હજારો નવજાત શિશુઓનો જીવ બચાવનાર માતાના દૂધની અનોખી બૅંક

હજારો નવજાત શિશુઓનો જીવ બચાવનાર માતાના દૂધની અનોખી બૅંક

Wednesday December 02, 2015,

6 min Read

એપ્રિલ 2013માં થઇ આ બૅંકની સ્થાપના

અત્યાર સુધી 3200 મહિલાઓ કરી ચૂકી છે દૂધનું દાન! 

કોઈ પણ નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન હોય છે. એક અહેવાલ અનુસાર જન્મતાની સાથે જ મરી જતાં બાળકો પૈકી જો 100માંથી 16ને માતાનું દૂધ મળી જાય તો તેમને બચાવી શકવાની શક્યતાઓ હોય છે. પરંતુ ઘણાં કારણોસર આ બાળકો સુધી માતાનું દૂધ પહોંચી શકતું નથી અને તેઓ મૃત્યુ પામે છે. આ વાતને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા યોગગુરુ દેવેન્દ્ર અગ્રવાલની સંસ્થામાં ભગવતી વિકાસ સંસ્થાએ 'દિવ્ય મધર મિલ્ક બૅંક'ની સ્થાપના કરી છે. જે માતાઓ પાસેથી દૂધ એકઠું કરે છે. એટલું જ નહીં, પરંતુ તેને જરૂરીયાતમંદ બાળકો સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે. ઉદયપુર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં દિવ્ય મધર મિલ્ક બૅંકની સફળતાને જોતા રાજ્ય સરકારે આ યોજનાને પોતાનાં બજેટમાં સામેલ કરી છે. અને આ પ્રકારે વિવિધ શહેરોમાં 10 મધર મિલ્ક બૅંક શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના માટે સરકારે પોતાનાં બજેટમાં ખાસ જોગવાઈ પણ કરી છે.

image


દિવ્ય મધર મિલ્ક બૅંકના સ્થાપક યોગગુરુ દેવેન્દ્ર અગ્રવાલે તેની સ્થાપના એપ્રિલ 2013માં કરી હતી. તેમના કહેવા પ્રમાણે તેને શરૂ કરવા પાછળનું સૌથી મોટું કારણ તેમની સંસ્થા દ્વારા ચલાવવામાં આવતું મહેશાશ્રમનું અભિયાન હતું. આ અભિયાનમાં જે લોકો બાળકી જન્મતાંની સાથે જ તેને ફેંકી દે છે અથવા તો ત્યજી દે છે તેમને અહીં આશ્રય આપવામાં આવે છે. તેમને ઉછેરીને મોટી કરાય છે. તેના માટે સંસ્થાએ ઉદયપુર તેમજ તેની આસપાસનાં ઘણા વિસ્તારોમાં પારણાં મૂક્યાં છે. ત્યાં આવીને કોઈ પણ તેની દીકરી તેમને આપી શકે છે. અત્યાર સુધી અહીં 125 બાળકીઓને લાવવામાં આવી છે. યોગગુરુ દેવેન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર મહેશાશ્રમનું પોતાનું એક એનઆઈસીયુ છે. તેમાં વિશ્વકક્ષાની સુવિધાઓ છે. તેમ છતાં પણ અહીંની બાળકીઓને શરદી કે અન્ય બીમારીઓ થઈ જતી હતી. તેનું કારણ બાળકીઓને માતાનું દૂધ નહોતું મળતું તે હતું કે જે બાળકીઓની રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી હોય છે. માતાના દૂધમાં અનેક રોગપ્રતિકારક તત્વો હોય છે જે આ બાળકીઓને નહોતાં મળી શકતા.

image


ત્યારે યોગગુરુ દેવેન્દ્ર અગ્રવાલે વિચાર્યું કે આવી અનાથ બાળકીઓ માટે માતાનાં દૂધની વ્યવસ્થા કરવી જોઇએ કારણ કે એનઆઈસીયુમાં ઘણી એવી બાળકીઓ હતી કે જો તેમને માતાનું દૂધ મળી જાય તો તેઓ બચી શકે તેમ હતી. ત્યારબાદ તેઓ એ માહિતી મેળવવામાં જોડાયા કે આ પ્રકારનું કામ દુનિયામાં ક્યાં ચાલી રહ્યું છે. તેમને ખ્યાલ આવ્યો કે બ્રાઝિલમાં આ અંગેનું બહુ મોટું નેટવર્ક કામ કરે છે. આ નેટવર્ક વિશ્વનું સૌથી મોટું 'હ્યુમન મિલ્ક બૅંકિંગ નેટવર્ક' ગણાય છે. ત્યારબાદ તેમણે નિર્ણય લીધો કે ઉદયપુરમાં પણ આ પ્રકારની હ્યુમન મિલ્ક બૅંક શરૂ કરવી જોઇએ. ત્યારે યોગગુરુ દેવેન્દ્ર અગ્રવાલ અને તેમના સાથીઓએ 'હ્યુમન મિલ્ક બૅંકિંગ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા' ઉપર કામ કરવાનું શરૂ કર્યું. અને તેના આધારે જ તે લોકોએ ઉદયપુરમાં 'મધર મિલ્ક બૅંક' શરૂ કરવા માટે સરકાર પાસે મદદ માગી.

image


ત્યારબાદ સરકારે પણ રાજીખુશીથી તેમને આ પરોપકારનું કામ કરવા માટેની મંજૂરી આપી દીધી. તે પછી ઉદયપુરના આરએનટી મેડિકલ કોલેજના પન્નાધાઈ રાજકીય મહિલા ચિકિત્સાલયમાં આજે આ મધર મિલ્ક બૅંક ચાલી રહી છે. ખાસ વાત એ છે કે તેને 'હ્યુમન મિલ્ક બૅંકિંગ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા'ની માર્ગરેખાને આધારે તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, આ મિલ્ક બૅંકના સ્ટાફનો ખર્ચો અને તેનું સંચાલન યોગગુરુ દેવેન્દ્ર અગ્રવાલની સંસ્થા 'માં ભગવતી વિકાસ સંસ્થાન' ભોગવે છે. આ બૅંકમાંથી એકત્રિત કરવામાં આવતું દૂધ સૌથી પહેલા હોસ્પિટલમાં એનઆઈસીયુમાં મોત સામે ઝઝૂમી રહેલાં બાળકોને આપવામાં આવે છે. અત્યાર સુધી આ બેન્કમાં 3200 કરતાં વધારે મહિલાઓ સાડા સાત હજાર કરતાં વધારે વખત દૂધનું દાન કરી ચૂકી છે. 'દિવ્ય મધર મિલ્ક બૅંક'ના જણાવ્યા અનુસાર માતાનાં આ દૂધને કારણે અત્યાર સુધી 1900 કરતાં વધારે બાળકોનો જીવ બચાવવામાં આવ્યો છે.

image


યોગગુરુ દેવેન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર આ બૅંકમાં ત્રણ પ્રકારના દાતાઓ આવે છે. પહેલી એવી મહિલાઓ આવે છે કે જેમની પાસે પોતાનાં બાળકનાં ખોરાક કરતાં વધારે દૂધ હોય છે. બીજી એવી મહિલાઓ આવે છે કે જેમનું બાળક આઈવી ઉપર હોય છે અને તેનું ફિડિંગ બંધ કરાવી દેવામાં આવ્યું હોય છે જેના કારણે તે મહિલા પોતાનાં બાળકને દૂધ નથી પીવડાવી શકતી. તે અહીં આવીને દૂધનું દાન કરે છે. ત્રીજી એવી મહિલા આવે છે કે જેનું બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યું હોય છે. જોકે, આ પ્રકારની માતાઓ ઉપર દૂધનું દાન કરવા માટે દબાણ કરવામાં નથી આવતું. યોગગુરુ દેવેન્દ્ર અગ્રવાલ જણાવે છે,

"જ્યારે અમે આ મધર મિલ્ક બૅંકની શરૂઆત કરી હતી તો લોકો કહેતા હતા કે કોઈ અમને દૂધનું દાન શા માટે આપે? કારણ કે લોકોનું માનવું હતું કે લોકો લોહીનું દાન તો આપી શકે પણ કોઈ પોતાના બાળકના ભાગનું દૂધ શા માટે આપે, ભલે તે ગમે તેટલું વધારે પણ કેમ ન હોય."
image


આ મિલ્ક બૅંકમાં દૂધદાન આપતાં પહેલા મહિલાઓએ એક ખાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તે અંતર્ગત જે મહિલા દૂધ આપવા માગતી હોય તે પહેલાં તેની શારીરિક તપાસ કરવામાં આવે છે. જેથી એ ખ્યાલ આવી શકે કે તેને કોઈ બીમારી તો નથીને કે પછી તેણે આલ્કોહોલ કે અન્ય કોઈ નશીલા પદાર્થનું સેવન તો નથી કર્યું ને? આ ઉપરાંત દૂધ આપનારી મહિલાનું બે મિ. લિ. લોહી લેવામાં આવે છે. જેથી ખ્યાલ આવી શકે કે મહિલાને એચઆઈવી કે અન્ય કોઈ ચેપી રોગ તો નથી. આ તપાસ બાદ મહિલાઓ પોતાનું દૂધ દાન કરે છે. ઉપરાંત જે મહિલાઓ અહીં દૂધ આપવા માટે આવે છે તેમને કહેવામાં આવે છે કે તેઓ દૂધનું દાન કરતાં પહેલાં તેમનાં બાળકને દૂધ પીવડાવે. ત્યાર બાદ બ્રેસ્ટ પમ્પ મારફતે બાકી બચેલું દૂધ લેવામાં આવે છે.

image


મિલ્ક બૅંકમાં જમા થયેલું દૂધ ખાસ પ્રક્રિયા મારફતે સુરક્ષિત રાખવામાં આવે છે. સૌથી પહેલાં જ્યાં સુધી માતાના લોહીની તપાસનો અહેવાલ ન આવી જાય ત્યાં સુધી તેનાં દૂધને -5 ડિગ્રીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તમામ દાતા મહિલાઓનાં દૂધને ભેગું કરીને તેને પાશ્ચરાઇઝ્ડ કરવામાં આવે છે. તે પછી 30 મિ. લિ.નું એક યુનિટ તૈયાર કરીને તેને પેક કરવામાં આવે છે. ત્યારબાદ 12 યુનિટની એક બેચ બનાવવામાં આવે છે. તેમાંથી એક યુનિટને અલગ કરીને માઇક્રોબાયોલોજી લેબમાં કલ્ચર રિપોર્ટ માટે મોકલવામાં આવે છે. જ્યારે અન્ય યુનિટનો કલ્ચર રિપોર્ટ આવે ત્યાં સુધી તેને – 20 ડિગ્રીમાં સાચવી રાખવામાં આવે છે. આ દૂધની વિશેષતા એ છે કે તેને 3 મહિના સુધી સલામત રાખી શકાય છે.

image


આ દેશની પ્રથમ કોમ્યુનિટી હ્યુમન મિલ્ક બૅંક છે. 'દિવ્ય મધર મિલ્ક બૅંક' માતાઓ પાસેથી દૂધ એકઠું કરવા માટે વિવિધ જગ્યાએ કેમ્પનું પણ આયોજન કરે છે. ખાસ વાત એ છે કે આ યોજનામાં હવે સરકારે પણ રસ દાખવ્યો છે. તે રાજ્યભરમાં 10 મધર મિલ્ક બૅંક શરૂ કરવાની યોજના ઘડી રહી છે. તેના માટે રૂ.10 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ઉદયપુરમાં મધર મિલ્ક બૅંકની સ્થાપના બાદ યોગગુરુ દેવેન્દ્ર અગ્રવાલનું કહેવું છે કે તેમની યોજના હવે રાજસ્થાનની બહાર યુપી અને હરિયાણામાં પણ આ પ્રકારની બૅંક્સ શરૂ કરવાની છે. તે માટે હાલ વાતચીતનો દોર ચાલી રહ્યો છે.

લેખક – હરિશ બિશ્ત

અનુવાદક – અંશુ જોશી