માંદગીને કારણે નોકરી ગઇ પણ હિંમત હાર્યા વગર ઝઝૂમ્યા, આજે પૂરી પાડે છે અનેક લોકોને રોજગારી!

ઇકો ટૂરિઝમના માધ્યમે દ્વારા લોકોને રોજગાર પૂરો પાડે છે આ સોફ્ટવેર એન્જિનિયર!

માંદગીને કારણે નોકરી ગઇ પણ હિંમત હાર્યા વગર ઝઝૂમ્યા, આજે પૂરી પાડે છે અનેક લોકોને રોજગારી!

Tuesday March 15, 2016,

3 min Read

સામાન્યત: એવું કહેવાય છે કે સૌથી મજબૂત માણસ એ હોય છે જે કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ અડગ રહે. તમે જ કહો જ્યારે તમને નોકરીની સૌથી વધુ જરૂરીયાત હોય એજ સમયે તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો કેવી હાલત થાય. પરંતુ જો તમે સંયમ રાખીને પરિસ્થિતિઓનો સામનો કરો તો ભવિષ્યમાં આના સારા પરિણામ આવે જ છે. 

આ સાચી વાત એક એવી વ્યક્તિની છે જેને ડાબા પગની તકલીફને કારણે નોકરી છોડી દેવા કહી દેવાયું. શરીરમાં કોઇ બીમારી હોય અને ત્યારે જ તમને નોકરી છોડવા માટે દબાણ આપવામાં આવે તો આના કરતા મોટી સમયની માર કઇ હોઇ શકે! પરંતુ હિમાંશુ કાલિયા તો જુદી જ માટીના બનેલા હતા, તેમણે એક એવી શરૂઆત કરી કે અન્યો માટે પણ તેઓએ રોજગારીના અવસર ઉભા કર્યા.

image


તેમના પ્રયાસો થકી આદિવાસીઓને નોકરી મળી. તેમના ઉદ્યમને કારણે ઉત્તર પ્રદેશના બહરાઇચના કતર્નિયા ઘાટને ઉત્તર પ્રદેશ સરકારે પ્રર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેના હિમાંશુ કાલિયાના રોડમેપને મંજૂરી આપી દીધી.

હિમાંશુ કાલિયા એક સોફ્ટવેર એન્જિનિયર છે તેઓએ વર્ષ 2007માં ભોપાલથી બીટેકની પદવી મેળવી હતી. ત્યારબાદ તેઓએ નોએડાની એક ફર્મમાં 4 વર્ષ સુધી નોકરી કરી. દરમિયાન તેમને પગમાં તકલીફ પડવાને કારણે એક સર્જરી કરાવવી પડી અને સર્જરીના 6 મહિના પછી તેઓ પથારીવશ થઇ ગયા. તેમને નોકરી છોડવી પડી, પગની તકલીફ ઠીક થયા પછી તેઓ થોડા સમય માટે ગુડગાવની એક કંપનીમાં નોકરી કરી, ત્યારબાદ વર્ષ 2011માં તેઓ એન્ટરપ્રેન્યોરશીપ મેનેજમેન્ટમાં એમબીએ કરવા માટે તેઓ જમશેદપુર જતા રહ્યા.

image


યોરસ્ટોરી સાથે વાત કરતા હિમાંશુ જણાવે છે,

"અચાનક મારા પિતાનું મૃત્યુ થઇ જવાને કારણે હું મારા વતન પરત ફર્યો, થોડા સમય સુધી મેં અમારો ટ્રાન્સપોર્ટનો ધંધો પણ સંભાળ્યો. પણ મને કઇંક જુદુ જ કરવું હતું. જોકે મારે શું કરવું છે એ અંગે હું હજુ કશું જ જાણતો નહોતો. એક દિવસ હું બહરાઇચના કતર્નિયા ઘાટ પર નદીના કાંઠે ફરી રહ્યો હતો ત્યારે ત્યાંનું કુદરતી સૌંદર્ય મારા હૃદયમાં વસી ગયું. મેં જોયું કે નદીને કાંઠે, જંગલની વચ્ચે માટી અને બામ્બૂથી બનેલા ઝૂંપડા છે. ત્યારે મને વિચાર આવ્યો કે આ વિસ્તારમાં ઇકો-ટૂરિઝમની શરૂઆત થવી જોઈએ."


image


તેમણે વર્ષ 2012માં જ્યારે આ પ્રોજેક્ટ પર કામ કરવાની શરૂઆત કરી ત્યારે સૌથી મોટી સમસ્યા હતી જમીનની, તેમની પાસે જમીન નહોતી. તેઓએ રાજ્ય સરકાર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને નાબાર્ડની સામે ઘણી વખત પ્રેઝેન્ટેશન રજૂ કર્યા પણ કોઇ જાતની મદદ ન મળી.

ત્યારબાદ તેઓ એક વર્ષ સુધી ભવાનીપુર ગામમાં રહ્યા. જ્યાં સ્થનિકોની મદદથી તેમને જમીન મળી અને હિમાંશુએ એક ઝૂંપડી બનાવી. શરૂઆતમાં ઓછા પ્રવાસીઓ આવતા હતા પણ ધીમે ધીમે વિસ્તાર મોટો થતો ગયો અને દેશ વિદેશથી પ્રવાસીઓ અહીં ફરવા માટે આવવા લાગ્યા.

હિમાંશુ કહે છે,

"બહરાઇચમાં થારૂ જનજાતિના લોકો રહે છે, આ પ્રજાતિના લાકો આજે પણ પ્રકૃતિની ખૂબ નજીક છે. તેઓ પોતાના ઘરને કુદરતી અને પરંપરાગત રીતે શણગારે છે. અહીંના લોકો બામ્બૂનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર વસ્તુઓ બનાવે છે જે અહીં આવતા પ્રર્યટકોને ખૂબ ગમે છે."
image


હિમાંશુના ઇકો ટૂરિઝમને કારણે ભવાનીપુર વિસ્તાર ઉપરાંત આમ્બા, બર્દિયા, બિશનાપુર અને ફરીકપુર જેવા કેટલાક ગામના લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગાર મળે છે. હિમાંશુના જણાવ્યા પ્રમાણે અહીંના લોકો ગાઇડ તરીકે કામ કરે છે તો કોઇ પોતાના વાહનમાં ટુરિસ્ટને ફરવા લઇ જાય છે. હિમાંશુના મડ હાટની પાસે કેટલીક દુકાનો પણ ખુલી ગઇ છે જ્યાં પર્યટકો શોપિંગ કરતા હોય છે.

image


આ કામમાં આવતા પડકારો અંગે વાત કરતા હિમાંશુ કહે છે,

"અહીં દર વર્ષે પૂર આવે છે જેના કારણે માટીના ઝૂંપડા દર વર્ષે તણાઇ જાય છે જેથી દર વર્ષે નવા બનાવવાની ફરજ પડે છે."

હિમાંશુના પ્રયત્નો સફળ થયા છે. વન વિભાગના અધિકારીઓએ આ વિસ્તારના પ્રગતિ અને વિકાસ માટે એક પ્રપોઝલ બનાવીને સરકારને મોકલી છે જેના પર નજીકના ભવિષ્યમાં કામ શરૂ થવાની પૂરેપૂરી સંભાવના છે.

લેખક- હરીશ

અનુવાદક- શેફાલી કે. કેલર