વ્હીલચેરની નિરાશાથી રેમ્પ વૉકની ખુશી સુધી, આ છે રૂચિકા શર્માની સફળતાનું સૌથી રસપ્રદ પાસું

એક દુર્ઘટનાએ એક જ ઝટકામાં જ છીનવી લીધી બધી ખુશીઓ, ચહેરો બગડી ગયો, હાડકા તૂટી ગયા, અપેક્ષાઓ તો જાણે મરી જ ગઈ હતી, માની મમતા અને મિત્રોના પ્રેમે જગાવ્યો નવો ઉત્સાહ... પ્રયત્નો ચાલુ રાખ્યા... આખરે જીત મેળવીને કર્યું સંઘર્ષને સલામ... મુસીબત બાદ પહેલાં તો વિખરાઈ ગઈ પણ મહેનતથી નીખરી રૂચિકા શર્મા... સૌથી મોટી મુસીબતમાંથી બહાર આવ્યા બાદ હવે અન્યોની જિંદગી નિખારે છે આ ઉદ્યોગસાહસિક

વ્હીલચેરની નિરાશાથી રેમ્પ વૉકની ખુશી સુધી, આ છે રૂચિકા શર્માની સફળતાનું સૌથી રસપ્રદ પાસું

Friday May 27, 2016,

9 min Read

ક્યારેક ને ક્યારેક, ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ રૂપે, કોઈ ને કોઈ મુસીબત દરેકની જિંદગીમાં આવતી જ હોય છે. તે વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે મુસીબતને કેવી રીતે જોવે છે અને તેનો કેવી રીતે સામનો કરે છે. જે લોકો હારી જાય છે, તે લોકો મોટા ભાગે વિખરાઈ જતાં હોય છે અને જે લોકો મુસીબતોનો મજબૂતાઈથી સામનો કરે છે તે લોકો જીતી જાય છે. એક જાણીતી કહેવત છે- મુસીબત સૌના પર આવે છે, કોઈ વીખરાઈ જાય છે તો કોઈ નીખરી જાય છે. મુસીબત સમયે નીખારવાનું એક સરસ ઉદાહરણ છે, હૈદરાબાદની ઉદ્યોગસાહસિક રૂચિકા શર્મા. જિંદગીની સૌથી મોટી મુસીબતનો સામનો કરતા પહેલાં રૂચિકાની જિંદગી ઘણી જ સુંદર હતી. હસતા-રમતા, સફળતા મેળવતા મેળવતા, નાના સપનાઓને સાકાર કરીને રૂચિકા આગળ વધી રહી હતી. જીવનમાં ખુશીઓ પણ ઘણી હતી. ઓછી ઉંમરમાં જ રૂચિકાએ 'શેફ' તરીકે મોટું નામ કમાઈ લીધું હતું. એ દિવસોમાં હૈદરાબાદમાં પુરુષ શેફ તો ઘણાં હતાં પરંતુ મહિલા શેફ ઘણી જ ઓછી હતી. રૂચિતાની લોકપ્રિયતા એટલી વધુ હતી લે વર્ષ 2004માં જ તે 9 ટીવી ચેનલ્સ પર કૂકરી શો હોસ્ટ કરતી હતી. એમની બહેનપણીઓ એમને કહેતી- "દરેક ચેનલ પર રૂચિ દેખાતી. ચેનલ બદલો તો પણ રૂચિ."

તેમની ફ્રેન્ડ્સ તેમણે પ્રેમથી રૂચિ કરીને બોલાવતી. નવી નવી વાનગીઓ બનાવીને અન્યોના દિલ જીતવા માગતા લોકો રૂચિકાના કૂકરી શોની રાહ જોયા કરતાં. એક દિવસ તેની માતાએ તેને કીધું કે- તું બહુ પોપ્યુલર થઇ રહી છે. થોડા શો બંધ કરી દે નહીં તો કોઈની નજર લાગી જશે.

અને આવી ખુશનુમાં જિંદગી એકાએક બદલાઈ ગઈ. રૂચિકા શર્મા એક રસ્તા પરની દુર્ઘટનાનો શિકાર થઇ ગઈ. એ દુર્ઘટના એટલી ભયાનક હતી કે રૂચિકાનો ચહેરો બગડી ગયો. હાથ-પગના હાડકા તૂટી ગયા. શરીરના કેટલાંયે ભાગોમાં ઊંડા જખમો પડી ગયા. હકીકત તો એ છે કે તે બસ પોતાનો જીવ બચાવી શકી. એ દુર્ઘટના કેવી રીતે ઘટી તે રૂચિને બિલકુલ યાદ નથી. તેને બસ એટલું યાદ છે કે એક વ્યક્તિએ તેને જખમી હાલતમાં હોસ્પિટલ પહોંચાડી અને તે બચી ગઈ. બસ ત્યારબાદ રૂચિકાની જિંદગી એકદમ બદલાઈ ગઈ. ખુશી, આશા, અપેક્ષા, સોનેરી સપના બધું જ એક ઝટકામાં ગાયબ થઇ ગયા અને જિંદગીને ઉદાસી, નિરાશા, હતાશા, દુઃખ અને પીડાએ ઘેરી લીધી. હસતા રમતાં કામ કરનારી રૂચિકાની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે ચાર ડગલા ચાલવા પણ જાણે ડુંગર ચઢવા જેટલું અઘરું બની ગયું. અલગ અલગ જગ્યાએ જઈને લોકોને એકથી એક ચડિયાતી વાનગીઓ શીખવાડતી રૂચિકાનું જીવન પલંગ અને વ્હીલ ચેર સુધી જ સીમિત બની ગઈ. એ દુર્ઘટના ત્યારે થઇ હતી જ્યારે રૂચિકા 'ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ'માંથી એક સફળ ઉદ્યોગસાહસિક બનવાની ફોર્મ્યુલા શીખી રહી હતી. તે એક સ્કોલરશીપ પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામની ફર્સ્ટ ટર્મ પૂરી થતાં વિદ્યાર્થીઓને મેન્ટરશીપ માટે 20 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન જ જ્યારે એક દિવસ રૂચિકા તેના કેટલાંક સંબંધીઓને હૈદરાબાદ એરપોર્ટ પર રિસીવ કરીને પરત ફરી રહી હતી, ત્યારે આઉટર રિંગ રોડ પર આ દુર્ઘટના ઘટી. 

image


જીવનના તે સૌથી કઠિન અને પડકારજનક દિવસો વિશે જણાવતાં રૂચિકા કહે છે,

"મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી સાથે આવું કંઇક થઇ શકે છે. એ ઘટનાએ મને જડમૂળથી હલાવી દીધી. મને લાગ્યું કે હું ક્યારેય એમાંથી બહાર આવી શકીશ."

એ ઘટનાએ રૂચિકાના મન-મગજ પર ઊંડો પ્રભાવ પાડ્યો. તે ડીપ્રેશનમાં જતી રહી. તેમનો મૂડ દર મિનિટે બદલાતો રહેતો. તેમની મૂડ સ્વિંગની સમસ્યાથી તમામ ઘરવાળા અને મિત્રો પરેશાન રહેવા લાગ્યા.

રૂચિકાએ કહ્યું કે તેની હિંમતે જવાબ આપી દીધો હતો, પણ તેમના માતાએ હિંમત ન હારી. તેમના માતાએ પ્રયત્નો ચાલુ રાખ્યા. તેઓ રૂચિકાને પ્રેરણાત્મક વાર્તા સંભળાવતા. આશા અને ઉત્સાહ જગાવતી વાતો કરતા. માતાએ રૂચિકાને મેડીટેશનના પુસ્તકો પણ લાવીને આપ્યા જેથી તેને વાંચીને તેઓ માત્ર સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકે. તેમણે રૂચિકાને આધ્યાત્મ સાથે પણ જોડી. ધીરે ધીરે પણ રૂચિકાના માતા અને અન્ય શુભચિંતકોની મહેનત રંગ લાવવા લાગી. એ દુર્ઘટનાના કારણે પડેલા જખમોથી છૂટકારો મેળવવા તેમણે ઘણાં ઓપરેશન પણ કરાવવા પડયા. રૂચિકાના પગમાં 5 ઇંચનો સ્ક્રૂ પણ ઈમ્પ્લાન્ટ કરાવવો પડ્યો. તેમનો ચહેરો પણ ઘણો બગડી ગયો હતો જેથી સુંદર અને સાફ ચહેરો મેળવવા તેમણે ફેશિયલ યોગાનો પણ સહારો લેવો પડ્યો. યોગાથી રૂચિકાને ઘણી મદદ મળી. ઊંડા જખમ, ડાઘાઓ વાળા ચહેરા પર યોગાના કારણે ફરી રોનક અને તાજગી પાછી આવવા લાગી. મહેનત રંગ લાવી. માતા, અન્ય પરિવારજનો, શુભચિંતકો, મિત્રો અને પોતાની મહેનત રંગ લાવી રહી હતી. આખરે રૂચિકાને સફળતા મળી. વ્હીલ ચેરથી મુક્તિ મળી. જખમ સૂકાઈ ગયા. દર્દ દૂર થયું. રંગ-રૂપ બદલાયું. ચહેરા પર નિખાર આવ્યો અને જિંદગીએ ફરી એક વાર પાસું ફેરવ્યું અને નવી આશાઓ જન્મી.

image


દુર્ઘટનામાં શરીર-મનને થયેલા નુકસાનમાંથી બહાર આવ્યા બાદ રૂચિકાએ ફરી એક વાર સફળતાની રાહ પકડી. સપનાઓને સાકાર કરવામાં પ્રાણ રેડી દીધો. ખાસ વાત તો એ પણ છે કે રૂચિકાએ એ મોટા સપનાઓને પણ સાકાર કર્યા, જેને પૂરા કરવાથી તેમના પરિવારજનોએ તેમને ક્યારેક રોક્યા હોય. રૂચિકા પોતાના અભ્યાસના દિવસોથી જ મોડેલ બનવા માગતા હતાં. તેમનું સપનું સૌંદર્ય પ્રતિયોગિતામાં ભાગ લેવાનું હતું અને પોતાના હુન્નરથી તે સ્પર્ધા જીતવાનું હતું. પણ તેમનો પરિવાર પરંપરાવાદી હતો અને તેમના પરિવારમાં પહેલાં ક્યારેય આવું કંઈ થયું ન હોવાથી તેમણે આ સપનું પૂરું કરવા નહોતું મળ્યું પણ એ હાદસા બાદ રૂચિકાએ મન બનાવી લીધું હતું કે તેઓ સૌંદર્ય પ્રતિયોગિતામાં ભાગ લેશે. અને એ દિવસ પણ આવી ગયો કે જયારે તેમનું આ સપનું પૂરું થયું. રૂચિકા શર્મા એક દિવસ ઈન્ટરનેટ બ્રાઉઝ કરી રહ્યાં હતાં ત્યારે તેમણે 'Mrs.ઇન્ડિયા' પ્રતિયોગિતા વિશે વાંચ્યું. તરત જ તેમણે પોતાનું નામ અને અરજી મોકલી દીધી. તેઓ સિલેક્ટ પણ થઇ ગયા. રૂચિકાએ તે સ્પર્ધામાં ભાગ પણ લીધો. તેઓ એ પ્રતિયોગિતાનો સૌથો મોટો ખિતાબ તો જીતી ન શક્યા પણ તેમના હુન્નર અને તેમની સુંદરતા માટે તેમણે 'Mrs.ઇન્ડિયા-પોપ્યુલર'ના ખિતાબથી નવાજવામાં આવ્યા. આ ખિતાબ તેમના જીવનમાં નવી ખુશી અને આશાઓ લઈને લાવ્યો. ત્યારબાદ તેમણે અન્ય સૌંદર્ય પ્રતિયોગિતામાં પણ ભાગ લીધો અને સૌને પ્રભાવિત કર્યા. રૂચિકા Mrs. ઇન્ડિયા હૈદરાબાદ ઇન્ટરનેશનલ તેમજ Mrs. સાઉથ એશિયાનો ખિતાબ પણ પોતાના નામે કરી ચૂક્યા છે. 

પરંપરાવાદી પરિવાર હોવા છતાં તેમણે સૌંદર્ય પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે પરિવારજનોને કેવી રીતે મનાવ્યા, તેના જવાબમાં રૂચિકાએ એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો,

"જ્યારે હું એ ઘટનાની શિકાર થઇ ત્યારે હું ખૂબ દુઃખી હતી. નિરાશ અને હતાશ. મારી માતા મને પ્રોત્સાહિત કરતી રહેતી. હું મારી માતાની વાતો નહતી માનતી. મારી માતાએ પોતાની વાતો મનાવવા મને એક વિશ્વાસ અપાવ્યો હતો કે જો હું એમની બધી વાતો માનું, અને જલ્દી સાજી થઇ જઉં તો તે મને કોઈ પણ કામ કરવાથી નહીં રોકે. મેં મારી મા પાસેથી વચન લીધું હતું કે ઠીક થયા બાદ હું જે ઈચ્છીશ તે કરીશ."

ત્યારબાદ શું, જ્યારે તેમણે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે તેમની માતાને એ વચન યાદ અપાવ્યું. અને ત્યારબાદ તેમણે કોઈ કામ કરવાથી ન રોકાયા. અડચણો ઘણી આવી, જાણે દરવાજે ટકોરા મારીને જ ઉભી હોય. જે ડૉકટરે રૂચિકાના તૂટેલા હાડકાઓની ઓપરેશન કર્યું હતું તેમણે પહેલેથી જ એ સૂચના આપી હતી કે રૂચિકાએ હાઈ હીલ સેન્ડલ અને ચપ્પલ પહેરવી નહીં. અને સૌંદર્ય પ્રતિયોગિતા માટે, ખાસ કરીને રેમ્પ વૉક માટે રૂચિકાએ તે પહેરવું જરૂરી હતું અને રૂચિકાએ જોખમ ઉઠાવીને હાઈ હીલ સેન્ડલ અને ચપ્પલ પહેરી.

image


હાદસામાંથી બહાર આવ્યા બાદ રૂચિકાએ પોતાના જીવનમાં નવા રંગો ભર્યા. જીવનને ખૂબસૂરતીથી નીખાર્યું. તેઓ સામાજિક કાર્યકર્તા બન્યાં. ઉદ્યોગસાહસિક બન્યાં. મહિલાઓના ઉત્થાન માટે 'બીઈંગ વુમન' નામની એક NGO ખોલ્યું. આ સંસ્થા દ્વારા તેઓ ગરીબ અને જરૂરીયાતમંદ મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા તેમજ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કોશિષોમાં વ્યસ્ત રહે છે. 

સંસ્થા શરૂ કરવાનો તેમજ સામાજિક કાર્યકર્તા બનવાનો વિચાર તેમના મનમાં ક્યારે આવ્યો, તેના જવાબમાં રૂચિકાએ જાણાવ્યું કે જ્યારે તેઓ છોકરીઓ અને મહિલાઓને વાનગીઓ બનાવવાનું શીખવાડી રહ્યાં હતાં, ત્યારે તેમણે ઘણાં સંવેદનશીલ અને ગંભીર કિસ્સાઓ સાંભળ્યા. કેટલીયે મહિલાઓના પતિએ એમ કહીને છૂટાછેડા આપી દીધા હતાં કે તેમણે યોગ્ય રીતે જમવાનું બનાવતાં નથી આવડતું. કેટલાંક પતિ પોતાની પત્નીથી એટલે નારાજ રહેતા કારણ કે તે મહિલાઓ માત્ર ઘરનું કામકાજ કરતી અને પૈસા કમાવવામાં તેમની મદદ નહોતી કરી શકતી. રૂચિકાના જણાવ્યા પ્રમાણે, તેમણે એ વાતની અનુભૂતિ થઇ ગઈ હતી કે કેટલીયે મહિલાઓ આત્મનિર્ભર નથી. એટલું જ નહીં, તેઓ આર્થિક રીતે સ્વતંત્ર ન હોવાથી મહિલાઓ પોતાના નિર્ણયો જાતે નહોતી લઇ શક્તિ. કેટલીયે રીતે તે મહિલાઓ અન્યોના હાથે બંધાયેલી હતી. તેમને આઝાદી સાથે કામ કવાની છૂટ નહોતી. 

આ જ હાલતને જોઈ-સમજીને રૂચિકાએ નિર્ણય કર્યો કે તે મહિલાઓને આત્મનિર્ભર બનાવશે અને તેના માટે તે ઘણું કામ કરશે. રૂચિકા પોતાની સંસ્થા દ્વારા ગૃહિણી મહિલાઓને ઘરે રહીને જ ગૃહ ઉદ્યોગ ચલાવવાનું શીખવી રહી છે. રૂચિકા મહિલાઓને કેક, ચોકલેટ, બિસ્કીટ, મીણબત્તી જેવી વસ્તુઓ બનાવતા શીખવાડી રહી છે. રૂચિકા એક કૂકિંગ સ્કૂલ પણ ચલાવે છે. જ્યાં તે યુવતીઓ અને મહિલાઓને વિવિધ પ્રકારના વ્યંજનો બનાવતા શીખવે છે. આ સ્કૂલમાંથી શીખીને કેટલીયે મહિલાઓ અને યુવતીઓ 'શેફ' પણ બની રહી છે. રૂચિકાની ગણના હવે માત્ર હૈદરાબાદની જ નહીં, પરંતુ સમગ્ર ભારતના જાણીતાં શેફ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ ઉદ્યોગસાહસિકોમાં થાય છે. 

તે દુર્ઘટના બાદ રૂચિકાની સફળતા એક એ પણ છે કે તે પોતાનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી શકી છે. રૂચિકાએ ફેશિયલ યોગામાં સિદ્ધિ હાંસલ કરી. રૂચિકા શર્માએ ફેશિયલ યોગાના સૌથી મોટા ક્લાસની આયોજન કરી નવો રેકોર્ડ પોતાના નામે કરી દીધો. આ ક્લાસમાં 1961 લોકોએ ભાગ લીધો અને આ સૌએ મળીને રૂચિકાના નેતૃત્વમાં થાઈલેન્ડના લોકોનો રેકોર્ડ તોડ્યો. 

આ સફળતા પાછળની વાર કરતા રૂચિકા કહે છે,

"મને ફેશિયલ યોગાથી ખૂબ ફાયદો થયો હતો. મારો બગડેલો ચહેરો યોગાના કારણે જ સુધર્યો છે. ત્યારબાદ મેં ફેશિયલ યોગા પર ઘણું રીસર્ચ કર્યું. ફેશિયલ યોગાના સૌથી મોટા ગુરુ ડેનિયલ કોલિન્સ પાસેથી મેં શીખ્યું. જ્યારે હું યોગા વિશે જાણકારી મેળવી રહી હતી ત્યારે મને ખબર પડી કે યોગાનો જન્મ તો ભારતમાં થયો છે પણ ગિનીઝ બુકમાં જેટલા રેકોર્ડ્સ નોંધાયા છે તે અન્ય દેશોના નામે છે. કોઈ રેકોર્ડ જાપાનના નામે તો કોઈ ચીન, તો કોઈ થાઈલેન્ડ કે પછી બીજો કોઈ પણ દેશ. મેં ત્યારે જ નક્કી કરી લીધું કે યોગામાં એક રેકોર્ડ તો ભારતના નામે હોવો જ જોઈએ. અને પછી એમ કરવામાં મેં સફળતા મેળવી લીધી. પણ, આ રેકોર્ડ માત્ર મારી એકલીનો નથી પણ એ તમામનો છે જેમણે એ ક્લાસમાં ભાગ લીધો હતો."

આટલી મોટી સફળતાઓ, પોતાના ખાસ સાહસો, પ્રામાણિક વિચારો અને ઉદ્યોગસાહસિકતાના કારણે રૂચિકા શર્મા આજે હજારો લોકો માટે એક આદર્શ મહિલા છે, પ્રેરણાસ્ત્રોત છે.

મહિલાઓને સલાહ આપતા તેઓ કહે છે,

"ક્યારેય મન નાનું ના કરશો. બધાં એક જેવા જ છે. સૌ એક જેવું કામ કરી શકે છે. હંમેશા પોઝિટીવ રહેવું જોઈએ. આપણી આસપાસ ઘણી નેગેટીવ વસ્તુઓ હોય છે. નેગેટીવ વસ્તુઓથી બચતા રહો અને માત્ર પોઝિટીવ વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ. નેવર ગિવ અપ- એ પણ કહીશ હું સૌને."

એક સવાલના જવાબમાં રૂચિકાએ જણાવ્યું કે જ્યારે તે એ દુર્ઘટનાનો શિકાર થયા બાદ ઘરે પરત ફરી, ત્યારે તેમનો દીકરો પણ તેમને જોઇને ડરી ગયો હતો. જ્યારે કે પહેલાં જ્યારે રૂચિકા ઘરે પરત ફરતી ત્યારે તેમનો દીકરો તેમણે ભેટી પડતો પણ આ વખતે તે ગળે ના મળ્યો. આ જોઇને રૂચિકાને બહુ મોટો આઘાત લાગ્યો. તે પોતે વ્હીલ ચેર પર હતી જેથી તે જાતે સામેથી જઈને પોતાના દીકરાને ભેટી નહોતી શક્તિ. એ દુર્ઘટનાએ તેમના દીકરાને પણ તેમનાથી દૂર કરી દીધો. આ ઘટનાથી રૂચિકાને એવો તો આઘાત લાગ્યો કે તેમણે મક્કમપણે નિર્ણય કરી લીધો કે તેઓ પોતાના દીકરાને પાછો મેળવવા અને તેની સાથે હસતા-રમતા બાકીનું જીવન વિતાવવા સાજા થશે. ત્ત્યારબાદ તેમણે ઓપરેશનનું દર્દ સહ્યું, પીડા વેઠી, પરસેવો પાડ્યો, મહેનત કરી, ઘણો ત્યાગ કર્યો અને આખરે જીવન નિખારીને પોતાના દીકરા અને સફળતાને પોતાની બનાવી લીધા.

આવી જ અન્ય પ્રેરણાત્મક જીવનસફર વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

મહિલાઓને શોષણ અને અત્યાચારથી મુક્તિ અપાવી તેમને આત્મવિશ્વાસુ અને સક્ષમ બનાવે છે સુનીતા કૃષ્ણન

કરોડોની નોકરી છોડી, અનેક નિષ્ફળતાઓનો સામનો કરી એક સફળ ઉદ્યોગસાહસિક બનેલા રાજુ ભૂપતિ

રેત, ઇંટ અને સિમેન્ટ ઊંચકનાર મજૂર અત્યારે 20 કંપનીઓના માલિક છે!