એક સમયે પૈસા માટે કચરાં-પોતાં કરનાર આજે અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે!

એક સમયે પૈસા માટે કચરાં-પોતાં કરનાર આજે અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે!

Wednesday March 30, 2016,

5 min Read

સામાન્ય રીતે લોકો પોતાની પીડા અને મુશ્કેલીઓમાંથી બહાર આવ્યા બાદ તેવી જ પીડાનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવાના બદલે તેમના પર નજર સુદ્ધાં નાખતા નથી. બીજી તરફ સમાજમાં એવા પણ લોકો છે જે બીજાના સુખમાં પોતાનું સુખ શોધતા હોય છે અને બીજાના દુઃખમાં પોતાનું દુઃખ જુએ છે. તેઓ બીજાની તકલીફોને અનુભવીને તેને દૂર કરવા પ્રયાસ કરે છે. આ વાત છે એ ઈન્દુમતિ તાઈની જેમણે પોતાની જિંદગીમાં મુફલિસી અને આર્થિક તંગીને ખૂબ જ નજીકથી જોયા છે, પણ તેમાંથી બહાર આવ્યા પછી તેઓ પોતાના ભૂતકાળને ભૂલવાના બદલે હંમેશા તેને જીવતો રાખે છે. તે પોતાના વિસ્તારની આવી જ મહિલાઓને મદદ કરે છે જેમને કોઈ આર્થિક સંકડામણ હોય. તેઓ આવી મહિલાઓને ઘરેલુ કામ અપવવાની સાથે સાથે તેમને આત્મનિર્ભર બનાવવા માટે નાના મોટા ઉદ્યમ કરવા પણ પ્રેરિત કરે છે. તેમના પ્રયાસોના કારણે જ આજે અનેક મહિલાઓનું જીવન સુખમય અને સરળ બની ગયું છે.

ભોપાલના દશહરા મેદાન પાસે વાણગંગા વિસ્તારમાં 65 વર્ષીય ઈન્દુમતિ તાઈ રહે છે. તેમની આસપાસ ઘણી ઝૂંપડપટ્ટી છે જ્યાં હજારોની સંખ્યામાં રોજમદાર મજૂરો રહે છે. અહીંયા પુરુષો મજૂરીએ જાય છે અને મહિલાઓ આસપાસના વિસ્તારોના ઘરમાં કામકાજ માટે જાય છે. પુરુષોને જ્યારે ઘણા દિવસો સુધી કામ નથી મળતું ત્યારે આ મહિલાઓ જ ઘર ચલાવે છે. પૈસાની તંગીના કારણે તેમનું જીવન ખૂબ જ કપરું થઈ જાય છે. ઘરમાં કોઈ મોટું કામ કરવા માટે ન તો બેંક લોન આપે છે ન તો સાહુકાર વ્યાજે પૈસા આપે છે. સાહુકારો તેમને પૈસા આપે તો તેનું વ્યાજ ચૂકવવાનું તેમના માટે મુશ્કેલ બની જાય છે. આવા સમયે ઝૂંપડાવાસીઓની મદદે માત્ર ઈન્દુમતિ તાઈ જ આવે છે.

image


માઈક્રો ફાઈનાન્સ દ્વારા મળે છે વ્યાજ વગરની લોન

ઈન્દુમતિ તાઈ માઈક્રો ફાઈનાન્સ દ્વારા સ્વસહાયતા જૂથ ચલાવે છે. તેમના જૂથમાં લગભગ 200 મહિલાઓ જોડાયેલી છે. મહિલાઓ પોતાની નાની નાની બચત તાઈ પાસે જમા કરાવે છે. આ જમાપૂંજી દ્વારા તેમાંથી જેને મદદની જરૂર હોય તેને વગર વ્યાજની લોન આપવામાં આવે છે. આ પૈસાની મદદથી મહિલાઓ ઘરમાં જ નાનો-મોટો વ્યવસાય કરે છે. ભોપાલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરનારા અને કામકાજી લોકો માટે ઘણી મહિલાઓ ટિફિન સર્વિસ ચલાવે છે. માઈક્રો ફાઈનાન્સાથી લોન લઈને ઘણી મહિલાઓ અત્યાર સુધીમાં આત્મનિર્ભર બની ગઈ છે. તેમના ઘરની હાલત પણ સુધરી ગઈ છે. તેમના બાળકો હવે સ્કૂલમાં અભ્યાસ માટે જાય છે. પૈસાની તંગીના કારણે ઘરમાં ઝઘડા પણ નથી થતાં. તેમના જીવનમાં ખુશીઓ આવી ગઈ છે.

image


જરૂરીયાતવાળાને કામ અપાવે છે

મોટા શહેરોમાં જ્યાં ઘરના કામકાજ માટે માણસો રાખવા માટે મોટી પ્લેસમેન્ટ એજન્સીઓ હોય છે જે કમિશન લઈને કામ કરે છે, ત્યાં ઈન્દુમતિ તાઈ આ કામ જરૂરિયાતવાળા લોકોની જરૂરિયાત પૂરી કરવાના ઈચ્છાથી કરે છે. તેમની પાસે તે વિસ્તારની તમામ મહિલાઓની જરૂરિયાતોની જાણકારી હોય છે જેને કામની શોધ હોય છે. વિસ્તારના મકાનો અને ફ્લેટમાં રહેનારા લોકો પણ ઈન્દુમતિ તાઈના કહેવાથી ઘરના કામકાજ માટે મહિલાઓ રાખે છે જેથી તે વિશ્વાસુ હોય. તે ઉપરાંત લગ્નો અને અન્ય કાર્યક્રમોમાં મહિલાઓની સેવા પણ પહોંચાડવામાં આવી છે. ઈન્દુમતિ તાઈ આ તમામ બાબતોનું યોગ્ય રીતે સંચાલન કરે છે.

આ રીતે થઈ કામની શરૂઆત...

આ વાત લગભગ એક દાયકા જૂની છે. પાસેની ઝૂંપડપટ્ટીમાંથી બે મહિલાઓ ઈન્દુમતિ પાસે ઉધારે પૈસા લેવા માટે આવી હતી. એક મહિલાને પાપડ બનાવવાનો વ્યવસાય કરવો હતો અને બીજીને પોતાના બાળકોની સ્કૂલની ફી ભરવી હતી. આ મહિલાઓને તેમના પરિચિતોએ પૈસા આપવાની ના પાડી હતી. ઈન્દુમતિએ તાત્કાલિક તેમની મદદ કરીને તેમની જરૂરિયાત પૂરી કરી અને તે જ વખતથી તેમની સમસ્યાઓના કાયમી નિકાલ માટે પણ વિચારવા લાગી. પહેલાં તો મહિલાઓએ તેમની બચતના પૈસા તેમની પાસે રોકવાની મનાઈ કરી. ઘણી સમજાવટ પછી કેટલીક મહિલાઓ સ્વસહાયતા જૂથમાં જોડાઈ અને પૈસા જમા કરાવવા લાગી. તેમને તેનાથી ફાયદો થવા લાગ્યો તે તેમની આસપાસની મહિલાઓને પણ તેઓ જોડતી ગઈ અને સમૂહ મોટું થતું ગયું. આજે આ જૂથમાં લગભગ 200 મહિલાઓ છે. આ જૂથનું વર્ષે લાખો રૂપિયાનું ટર્નઓવર છે.

જૂથની મહિલાઓ સાથે છે પીડાનો સંબંધ

ઈન્દુમતિ તાઈ આજે પોતાના વિસ્તારની ઘણી મહિલાઓ માટે તાઈ તો ઘણા માટે મોટી બહેન સમાન છે. અન્ય પ્રત્યેના કરુણામય વ્યવહારના કારણે તેમને આજે આ સ્થાન મળેલું છે. તેઓ ગમે તેના દુઃખને પોતાનું કરી લે છે, કારણકે તેમને જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તે જણાવે છે,

"આ મહિલાઓ સાથે મારે પીડાનો સંબંધ છે. તેઓ જે મુશ્કેલી અને અભાવમાંથી પસાર થાય છે તેને ક્યારેક મેં પણ અનુભવી છે. તેના કારણે જ હું તેમની પીડાને વધારે સારી રીતે સમજી શકું છું. તેમની સમસ્યાઓ મને મારી પોતાની જ લાગે છે."
image


પોતાની પરિસ્થિતિના કારણે બીજાને આત્મનિર્ભર કરવાની પ્રેરણા મળી

ઈન્દુમતિના લગ્ન માત્ર 13 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. તેઓ ઘરના સૌથી મોટા પુત્રવધુ હતા. પતિ સુરેશ પટેલ પાસે કોઈ યોગ્ય નોકરી કે રોજગાર હતા નહીં. તેમના માથે પોતાના સંતાનો ઉપરાંત ચાર નાના દિયરોના ભરણપોષણની પણ જવાબદારી હતી. પરિસ્થિતિ સામે નમતુ જોખવાના બદલે ઈન્દુમતિએ લોકોના ઘરમાં કચરાં-પોતા કરવાનું અને જમવાનું બનાવવાનું શરૂ કર્યું. દિયરો અને સંતાનોને ભણાવીને પગભર કર્યા. આજે તેમની પાસે ઘર અને સન્માનજનક નોકરીઓ છે. વર્ષ 2005માં તેમની જીવનમાં ફરી એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. તે ગંભીર રીતે બિમાર પડી ગયા. ડૉક્ટરોએ ઈલાજ માટે લાખો રૂપિયાનો ખર્ચ જણાવ્યો. આટલા પૈસા ભેગા કરવા તેમના ગજા બહાર હતા. તેમણે ઘણા સંબંધીઓ પાસે ઉધાર માગ્યા પણ લોકોએ હાથ અધ્ધર કરી દીધા. તેમણે મજબૂરીમાં પોતાનો ફ્લેટ વેચવો પડ્યો. આ ઘટનાએ ઈન્દુમતિને સામાન્ય મહિલામાંથી વિશેષ બનાવી દીધા.

image


જિંદગીને વધારે સાહસથી જીવવાનું શીખવી દીધું. વિપરિત સ્થિતિનો સામનો કરવો અને આગળ વધાવાનું શીખવી દીધું. બીજા પ્રત્યે તેમની સહાનુભૂતિ સમાનુભૂતિમાં બદલાઈ ગઈ. તેમનો વિચારવાનો દ્રષ્ટિકોણ સાવ બદલાઈ ગયો. તેમણે સ્વીકારી લીધું હતું કે, વ્યક્તિ સૌથી નબળી અને લાચાર ત્યારે જ હોય છે જ્યારે તેની પાસે પૈસા નથી હોતા. ત્યારબાદ તેમણે પોતાની સાથે અન્ય લોકોને પણ સંકટમાંથી બહાર લાવવાનો સંકલ્પ કર્યો. તેનું પરિણામ આજે સમગ્ર સમાજ સામે છે.

લેખક- હુસૈન તબિશ

અનુવાદક- એકતા રવિ ભટ્ટ