જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, સુવિધાઓ પૂરી પાડવા આ યુવાનો ચલાવે છે IIM-A રોડ પર 'ફૂડ કોર્ટ'

જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, સુવિધાઓ પૂરી પાડવા આ યુવાનો ચલાવે છે IIM-A રોડ પર 'ફૂડ કોર્ટ'

Tuesday February 02, 2016,

4 min Read

વિદ્યા વહેંચવાથી વધે અને અન્ન વહેંચીને ખાવાથી ખુશી મ‌ળે તેવા ભારતીય સંસ્કારને આજનો યુવાન પોતાની જિંદગીમાં અપનાવતો થયો છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં જ્યાં ગરીબીનું પ્રમાણ વધારે છે અને ઘણાં બાળકો માત્ર આર્થિક સંકટના ભોગે ભણતરનો ભોગ આપતા હોય છે ત્યારે યુવા દેશના યુવાનોએ નાત જાતના વાડા છોડીને આ હોંશિયાર પણ સંજોગોની થપાટને પગલે ભણતર છોડનારા વિદ્યાર્થીઓની વહારે આવીને તેમને પૂરતું શિક્ષણ આપી પોતાના જ્ઞાનની વહેંચણી કરવાનો યજ્ઞ અમદાવાદના ‘આસમાન ગ્રુપ’એ કર્યો છે.

આ એવું ગ્રુપ છે જેમાં વિદ્યાર્થીઓ જ ભવિષ્યના વિદ્યાર્થી ઉભા કરી રહ્યા છે અને આર્થિક પરિસ્થિતિને પગલે ભણી ન શકનારા બાળકોને આસમાન આંબવા માટે પ્રોત્સાહિત કરી તેમની વિકટતામાં નિકટતા કેળવી જીવનના ખરા સમયના સહભાગીદાર બની રહ્યા છે.

image


‘આસમાન ગ્રુપ’ અેવા યુવા વિદ્યાર્થીઓનો સમૂહ કે દેશને નવા વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરમાં પોતાનું યોગદાન આપી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરી રહ્યા છે. સમય બદલાયો, સમાજ બદલાયો અને યુવાનોની વિચારધારા પણ બદલાઇ છે. હવે આજના યુવાન મોજમસ્તીની સાથે સમાજના આર્થિક રીતે નબળા વર્ગને સબળો કરવાની સેવાને જવાબદારી તરીકે સ્વીકારી દેશમાં એક વેલ્ધી અને એજ્યુકેટેડ સમાજ ઉભો કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. આ 'આસમાન' ગ્રુપ છેલ્લા સાત વર્ષથી અમદાવાદના પછાત વિસ્તારોમાં જઇને શાળાએ ન જઇ શકનારા અથવા તો મ્યુનિસિપાલિટી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મફતમાં ટયુશન આપી રહ્યાં છે. આઠ મિત્રોના વિચારથી શરૂ થયેલા આ ઉમદા કાર્યમાં આજે 100 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ સ્વયંસેવકો તરીકે જોડાઇ ચૂક્યા છે અને તે તમામ સ્વયંસેવકો સપ્તાહના નક્કી કરેલા દિવસોમાં સ્લમ વિસ્તારમાં જઇને બાળકોને તમામ વિષયોનું ટ્યુશન આપતા રહે છે, ભણતરની સાથે બાળકોને જિંદગી જીવવાના ગુણો પણ શીખવાડે છે. 

image


માત્ર ભણવા પૂરતી વાત નથી રહેતી.. તે બાળકોમાં લાઇફ શેરિંગ જેવા મોટીવેશનલ વિચારો પણ પ્રસરાવતા રહે છે. આખી ઘટનામાં આંખે ઉડીને વળગે એવી વાત એછેકે એક વિદ્યાર્થી જ્યારે બીજા વિદ્યાર્થીને ભણાવતો હોય તો તે એકબીજાની પરિસ્થિતિને સમજી શકે છે. જેના કારણે સહેલાઇથી કમ્યુનિકેશન કરી શકે છે, અને બાળકોને ભણતરમાં પડતી તકલીફો સરળતાથી સમજી ઉકેલ લાવી શકાય છે.

'આસમાન' ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ‘ફૂડ ફોર થોટ’ નામની ઇવેન્ટ કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં ગ્રુપના યુવાનો અમદાવાદના આઇઆઇએમ રોડ પરની સ્ટ્રીટ પર 10 દિવસ માટે ફૂડ કોર્ટ લગાવે છે. જેમાં તમામ કામગીરી જેવી કે ફૂડ બનાવવું, તેને ડેકોરેટ કરવું, કાઉન્ટર સાચવવું, ડીલિવરી એટલે કે સર્વ કરવું, ફૂડ માટેની સામગ્રી ભેગી કરવી જેવા તમામ કામો યુવાનો દ્વારા કરવામાં આવે છે. આ કરવા પાછળનો તેમનો હેતુ આ 10 દિવસના સ્ટોલ દરમિયાન જે કોઇ પણ આવક થાય તે જરૂરિયાતમંદ બાળકોના ભણતર પાછળ ખર્ચવામાં આવે છે. આખા વર્ષના માત્ર 10 દિવસ જ આ જ સ્ટોલ યુવાનો દ્વારા નાંખવામાં આવે છે, સામાન્ય રીતે દર વખતે ફાળો આપનારને શોધવામાં આવે છે, આ વર્ષે ફૂડ માટેનું તમામ મટિરિયલ બિગ બઝાર ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે.

image


વિદ્યાર્થીઓને મ્યુનિસિપાલિટી શાળામાંથી સારી ખાનગી શાળામાં પ્રવેશ અપાવવો

આસમાન ગ્રુપ આખા વર્ષ દરમિયાન ભણાવતા વિદ્યાર્થીઓમાંથી 10 એવા વિદ્યાર્થીઓને પસંદ કરે છે જે ભણવામાં હોંશિયાર હોવા સાથે જીવનની ગંભીરતાને સમજી આગળ વધવાની ચાહના ધરાવતા હોય તેવા બાળકોને મ્યુનિસિપાલિટી શા‌ળામાંથી સારી ખાનગી શાળામાં પ્રવેશ કરાવી આપે છે. જ્યારબાદ વિદ્યાર્થીના શાળાની ફીથી માંડીને સ્કૂલ ડ્રેસ, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ આસમાન ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવે છે. જેને આધારે આ ગ્રુપ દર વર્ષે સમાજને હોંશિયાર, સારા નાગરીક, બીજાને પ્રેરક બને તેવું વ્યક્તિત્વ આપવાના પૂરતા પ્રયાસ કરે છે.

image


29 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી ફૂડ કોર્ટ ચાલશે

આસમાન ગ્રુપ દ્વારા વર્ષના 10 દિવસ ચલાવાતો ફૂડ કોર્ટ આ વર્ષે 29 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવ્યો છે. આ ફૂડ કોર્ટમાં મેક્સિકન, ચાઇનીઝ, મોકટેલ, ટી-કૉફી, નાસ્તો તમામ પ્રકારની યુથને ગમે તેવી વાનગીઓ બનાવવામાં આવે છે. આ તમામ વાનગીઓ આસમાન ગ્રુપના યુવાનો દ્વારા જ બનાવવામાં આવે છે અને સર્વ કરવામાં આવે છે. જેનું સંપૂર્ણ મેનેજમેન્ટ યુવાનો દ્વારા જ કરવામાં આવે છે.

image


IIM રોડની પસંદગીનું કારણ

આઇઆઇએમ રોડ એમ પણ ફૂડ સ્ટ્રીટ માટે જાણીતો છે, જ્યાં વહેલી સવારથી લઇને મોડી રાત સુધી તમામ પ્રકારની અમદાવાદમાં મળતી વાનગીઓ આ સ્ટ્રીટ પર જ મળી રહેતી હોય છે. ખાસ કરીને અમદાવાદના યુવાનો અહીં તેમના ફ્રેન્ડ સર્કલ સાથે સાંજ પડતા જ બેસવા આવતા હોય છે અને જાણે લોકદરબાર જામતો હોય તેમ ચાની ચૂસ્કી અને નાસ્તા સાથે પોતાની ગપસપ ચાલુ રાખતા હોય છે. ખાસ કરીને મોડી રાત સુધી ચાલુ રહેતી પશ્ચિમ વિસ્તારની સ્ટ્રીટ હોવાથી મોટી સંખ્યામાં યુથ રાતના સમયે નીકળીને આવતા હોય છે. ખાસ કરીને તેને કારણે આ સ્થળની પસંદગી આસમાન ગ્રુપ દ્વારા કરવામાં આવી છે.

image


વેબસાઈટ

FB Page