એક ડ્રાઈવરનો એન્જિનિયર દીકરો આજે ગરીબ બાળકોને મફતમાં અભ્યાસ કરાવે છે!

એક ડ્રાઈવરનો એન્જિનિયર દીકરો આજે ગરીબ બાળકોને મફતમાં અભ્યાસ કરાવે છે!

Saturday April 30, 2016,

5 min Read

આર્થિક તકલીફોના કારણે જેને પોતાનો સ્કૂલનો અભ્યાસ મુશ્કેલી સાથે પૂરો કરવો પડ્યો તે આજે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તે પોતાના સાથીઓનું વર્ષ ન બગડે તે માટે તેમને અભ્યાસ કરાવે છે. આ ક્રમ ચાલતો રહ્યો અને તે અનેક ગરીબ બાળકોને મફતમાં અભ્યાસ કરાવાનું કામ પોતાની સંસ્થા જિજ્ઞાસા એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા કરે છે. અઝીઝ-ઉર-રેહમાન બિહારના ગયા જિલ્લાના હમજાપુર ગામનો રહેવાસી છે. તેના પિતા ડ્રાઈવર છે. રહેમાન બાળપણથી જ અભ્યાસમાં સારો હતો. જ્યારે તે 9મા 10મામાં હતો ત્યાર તેનું પરિણામ જોઈને તેના પિતા અને બે મોટા ભાઈઓએ તેને અભ્યાસ માટે પટના મોકલી દીધો. 12મા ધોરણ બાદ તેની પસંદગી એન્જિનિયરિંગ માટે પૂણે એમઆઈટીમાં થઈ.

image


પૂણે આવીને અઝીઝ-ઉર-રેહમાન પોતાની એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, ત્યારે તેણે જોયું કે તેનો કોઈપણ મિત્ર એકાદ વિષયમાં નબળો હોય તો તેનું આખું વર્ષ ખરાબ થઈ જતું. રેહમાનની ગણિત પર સારી પકડ હતી તેથી તે પોતાની ગણિતમાં નબળા મિત્રોને ભણાવતો હતો. આ કામ તેણે પહેલા બે વર્ષ સુધી ચાલુ રાખ્યું.

image


સમયની સાથે અઝીઝ-ઉર-રેહમાને અનુભવ્યું કે, તે સારી રીતે ભણાવી શકે છે. આ વાત કોલેજ તંત્રને પણ ધ્યાને આવી. આ કારણે તેને એન્જિનિયરિંગની અન્ય કોલેજમાં પણ વિદ્યાર્થીઓને ભણાવવાની તક અને પરવાનગી મળી. તેણે પોતાના અભ્યાસની સાથે અન્ય વિદ્યાર્થીઓને પણ ગણિત ભણાવવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે તેના મનમાં વિચાર આવ્યો કે પોતાના આ કામનો વિસ્તાર કરવામાં આવે અને સ્કૂલમાં ભણતા બાળકોને પણ મદદ કરવામાં આવે. રેહમાન પોતે ગરીબ પરિવારમાંથી આવે છે તેથી તેને ખ્યાલ છે કે ઘણાં ગરીબ બાળકો એવા હોય છે જેમનામાં યોગ્યતા હોય છે પણ પૈસાના અભાવે તે આગળ અભ્યાસ નથી કરી શકતા. તેથી તેણે ગરીબ બાળકોને ભણાવવાનું નક્કી કર્યું. રહેમાન કહે છે,

"દરેક બાળક મારી જેમ સદનસીબ નથી હોતું કારણ કે જો મને મારા બે મોટા ભાઈઓનો સાથ ન મળ્યો હોત તો હું આજે એન્જિનિયરિંગ ન કરતો હોત."

આ રીતે એક દિવસ અઝીઝ જાતે જ એક સરકારી સ્કૂલમાં ગયો અને ત્યાંના પ્રિન્સિપાલને મળીને પોતાની ઈચ્છા જણાવી કે તે બાળકોને કમ્પ્યૂટર શીખવવા માગે છે. તેને પરવાનગી પણ મળી ગઈ. નાના બાળકોને ભણાવવાની તેની ક્ષમતા નહોતી તેથી તેણે એવા વિદ્યાર્થીઓની પણ મદદ લીધી જેમને તેણે પહેલાં અભ્યાસ કરાવ્યો હતો.

image


ત્યારબાદ અઝીઝે વર્ષ 2014માં જિજ્ઞાસા એજ્યુકેશનલ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટનો આશય ગરીબ અને ઝૂંપડામાં રહેતા યોગ્યતા ધરાવતા બાળકોને અભ્યાસમાં મદદ કરવાનો હતો, જેથી આ બાળકો પણ અન્યની જેમ ડૉક્ટર, એન્જિનિયર બની શકે. શરૂઆતમાં તેણે પુનાથી 25 કિમી દૂર આલંદી ગામની બે સ્કૂલ અને કલ્યાણ ગામની એક સ્કૂલને તેના માટે પસંદ કરી. આ બાળકોને તે શનિવાર અને રવિવારે ભણાવતા હતા. તેમાં તે લોકો બાળકોને વિષયોના પુસ્તકો, એસાઈન્મેન્ટ પોતાના તરફથી આપતા હતા.

image


ધીમે ધીમે કોલેજના તમામ વિદ્યાર્થીઓને જાણ થઈ કે રેહમાન જિજ્ઞાસા એજ્યુકેશનલ ટ્રસ્ટ ચલાવે છે. રેહમાન પોતાના કામના વિસ્તાર માટે પોતાની કોલેજના 48 લોકોને પોતાની સાથે જોડી ચૂક્યો છે. આ સાથીઓને તેણે કોલેજ કેમ્પસમાં જ વિદ્યાર્થીઓને ભણાવવાની તાલિમ આપી છે. આ રીતે દર વર્ષે એમઆઈટી કોલેજના નવા વિદ્યાર્થીઓ તેની સાથે જોડાય છે. આજે જિજ્ઞાસા એજ્યુકેશનલ ટ્રસ્ટ સાથે એમઆઈટી અને બીજી કોલેજના 92 વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. આ તમામ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે.

image


જિજ્ઞાસા એજ્યુકેશનલ ટ્રસ્ટ ગરીબ, અનાથ અને દિવ્યાંગ બાળકોને મફતમાં કમ્પ્યૂટર, ગણિત અને અંગ્રેજીની તાલિમ આપે છે. રેહમાન પ્રયાસ કરે છે કે તેના ટ્રસ્ટનું કામ પૂણે ઉપરાંત અન્ય શહેરોમાં પણ પહોંચે, જેથી વધારેમાં વધારે બાળકોને તેનો લાભ મળે. રેહમાનની પ્રયાસોનું જ પરિણામ છે કે પૂણેથી 25 કિમી દૂર આલંદી ગામમાં 40 બાળકો માટે એક સેન્ટર શરૂ થયું છે. દરરોજ સાંજે પાંચ થી સાત તેના વર્ગો ચાલે છે. તેમાં અઝીઝ બાળકોને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત જે બાળકો સ્કૂલ નથી જતા અથવા તો જેમણે અભ્યાસ અધુરો છોડી દીધો છે તેમને ફરીથી સ્કૂલ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

image


આ ટીમ અઠવાડિયામાં એક દિવસ દિવ્યાંગ બાળકોને અને એક દિવસ અન્ય બાળકોને ભણાવે છે. અભ્યાસ સાથે આ બાળકોના કૌશલનો પણ વિકાસ કરવાનો પ્રયાસ થાય છે. તેના માટે તે બાળકોને ગ્રૂપ ડિસ્કશન, ડિબેટ, જનરલ નોલેજની સાથે સ્પોર્ટ્સની પણ તાલિમ આપે છે. રેહમાનની ટીમ આ બાળકો માટે સમયાંતરે વર્કશોપ પણ કરે છે. રેહમાનના કામમાં તેની કોલેજ સાથે અન્ય ત્રણ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે. તાજેતરમાં જ તેમણે પુનાની ગર્લ્સ એન્જિનિયરિંગ કોલેજને પણ આ કામ માટે તેમની સાથે જોડી છે. રેહમાન માને છે કે, વધારેમાં વધારે યુવાનો આ કામમાં તેની સાથે જોડાય કારણ કે તે એકલા હાથે બધું જ નહીં કરી શકે.

image


રહેમાન આ તમામ કામ પોતાની બચત અને મિત્રો દ્વારા મળતા દાન દ્વારા કરે છે. તે માટે જિજ્ઞાસા એજ્યુકેશનલ ટ્રસ્ટના 10 ટ્રસ્ટીઓ દર વર્ષે 1,000 રૂપિયા આપે છે. તે ઉપરાંત જે 25 સક્રિય સભ્યો તેમની સાથે જોડાયેલા છે તેઓ પણ વર્ષે 1,000 રૂપિયા આપે છે. તે ઉપરાંત રેહમાન બીજા વિદ્યાર્થીઓને કોચિંગ આપીને જે કમાય છે તેમાંથી કેટલોક ભાગ આ કામ પાછળ જોડે છે. પોતાની ભવિષ્યની યોજના અંગે તે જણાવે છે કે, નોકરી કરવા દરમિયાન પણ તે અને તેના મિત્રો આ કામ ચાલુ રાખશે જેથી જિજ્ઞાસા એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા વધારેમાં વધારે બાળકોને તાલિમ મળતી રહે.

લેખક- ગીતા બિશ્ત

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

‘મુક્કા માર’ અભિયાન - છેડતી કરનારાઓને પાઠ ભણાવવા છોકરીઓ થઇ સજ્જ

કર્ણાટકમાં શિક્ષકો વિના ચાલતી સ્કૂલ નવો ચીલો ચાતરે છે!

ભણવાના પૈસા પણ ન હતાં તેવામાં આ યુવકે દિવસ-રાત કરી મહેનત, IITમાં કર્યો અભ્યાસ, મેળવી વાર્ષિક રૂ. 1.20 કરોડની નોકરી!