૂબ પૈસો હતો. પરંતુ, એક દુર્ઘટનામાં છોકરીના માતા-પિતા બંનેનું મૃત્યુ થઇ ગયું. આ દુર્ઘટના બાદ, છોકરીના એક સંબંધીએ તમામ મિલકત હડપી લેવાના ઈરાદાથી છોકરીને હાઈવે પર ફેંકી દીધી. અને એ જ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા એક માણસે આ બાળકીને બેંગ્લોર લાવીને એક વેશ્યાલયમાં વેચી દીધી.

image


તે છોકરીને ન્યાય અપાવવા સોળ વર્ષની આ કિશોરીએ અને તેની સાથે આવેલી વેશ્યાઓએ ગામની પંચાયતની મદદ લીધી. મદદ મેળવવા માટે આ તમામે પંચાયતથી ઘણી વાતો છુપાવી. ગામમાં કોઈને જાન ન થવા દીધી કે તે છોકરી અત્યાર સુધી એક વેશ્યાલયમાં હતી. તેઓ ખોટું બોલ્યા કે તે છોકરી, આ સોળ વર્ષની કિશોરીના ઘરે હતી અને જેવું તે સૌને તે છોકરીના ગામની ખબર પડી, તેને ત્યાં લઇ આવ્યા. કોલેજ જતી એ કિશોરીને ખૂબ નવાઈ લાગી કે એક સમયે તેને ગાળો આપતી વેશ્યાઓ અત્યારે એક છોકરીને 'આઝાદ' કરાવવા એક સારું અને પવિત્ર નાટક કરી રહી હતી. અને આખરે પંચાયતની દખલના કારણે તે માસૂમ છોકરીને ન્યાય મળ્યો. અને એની સાથે જ એક છોકરીને વેશ્યાલયથી મુક્તિ અપાવવાના એક પ્રયાસને સફળતા મળી. અને આ સફળતાથી સોળ વર્ષની કિશોરીના વિચારો વધુ મક્કમ બન્યાં અને તેણે વેશ્યાલાયોમાંથી યુવતીઓ, છોકરીઓ અને મહિલાઓને મુક્તિ અપાવવા એક આંદોલન જ શરૂ કરી દીધું. તે માનસિક રૂપે મંદ કીશોરીથી શરૂ થયેલું અભિયાન આજે પણ ચાલુ છે. અને તે સોળ વર્ષની કિશોરી હવે મોટી થઇ ગઈ છે. આજે તે ભારતભરમાં જાણીતી બની ગઈ છે એક સમાજનું એક આગવું વ્યક્તિત્વ, એક મોટું નામ બની ગઈ છે. 

જે વ્યક્તિત્વની અહીં વાત થઇ રહી છે તે અન્ય કોઈ નહીં, પણ ડૉ.સુનીતા કૃષ્ણન છે.

એજ ડૉ.સુનીતા કૃષ્ણન કે જેઓ અદમ્ય સાહસથી ભરપૂર છે અને બિલકુલ નીડર છે. આ જ સાહસ અને નીડરતાના કારણે તે માનવ તસ્કરી જેવા ફેલાયેલા અને સંગઠિત અપરાધનો ખાતમો કરવા જીવ પર ખેલી રહી છે.

અહીં કદાચ તમારા મનમાં એ સવાલ પણ ઉઠે કે આખરે એ સોળ વર્ષની સુનીતા કૃષ્ણન વેશ્યાલય કેમ જતી હતી? હકીકત તો એ છે કે ખુદ સુનીતા કૃષ્ણન અત્યાચાર અને બળાત્કારનો શિકાર બની ચૂકી છે. જ્યારે તે પંદર વર્ષની હતી ત્યારે આઠ પુરુષોએ તેના પર સામૂહિક બલાત્કાર કર્યો હતો. એ દિવસોમાં સુનીતા એક ગામમાં જવા લાગી. ત્યાં દલિતોની હાલત જોઈ તે ખૂબ પરેશાન થઇ. તેણે ત્યારે જ નક્કી કરી લીધું કે તે દલિતોના બાળકો, યુવાનો અને દીકરીઓને તે ભણાવશે જેથી તેઓ આગળ જઈને સફળતા મેળવી શકે. પંદર વર્ષની સુનીતાએ દલિતોને તેમના અધિકારો વિશે જણાવવાનું શરૂ કર્યું. જોકે સુનીતાનું કામ ગામની અન્ય જાતિના લોકોની આંખોમાં ખૂંચવા લાગ્યું. આ લોકોએ સુનીતાને આ કામ બંધ કરવાની કે પછી જે પરિણામ આવે તે ભોગવવાની ધમકી આપી. આ ધમકીને ગણકાર્યા વગર સુનીતા પોતાના મિશનને સફળ બનાવવાના પ્રયાસોમાં વ્યસ્ત રહી. એક રાત્રે, ઘનઘોર અંધારામાં સુનીતા પણ કેટલાંક લોકોએ હુમલો કર્યો, તેને નિર્જન સ્થળ પર લઇ જઈ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો. 

image


સુનીતા કૃષ્ણન એ ઘટનાને યાદ કરવા નથી માગતી. તે કહે છે,

"આ ઘટનાના કારણે મારા જીવનની દિશા જ બદલાઈ ગઈ. એ ઘટનાની પહેલાં હું મારી નજરમાં એકદમ 'બેસ્ટ' હતી, પણ એક જ દિવસમાં હું 'વર્સ્ટ' થઇ ગઈ. માનો મારા માટે એવું હતું કે હું એવરેસ્ટ પણ પહોંચી ગઈ છું અને મને કોઈએ એવો ધક્કો માર્યો કે હું અચાનક જ જમીન પર આવીને પડી."

આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે પંચાયતે એ બળાત્કારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી. ઉલ્ટું, સુનીતાને જ આ ઘટના માટે જવાબદાર માનવામાં આવી અને દોષનો ટોપલો સુનીતા પર ઢોળાયો.

સુનીતા કૃષ્ણન માટે તે સમય ખૂબ જ પડકારભર્યો હતો. એક રાતમાં જ અચાનક બધું બદલાઈ ગયું હતું બધું ઉલ્ટું થઇ રહ્યું હતું. તેની દુનિયા જ જાણે પળવારમાં બદલાઈ ગઈ હતી.

તે ઘટનાની પહેલાં તે તેના માતા-પિતાની એક વ્હાલી, લાડલી દીકરી હતી. ઘટના બાદ માતા-પિતા, અન્ય સંબંધીઓને એ તમામ કામ ખોટા લાગવા લાગ્યા, જે કારણોથી એક સમયે તેના વખાણ કરવામાં આવતાં. લોકો અલગ અલગ રીતે સુનીતાને ખોટી કહેવા અને સમજવા લાગ્યા. પણ, સુનીતા અડગ રહી અને તેણે જીવનમાં ક્યારેય નિરાશાને પ્રવેશવા ન દીધી. આશા ન છોડી. સાહસને ન ત્યાગ્યું. મનોબળ બુલંદ રાખ્યું. 

સામૂહિક બળાત્કારની ઘટનાના થોડાં જ દિવસો બાદ સુનીતાએ નિર્ણય કર્યો કે તે બળાત્કારનો ભોગ બનેલી અન્ય યુવતીઓ અને મહિલાઓને મળશે. તેમનું દુઃખ, પીડા સમજશે. અને એ જ આશયથી તે વેશ્યાલય જવા લાગી. વેશ્યાલયોમાં યુવતીઓ અને મહિલાઓની હાલત જોઇને તેને આભાસ થયો કે આ મહિલાઓ અને યુવતીઓની પીડા સામે તેની પીડા તો કંઈ નથી. તે તો એક વાર બળાત્કારનો શિકાર થઇ હતી પરંતુ સમાજમાં એવી કેટલીયે યુવતીઓ છે કે જેમની સાથે દરરોજ બળાત્કાર થાય છે, લોકો અલગ અલગ રીતે જોર-જબરદસ્તી કરી પોતાની હવસનો શિકાર બનાવે છે. માનસિક રૂપે વિકલાંગ છોકરીને વેશ્યાલયથી મુક્તિ અપાવ્યા બાદ સુનીતા કૃષ્ણન માટે પીડિતાઓની મુક્તિ તેમજ તેમનો પુનર્વાસ જ તેના જીવનનું મહત્વપૂર્ણ કામ બની ગયું. 

એવું પણ નહોતું કે સુનીતા કૃષ્ણને પહેલી વાર સમાજસેવાની જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. જ્યારે તેઓ માત્ર આઠ વર્ષના હતાં ત્યારે તેમણે માનસિક રૂપે મંદ બાળકોની મદદ કરવાની શરૂઆત કરી હતી. સુનીતા કૃષ્ણને આ બાળકોને ડાન્સ શીખવાડીને તેમની જિંદગીમાં ખુશીની કેટલીક પળો લાવવાના પ્રયાસ કર્યા. કોશિષ એ પણ હતી કે બાળકોની માનસિક હાલતમાં સુધારો આવે.

આઠ વર્ષની નાની ઉંમરમાં જ માનસિક રૂપે મંદ બાળકોની સ્થિતિ સુધારવા જેવો મોટો પડકાર સ્વીકારવાનો ખયાલ તેમના મનમાં આવ્યો તે પાછળ કેટલીક ઘટનાઓ હતી. 

image


સુનીતા કૃષ્ણનના કહેવા પ્રમાણે, તેમનો પરિવાર નિમ્ન માધ્યમવર્ગીય હતો. એટલે કે ગરીબીરેખાથી થોડા જ ઉપર. પિતા સર્વે ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા હતાં. તેમના પિતાજી તેમના પરિવારમાં એવી પહેલી વ્યક્તિ હતી જેણે અભ્યાસ કર્યો હતો. અને તેમની પાસે એક વ્યવસ્થિત નોકરી હતી. પિતાજી પહેલાંના પૂર્વજોએ બે સમયની રોટલી જેટલું મેળવવામાં જ સમય કાઢી નાંખ્યો હતો. 

બેંગલોરમાં જન્મેલી સુનીતા કૃષ્ણન પોતાના માતા-પિતા રાજુ અને નલિની કૃષ્ણનનું બીજું સંતાન છે. સુનીતાને બે બહેનો અને એક ભાઈ છે.

જન્મ થતાંની સાથે જ પડકારોએ સુનીતા કૃષ્ણનને ચારેય તરફથી ઘેરી લીધા. તેઓ જન્મથી જ દિવ્યાંગ હતાં. તેમનો એક પગ વાંકો હતો. તેમના જન્મના થોડાં દિવસોમાં જ તેમના દાદીએ આ ગરબડને ઓળખી લીધી. અને એટલે ઝડપથી તેનું નિદાન શરૂ કરી દેવાયું. ઈલાજ અને સારવારના કારણે તેમના પગ પર પટ્ટી બંધાયેલી રહેતી. તેમના પર ઘણાં પ્રતિબંધ લાદવામાં આવ્યા હતાં. ચાલવા-ફરવામાં પણ મનાઈ હતી. તે અન્ય બાળકોની જેમ રમી નહોતી શકતી. 

એક અત્યંત ખાસ વાત પણ હતી સુનીતામાં. તેઓ સામાન્ય બાળકોની જેમ કોઈ પણ વસ્તુ માટે પોતાના માતા-પિતા સામે જીદ નહોતા કરતા અને ના તો રાત્રે તેમણે રડવાની આદત હતી. તેઓ કોઈ પણ વાતને લઈને રડ્યા નહોતા. અને આજ કારણે તેમના માતા-પિતા તેમની તમામ જરૂરીયાતો સમજતા અને તેને પૂરી કરવા દર સંભવ પ્રયાસ કરતા. અને આજ કારણે તેમણે પોતાના ભણતર પર વધુ ધ્યાન આપ્યું. તેઓ ક્લાસમાં હંમેશા અવ્વલ આવતા. જે પણ સ્પર્ધામાં ભાગ લેતા તેમાં પોતાની આગવી છાપ છોડતા. સુનીતા નાનપણથી પોતાની ઉંમરના બાળકોથી વધુ સમજદાર અને બુદ્ધિશાળી હતાં. એટલા સમજદાર કે નાની ઉંમરથી જ સારા-નરસા, સાચા-ખોટાની ખબર પડતી. પોતાના ઘરમાં કંઈ ખોટું થાય તો તેઓ તરત જ નારાજગી દર્શાવતા. અને જોઈ કંઈ સાચું અને સારું હોય તો વખાણ પણ કરતી. સાથે ઘરના વડીલોને પણ સમજાવતી કે શું સાચું અને શું ખોટું. કયું કામ કેવી રીતે અને ક્યારે કરવું જોઈએ એ સૌને કહેતા. સુનીતા કૃષ્ણન નાની ઉંમરે જ મોટી મોટી વાતો કરવા લાગ્યા હતાં. મોટા લોકોને સલાહ આપવા લાગ્યા હતાં. નાની ઉંમરે જ તેમણે પોતાની બહેનને ભણાવવાની જવાબદારી લઇ લીધી હતી. તેમણે ન માત્ર પોતાની નાની બહેન પણ તેની ઉંમરના બાળકોને ભણાવવાના શરૂ કર્યા. એક વખત જ્યારે સુનીતા કૃષ્ણને કેટલાંક માનસિક રૂપે મંદ બાળકોને જોયા તો તેમનું મન દ્રવી ઉઠ્યું. આઠ વર્ષના જ હતાં પણ મનમાં ખયાલ આવ્યો કે આવા બાળકોની મદદ કરવી જોઈએ. અને ઘર-પરિવારની તમામ જવાબદારી નિભાવતા નિભાવતા જ સુનીતા કૃષ્ણને આ બાળકોને ડાન્સ શિખવાડવાનું શરૂ કરી દીધું. સુનીતા કૃષ્ણને જણાવ્યું કે જયારે તેમણે માનસિક રૂપે મંદ બાળકોને જોયા ત્યારે તેમણે તે બાળકોની તકલીફ તેમની તકલીફ કરતા મોટી લાગી અને ત્યારે જ તેમણે નિર્ણય લઇ લીધો કે તેઓ આ તકલીફોને દૂર કરવા માટે દર સંભવ પ્રયાસ કરશે. એક તો એમનો પગ વ્યવસ્થિત નહોતો અને આમ પણ તેમને કોઈ ખાસ નૃત્ય નહોતું આવડતું, પરંતુ આઠ વર્ષની ઉંમરમાં જ તેમની બુદ્ધિ એટલી વિકસિત હતી કે તેમણે ડાન્સના માધ્યમથી બાળકોની જીંદગીમાં ખુશીઓ લાવવાની પહેલ કરી.

સમય જતાં માત્ર બાર વર્ષની ઉંમરમાં જ સુનીતાએ એક શિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું. આ કેન્દ્ર દ્વારા ઝૂંપડપટ્ટીઓમાં રહેતા બાળકોની ભલાઈ માટે તેમણે કામ કરવાનું શરૂ કર્યું. એ દિવસોમાં સુનીતાના પિતાજીની બદલી વિશાખાપટ્ટનમ ખાતે થઇ. સુનીતા ત્યાંની જ સ્કૂલમાં ભણવા જતી. સુનીતાએ ઘરેથી સ્કૂલ અને સ્કૂલેથી ઘર આવતી વખતે જોયું કે મહોલ્લાના બાળકો બસ રમતાં જ રહે છે. આ બાળકો સ્કૂલ નથી જતાં. સુનીતાએ વિચાર્યું કે જો આ બાળકો સ્કૂલે નહીં જાય તો તેમનું જીવન પણ તેમના મા-બાપની જેમ જ વીતશે. તે લોકો પણ ગરીબ જ રહેશે. બે ટંકના ભોજન માટે ગલી ગલી ભટકશે. એમણે આખું જીવન ઝૂંપડપટ્ટીમાં જ વિતાવવું પડશે. બાર વર્ષની સુનીતાએ વિચાર્યું કે જો આ બાળકોને શિક્ષણ મળે અને તેઓ પણ લખતા વાંચતા શીખી જાય તો તેમને પણ સારી નોકરી મળી શકે. અને આ જ વિચારથી બાર વર્ષની ઉંમરમાં સુનીતાએ પોતાનું શિક્ષણ કેન્દ્ર ખોલ્યું અને બાળકોને ભણાવવાના શરૂ કર્યાં. સુનીતા સવારે પોતાની સ્કૂલમાં વિદ્યાર્થી તો સાંજે પોતે જ બનાવેલા શિક્ષણ કેન્દ્રમાં શિક્ષક. જ્યારે સુનીતાની આ પહેલની જાણકારી તેની સ્કૂલના આચાર્યને મળી ત્યારે તેમણે સુનીતાના ભરપૂર વખાણ કર્યા.

image


સુનીતા કૃષ્ણને એક સવાલના જવાબમાં કહ્યું,

"મારું જીવન જ ઈશ્વરની ભેટ છે. હું માનું છું કે એક ચોક્કસ ઈરાદા સાથે ઈશ્વરે મને ધરતી પર મોકલી છે. લોકોને મદદ કરવાનો ખ્યાલ આપોઆપ જ મારા મનમાં આવે છે. હું એવા લોકોને શોધું છું કે જેઓ મારા કરતા વધારે પીડિત છે, પરેશાન છે. આવા લોકોને શોધીને હું તેમની મદદમાં લાગી જઉં છું. હું ક્યારેય રણનીતિ બનાવીને કામ નથી કરતી. ગરીબ, પીડિત, નિ:સહાય લોકો મને જ્યારે મને મળે છે ત્યારે અચાનક જ મારામાં મદદ કરવાની શક્તિ આવી જાય છે." 

જ્યારે સુનીતાને પૂછાયું કે તેના જીવનમાં અત્યાર સુધીનો સૌથી મોટો સંઘર્ષ શું રહ્યો છે, તેના જવાબમાં તે જણાવે છે,

"અન્યોને જેમાં મારો સંઘર્ષ દેખાતો હોય છે તે ખરેખર મારા માટે સંઘર્ષ નથી હોતો. મને સંઘર્ષમાં સફળતા દેખાય છે. જે બીજાની નજરમાં ઉતરાવ છે તે મારા માટે ચડાવ છે."

સુનીતા કૃષ્ણને કહ્યું,

"બાળપણમાં પોતાને સમજવી, જેવી છું તેવો જ મારો સ્વીકાર કરવો, તે મારા માટે સૌથી મોટો પડકાર રહ્યો છે. પોતાને જ સમજવા માટે હું બહુ ગડમથલમાં રહી છું. ઘણો સંઘર્ષ કર્યો છે. મારામાં શું છે? શું નથી? તે જાણવાનો પ્રયત્ન કર્યો. ખૂબ જ ઉંડાણપૂર્વક વિચાર્યું ત્યારે હું મારા વિશે સમજી શકી." 

તેઓ અપરાધીઓ વિરૂદ્ધ જંગે ચડ્યા છે. આ જંગમાં અત્યાર સુધી તેમણે હજારો યુવતીઓ અને મહિલાઓને વેશ્યાવૃતિમાંથી મુક્તિ અપાવી છે. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ રીતે, અલગ અલગ લોકોના હાથે શોષણનો શિકાર થઇ રહેલી મહિલાઓ અને છોકરીઓને અપરાધીઓની ચંગુલમાંથી આઝાદ કરાવી છે. સુનીતાના આ કામોના કારણે કેટલીયે વાર તેના પર હુમલા કર્યા છે. કેટલાંયે લોકો તેમના જીવના દુશ્મન બની ગયા છે. પણ, આ બધાની તેમના કામ પર કોઈ અસર નથી થતી. કોઈનાથી ડર્યા વગર, રોકાયા વગર અને મહિલાઓની આઝાદી માટે તેઓ કામ કરતા રહે છે. 

હૈદરાબાદના ચારમીનાર પાસે આવેલી પોતાની સંસ્થા 'પ્રજ્જવલા'ની ઓફિસમાં થયેલી એક મુલાકાતમાં જ્યારે સુનીતાને તેમના પર થતાં હુમલાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાના ખાસ અંદાજમાં કહ્યું,

"મારા પર આવો કોઈ હુમલો નથી થયો કારણ કે હું તેને હુમલાઓ માનતી જ નથી. સમાજ મારી સાથે જે કરે છે તેને હું હુમલો માનું છું. અપરાધીઓ મારી સાથે જે કરે છે તેને તો હું અવોર્ડસ માનું છું. એ લોકો મારા હાથ નહીં તોડે, કાન નહીં તોડે, તો પોતાનો ગુસ્સો ક્યાં દેખાડશે?"

સુનીતા વધુમાં જણાવે છે,

"મને પણ મારા કામને લઈને કોઈ ને કોઈ ઈન્ડીકેટર જોઈએ જ. જેથી મને ખબર પડે કે હું બરાબર કરી રહી છું કે નહીં. આ હુમલાઓ મારા માટે ઈન્ડીકેટર છે. આ હુમલા મારા માટે એક રીપોર્ટ કાર્ડ જેવું છે અને તેને જોઇને મને લાગે છે કે હું અવ્વલ નંબરે પાસ થઇ રહી છું."

આ વાત કર્યા બાદ સુનીતા થોડા ગંભીર થઇ ગયા હોય તેવું લાગ્યું. તેમણે કહ્યું કે આવા હુમલાઓને લઈને અજીબ બેચેની પણ રહે છે. જો હુમલાખોરો તેમના આશયમાં સફળ રહ્યા અને તેમની હત્યા કરી દેવાઈ તો આ લડાઈ કોણ લડશે. સુનીતા કૃષ્ણને કહ્યું,

"હું હંમેશા ઈશ્વરને એ જ પ્રાથર્ના કરતી રહું છું કે મને જે કામ માટે દુનિયામાં લાવ્યા છે તે કામ પૂરું થાય ત્યાં સુધી મને આ દુનિયામાં રાખે. જીવનનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય હાંસલ થઇ જાય પછી મને લઇ જાય."

ત્યારબાદ તરત પૂછ્યું કે આખરે તેમના જીવનનું લક્ષ્ય શું છે? તેના જવાબમાં સુનીતાએ કહ્યું,

"મારું એક જ લક્ષ્ય છે. કોઈ પણ વ્યક્તિનું શોષણ ન થાય. એક એવો સમાજ હોય જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત હોય. યુવતી હોય કે મહિલા, સૌ સુરક્ષિત રહે. મારા જેવી એક્ટિવિસ્ટની જરૂર જ ના પડે. 'પ્રજ્જવલા' જેવી કોઈ સંસ્થાની જરૂરિયાત જ ન રહે."

શું આ લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય છે? આ સવાલના જવાબમાં સુનીતા કહે છે,

"અશક્યનો તો સવાલ જ નથી. આ દુનિયામાં આપણે બધાએ જ બધું બનાવ્યું છે અને બગાડ્યું છે. જો માણસ વિચારી લે કે તે શોષણ નહીં કરે તો શોષણ બંધ થઇ જશે. શોષણ બંધ કરાવવું એ ખાલી સુનીતા કૃષ્ણનની જવાબદારી નથી. દરેક વ્યક્તિની આ જવાબદારી છે. જો બધાં ઈચ્છે અને સાથે મળીને કામ કરે તો સૌ માટે સુરક્ષિત સમાજનું લક્ષ્ય હાંસલ થઇ જશે." 

સુનીતા કૃષ્ણનના જીવનમાં એક નહીં પણ કેટલીયે એવી ઘટનાઓ બની છે જ્યાં તેમણે વિપરીત અને કઠોર પરિસ્થિતિઓ હોવા છતાં ક્યારેય સંઘર્ષનું મેદાન નથી છોડ્યું. હાર ના માની. જ્યાં સુધી તેઓ સફળ ન થયા ત્યાં સુધી લડતા રહ્યાં.

એક આવી જ ઘટના હતી 'મિસ વર્લ્ડ' સૌંદર્ય પ્રતિયોગિતાનો વિરોધ.

વર્ષ 1996માં 'મિસ વર્લ્ડ'ના આયોજનની તૈયારી પૂરજોશમાં હતી. સુનીતા કૃષ્ણને આ પ્રતિગોયિતાને રોકવા માટે પોતાની બધી તાકાત લગાવી દીધી. સુનીતાનું માનવું છે કે કેટલાંક લોકો મહિલાઓને ઉપભોગની વસ્તુઓ માને છે અને આવા જ લોકો સૌંદર્યસ્પર્ધાઓનું આયોજન કરે છે. સુનીતાનું કહેવું હતું કે સૌંદર્યસ્પર્ધાઓના કારણે પણ મહિલાઓને એ સન્માન અને અધિકાર નથી મળી રહ્યાં જેની તેઓ હકદાર છે. મોટા પાયે અને જોર-શોરની સાથે આયોજિત સૌંદર્યસ્પર્ધાનો વિરોધ કરવા પર પોલીસે સુનીતાની અટકાયત કરી. તેમને જેલમાં પૂરવામાં આવ્યા જેથી તેઓ ફરી બહાર આવીને વિરોધ ના કરે. પૂરા 2 મહિના સુધી તેમને જેલમાં રાખવામાં આવ્યા. સુનીતાના કહેવા પ્રમાણે તેમને એક ષડયંત્ર કરી ફસાવવામાં આવ્યા હતાં. મિસ વર્લ્ડ પ્રતિયોગિતાના વિરોધમાં શરૂ થયેલા અભિયાન દરમિયાન અચાનક જ સુનીતાને જેલમાં પૂરી દેવાયા. તેમના પિતાને એમ કહી ડરાવવામાં આવ્યા કે સુનીતા પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેલમાં સુનીતાએ ઘણું બધું શીખ્યું. જેલમાં બંધ અલગ અલગ મહિલાઓ વિશે જાણવા-સમજવાનો મોકો મળ્યો. મહિલાઓના અપરાધ અને મહિલાઓ પર થતાં અપરાધ બંને વિશે તેને જાણકારી મળી. ચોંકાવનારી એક વાત એ પણ હતી કે જેલમાં સુનીતા કૃષ્ણનને બદલવા માટે બીજો ડ્રેસ પણ ન અપાયો. 60 દિવસ તેમણે એક જ ડ્રેસમાં વિતાવવા પડયા. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ સુનીતા માટે પરિસ્થિતિ ન બદલી. પોતાના જ લોકો તેનાથી દૂર થઇ ગયા. પોલીસ અને પ્રશાસને પણ એવી જ હાલતનું સર્જન કર્યું જેમાં તેને બેગ્લોર છોડવું પડે. કઠણાઈઓના આ સમયગાળામાં સુનીતાએ પોતાની જન્મભૂમિ બેંગ્લોર છોડવાનો નિર્ણય કરી લીધો. તેઓ હૈદરાબાદ જતી ટ્રેનમાં બેસી ગયા અને હૈદરાબાદ આવી ગયા. સમય જતાં હૈદરાબાદ જ તેમની સૌથી મોટી કર્મભૂમિ બની ગઈ. 

હૈદરાબાદ આવ્યા બાદ સુનીતા કૃષ્ણનને કોઈ રીતે બ્રધર વર્ગીસ મળ્યા, જેઓ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોના ઉત્થાન માટે કામ કરી રહ્યાં હતાં. સુનીતાએ આ કામમાં બ્રધર વર્ગીસને સાથ આપવાનો શરૂ કર્યો. ધીરે ધીરે હૈદરાબાદમાં સુનીતા કૃષ્ણનની લોકો સાથેની ઓળખાણ વધવા લાગી. કેટલાંયે લોકો તેમના શુભચિંતક અને સાથી બની ગયા. સુનીતાએ નિર્ણય કરી લીધો હતો કે તેઓ હૈદરાબાદને જ પોતાની કર્મભૂમિ બનાવી લેશે. આ દરમિયાન જ થયેલી એક ઘટનાના કારણે 'પ્રજ્જવલા' સંસ્થાનો પાયો રખાયો. 1996માં જ હૈદરાબાદના એક જૂના શહેરનો બદનામ વિસ્તાર 'મહબૂબ કી મેહંદી'ને સરકાર અને પોલીસે ખત્મ કરી દીધી. 'મહબૂબ કી મેહંદી'ને સંપૂર્ણ રીતે હટાવીને ત્યાં ધંધો કરતી મહિલાઓને બહાર કરવાની કાર્યવાહી અચાનક જ કરવામાં આવી હતી. સરકાર અને પ્રશાસન વેશ્યાઓને એ વિસ્તારથી હટાવવાનું જ વિચાર્યું હતું, કોઈની પાસે તેમના પુનર્વાસની યોજના નહતી. પહેલાં તો કેટલીયે વેશ્યાઓને જેલભેગી કરવામાં આવી. કેટલીક મહિલાઓ ગલી ગલીએ ભટકવા મજબૂર બની. કેટલીક તો એટલી પરેશાન થઇ ગઈ કે તેમણે આત્મહત્યા કરી લીધી. કોઈ પણ આ મહિલાઓની મદદ કરવા આગળ નહોતું આવી રહ્યું. સુનીતાએ આજ હાલતમાં એક મોટો નિર્ણય કર્યો. સામાજિક કાર્યકર્તા બ્રધર જ્યોજ વેટ્ટીકટીલનો સાથ મેળવીને સુનીતાએ એક સંસ્થાની શરૂઆત કરી. સંસ્થાનું નામ રાખ્યું 'પ્રજ્જવલા'. આ સંસ્થાના નામ પ્રમાણે તેમણે કામ કરવાનું શરૂ કરી દીધું. 'પ્રજ્જવલા'એ 'મહબૂબ કી મેહંદી'ની શોષિત અને પીડિતાઓ માટે કામ કરવાનું શરૂ કરી દીધું. અને આ કામ હજી પણ ચાલુ છે. સુનીતાના નેતૃત્વમાં 'પ્રજ્જવલા' શોષિત અને પીડિત મહિલાઓને ન્યાય અપાવવા સંઘર્ષ કરે છે. જિસ્મનો કારોબાર કરતા, દલાલો, ગુંડા-બદમાશો, બળાત્કારીઓ જેવા અસામાજિક તત્ત્વો અને અપરાધીઓના ચંગુલમાંથી યુવતીઓ અને મહિલાઓને મુક્તિ અપાવી તેમના પુનર્વાસ કરવા 'પ્રજ્જવલા' સમર્પિત છે. સુનીતા કૃષ્ણન મહિલાઓના હકની લડાઈની એક નવી મશાલ પ્રગટાવી છે અને પ્રજ્જવલિત મશાલની રોશનીથી શોષિત અને પીડિત મહિલાઓની જિંદગીમાંથી અંધકાર દૂર કરી રહી છે. સમાજસેવા અને મહિલાઓના ઉત્થાન માટે થઇ રહેલા કાર્યોની સરાહના કરતા હાલમાં જ ભારત સરકારે સુનીતા કૃષ્ણનને દેશના ચોથા સૌથી મોટા નાગરિક સન્માન 'પદ્મશ્રી'થી નવાજ્ય છે.

લેખક- ડૉ.અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર, યોરસ્ટોરી ઇન્ડિયન લેન્ગેવેજીસ

વધુ હકારાત્મક અને સંઘર્ષગાથા વિશે જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

5-5 રૂપિયા માટે તરસતી મહિલાઓ કઈ રીતે બની સ્વાવલંબી?

ફેશનની દુનિયામાં દેશી રંગ પૂરતા પાબીબેન રબારી, રબારી ભરતકામને પાબીબેન.કૉમ દ્વારા બનાવ્યું ગ્લોબલ

ભણતર માટે સાસરું છોડ્યું અને આજે છે હજારો મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત