૧૦મું પાસ મિકેનિકના સ્વપ્નોને ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’એ વેગ આપ્યો, સૌથી ઓછા ખર્ચે ચાલતી ઈ-બાઇક તૈયાર કરી

૧૦મું પાસ મિકેનિકના સ્વપ્નોને ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’એ વેગ આપ્યો, સૌથી ઓછા ખર્ચે ચાલતી ઈ-બાઇક તૈયાર કરી

Friday April 08, 2016,

5 min Read

તેવી વ્યક્તિ માટે સફળતા મેળવવાની સંભાવના સૌથી વધારે હોય છે જે પોતાના સ્વપ્નોને હંમેશા જીવંત રાખે છે. કહેવાય છે કે ‘સ્વપ્નોનું મૃત:પ્રાય થવું સૌથી વધારે ખતરનાક હોય છે.’ જેમને પોતાના સ્વપ્નોની દરકાર હોય છે તેઓ હકીકતમાં પોતાના સ્વપ્નોને પૂર્ણ કરવા માટે જીદ કરવા લાગે છે અને તેમની આ જીદ ઝનૂનમાં બદલાઇ જતી હોય છે. અને તમારા સ્વપ્ન જેવા ઝનૂનમાં પરિવર્તિત થાય, તે બાદ લક્ષ્ય પ્રાપ્તિની સંભાવના ઘણી પ્રબળ બની જાય છે. ભીમ સિંહ આવી જ એક વ્યક્તિ છે જેમણે પોતાના સ્વપ્નને સૂતા-જાગતા, ઉઠતા-બેસતાં જીવી જાણ્યું હતું અને તેઓ તેને સાકાર કરીને જ ઝંપ્યા હતા. અને તમે વિશ્વાસ નહીં કરો કે મિકેનિક ભીમ સિંહે એક સામાન્ય બાઇક કરતા પાંચ ગણી ઓછી કિંમતે ચાલતી બાઇક તૈયાર કરી છે.

image


ક્યાંથી અને કઇ રીતે પ્રેરણા મળી?

ભીમ સિંહના પિતા રેલવેમાં ડીઝલ મિકેનિક હતા, તેથી મશીનો પ્રત્યે આકર્ષણ અને રસ તેમને વારસામાં જ મળ્યો હતો. વર્ષ ૧૯૮૮માં ૧૦મું ધોરણ પાસ કર્યા બાદ ભીમ સિંહે મધ્ય પ્રદેશના ઝાબુઆની સરકારી ITI સંસ્થાથી ITIનો અભ્યાસ કર્યો હતો. તેમણે અભ્યાસ બાદ ઘણી જગ્યાએ નોકરી કરી હતી અને છોડી દીધી હતી. ૧૯૯૦માં તેઓ ઇન્દોરના પીથમપુરમાં બજાજ કંપનીમાં જોડાયા. તે દરમિયાન તેમના પિતા સરનામ સિંહ રાજપૂતનું આરોગ્ય કથળ્યું અને તેમને ઘેર પરત ફરવાનો વારો આવ્યો હતો. પણ કંપનીએ તેમને રજા આપવાની મનાઇ કરી દીધી હતી. ભીમ સિંહે યોરસ્ટોરીને જણાવ્યું,

‘‘જ્યારે મેનેજરે રજા આપવાનો ઇન્કાર કર્યો હતો, ત્યારે તે સમયે જ મેં નક્કી કર્યુ હતું કે હવે નોકરી નથી કરવી. નોકરી છોડતી વખતે જ મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હવે હું બીજે ક્યાંય નોકરી નહીં કરૂ. નોકરી છોડવા પર મારા મિત્રોએ તેનો વિરોધ કર્યો હતો, પણ મેં નક્કી કરી લીધુ હતું કે એક દિવસ હું જાતે જ મોટરસાઈકલ બનાવીશ. મારી વાત પર તે સમયે લોકો હસતા હતા. પણ મેં મારા સ્વપ્નને જીવંત રાખ્યુ હતું અને પરિસ્થિતિ અનુકૂળ થતા પોતાના સ્વપ્નોને સાચા સાબિત કરી દેખાડ્યા હતા.’’
image


૨૫ વર્ષ પહેલા જ્યારે ભીમ સિંહે નોકરી છોડી હતી, તે બાદ તેમણે બાઇક અને કાર રિપેરિંગનું એક નાનકડી વર્કશોપ ખોલી. પણ આ સમગ્ર સમય દરમિયાન તેમનું સ્વપ્ન એક પળ માટે પણ તેમની આંખોથી દૂર નહોતું થયું. ત્યારે જ અચાનક તેમના સ્વપ્નોને ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ની હવા લાગી હતી. સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી પ્રેરિત થઇને ભીમ સિંહે એવી ઇલેક્ટ્રિક બાઇક બનાવી દીધી, જેની ચર્ચા હાલ સમગ્ર રાજ્યમાં થઇ રહી છે. જો આ બાઇકનું વ્યવસાયિક ઉત્પાદન સફળ થશે તો પર્યાવરણ પ્રદૂષણ અને ઊર્જા સંકટની ચિંતા કર્યા વિના જ, ખૂબ જ સસ્તી કિંમતે આ બાઇક રોડ પર સરસરાટ દોડવા માટે તૈયાર રહેશે, મધ્યપ્રદેશના રતલામ શહેરના ગાયત્રી મંદિર રોડ પર ગાયત્રી એન્જિનિયરીંગ વર્ક્સ નામે બાઇક અને કાર રિપેરિંગ વર્કશોપ ચલાવતા ૪૭ વર્ષીય મિકેનિક ભીમ સિંહ રાજપૂત પોતાના સ્વપ્નોની બાઇક બનાવવા માટે છેલ્લા છ મહીનાથી દિવસ-રાત લાગેલા છે. તેમનું માનવું છે કે આગામી ત્રણ મહીનામાં તેઓ આ બાઇકને સંપૂર્ણપણે તૈયાર કરી લેશે અને તેને રસ્તા પર ઉતારી દેશે. જોકે, આ પહેલા તેઓ ઘણી વાર આ બાઇકની ટ્રાયલ રન કરી ચૂક્યા છે, પણ વારં-વાર કાંઇ નવું કરવા માટે, બાઇકને અંતિમ રૂપ આપવા માટે હાલ થોડી ધીરજ ધરી રહ્યા છે.

image


બાઇકની વિશેષતા

આ બાઇક સંપૂર્ણપણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણથી મુક્ત ઇલેક્ટ્રિક બાઇક છે. બાઇકને સંપૂર્ણપણે ભીમ સિંહે જાતે જ જરૂરિયાત અનુસાર પોતાની વર્કશોપમાં ડિઝાઇન કરી છે. તેમાં પલ્સરનું એલોય વ્હીલ લગાવવામાં આવ્યું છે. બાઇકમાં ૧૨-૧૨ વોલ્ટની કુલ ૪૮ કિલો વજન ધરાવતી ચાર બેટરીઝ લગાવવામાં આવી છે. બાઇકને ચલાવવા માટે તેમાં જે મોટર લગાવાઇ છે તેનું આરપીએમ ૩૦૦૦ છે. બાઇકનું કુલ વજન ૧૫૦ કિલોગ્રામ છે અને તેની મહત્તમ ઝડપ ૧૨૦ કિમી/કલાક છે. બાઇકની બેટરી એક વાર ફુલ ચાર્જ થઇ જાય તે બાદ તે રોકાયા વિના લગભગ ૩૦૦ કિલોમીટરનું અંતર સરળતાથી કાપી શકશે. બેટરી વિજળીથી ચાર્જ થશે. બેટરી ફુલ ચાર્જ થવામાં લગભગ ૩ કલાકનો સમય લેશે અને તેમાં લગભગ ૬ યુનિટ વિજળી વપરાશે. એટલે કે એક વાર બેટરી ચાર્જ કરવા પાછળ લગભગ ૪૮ રૂપિયાનો ખર્ચ થશે જેમાં તમે ૩૦૦ કિલોમીટરનું અંતર કાપી શકશો. આ બાઇકને રોડ પર ઉતારવામાં લગભગ ૧.૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ રીતે આ બાઇકને ચલાવવાનો ખર્ચ કિલોમીટર દીઠ લગભગ ૧૬ પૈસા આવશે, જ્યારે વર્તમાન સમયમાં બજારમાં ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બાઇકને ચલાવવા માટે હાલ કિલોમીટર દીઠ ૮૫ પૈસાનો ખર્ચ આવે છે. આ દ્રષ્ટિએ ભીમ સિંહની આ બાઇક ઘણી સસ્તી સાબિત થઇ શકે છે.

image


આગળની યોજના શું છે?

ભીમ સિંહ આ બાઇકની સફળ ટ્રાયલ બાદ તેની પેટન્ટ કરાવશે. તે માટે તેમણે અત્યારથી જ પ્રયાસ શરૂ કરી દીધા છે. તેઓ વધુમાં જણાવે છે,

‘‘આ બાઇકનું વ્યવસાયિક ઉત્પાદન ઘણું સસ્તુ થઇ શકે છે. જો તે સફળ થશે તો મોંઘાદાટ પેટ્રોલ અને ડીઝલ પર રાખવો પડતો આધાર સમાપ્ત થઇ જશે. તેનાથી પ્રદૂષણની સમસ્યા પણ નહીં થાય.’’

ભીમ સિંહના જણાવ્યા પ્રમાણે તેઓ એક અન્ય પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યા છે. તે પ્રોજેક્ટ હેઠળ તેઓ સૌર ઊર્જાની મદદથી બાઇક ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇલેક્ટ્રિક બાઇકની સફળતા બાદ તેઓ આ કામમાં તન-મનથી પ્રવૃત થઇ જશે.

ગાડીઓના મોડિફિકેશનનું પણ કામ કરે છે!

ભીમ સિંહના વર્કશોપમાં દરેક પ્રકારની કાર અને બાઇક્સનું રિપેરિંગ કરવામાં આવે છે. ગાડીઓમાં રહેલી મોટામાં મોટી સમસ્યાને પણ તેઓ ગણતરીની પળોમાં દૂર કરી દે છે. તે ઉપરાંત ભીમ સિંહ સમગ્ર રતલામ જિલ્લામાં ગાડીઓને સ્ટાઇલિશ લુક આપવા માટે પણ પંકાયેલા છે. સમાન્ય દેખાતી બાઇકનો લુક બદલીને તેને સ્પોર્ટી બાઇક બનાવવામાં પણ તેમને કુશળતા પ્રાપ્ત છે. આ પહેલા ભીમ સિંહ જીપને પણ મોડિફાય કરતા હતા. ભોપાલ સહિત રાજ્યનાં અન્ય પહાડી વિસ્તારોમાં ચાલતી વિલીસ જીપ બનાવવી પણ તેમના શોખમાં સામેલ હતી. સામાન્ય જીપને તેઓ વિલીસ જીપમાં બદલી નાખતા હતા. જોકે હવે આ જીપનું ચલણ મધ્યપ્રદેશમાં પણ ઘટી રહ્યું છે. તે કારણે તેમણે પોતાનું કામ બદલી નાખ્યુ છે, પરંતુ ગ્રાહક મળવા પર તેઓ અત્યારે પણ જીપ મોડિફિકેશનનું કામ કરી આપે છે.

લેખક- હુસૈન તાબિશ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.

હવે આ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

અભણ છતાં થ્રેશર બનાવી ફોર્બ્સની ટોચના સંશોધકોની યાદીમાં સ્થાન મેળવ્યું

11મું પાસ ખેડૂતની કોઠાસૂઝનો કમાલ, શેરડીની ખેતીમાં લાવ્યા ક્રાંતિકારી પરિવર્તન

ગ્રામ્ય વિસ્તારના અભાવ વચ્ચે પણ સંતોષે સફળતાની નવી કેડી કંડારી