'બેટી ભણાવો' અભિયાનને સફળ બનાવવા દિવસ રાત એક કરતી વડોદરાની નિશિતા

'બેટી ભણાવો' અભિયાનને સફળ બનાવવા દિવસ રાત એક કરતી વડોદરાની નિશિતા

Wednesday January 06, 2016,

2 min Read

આપણાં દેશમાં દીકરીઓને ભણાવવા પર ઘણો ભાર મૂકવામાં આવે છે. અને એમાં પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તે ખૂબ જરૂરી પણ બની ગયું છે. તેવામાં વડોદરાની નિશિતા રાજપૂત છેલ્લા 8 વર્ષોથી સમાજસેવા કરી રહી છે. તે પોતે તો ભણે જ છે પરંતુ સાથે સાથે ઝૂંપડપટ્ટીમાં રહેતી અને ભણવામાં અસમર્થ બાળકીઓને પણ તે પોતાની ઉત્તમ સેવા થકી ભણાવી રહી છે. 

image


નિશિતાને સમાજસેવાની પ્રેરણા તેના જ પિતા ગુલાબ રાજપૂત પાસેથી મળી છે. ગુલાબભાઈ ખુદ ‘હૂંફ ચેરીટેબલ ટ્રસ્ટ’ ચલાવે છે જે થકી અનાથ તેમજ ‘બાળ રિમાન્ડ હોમ’માં રહેતા બાળકો માટે કાર્ય કરે છે. નિશિતા તેના પિતાને આદર્શ માનીને આ કામગીરી કરી રહી છે.

image


વડોદરાની નિશિતા આવી નિઃસહાય તેમજ ભણવા ઈચ્છતી બાળકીઓને આર્થિક રીતે ઘણી જ મદદ કરે છે. નિશિતા અત્યાર સુધી લગભગ 5 હજાર જેટલી બાળકીઓના ભણતરના ખર્ચામાં મદદ કરી ચૂકી છે. નિશિતા બાળકીઓની સ્કૂલ ફી, સ્કૂલનો ગણવેશ તેમજ અન્ય જરૂરી શિક્ષણને લગતી ચીજો માટે આર્થિક મદદ કરી રહી છે. 

નિશિતા પોતે અભ્યાસની સાથે સાથે આ ભગીરથ કાર્ય કરી રહી છે. તેણે હ્યુમન રીસોર્સીસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યા બાદ હાલ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીમાંથી કોર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટીઝમાં અનુસ્નાતકનું શિક્ષણ લઇ રહી છે. નિશિતાની આવી મદદે વાલીઓમાં પણ બાળકીઓના ભણતર માટે એક અલગ જ ઉત્સાહ જગાવ્યો છે. નિશિતા સ્લમ વિસ્તાર રહેતા અને મજૂરીકામ કરી જીવન ગુજારતા પરીવારોની બાળકીઓના ભણતર માટે દાતાઓ પાસેથી દાન મેળવી આવી તેમની મદદ કરી રહી છે. નિશિતા દરેક દાતા પાસેથી રૂપિયા 1000નો ચેક સ્વીકારે છે અને તે સીધા જે તે બાળકીના એકાઉન્ટમાં કે પછી સ્કૂલના એકાઉન્ટમાં જમા કરે છે. નિશિતા કહે છે,

“ગયા વર્ષે મારું લક્ષ્ય 1100 બાળકીઓનું હતું જેની રકમ 11લાખ જેટલી થતી હતી જેની સામે મેં 1500 બાળકીઓને ભણાવી. જ્યારે હવે નવા વર્ષે મારું લક્ષ્ય 5100 બાળકીઓને ભણાવવાનું છે જેની કૂલ રકમ રૂપિયા 51લાખ જેટલી થાય છે.”
image


નિશિતા આ દાન પણ માત્ર ચેકથી જ સ્વીકારે છે જેથી કોઈપણ જગ્યાએ ભ્રષ્ટાચાર ન થાય અને દાતાઓ દ્વારા આપવામાં આવેલ દાનમાં પારદર્શિતા જળવાઈ રહે. સાથે સાથે તે દાતાએ જે રકમ દાનમાં આપી છે તે કઈ બાળકીના અભ્યાસ પાછળ ખર્ચ થઇ છે તેની સંપૂર્ણ વિગત દાતા સુધી પહોંચાડે છે.

નિશિતા હાલ ધોરણ 2થી 12 સુધીના ધોરણમાં અભ્યાસ કરતી બાળકીઓને મદદ કરી જ રહી છે અને આગામી સમયમાં કોલેજની વિદ્યાર્થીનીઓને પણ મદદ કરવા માટે મહિલાઓ માટેનું ગૃપ ‘મા ચેરીટેબલ ટ્રસ્ટ’ પણ શરૂ કરવાનું વિચારી રહી છે.

નિશિતાનો સંપર્ક કરવા ક્લિક કરો : નિશિતા રાજપૂત