દુષ્કાળની સ્થિતિને નિવારવા 1-1 રૂપિયો દાન ઉઘરાવીને બનાવ્યા ડેમ્સ!

દુષ્કાળની સ્થિતિને નિવારવા 1-1 રૂપિયો દાન ઉઘરાવીને બનાવ્યા ડેમ્સ!

Friday December 18, 2015,

5 min Read

વરસાદી પાણી રોકવાના સફળ પ્રયાસો અને એક પણ સરકારી સહાયતા વિના!

એક એવો બદલાવ કે જેના કારણે ગામ છોડી ગયેલા ખેડૂતો આવ્યા પરત!

આજ સુધીમાં 11 ચેક ડેમ્સનું કરાયું નિર્માણ!


મજબૂત ઈરાદાઓ અને દ્રઢ સંકલ્પશક્તિનો એ જ ચમત્કાર હોય છે, કે જેનાથી કોઈ જ કાર્ય અશક્ય નથી રહેતું. મધ્યપ્રદેશના મંદસૌર જીલ્લાના પતાલાવત ગામનાં રૂપરંગ ફેરવી નાખનાર અનિલ જોશીએ આવા જ અસંભવને સંભવ કરી પોતાના ભગીરથ પ્રયાસો થી 1-1 રૂપિયો લોકો પાસેથી ઉઘરાવ્યો. તેમણે માત્ર દુષ્કાળને જ પરાજીત નથી કર્યો, પણ જે લોકો પાણીના અભાવે વતન છોડીને જતા રહ્યા હતા, તેવા ખેડૂતોને પાછા ગામમાં આવવા ઉત્સાહિત કર્યા છે અને તે પણ માત્ર 1-1 રૂપિયો ઉઘરાવીને તથા કોઈ પણ સરકારી એજન્સીનાં સહયોગ વિના એ કામ સફળ બનાવી ચુક્યા છે! એમના બનાવેલા ચેકડેમ્સની સહાયથી ખેડૂતો ભરપૂર પાક તો લઇ જ રહ્યાં છે, પણ જે ખેડૂતો પરત ફરી રહ્યા છે, તે પણ પોતાનો મુખ્ય વ્યવસાય ખેતી જ અપનાવી રહ્યા છે.

અનિલ જોશીએ આમ તો આયુર્વેદ ડૉકટરનો અભ્યાસ કર્યો છે, પણ તેઓને ખેડૂત કહેવડાવવાનો ગર્વ છે. જો કે તેઓ ડૉક્ટરતરીકે પોતાની પ્રેક્ટિસ આજે પણ કરે છે. પરંતુ તેમનું મુખ્ય કામ છે ચેકડેમ્સની રચના કરી પાણીની સુવિધા ઉભી કરવાનું.

image


કેટલાક વર્ષો પહેલા આ વિસ્તાર એવો હતો કે દર વર્ષે લોકોને દુષ્કાળને કારણે હાલાકી ભોગવવી પડતી. વરસાદી પાણીના સંગ્રહ માટે કોઈ જ વ્યવસ્થા ન હતી બધું જ પાણી વ્યર્થ વહી જતું અને પછીથી આખું વર્ષ ખેતી અને પીવાના પાણી માટે સૌ ટળવળ્યા કરતા. આખા વર્ષમાં એક ફસલ પણ માંડ મેળવી શકતા.પણ આજની વાત કંઈક જુદી જ છે. જ્યાં જ્યાં ચેકડેમ્સ બન્યા છે ત્યાં ભરપૂર પાણી રહે છે, તે વિસ્તાર આર્થિક વિકાસ પણ કરી રહ્યો છે. અનિલ કહે છે કે શરૂ શરૂમાં લોકોને સમજી વિચારીને પોતાના કૂવાઓ વધુ ઊંડા કરવા કહેવામાં આવ્યું અને પાણીને જમીનમાં ઉતારવાના અન્ય ઉપાયો પણ કર્યા કે જેથી સિંચાઈલાયક પાણીની વ્યવસ્થા થઈ શકે, પણ એમના એ ઉપાયો વ્યર્થ ગયા.

અનિલનું પોતાનું ગામ સોમાલી એક વરસાદી નદીને કિનારે જ આવેલું છે. જ્યાં પહેલા વર્ષમાં માત્ર 2-3 મહિના જ પાણી રહેતું અને પછી તે નદી સુકાઈ જતી આખરે લોકોને પીવાના પાણી માટે પણ માઈલો દૂર સુધી લાંબા થવું પડતું. સિંચાઈના અભાવે ખેડૂતો જે ખેતરોમાંથી 200 ક્વિન્ટલ અનાજ પેદા કરી શકે, ત્યાં માત્ર 20 કિલો અનાજ ઉગાડવું પણ મુશ્કેલ બન્યું. તેમને થયું કે વરસાદી પાણીને ગમે તે રીતે રોકવું જોઈએ અને તેનો ઉપયોગ ખેતી તેમજ પશુઓને પીવા માટે પણ થવો જોઈએ.

image


અનિલે પોતાના આ વિચારો પોતાના મિત્રોને જણાવવાનું શરૂ કર્યું અને સોમાલી નદી પર ચેકડેમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. દરેકે આ વાત વધાવી લીધી. અનિલે તેમને સિમેન્ટના ખાલી કટ્ટા ભેગા કરવા સૂચના આપી પછી તેમણે ચોમાસા પહેલાં જ પોતાના દોસ્તો અને થોડા મજૂરોની મદદથી એક કાચો ચેકડેમ બનાવી દીધો. થોડાજ દિવસમાં વરસાદ શરૂ થયો અને પાણી તે જગાએ જમા થવા લાગ્યું. થોડા જ દિવસોમાં તેની અસર નજીકનાં કૂવાઓમાં દેખાઈ અને તેનું પાણીનું સ્તર ઉપર આવી ગયું. જેના ઉપયોગથી આસપાસના ખેતરોની તો સિકલ જ બદલાઈ ગઈ. ફસલ લહેરાવા લાગી. પણ બાકીનો ખૂબ મોટો વિસ્તાર તો પાણીથી વંચિત જ હતો.

અનિલે તે પછીનાં વર્ષે ચેકડેમ બાંધવા હાકલ કરી, મદદ માગી તો કોઈ જ તૈયાર ન થયું. તેમણે લોકોને સમજાવવામાં કોઇ જ કચાશ ન છોડી, પણ તેઓ નિષ્ફળ ગયા. આખરે એક દિવસ તેમને પોતાના પત્નીને આ વાત કરી તો તેમણે પોતાના બધાજ ઘરેણા પતિ સામે મૂકી દીધા અને કહ્યું કે આ વેચી નાખો અને ચેક ડેમનું તમારું સ્વપ્ન પૂરું કરો. અનિલ પણ આ સમર્પણ પાસે સ્તબ્ધ હતા. પણ તેમણે એ ઘરેણાં વેચી ફરી એક વાર એક કાચો ચેક ડેમ બંધાવ્યો અને આમ પોતે પોતાના જ પૈસાથી ત્રણ વર્ષ સુધી ડેમના નિર્માણ કરાવતા રહ્યા. વિડંબના તો એ હતી કે અનિલના પ્રયાસોથી લોકો સુખી, સમૃદ્ધ બની રહ્યાં હતાં. પણ કોઈ તેમની મદદ માટે આગળ આવતું ન હતું! પણ મનથી હારે તે અનિલ નહીં. તેમણે વિચાર્યું કે દર વર્ષે કાચા ડેમ બાંધીને મહેનત વધારવી પડે છે તો કેમ હવે સિમેન્ટ કોન્ક્રીટનો પાકો જ ડેમ ન બાંધવો? પણ જ્યારે તેમણે એ કામની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે આ કામમાં રૂપિયા એક લાખની રકમ જોઇશે. જ્યારે તેમણે લોકો પાસે હાથ ફેલાવ્યા તો લોકો તેમની ધારણા મુજબ એ જ કહેવા લાગ્યા કે આ કામ તો સરકારનું છે. તારે શામાટે હેરાન થવું જોઈએ? આવા જવાબો સામે બીજી કોઈ પણ વ્યક્તિ માનસિકરૂપે હારી જાય અને કામ પડતું મૂકે પણ અનિલે મનથી ઠાની લીધું હતું કે પોતે આ કામ પૂરું કરીને જ જંપશે.

image


તેઓ કહે છે, 

"મેં નક્કી કરી લીધું હતું કે આ કામ માટે લોકો પાસેથી 1-1 રૂપિયો લઈ શકું અને રોજ 1 હજાર લોકો પણ મને 1 રૂપિયો આપે તો પણ 3 મહિનામાં મારી પાસે 1 લાખ રૂપિયા આવી શકે તેમ હતું."

અને તેમણે માગવાની શરૂઆત કરી દીધી. માત્ર મંદસૌર શહેર જ નહીં, આસપાસના 100 ગામોમાં આ અભિયાન જોરશોરથી આદર્યું.

જેવા 1 લાખ રૂપિયા ભેગા થયા કે તેમણે પાકો ચેકડેમ બંધાવવાનું શરૂ કરાવી દીધું. આ ડેમ બંધાતા જ આજુબાજુના વિસ્તારોમાં એનો સીધો જ લાભ દેખાવા લાગ્યો. આખા વર્ષનું પીવાનું પાણી મળવા લાગ્યું. સિંચાઈની વ્યવસ્થા થઇ ગઈ અને જ્યાં ખેડૂતો મહામુશ્કેલીએ 1 પાક પણ લઇ શકતા ન હતા ત્યાં રવિ પાક અને ખરીફ પાક પણ લેવા લાગ્યા . ઉપરાંત જંગલી પ્રાણીઓ પાણીની શોધમાં છેક ગામ સુધી આવી જતા, એ ખતરો પણ ટળી ગયો. કેમ કે તેમને ગામ બહાર જ પાણી મળવા લાગ્યું. આજે તો આ વિસ્તારમાં સોયાબીન, ઘઉં, લસણ, ચણા, સરસવ, મેથી, કોથમીર અને ફાસલો ઉતારવા લાગી છે. આમ અનિલના ગામથી શરૂ થયેલી આ હરિયાળી ક્રાંતિ આસપાસના 100 કિલોમીટર સુધીનાં ગામો સુધી અસરકારક બની રહી.

image


હવે તો લોકો સામેથી અનિલને શોધતા આવવા લાગ્યા અને પોતાના ગામમાં ચેકડેમ બંધાવવાનું કહેવા લાગ્યા પછી તો અનિલના હાથે ચેકડેમ્સની પરંપરા ચાલી અને એક પછી એક 10 ચેકડેમ્સ લોક-સહાયતાથી નિર્માણ થવા લાગ્યા. તે વિસ્તારના લોકોની આખી જીવન શૈલી બદલાઈ ગઈ. સમૃદ્ધિ સાથે લોકો ખુશહાલ થવા લાગ્યા. જે ગામ છોડી ગયા હતા તે પાછા આવી ખેતીમાં જોડાઈ ગયા. જે જમીન સસ્તા ભાવે પણ કોઈ લેવા તૈયાર નહોતું તે જમીન આજે સોનું પકવી રહી છે. પહેલા લોકો અનાજ ખરીદીને ખાતા હતા, હવે લોકો પોતે ઉગાડેલું અનાજ તો ખાય જ છે પણ વધારાનું વેચીને સમૃદ્ધ પણ થઇ રહ્યા છે. આજે જો ચેક ડેમને લગતા કોઈ સમારકામ કે જાળવણી ખર્ચની જરૂર પડે છે તો ખેડૂતો જાતે જ તે કામ ઉકેલી નાખે છે. અનિલકહે છે કે હવે ખેડૂતોને પ્રતીતિ થઇ છે કે ચેકડેમ સિવાય તેમની ખુશહાલી માટે બીજો કોઈ જ વિકલ્પ નથી.