ફેશનની દુનિયામાં ડંકો બજાવે છે નણંદ-ભોજાઈની આ જોડી!

ફેશનની દુનિયામાં ડંકો બજાવે છે નણંદ-ભોજાઈની આ જોડી!

Monday December 21, 2015,

7 min Read

ઉદ્યોગસાહસિકતાની યાત્રાના માત્ર 8 મહિનામાં, કેતકી અને અપર્ણાએ, ઈન્ડિયન ઍથ્નિક વેયરની નવી બ્રાન્ડને લૉન્ચ કરવાનું નક્કી કર્યું છે!

આ આર્ટિકલ eBay દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે.

નણંદ-ભોજાઈ અપર્ણા ફાળકે અને કેતકી અન્નાછત્રે, ઘણી વાર ભેગા મળીને બિઝનેસ શરૂ કરવા વિશે વાત કરતાં હતાં, પણ મોટા ભાગની ભારતીય સ્ત્રીઓની જેમ, તેમણે પણ તેમના પરિવાર તથા બાળકોને પ્રાથમિકતા આપવી પડી. જોકે, એકવાર તેમના બાળકો થોડાં મોટા થયાં ત્યારે, કંઈક કરવાનો ઉમળકો આખરે જીતી ગયો. ત્યાર બાદ બીજું પગલું હતું, એ નક્કી કરવાનું, કે શું કરવું છે. અપર્ણા કહે છે, 

“અમે મોટું રોકાણ કરીને જોખમ લેવા નહોતા માગતાં, કારણ કે અમે નવાં હતાં."

ફેશન પ્રત્યે કેતકીનું પૅશન, અને અપર્ણાનો ડિઝાઈનમાં રસ હોવાને લીધે, ફેશન અને લાઈફસ્ટાઈલ ઈન્ડસ્ટ્રી સ્વાભાવિક પસંદ બની. 2013નાં જુન મહિનામાં, તેઓએ ‘ચાણક્ય લાઈફ-સ્ટાઈલ ઍન્ડ રિટેઈલ’ ને રજીસ્ટર કરાવ્યું, જે હવે ફેશન બ્રાન્ડ્સ Modo Vivendi અને Indo Mood નું માલિક છે.

Modo Vivendi – the feather in the cap

શરૂઆતમાં ચેતીને ચાલતી બન્ને સ્ત્રીઓએ, એક એવી પ્રોડક્ટ શોધવાનું નક્કી કર્યું, જે તેમના મતે સારી રીતે ચાલશે, અને તેમણે એક કૅપ (ટોપી) પર પસંદગી ઉતારી. તેમણે યુરોપિયન માર્કેટ માટે ડિઝાઈનિંગ તથા મૅન્યુફેક્ચર કરતી ફર્મ સાથે ટાઈ-અપ કર્યું, અને કૅપને Modo Vivendi બ્રાન્ડ હેઠળ વેચવા લાગ્યાં. કૅપની પ્રથમ બૅચને અપાર સફળતા મળી, જેનો દરેક પીસ વેચાઈ ગયો. આજે, તેઓ તેમના લેબલ હેઠળ, 250 થી વધારે પ્રોડક્ટ્સ વેચે છે, જેનો વિસ્તાર થયો છે અને પર્સ, હૅન્ડ-બૅગ, ગ્લોવ્ઝ, શૂઝ, બેલ્ટ્સ જેવી એક્સેસરીઝ તથા સ્કર્ટ્સ, ટૉપ્સ, જૅકૅટ્સ અને કોટ જેવી રેન્જનો સમાવેશ થાય છે.

image


તેમની ઉદ્યોગસાહસિકતાની યાત્રામાં માત્ર 8 મહિનામાં, કેતકી અને અપર્ણાએ, ઈન્ડિયન ઍથ્નિક વેયરની નવી બ્રાન્ડને લૉન્ચ કરવાનું નક્કી કર્યું. આ વખતે, તેમણે એક્સક્લુઝીવ સાડીની ડિઝાઈન પર જાતે કામ કર્યું. તેમનું લેબલ Indo Mood, હવે દુપટ્ટા, સ્ટોલ્સ, કુર્તી અને ડ્રેસ મટીરિયલ્સ ફિચર કરે છે, જે આ જોડી દ્વારા ડિઝાઈન કરવમાં આવ્યાં છે.

"રૂપિયા 50,000નાં શરૂઆતી રોકાણ સાથે અમે ઉદ્યોગસાહસિક બનવાનાં અમારા સપનાને સાકાર કરી શક્યાં છીએ. આજે, અમારી બ્રાન્ડ્સ, રૂપિયા 30 લાખનું વાર્ષિક ટર્નઓવર કરી રહી છે અને દર વર્ષે ઝડપથી વૃદ્ધિ કરી રહી છે." 

તેમણે 50 sq. Ft ની જગ્યાથી શરૂઆત કરી હતી, અને હવે તેઓ હાલમાં જ, તેનાથી 10 ગણી મોટી જગ્યા પર શિફ્ટ થયાં છે.

તેમણે 4 કર્મચારી પણ રાખ્યાં છે, જેઓ ચાણાક્ય લાઈફ-સ્ટાઈલ ઍન્ડ રિટેલ પર વૅબસાઈટ, ટૅકનૉલૉજી, ઑર્ડર પ્રોસેસિંગ, પૅકેજીંગ, લૉજીસ્ટિક્સ, ડિલિવરીઝ અને કસ્ટમર કૅર સંભાળે છે. અપર્ણા કહે છે, "ભલે અમે નાનો વ્યવસાય ધરાવીએ છીએ અને સ્ટાફનું રિટૅન્શન કોઈ પણ ઉદ્યોગમાં પડકારરૂપ હોય છે, તેમ છતાં, અમે સારું સંચાલન કરી રહ્યાં છીએ. અમારા કાર્યસ્થળનું વાતાવરણ મૈત્રીપૂર્ણ છે. અમે નાની અને મજબૂત ટીમ છીએ."

image


કાર્યસ્થળની દિનચર્યા

અપર્ણા અને કેતકી, ડિઝાઈન પ્રોસેસમાં ઉંડાણપૂર્વક સામેલ છે. એકવાર તેમની ડિઝાઈન તૈયાર થઈ જાય, અને ફેબ્રિક પસંદ કરી લેવામાં આવે, પછી તેઓ તૈયાર થનારા પીસની સંખ્યા નક્કી કરે છે, અને ટેઈલરિંગ સ્ટાફને કામ સોંપી દે છે. પ્રોસેસનાં દરેક સ્ટેજ પર, ઝીંણવટપૂર્વક ગુણવત્તા તપાસવામાં આવે છે. તેમની પાસે, હાલમાં 10 ટેઈલર્સ છે અને તેઓ ટેઈલરની વ્યક્તિગત નિપુણતાનાં આધારે તેમને કામ સોંપે છે.

Modo Vivendi અને Indo Moodના પહેલાથી જ એવા ગ્રાહકો છે જે અહીં જ આવે છે. દેશભરનાં લોકો, NRI અને વિદેશીઓ પણ તેમના મટીરિયલ્સ, ખાસ કરીને ઈન્ડિયન હૅન્ડવોવન મટીરિયલ્સમાં, રસ અને જીજ્ઞાસા દર્શાવી રહ્યાં છે. તેઓ તેમની પ્રોડક્ટ્સને, eBay જેવી ઈ-કૉમર્સ વૅબસાઈટ તથા તેમની પોતાની વૅબસાઈટ પર પ્રદર્શિત કરે છે. eBay એ, મહિલા ઉદ્યોગસાહસિકો માટે યોજાનારા, SheMeansBusiness કૉન્ટૅસ્ટમાં, કેતકી અને અપર્ણાને વિજેતા ઘોષિત કરીને, તેમની ક્ષમતાને માન્યતા આપી છે.

image


કેતકી અને અપર્ણાનો લાંબા સમયનો ઉદ્દેશ્ય છે કે દરેક પ્રકારની લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સમાં વિસ્તાર કરવો. તેમણે કપડાંથી શરૂઆત કરી અને હવે તેઓ પર્સનલ કૅર પ્રોડક્ટ્સ (સાબૂ, શૅમ્પૂ અને કૉસ્મૅટિક્સ)માં વૈવિધ્યકરણ કરી રહ્યાં છે, જ્યારે ક્લોધિંગ સેગમૅન્ટનો વિસ્તાર કરીને, મૅન્સવૅર જેવી વધારાની કૅટૅગરીને આવરી લેવી. કેતકી કહે છે, "અમે, અમારા ગ્રાહકોને, ઉત્તમ ક્વૉલિટીની પ્રોડક્ટ્સ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ."

તમે ચાણક્ય નામ કેમ રાખ્યું?

કેતકીનાં પતિ આશિષ (અપર્ણાનાં ભાઈ), એક બ્રાન્ડિંગ એક્સપર્ટ છે, અને તેમણે જ Chanakya, ‘Modo Vivendi’ અને ‘Indo Mood’ નામ સૂચવ્યાં હતાં. જ્યારે ‘Modo Vivendi’ નો લૅટિનમાં અર્થ થાય છે, જીવવાની રીત, ‘Indo Mood’ ઍથનિક વૅરને કન્ટૅમ્પરરી ટ્વિસ્ટ સાથેની ઈમેજ ઊભી કરે છે.

ચાણક્ય નામ, ઐતિહાસિક ચરિત્ર ‘ચાણક્ય’ પરથી લેવામાં આવ્યું છે, જેઓ એક સંપૂર્ણ વ્યવસાયિક વ્યક્તિ હતાં, જેઓ અર્થશાસ્ત્ર અને રાજનીતિમાં અસાધરણ રસ ધરાવતાં હતાં. તેમણે ભારતીય અર્થશાસ્ત્રની નીતિઓ તથા સિદ્ધાંતો રચ્યા છે. તેમની રચના ‘ચાણકયનીતિ’ આપણને શીખવાડે છે કે, સમાજ પ્રત્યે આપણી જવાબદારી ક્યારેય ભૂલવી નહી, પછી તમે ગમે તે વ્યવસાય કરતાં હોવ.

એટલે જ અપર્ણા અને કેતકી તેમની કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી (CSR) પર વધુ ધ્યાન આપે છે. અપર્ણા જણાવે છે, 

"અમારી CSR પ્રવૃત્તિનાં ભાગરૂપે, ગયાં વર્ષે અમે રત્નાગીરી જીલ્લાનાં, સ્કૂલે જતા વિદ્યાર્થીઓ માટે, મોટી સંખ્યામાં રેઇનકોટ અને પુસ્તકોનું વિતરણ કર્યું હતું. જ્યારે અમને તે બાળકો પાસેથી પત્રો મળ્યાં, જેમાં તેમણે લખ્યું હતું કે, અમારા આપેલા રેઈનકોટ તેમને ચોમાસામાં કેવી રીતે સ્કૂલ જવામાં મદદરૂપ થયાં, અને તેઓ એક પણ વખત ક્લાસમાં ગેરહાજર નહોતાં રહ્યાં. તે જાણીને અમને ઘણું સારું લાગ્યું."

વૃદ્ધિનો તબક્કો

સેલ્સને જોવા જઈએ તો, તેઓ દર વર્ષે લગભગ 90% જેટલી વૃદ્ધિ કરી રહ્યાં છે, જે નવી કૅટૅગરી ઉમેરવા તથા વિસ્તાર કરવાની તેમની ઈચ્છાને બળ આપે છે. અપર્ણા તેમના સ્ટાર્ટઅપનાં શરૂઆતનાં દિવસોને યાદ કરતાં જણાવે છે કે, તેમનો પ્રથમ ઑર્ડર લગભગ એક અઠવાડિયા પછી મળ્યો હતો, અને બીજો ઑર્ડર મળતાં લગભગ 20 દિવસ લાગી ગયાં હતાં. નિરાશ થવાનાં બદલે, તેમણે તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજીને ફરી ચકાસી. નાની ઈવેન્ટ્સને સ્પૉન્સર કરવાથી લઈને, સોશિયલ મીડિયા પર જેમણે ફોટો પોસ્ટ (Modo Vivendi પ્રોડક્ટ્સ પહેરીને લીધેલ ફોટો) કર્યો હોય એવા કસ્ટમર્સને, ડિસ્કાઉન્ટ વાઉચર્સ આપવા સુધી, તેઓ તેમની બ્રાન્ડ્સને લોકપ્રિય કરવા પાછળ કામ કરવા લાગ્યાં. આજે, તેઓ દરરોજ લગભગ 15 ઑર્ડર્સ મેળવે છે. આવતાં વર્ષે, તેઓ આ સંખ્યાને વધારીને 50 કરી દેવા માંગે છે.

તેમનું બૅકગ્રાઉન્ડ

કેતકી મહારાષ્ટ્રનાં સાંગલીનાં છે, અને કૉમર્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. તેઓ હાલમાં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ બિઝનેસ મૅનેજમૅન્ટ (NIBM) થી MBA નો અભ્યાસ કરી રહ્યાં છે. "આવનારા 4-5 મહિનામાં, હું મારો MBA નો અભ્યાસ પૂરો કરી લઈશ. પછી મારી પાસે ઑફલાઈન કૉમર્સ અને ઑનલાઈન કૉમર્સ (ઈ-કૉમર્સ) ની લાયકાતો હશે."

અપર્ણા પૂણેની રહેવાસી છે. તેમણે પૂણે યુનિવર્સિટીમાંથી બૅચલર ઑફ આર્કિટૅક્ટનો અભ્યાસ કર્યો છે. તેઓ એક ફ્રિલૅન્સ ઈન્ટીરિયર ડિઝાઈનર હતાં, અને તેમણે પૂણે તથા મુંબઈમાં, ઘણાં કમર્શિયલ અને રેસિડૅન્શિયલ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. ડિઝાઈનિંગ અને ઍસ્થેટિક્સ તેમના પૅશન છે, જેથી તેઓ મોટાભાગનું ડિઝાઈનિંગ જાતે જ કરે છે. તેઓ માને છે, 

"મહિલા ઉદ્યોગસાહસિકોને ગંભીરતાથી લેવાની જરૂર છે. હું ખરેખર માનું છું અને અનુભવું પણ છું કે મહિલાઓ ઘણી ગંભીર હોય છે અને કેટલીક સ્થિતિઓમાં વધુ શિસ્તબદ્ધ હોય છે. મહિલાઓ ઘણીવાર તેમના ઘર અને કાર્યને એક સાથે સંભાળતી હોય છે, અને મલ્ટી-ટાસ્કિંગમાં વધુ સારી થતી જાય છે."

પરિવાર તથા સપોર્ટ સિસ્ટમ

કેતકી હંમેશા બિઝનેસ વિશે પૅશનેટ હતાં અને તેમને હંમેશા ફેશન ઉદ્યોગ પ્રત્યે રસ રહ્યો હતો. તેઓ સ્મિત સાથે કહે છે કે, "આજે હું મારા સપનાને જીવી રહી છું." તેમનો પરિવાર ઘણો મદદરૂપ રહ્યો છે. અપર્ણા પણ નસીબદાર છે. તેઓ કહે છે, 

"મારા પતિ, સાસુ-સસરા સૌ મને ઘણાં મદદરૂપ રહ્યાં છે, અને પહેલાં દિવસથી તેઓ અમારા કામમાં રસ લઈ રહ્યાં છે. હું ગમે તે સમયે, તેમની પાસેથી મદદની અપેક્ષા રાખી શકું છું. પરિવારનાં સહયોગ વિના, કોઈ પણ વ્યક્તિ તેની કારકિર્દીમાં આગળ ન વધી શકે."

અપર્ણા અને કેતકી બન્નેએ કામ માટે મુસાફરી કરવી પડે છે ત્યારે અપર્ણા Indo Mood માટે રૉ મટીરિયલ ભેગું કરે છે અને Modo Vivendiને સંભાળતી કેતકી કરતાં વધારે મુસાફરી કરે છે. અપર્ણાની મુસાફરી તેમને બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સુધી લઈ ગઈ જ્યાંથી તેઓ તેમના ફેબ્રિક મેળવે છે.

image


બન્ને જણ એકબીજાના કામમાં દખલ નથી કરતાં અને એકમેકનાં નિર્ણયનું સમ્માન કરે છે. છેવટે, અંતિમ નિર્ણય ભેગા મળીને જ લેવાય છે. તેઓ ક્યારેય સાથે મુસાફરી નથી કરતાં. જ્યારે એક જણ મુસાફરી કરી રહ્યું હોય, ત્યારે બીજું રોજબરોજનાં સંચાલનનું ધ્યાન રાખે છે. તેમનાં વેકેશન પણ, આવી જ રીતે નક્કી કરવામાં આવે છે.

હૅન્ડવોવન ફેબ્રિકનું પ્રમોશન

આજે પરંપરાગત હૅન્ડવોવન ફેબ્રિકનાં ઘણાં વણકરો અને સપ્લાયર્સ, પ્રોત્સાહનનાં અભાવે, કપરા સમયનો સામનો કરી રહ્યાં છે. જોકે સરકાર તેમને સબસિડી અને સપોર્ટ ઑફર કરે છે, પણ આવી કળાને ખરેખર મદદ ત્યારે મળશે જ્યારે વધુ વ્યવસાયો પરંપરાગત ફેબ્રિકને પ્રમોટ કરશે. કેતકી અને અપર્ણા કહે છે કે, તેમનાં કૅમિકલ-ફ્રી ફેબ્રિક જેમ કે હૅન્ડ વોવન સિલ્ક, લિનન, અને ઑર્ગેનિક કૉટન, Indo Mood માટે USP છે.

ભવિષ્યની યોજનાઓ

અપર્ણા અને કેતકી, તેમનાં વધુ એક સપનાને પૂરું કરવા તરફ આગળ વધી રહ્યાં છે, જે છે પૂણેમાં એક બૂટિક સ્થાપિત કરવું, કેમ કે તેમને લાગે છે કે, લોકો ટૅક્સટાઈલ અનુભવ વગર, પ્રિમિયમ ક્લોધિંગ પ્રોડક્ટ્સ ખરીદવામાં ખચકાય છે. જો સફળતા મળી તો તેઓ અન્ય શહેરોમાં પણ વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યાં છે, જેમાં ફ્રેન્ચાઈઝી દ્વારા, Indo Mood પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


લેખક: શરિકા નાયર

અનુવાદક: નિશિતા ચૌધરી