કેનવાસમાં રંગો ભરવામાં અને મોબાઈલ ગેમ્સમાં રંગોથી રમવામાં મહારત હાંસલ કરતા ચિત્રકાર ડિમ્પલ મૈસુરિયા

ડિમ્પલ કુમાર મૈસુરિયાનું નામ જેટલું રોચક છે તેનાથી વધારે રોચક તેમના જીવનની સફર છે. આ વાત છે મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી એક એવી વ્યક્તિની જેણે પોતાની ચિત્રકલાથી મોબાઈલ ગેમિંગની દુનિયામાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે.

કેનવાસમાં રંગો ભરવામાં અને મોબાઈલ ગેમ્સમાં રંગોથી રમવામાં મહારત હાંસલ કરતા ચિત્રકાર ડિમ્પલ મૈસુરિયા

Sunday June 19, 2016,

14 min Read

સૌથી ખાસ વાત તો એ છે કે ડિમ્પલ પોતાની કળાને કંઇક એવી રીતે નિખારતા ગયા કે એમની જિંદગી એક શાનદાર અને બેમિસાલ ચિત્ર બની ગયું. તેમણે બનાવેલા ચિત્રોની જેમ તેમના જીવનમાં પણ અલગ અલગ રંગો છે અને દરેક રંગનું પોતાનું આગવું જ મહત્ત્વ છે. ડિમ્પલની જિંદગીના ચિત્રમાં સંઘર્ષનો ઘાટ્ટો રંગ છે તો ત્યાં જ સફળતાનો પણ ઘેરો રંગ પણ છે. તેમના જીવનમાં વિસ્મયના અલગ અલગ અનોખા રંગોની સાથે સંતુષ્ટિ અને સંતોષના મનોહર રંગો પણ છે. આમ જોતા આ વાત રંગોની છે, જીવનમાં રંગોના મહત્ત્વની છે અને એક એવા ચિત્રની છે જેમાં એક સફળ જિંદગીને સમજાવતાં, દર્શાવતાં તમામ રંગો પોતપોતાની યોગ્ય જગ્યા પર અચૂક જોવા મળે. 

આમ તો ડિમ્પલ નામ મોટા ભાગે છોકરીઓનું જ હોય છે, પણ ઘણાં છોકરાઓ-પુરુષો પણ છે જેમનું નામ ડિમ્પલ છે અને આમાંના એક છે ડિમ્પલ કુમાર મૈસુરિયા. નામની સાથે 'કુમાર' જોડાયેલું છે એટલે આભાસ થઇ જાય કે આ ડિમ્પલ પુરુષ છે. તેમનું નામ ડિમ્પલ રાખવા પાછળ પણ એક રસપ્રદ કિસ્સો છે. તેમના પિતા પર રાજ કપૂરની ફિલ્મ 'બોબી'નો જાદૂ કંઇક એવી રીતે છવાયેલો હતો કે તેમણે પોતાના દીકરાને ફિલ્મની અભિનેત્રી ડિમ્પલ કપાડિયાનું નામ આપી દીધું. 

જો તેમના કુળની વાત કરવામાં આવે તો મોટા ભાગના લોકો એમ જ સમજશે કે તેમનો સંબંધ કર્ણાટકના મૈસુર શહેરથી હશે પણ એવું નથી. ડિમ્પલનો સંબંધ મૈસુરથી ઘણાં દૂર, આશરે 1300 કિલોમીટર દૂર ગુજરાતના સુરત શહેરથી છે. તેમના ઘર-પરિવારનો મૈસુર સાથે કોઈ સંબંધ નથી. સંબંધ છે તો પણ એવો જ કે જેવો ભારતના અન્ય ભાગોમાં રહેતા લોકોનો મૈસુર સાથે હોય. 

ડિમ્પલના પિતા છોટુભાઈ મૈસુરિયા પણ ઘણું જ અલગ વ્યક્તિત્વ ધરાવતા માણસ હતાં. તેઓ ધાર્મિક પ્રવૃત્તિના હતાં અને તેમનામાં સેવાભાવ કૂટી કૂટીને ભરેલો હતો. તેમનો સ્વભાવ સામાન્ય લોકો જેવો નહોતો, તેઓ કંઇક અલગ જ સ્વભાવ ધરાવતા હતા. અચાનક જ તેઓ બધું છોડીને મંદિર કે કોઈ આશ્રમમાં જતા રહેતા. ઘર-પરિવારથી દૂર જઈને લોકોની સેવા કરતા. પછી અચાનક જ મન બદલાઈ જાય તો ઘરે આવી જતાં. છોટુભાઈ મૈસુરિયાએ ૩ વર્ષો સુધી 'નર્મદા પરિક્રમા' પણ કરી. આ તીર્થયાત્રામાં તેમણે નર્મદા નદીની પરિક્રમા પગે ચાલીને જ પૂરી કરી હતી.

એવું પણ નહોતું કે છોટુભાઈ કામ નહોતા કરતા. તેઓ કપડાની એક મિલમાં 'ડાઈંગ માસ્ટર' જેવા ઉંચા હોદ્દા પર હતા. તેઓ બીએસસી પાસ હતા, જે એ જમાનામાં બહુ મોટી વાત ગણાતી. પણ તેમનું મન ચંચળ હતું અને સ્વભાવ એવો કે જે અંગે કોઈ પૂર્વાનુમાન ન લગાવી શકે. 

આ સમય દરમિયાન ડિમ્પલના ભણતરમાં ઘણી અડચણો આવી. ક્યારેક તેમણે તેમના મામાના ઘરે જઈને રહેવું પડતું તો ક્યારેક પોતાના ઘરે જ રહીને ભણવું પડતું.

કોઈ પણ રીતે ઘરપરિવારના કામકાજ અને ડિમ્પલનું ભણતર ચાલતું રહેતું. પરંતુ જ્યારે ડિમ્પલ આઠમા ધોરણમાં હતા, ત્યારે અચાનક જ બધું બદલાઈ ગયું. ઘર-પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. ડિમ્પલના માતા રંજનબહેનની તબિયત અચાનક જ ખરાબ થઇ ગઈ. રંજનબહેન પર ઘર-પરિવારની ઘણી બધી જવાબદારી હતી. પતિની લાંબા સમય સુધીની ગેરહાજરીમાં પણ તેઓ પોતાના બે બાળકો- ડિમ્પલ અને તેમની મોટી બહેન દીપિકાનું પાલનપોષણ કરતાં હતાં. છોટુભાઈ પણ રંજનબહેનના ભરોસે જ ઘર-પરિવાર છોડીને તીર્થ-યાત્રાઓ અને સેવા-કાર્યક્રમોમાં જતા રહેતા. જોકે રંજનબહેનની તબિયત ઘણી જ ખરાબ થઇ ગઈ હતી જેથી સૌના માટે હવે ઘરે હાજર રહેવું જરૂરી બની ગયું હતું. ત્યારબાદ તપાસમાં માલૂમ પડ્યું કે રંજનબહેનને કેન્સર થયું છે. કેન્સરના ઇલાજમાં ઘણો ખર્ચો થઇ ગયો હતો. હાલત એટલી ખરાબ થઇ કે ડિમ્પલ અને તેમના બહેનનું ભણતર વચ્ચેથી જ રોકવું પડ્યું. પિતાને પણ તમામ ધાર્મિક અને સામાજિક કામ રોકીને નોકરી કરવી પડી. દરેક સંભવ પ્રયાસો બાદ પણ રંજનબહેનને તેઓ બચાવી ન શક્યા.

રંજનબહેનની મોતના આઘાતમાંથી બહાર આવવામાં સૌને ઘણો સમય લાગી ગયો. છોટુભાઈને પણ અહેસાસ થઇ ગયો કે હવે તેમણે ઘર-પરિવારની તમામ જવાબદારીઓ ઉપાડવાની હતી. તેમણે પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એ નિર્ણય લઇ લીધો કે તેઓ એવું કોઈ કામ નહીં કરે કે જેથી બાળકોને કોઈ નુકસાન થાય. તેઓ બીએસસી પાસ હતા જેથી તેમણે એક ગુરુકુળ પાઠશાળામાં નોકરી મળી ગઈ. ડિમ્પલને દસમા ધોરણના ભણતર માટે હોસ્ટેલમાં મુકવામાં આવ્યા.

હોસ્ટેલમાં રહેવાનો અને ભણવાનો ફાયદો પણ ડિમ્પલને થયો. તેમને દસમા ધોરણમાં સારા માર્ક્સ આવ્યા. જોકે બાળપણથી જ તેમને ચિત્રકળાનો શોખ હતો, ડિમ્પલે વલસાડ જીલ્લાના અમલસાડના બી.એ.મહેતા કલા મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. ડિમ્પલે ડિપ્લોમા ઇન ફાઈન આર્ટ્સનો કોર્સ પસંદ કર્યો. 

કોલેજ જવા માટે ડિમ્પલે સવારે ખૂબ જલ્દી ઉઠવું પડતું. તેઓ સવારે સાડા પાંચ વાગ્યે જ ઘરેથી નીકળી જતા. અમલસાડ જવા માટે સવારના સમયે ટ્રેન રહેતી. તેથી તેઓ જલ્દી ઉઠી જતા અને તૈયાર થઈને સુરત રેલવે સ્ટેશન જતા રહેતા. અમલસાડથી કોલેજ ૩ કિલોમીટર દૂર હતી, જે તેઓ પગપાળા જ જતા. જે દિવસોમાં ડિમ્પલ પોતાના મામાના ઘરે, ગામડે જતા ત્યારે પણ તેમણે ચાર વાગ્યે ઉઠવું પડતું. તેઓ ગામથી 7 કિલોમીટર દૂર સાઈકલ સવારી કરી સુરત પહોંચતા અને ટ્રેનથી અમલસાડ પહોંચતા. જલ્દી ઉઠીને કોલેજ જવાનું રહેવાથી ઘરે એટલું જલ્દી જમવાનું બનાવવાનું મુશ્કેલ હતું. ડિમ્પલ પોતાની કોલેજમાં સાથીઓ અને મિત્રોના ટીફીનબોક્સમાંથી કંઈ ખાઈ-પી લેતા.

ડિમ્પલને ચિત્રકલાથી એટલો લગાવ હતો કે તેમણે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ કોલેજ જવાનું ન છોડ્યું. ડિમ્પલે જણાવ્યું,

"બાળપણથી જ મને ચિત્રકળાનો શોખ હતો. હું વિવિધ પ્રકારનાં ચિત્રો બનાવતો. કેટલીયે ડ્રોઈંગ સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો. અને એમાં મોટા ભાગે હું પહેલા કે બીજા નંબરે જ આવતો. મને કલા મહાવિદ્યાલયમાંથી ઘણું બધું શીખવા મળ્યું. મારું મન માત્ર ને માત્ર પેઈન્ટીંગમાં જ રહેતું."

બી.એ.મહેતા કલા મહાવિદ્યાલયમાં ચિત્રકારીની ચાવી શીખતા શીખતા જ ડિમ્પલને અહેસાસ થઇ ગયો કે આગળ ચાલીને ભવિષ્યમાં ચિત્રકલા જ તેમનો વ્યવસાય બની ગયો. આજ કારણે તેમણે ચિત્રકલામાં ખૂબ મન લગાવી વિવિધ પાસાઓ શીખવા લાગ્યા.

ડિપ્લોમા કોર્સના છેલ્લા વર્ષ સુધી ડિમ્પલ હંમેશાં પોતાના ક્લાસમાં બીજા નંબર પર આવ્યા. પણ તેમણે મક્કમપણે નિર્ણય કરી લીધો હતો કે છેલ્લા વર્ષમાં કોઈ પણ રીતે પહેલા નંબરે આવવું છે. અને એટલે તેમણે પોતાના સ્વભાવ અને કામકાજની રીતમાં બદલાવ લાવ્યો.

ડિમ્પલે જણાવ્યું,

"શરૂઆતમાં હું ડ્રોઈંગમાં એટલો તેજ નહોતો. મારું કામ સાધારણ હતું. મેં ધીરે ધીરે તેને સુધાર્યું અને આગળ વધ્યો. હું અન્યોની ખૂબ મદદ કરતો. કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓની પણ મદદ કરતો. પરીક્ષા સમયે પણ હું મારું કામ છોડી અન્યોની મદદ કરતો. હું મિત્રોને કહેતો કે કેવું ચિત્ર દોરવાથી તેઓ પાસ થઇ શકશે. મારી મદદથી જ કેટલાંયે લોકો પાસ થયા હતા. પરંતુ ફાઈનલ વર્ષ આવતા મેં નક્કી કરી લીધું કે મારે પહેલા નંબરે આવવું છે. મને અહેસાસ થયો કે અત્યારે નહીં તો ક્યારેય નહીં. મેં મહેનત કરી અને હું પહેલા નંબર પર પાસ થયો."

ખાસ વાત તો આ પણ રહી કે ડિપ્લોમા કોર્સ પૂરો થયો એ પહેલા ડિમ્પલને નોકરી મળી જ જશે તેવો વિશ્વાસ આવી ગયો હતો. જે ગુરુકુળમાં ડિમ્પલના પિતા ભણાવતા હતાં ત્યાંના જ ડ્રોઈંગ માસ્ટર અનિલ યાદવે તેમને ગજાનંદ પુસ્તકાલયમાં નોકરી લગાવવાનો ભરોસો અપાવ્યો હતો.

ડિમ્પલના શબ્દોમાં,

"આ મારી પહેલી નોકરી હતી. ગજાનંદ પુસ્તકાલયમાં મને ઇલસ્ટ્રેશનનું કામ સોંપવામાં આવ્યું. દિવસમાં ત્રણ કલાકનું કામ હતું અને મારો પગાર 1800 રૂપિયા મહીને હતો. હું ઘણો ખુશ થયો."

ગજાનંદ પુસ્તકાલયમાં એ દિવસોમાં પુસ્તકો પણ છપાતા હતા. આજ પુસ્તકો માટે ડિમ્પલને ઇલસ્ટ્રેશનનું કામ મળી ગયું.

ડિમ્પલને નોકરી તો મળી જ અને સાથે કોમ્પ્યુટર પર કામ કરવાનો પણ મોકો મળ્યો હતો. અને આ તો સોનામાં સુગંધ મળે તેવી વાત હતી. ગજાનંદ પુસ્તકાલયમાં કોમ્પ્યુટર હતા પણ કોઈ પણ તેનો ઉપયોગ નહોતું કરતું. કોમ્પ્યુટરમાં ડિમ્પલને નવી તકો અને પોતાનું ભવિષ્ય નજરે ચઢ્યું. મોકો મળતાં જ તેઓ કોમ્પ્યુટર પર પણ કામ કરવા લાગ્યા.

તેમના માટે આ પહેલો અવસર હતો કે ડિમ્પલ કોમ્પ્યુટર કામ કરી રહ્યાં હતા. અને કદાચ ત્યારે જ તેમને આ વાતનો અહેસાસ પણ નહોતો કે કોમ્પ્યુટર જ ચિત્રકલાને એક એવા મુકામ પર પહોંચાડી દેશે જ્યાં તેમનું ખૂબ નામ પણ થશે અને ગરીબી પણ હંમેશાં માટે દૂર થશે. 

ગજાનંદ પુસ્તકાલયમાં માત્ર ૩ કલાકનું જ કામ રહેતું અને ડિમ્પલ પાસે ઘણો સમય બચતો હતો. નવરા બેસી રહેવાનું ડિમ્પલને ઘણું જ ખૂંચતું હતું. તેઓ અન્ય નોકરી પણ કરવા માગતા હતા. આજ દરમિયાન તેમની મુલાકાત તેમના એક સિનીયર- જીગ્નેશ ઝરીવાલાથી થઇ જે એક બિલ્ડરને ત્યાં ગ્લાસ પેઇન્ટિંગનું કામ કરતા હતા. કોલેજના આ સિનીયર ડિમ્પલના મિત્ર પણ હતા. તેમણે ડિમ્પલની મનોદશાને જાણીને તેમને પણ ગ્લાસ પેઇન્ટિંગના કામ પર લગાવી દીધા. હવે ડિમ્પલ દિવસે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ગજાનન પુસ્તકાલયમાં અને પછી 3 થી 6 વાગ્યા સુધી ગ્લાસ પેઇન્ટિંગનું કામ કરવા લાગ્યા. ડિમ્પલના આ મિત્રનો આ બિલ્ડર સાથે ઘણો સારો સંબંધ હતો અને તેથી તેમની પાસે હંમેશાં કામ રહેતું. તેમણે ડિમ્પલને પણ પોતાની સાથે જોડી લીધા જેથી તેમની મદદ પણ થઇ જાય. ડિમ્પલ હવે મકાનોની સજાવટ માટે લગાવવામાં આવતા ગ્લાસ પર પેઇન્ટિંગ કરવા લાગ્યા. અને ધીરે ધીરે તેમના કામના વખાણ થવા લાગ્યા. દિવસો વિતતા ગયા, કામ વધતું ગયું. કામ વધવાનો સીધો મતલબ હતો કમાણી વધવી.

પિતા અને ડિમ્પલ બંને હવે કમાવવા લાગ્યા હતા અને એટલે તેમના ઘરની હાલત પણ સુધરી હતી.

જીવન ફરીથી પાટા પર ચડવા લાગ્યું હતું. અને આ એજ સમય હતો કે જ્યારે ડિમ્પલે સફળતા અને પ્રસિદ્ધિની ગાડીની એવી સ્પીડ પકડી કે પછી તમને રોકાવાનું નામ નથી લીધું.

સૌથી વધુ મહત્ત્વની વાત તો એ પણ છે કે ડિમ્પલના જીવનમાં નવા નવા બદલાવ આવવા લાગ્યા. અલગ અલગ કામ કરવાના મોકા મળતાં ગયા. મોટા મોટા લોકોને મળવાનો તેમજ પોતાની કાબેલિયત અને ચિત્રકલાથી પ્રભાવિત કરવાનો મોકા પણ મળવા લાગ્યા.

જોકે જિંદગીમાં ઘણી વાર વળાંકો પણ આવ્યા. ઘણી રસપ્રદ ઘટનાઓ ઘટી. જીવનમાં ઘણાં નવા પાસાઓ જોડાયા. ચિત્ર બનાવવાની કલા પણ સતત નિખરતી રહી, તેમની કિસ્મતે પણ તેમનો સાથ ન છોડ્યો. 

એક દિવસ જીગ્નેશ ઝરીવાલાએ ડિમ્પલને જણાવ્યું કે તેઓ એનિમેશનનો કોર્સ કરવા બહાર જઈ રહ્યાં છે અને હવેથી ગ્લાસ પેઇન્ટિંગનું તમામ કામ તેમણે જ સાંભળવાનું રહેશે. ડિમ્પલને કામની જરૂરીયાત હતી અને એટલે તેમણે કામની હા પણ પાડી દીધી. ડિમ્પલ માટે હવે ગ્લાસ પેઇન્ટિંગનું કામ ફૂલ ટાઇમ બની ગયું હતું અને તેમનો પગાર પણ વધીને મહીને 10 હજાર થઇ ગયો હતો. બિલ્ડર ડિમ્પલને વધારે કામ કરવા પર વધારાના સમય માટે એક કલાકના 100 રૂપિયા પણ આપવા લાગ્યા હતાં.

ડિમ્પલને ચિત્રકલાથી પ્રેમ તો હતો જ અને હવે આવડતના કારણે તેમની આવક પણ વધી ગઈ હતી. મજાના દિવસો પસાર થવા લાગ્યા. આજ દરમિયાન ડિમ્પલને એક મોટા મકાનમાં ઇન્ટીરીયર ડેકોરેશન તેમજ ગ્લાસ પેઇન્ટિંગનો કોન્ટ્રાકટ મળ્યો. ડિમ્પલે મકાનમાલિકને કોટેશન પણ આપી દીધું. ડિમ્પલને લાગ્યું કે હવે તેમની જિંદગી સેટ થઇ ગઈ છે. તેઓ ઇન્ટીરીયર ડેકોરેશન તેમજ ગ્લાસ પેઇન્ટિંગ કરીને જ પોતાનું જીવન ગુજારશે. પણ તેમણે એ વાતનો આભાસ જ નહોતો કે તેમના જીવનમાં ફરીથી કંઇક નવું અને મોટું થવાનું છે.

એનિમેશનનો કોર્સ પૂરો કર્યા બાદ જીગ્નેશ ઝરીવાલા ડિમ્પલ પાસે પરત ફર્યા. તેમણે ડિમ્પલને જણાવ્યું કે તેમનો એક જૂનો મિત્ર કેરળમાં એક મોટી કંપનીમાં ઉંચા હોદ્દા પર કામ કરી રહ્યો છે અને નોકરી માટે તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે. જીગ્નેશ ઝરીવાલાએ ડિમ્પલને પણ પોતાની સાથે કેરળ જવાનું કહ્યું. જીગ્નેશ એકલા જવા નહોતા માગતા એટલે તેમણે ડિમ્પલને કહ્યું કે ઇન્ટરવ્યૂ બાદ તેઓ કેરળ ફરી લેશે. જીગ્નેશે ડિમ્પલને કામ પર લગાવ્યા હતા અને તેમની લાઈફ સેટ કરી હતી તેથી ડિમ્પલ પોતાને તેમના અહેસાનમંદ માનતા હતા. અને એટલે તેમણે કેરળ જવાનો પ્રસ્તાવ માનવો પડ્યો.

કેરળમાં જે પણ કંઈ થયું તેનાથી ડિમ્પલને એક ઝટકો તો લાગ્યો પણ તેમની જિંદગી એક સામાન્ય ચિત્રકાર અને ગ્લાસ પેઈન્ટરથી વધીને ભારતના સૌથી મોટા કલાકારની બની ગઈ. ડિમ્પલ અને તેમના મિત્ર જીગ્નેશ જેવું વિચારીને કેરળ ગયા હતા તેનાથી બિલકુલ ઉલટું જ ત્યાં થયું. કદાચ ડિમ્પલની કિસ્મત જ તેમને ત્યાં લઈને ગઈ હતી. થયું એવું કે કેરળમાં ડિમ્પલને નોકરી મળી ગઈ અને જ્યારે કે તેમના મિત્ર જીગ્નેશે ખાલી હાથે પરત ફરવું પડ્યું.

જ્યારે ડિમ્પલ અને તેમના મિત્ર કેરળ પહોંચ્યા ત્યારે તેમણે માલૂમ પડ્યું કે 'ટૂન્ઝ એનિમેટર્સ' નામની એક મોટી કંપનીના બેકગ્રાઉન્ડ વિભાગમાં કેટલીક નોકરીઓ ખાલી છે. આજ કંપનીમાં ડિમ્પલના સહપાઠી સમીર ભાવસાર એનિમેટર તરીકે કામ કરતા હતા. સમીર એજ વ્યક્તિ હતી જે ક્લાસમાં પહેલા નંબરે પાસ થતા. અને સમીરે જ જીગ્નેશને કેરળ બોલાવ્યા હતા જેથી તેઓ પોતાની કિસ્મત 'ટૂન્ઝ એનિમેટર્સ'માં અજમાવી શકે. જીગ્નેશ અને સમીરે પોતાના મિત્ર ડિમ્પલને બેકગ્રાઉન્ડ વિભાગમાં નોકરી કરવા માટે ટ્રાય કરવાની સલાહ આપી. આ નોકરી માટે ભારતભરમાંથી લોકો આવ્યા હતા. જોકે ડિમ્પલની જેમ માત્ર ટ્રાય કરનારા ત્યાં ઓછા હતા, કારણ કે ત્યાં આવેલા મોટા ભાગના તે નોકરી મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં હતા. ડિમ્પલે ત્યારે જ 2 કલાકૃતિઓ બનાવી અને આપી. આ કલાકૃતિઓ 'ટૂન્ઝ એનિમેટર્સ'ના લોકોને એટલી પસંદ પડી કે તેમણે ડિમ્પલને તરત જ નોકરી પર રાખવાનો નિર્ણય કર્યો. એકબાજુ જ્યાં ડિમ્પલને ખૂબ જ સરળતાથી નોકરી મળી ગઈ ત્યાં બીજી બાજુ તેમના મિત્ર જીગ્નેશને નોકરી ન મળી. આ ઘટના છે વર્ષ 2000ની.

નિરાશ જીગ્નેશને ગુજરાત પરત ફરવું પડ્યું પરંતુ ડિમ્પલને કેરળમાં નોકરી શું મળી, દક્ષિણ ભારત તેમની સફળતા, પ્રસિદ્ધિ, ધન-દોલત આપનારી જગ્યા બની ગઈ. શરૂઆતમાં પિતા અને બહેને ઘરેથી વધારે દૂર નોકરી કરવા માટે ના પાડી દીધી. પરંતુ ડિમ્પલ તેમને મનાવવામાં સફળ રહ્યાં.

ડિમ્પલનું નામ આવનારા સમયમાં એવું જ શાનદાર રહ્યું. સૌ તેમને લોહ માનવા લાગ્યા. 'ટૂન્ઝ એનિમેટર્સ'માં એક કુશળ કલાકારના રૂપે તેમને બહુ ઓળખ મળી. 'ટૂન્ઝ એનિમેટર્સ'માં કામ કરતા કરતા તેમનું મન 'થ્રી ડી' પર જઈ ઉભું રહ્યું. ડિમ્પલે હવે 'થ્રી ડી' પર કામ શીખવાનું પણ શરૂ કરી દીધું. 'ટૂન્ઝ એનિમેટર્સ'થી ડિમ્પલના જીવનના એક સોનેરી અધ્યાયની શરૂઆત થઇ. ત્યારબાદ તેમને આવી જ મોટી કંપનીઓમાં નોકરી મળતી રહી.

'ટૂન્ઝ એનિમેટર્સ'ના આર્ટ ડાયરેક્ટર ધીમંત વ્યાસના કહેવા પર ડિમ્પલ તેમની સાથે 'ટાટા ઈન્ટરેક્ટિવ' જતા રહ્યાં. ધીમંત વ્યાસ તેજ જાણીતાં કલે એનિમેટર છે જેમણે 'તારે જમીન પર' ફિમમાં પોતાના કામ થકી લાખો લોકોના મન મોહી લીધા. 

'ટાટા ઈન્ટરેક્ટિવ' બાદ ડિમ્પલના જીવનમાં નવો વળાંક આવ્યો જે હતો 'ઇન્ડિયા ગેમ્સ'. 'ઇન્ડિયા ગેમ્સ' થકી ડિમ્પલને ગેમિંગની દુનિયા સાથે જોડાવાનો મોકો મળ્યો. અહીંયા પણ ડિમ્પલની કલા, પ્રતિભા અને કાબેલિયતની ઘણી સરાહના થઇ. તેમણે મોટી મોટી જવાબદારીઓ બખૂબી નિભાવી અને ખૂબ નામના મેળવી.

હવે ડિમ્પલનું મન 'થ્રી ડી' ક્ષેત્રે લાગી ગયું હતું, તેમણે 'ઇન્ડિયા ગેમ્સ'ની નોકરી પણ છોડી દીધી અને 'એફએક્સ લેબ્સ' જતા રહ્યાં. આ પહેલા ડિમ્પલે ક્યારેય 'થ્રી ડી'માં કામ નહોતું કર્યું. પરંતુ જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે તેમની પ્રતિભાથી સૌને ચોંકાવી દીધા. ડિમ્પલે 'એફએક્સ લેબ્સ'માં કામ કરતી વખતે ભારતની સૌ પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર ગેમ 'અગ્નિ' બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી. 'હનુમાન'નામની ગેમ તૈયાર થઇ, જેમાં ડિમ્પલના યોગદાનને ખૂબ સરાહવામાં આવ્યું.

પરંતુ દુનિયામાં આવેલી આર્થિક મંદીના કારણે 'એફએક્સ લેબ્સ' પણ સંકટમાં આવી ગઈ. કંપનીમાં કામ ના બરાબર થઇ ગયું. ડિમ્પલ જુલાઈ 2009માં 'એક્સિગેંટ ગેમ આર્ટ પ્રાઈવેટ લિમિટેડ'નામની કંપનીમાં જોડાયા. 

ડિમ્પલની જિંદગીમાં મોટો બદલાવ ત્યારે આવ્યો જયારે તેમને બહુરાષ્ટ્રીય કંપની 'જિંગા'માં કામ કરવાનો અવસર મળ્યો. 'જિંગા'એ વર્ષ 2010માં ભારતમાં પ્રવેશ લીધો અને ખૂબ ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું. જોકે એનિમેશન, ગેમિંગની દુનિયામાં ડિમ્પલે પોતાની કલા અને પ્રતિભાના બળ પર ઘણી નામના મેળવી લીધી હતી, એના કારણે 'જિંગા'એ તેમની સામે નોકરીનો પ્રસ્તાવ મૂક્યો. પગાર તગડો હતો, કંપની મોટી અને જાણીતી હતી, કામ પણ પસંદનું હતું, જેથી ડિમ્પલે વધુ વિચાર્યા વગર નોકરીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. તેઓ 'જિંગા' માટે ભારતમાં સૌ પહેલા આર્ટીસ્ટ બન્યા. શરૂઆતના દિવસોમાં ડિમ્પલને સન ફ્રાન્સિસ્કોમાં બનાવવામાં આવેલી ગેમ્સને ભારત અનુરૂપ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. ઘણી જ મહેનત માગી લેતા આ કામને ડિમ્પલે પોતાની લગન અને કાબેલિયત થાકી ખૂબ જ સારી અને શાનદાર રીતે પૂર્ણ કર્યું. ડિમ્પલે 'ફીશ વિલે', 'વેમ્પાયર વોર' જેવી ગેમ્સ સિવાય 'યો વિલે' જેવી મોટી ગેમ્સનું પણ ટ્રાન્ઝીશન કર્યું. 

'જિંગા' માટે કામ કરતી વખતે ડિમ્પલને સૌ પ્રથમ વાર વિદેશ જવાનો અવસર મળ્યો. તેમને ટ્રેઈનિંગ માટે કંપનીના મુખ્યાલય સન ફ્રાન્સિસ્કો મોકલવામાં આવ્યા.

ડિમ્પલે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેઓ એક દિવસ દુનિયાની સૌથી વધુ જાણીતી ગેમિંગ કંપનીના મુખ્યાલયમાં મોટા મોટા ટેકનિશિયન પાસેથી શીખશે અને પોતાની કલા દર્શાવીને તેમને પણ પોતાના દીવાના કરી દેશે. અમેરિકામાં વિતાવેલા આ દિવસો તેમના જીવનના સુંદર દિવસો હતા. 

'જિંગા' માં કામ કરતી વખતે જ ડિમ્પલની જીંદગીમાં એક મોટો મુકામ આવ્યો. તેમના કેટલાક સાથીઓએ 'જિંગા' કંપની છોડી દીધી અને પછી કંઇક નવું અને મોટું કરવાનું વિચારી રહ્યાં હતા. આ સાથીઓના વિચાર અને દ્રષ્ટિકોણથી ડિમ્પલ ઘણાં પ્રભાવિત હતા. હવે તે સૌ કોઈ એક જ દિશામાં વિચારી રહ્યાં હતા અને સૌનું એક જેવું જ લક્ષ્ય હતું, સૌ સાથી ભેગા થયા અને નવી કંપની ખોલી. તનય તાયલ, અંકિત જૈન, કુમાર પુષ્પેશ, ઓલિવર જોન્સ અને ડિમ્પલે તેમની આ નવી કંપનીને નામ આપ્યું 'મૂનફ્રોગ'.

'મૂનફ્રોગ' એ જ ભારતીય કંપની છે જે ગેમિંગની દુનિયામાં સફળતાના ઝંડા લહેરાવી રહી છે. 'મૂનફ્રોગ' ખૂબ ઓછા સમયમાં ઘણી પ્રસિદ્ધિ મેળવવામાં સફળ રહી.

'મૂનફ્રોગ' દ્વારા બનાવવામાં આવેલી મોબાઈલ ફોન ગેમ્સ લોકોમાં ઘણી જ લોકપ્રિય છે. પોતાના શરૂઆતના દિવસોમાં વિદેશી બજાર માટે મોબાઈલ ફોન ગેમ્સ બનાવનારી આ કંપની હવે ભારતીય બજાર મારે દેસી ગેમ્સ બનાવી રહી છે. 'તીન પત્તી ગોલ્ડ' ગેમ ઘણી જાણીતી ગેમ છે. 'મૂનફ્રોગ'ની સ્થાપના તેમજ તેના વિકાસમાં ડિમ્પલનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

ડિમ્પલ કહે છે,

"મૂનફ્રોગમાં હું ખૂબ ખુશ છું. અહીં લોકો ઘણાં સારા છે. કામ કરવાની મજા આવે છે. મારા માટે બહુ મોટો અવસર છે- મોટું કામ કરવાનો અને દુનિયાભરમાં નામ કમાવવાનો."

એક સવાલના જવાબમાં ડિમ્પલે કહ્યું,

"હજી પણ ઘણાં સપના છે. હું એક એવી વોટર કલર પેઈન્ટીંગ બનાવવા માગું છું જેને દુનિયાભરના લોકો વખાણે. એક સારા આર્ટીસ્ટ તરીકે દુનિયાભરમાં ઓળખાઉં. કેટલીક એવી પેઈન્ટીંગ્સ બનાવું જેને લોકો મારા મૃત્યુ બાદ પણ યાદ કરે. હું એમ એફ હુસૈન બનવા માગું છું. એવું પણ નથી કે હું ગેમિંગની દુનિયા છોડી દઈશ. હું લોકોને હમેશ માટે યાદ રહી જાય તેવી ગેમ્સ પણ બનાવવા ઈચ્છું છું." 

વાતચીત દરમિયાન ડિમ્પલ તેમની સફળતાનો ઘણો શ્રેય તેમની પત્ની શીતલને આપવામાંથી ન ચૂક્યા. 2005માં તેમના શીતલ સાથે લગ્ન થયા. ડિમ્પલના કહેવા પ્રમાણે, તેમની પત્નીએ હંમેશાં તેમનો સાથ આપ્યો. નોકરીના કારણે ઘણી બદલીઓ થઇ અને તે દરમિયાન પણ શીતલે તેમની ભરપૂર મદદ કરી. પત્નીએ તેમને હંમેશાં પ્રોત્સાહિત કર્યા. આ જ મદદ અને પ્રોત્સાહનના કારણે તેઓ પોતાના કામ પર પૂરતું ધ્યાન આપી શક્યા.

હકીકત એ પણ છે કે આજકાલ મોબાઈલનો જમાનો છે. એક રીતે તો આખી દુનિયા જાણે મોબાઈલમાં સમાઈ ગઈ છે. મોબાઈલ ફોન માણસની જિંદગીનો મહત્ત્વનો ભાગ બની ગયા છે. મોબાઈલ ફોન વિના જિંદગી જીવવાની કલ્પના માત્રથી કેટલાંયે લોકો ગભરાઈ જાય છે. મોબાઈલ ફોનના આ સમયમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રી પણ ઘણી આગળ વધી રહી છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા કેટલાંયે લોકો મનોરંજન માટે મોબાઈલ ફોન પર ગેમ્સ રમે છે. શું મોટા, શું બાળકો, સૌ કોઈ મોબાઈલ ફોન પર ગેમ રમવાના જ છે. એવામાં લોકોના મગજ અને દિલ પર છવાઈ જનાર ગેમ્સ બનાવીને ડિમ્પલ દરરોજ નિતનવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યાં છે.

લેખક- ડૉ.અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર, યોરસ્ટોરી ઇન્ડિયન લેન્ગેવેજીસ

વધુ હકારાત્મક અને સંઘર્ષગાથા વિશે જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

કાલ સુધી બ્રેડ અને ઈંડાં વેચીને જીવન ચલાવતાં આજે એન્જિનિયર બની બાળકોને IAS બનવામાં મદદ કરે છે!

જોબ ઈન્ટરવ્યુમાં પૂરતો સમય ન મળતા અમદાવાદના યુવાને 'વીડિયો CV' બનાવતી કંપની સ્થાપી દીધી!

રેત, ઇંટ અને સિમેન્ટ ઊંચકનાર મજૂર અત્યારે 20 કંપનીઓના માલિક છે!