મહિલા ઉદ્યોગસાહસિકો માટે સફળતા મેળવવાના 10 રહસ્યો

મહિલા ઉદ્યોગસાહસિકો માટે સફળતા મેળવવાના 10 રહસ્યો

Friday January 29, 2016,

5 min Read

ઉદ્યાગસાહસિક બનવા નેટવર્કિંગ, કામની વહેંચણી જેવા ગુણો કેળવવા ખૂબ જરૂરી છે!

ઉદ્યોગસાહસિક બનવું નાનીમાનો ખેલ નથી. જો તમે ઉદ્યોગસાહસિક બનવા માગો છો તો તમારા જિગરમાં અનિશ્ચિતતાનો સામનો કરવાનું સાહસ હોવું જોઈએ અને સાથે સાથે જોખમ ખેડવાની હિંમત હોવી જોઈએ. આ કારણે જ આપણે બહુ ઓછા લોકોને ઉદ્યોગસાહસિક બનવાનું સાહસ કરતાં જોઈએ છીએ અને જે લોકો સાહસ કરે છે તેમાંથી પણ ગણ્યાંગાંઠ્યાં લોકોને સફળતા મળે છે. તેમાં પણ મહિલા ઉદ્યોગાસાહસિકતાની વાત આવે ત્યારે આપણને આંગળીના વેઢે ગણી શકાય તેટલાં નામ યાદ આવે. સામાન્ય રીતે મહિલાઓ જોખમ ખેડવાનું પસંદ કરતી નથી. તેમ છતાં જ્યારે મહિલાઓએ બિઝનેસમાં ઝંપલાવ્યું છે, ત્યારે તેમણે સફળતાની નવી ગાથા લખી છે. કિરણ મઝુમદાર શૉ, સિમોન ટાટા, એકતા કપૂર અને મંજુ ભાટિયાના ઉદાહરણ આપણી નજર સામે છે.

કોઈ પણ વ્યક્તિએ સફળ ઉદ્યોગસાહસિક બનવા કેટલીક કુશળતા કેળવવાની જરૂર છે. મહિલા ઉદ્યોગસાહસિક તરીકે સફળતા મેળવવા તમારામાં નીચે જણાવેલી 10 કુશળતા હોવી જરૂરી છેઃ

image


નેટવર્કિંગઃ તમારે સફળ ઉદ્યોગસાહસિક બનવા સૌપ્રથમ તમારી નેટવર્કિંગ કુશળતા વિકસાવવી જરૂરી છે. તમે લોકોને હળશો મળશો અને સંપર્ક વધારશો તો કશું મેળવશો. તેમાં તમારે ગુમાવવાનું કશું નથી. પાંચ સારાં સંપર્ક તમારા બિઝનેસને વધારવામાં મદદરૂપ થશે. કહેવાય છે કે ફરે એ ચરે. તેનો અર્થ એ છે કે તમે બજારમાં ફરશો અને વધુ લોકોને મળશો તો તમને તમારો બિઝનેસ વધારવા માટેની વધારે તક મળશે. સમાજમાં શાખ ધરાવતા અને સુસ્થાપિત લોકો સાથે સારા સંબંધ કેળવો. આ પ્રકારના લોકોનો પરિચય કેળવવા તમારા મિત્રોની મદદ લો, કોન્ફરન્સ અને વર્કશોપમાં ભાગ લો. તેમાં તમને તમારી જેવી વિચારસરણી ધરાવતા લોકો મળશે. બિઝનેસ કરવાની પાયાની જરૂરિયાત નેટવર્કિંગ છે.

કામની વહેંચણીઃ સફળ બિઝનેસમેનની એક મહત્ત્વપૂર્ણ ખાસિયત કામની વહેંચણી છે. તમારે તમારા રોજિંદા જીવનમાં કામની વહેંચણી કરવાની કળા કેળવવી પડે છે. તમે એકલા હાથે કામ કરીને કંપની ચલાવી ન શકો. તમારે લોકોમાં વિશ્વાસ મૂકવો પડશે અને તમારું જે સ્વપ્ન છે તે તમારા કર્મચારીઓ સાથે વહેંચવું પડશે. તમારે લોકોને પ્રેરિત કરવા જોઈએ અને સંસ્થા કે કંપનીને મહત્તમ લાભ થાય તે માટે તમારા લક્ષ્યાંકો હાંસલ કરવા જોઈએ. આ માટે તમારે વ્યક્તિની ક્ષમતાને પારખીને તેને અનુરૂપ કામ સુપરત કરવાની કળા વિકસાવવી પડશે.

નાની બાબતોથી વિચલિત ન થાવઃ તમે બિઝનેસ કરશો તો ચઢાવઉતાર રહેવાના છે એ તમારે સમજવું પડશે. ઘણી વખત તમે ધારો છો તેવું પરિણામ મળતું નથી. પણ તેનો અર્થ એ નથી કે નાની નાની નિષ્ફળતાથી તમારે ગભરાઈ જવું અને વિચલિત થઈ જવું. તમારે આવી સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ અને માનસિક રીતે મજબૂત થવું જોઈએ. ગમે તેવી સ્થિતિનો સામનો કરવાની તમારી તૈયારી હશે તો જ તમને સફળતા મળશે. નાની નાની બાબતોથી ગભરાઈ જાય તેવા લોકોને સફળતા મળતી નથી. બીજા લોકો શું કહેશે તેનો વિચાર કરશો તો મૂંઝાઈ જશો અને કશું કરવાનું સાહસ નહીં કરી શકો.

વેચાણઃ આ કળા પુરુષ કે સ્ત્રી કોઈ પણ ઉદ્યોગસાહસિકે વિકસાવવાની જરૂર છે. પણ કેટલીક મહિલા ઉદ્યોગસાહસિકો આ કુશળતા સંપાદિત કરવાનો ભાગ્યે જ પ્રયાસ કરે છે, કારણ કે તેઓ શરમ અને સંકોચ અનુભવે છે. જ્યારે બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા માટે માર્કેટિંગ મહત્ત્વપૂર્ણ છે, ત્યારે વેચાણ બિઝનેસને વધારશે અને તમને કમાણી કરવામાં મદદ કરશે. મોટા ભાગના સફળ ઉદ્યોગસાહસિકો સારાં સેલ્સમેન હતા.

કમ્યુનિકેશનઃ જો તમે સારી રીતે કમ્યુનિકેશન નહીં કરી શકો, તો તમે સારું નેટવર્ક ઊભું નહીં કરી શકો. એટલે સારી કમ્યુનિકેશન કળા વિકસાવવા મહેનત કરો. ઉદ્યોગસાહસિક તરીકે તમારી કમ્યુનિકેશનની કળા દરેક સ્થિતિમાં તમને મદદ કરશે. તમે ક્લાયન્ટ, સંભવિત ગ્રાહકો અને તમારા કર્મચારીઓ સાથે જે રીતે કમ્યુનિકેટ કરો તે તમારા વિશે ઘણું બધું જણાવે છે. તમારે કર્મચારીઓમાં વફાદારી ઊભી કરવાની જરૂર છે અને આ માટે સારી રીતે કમ્યુનિકેશન કરવું પડશે. તમારા કર્મચારીઓ તમારામાંથી પ્રેરણા મેળવે તેવું આકર્ષક વ્યક્તિત્વ કેળવો. તમે તમારો વિચાર સારી રીતે રજૂ કરી શકશો તો જ રોકાણકારો પ્રભાવિત થશે.

વાતચીતઃ આ પણ એક મહત્ત્વપૂર્ણ કળા છે, જેની તમારે ઉદ્યોગસાહસિક તરીકે દરેક સ્તરે જરૂર પડશે. તમારે ગ્રાહકો, કર્મચારીઓ, રોકાણકારો કે વિક્રેતાઓ સાથે કામ પાર પાડવા સારી રીતે વાતચીત કરવી પડશે. તમારે વિક્રેતાઓ સાથે ઓછી કિંમત માટે કેવી રીતે વાત કરવી, ગ્રાહકો સાથે ઊંચી કિંમત માટે કેવી રીતે રજૂઆત કરવી અને રોકાણકારો પાસેથી વધુ સારું રોકાણ મેળવવા કેવી રીતે તમારા વિચારો રજૂ કરવા વગેરે બાબતોથી તમે વાકેફ હોવા જોઈએ. જો તમે આ કળા ન ધરાવતા હોય, તો તમારે તેને કેળવવી પડશે.

બજારનો અભ્યાસઃ ઉદ્યોગસાહસિક તરીકે તમારે બજારનો અભ્યાસ કરવા પડશે. આ અભ્યાસ તમને કોઈ ખાસ ઉદ્યોગ વિશે મહત્ત્વપૂર્ણ માહિતી આપશે, જેનો ઉપયોગ કરીને તમને તમારા વ્યવસાયની યોજના બનાવવામાં મદદ મળશે. તમારે જે તે ઉદ્યોગના પ્રવાહોને ઓળખવા અને સ્પર્ધાત્મક વાતાવરણને જાણવા તેના બજારનું સંશોધન કરવું પડશે. વળી જે તે ઉદ્યોગના ગ્રાહકો વિશેની વિવિધ જાણકારી પણ મેળવવી પડશે.

વ્યાવસાયિક યોજના તૈયાર કરવીઃ જ્યારે તમે ઉદ્યોગસાહસિક બનો, ત્યારે તમારે વ્યાવસાયિક યોજના તૈયાર કરવી જોઈએ. તેનાથી રોકાણકારો સમક્ષ બે વાત રજૂ થશેઃ એક, તમે તમારા વ્યવસાયને લઈને કેટલાં સ્પષ્ટ છો. અને બે, તમારી વૃદ્ધિની યોજના. આ બંને બાબત તમારી ક્ષમતામાં રોકાણકારોનો વિશ્વાસ વધારશે. એટલું જ નહીં તમે ભવિષ્યના ચઢાવઉતાર માટે પણ તૈયાર રહેશો. વળી તેનાથી બજારની બદલાતી સ્થિતિનો સ્વીકાર કરવામાં પણ મદદ મળશે.

નવું શીખવા તૈયાર રહોઃ તમારી અંદર નવું શીખવાની તત્પરતા તમને લાંબા ગાળે તમારો બિઝનેસને વધારે વિકસાવવામાં મદદરૂપ થશે. તમારે નાનામાં નાના માણસથી લઈને મહાનુભાવ એમ દરેક પાસેથી શીખવા તૈયાર રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ દરેક ક્ષેત્રમાં કુશળ હોતી નથી, પણ તમે જેટલી કુશળતા સંપાદિત કરશો તેટલી જ વધારે સફળતા મેળવશો.

માસ્ટર બનોઃ તમારા પોતાના માસ્ટર બનવાનું શીખો અને તમારી સફળતાનો શ્રેય લો. સામાન્ય રીતે મહિલાઓ તેમની સફળતાનો શ્રે લેવાનું પસંદ કરતી નથી. તમારી ક્ષમતા અને સાહસમાં વિશ્વાસ કેળવો. જો તમને તમારી જાતમાં વિશ્વાસ હશે, તો જ કોઈ વ્યક્તિ તમારા સાહસમાં રોકાણ કરશે.


અતિથિ લેખક – ડૉ. સોમ સિંહ 

તેમણે લગભગ એક દાયકો કોર્પોરેટ જગતમાં પસાર કર્યો છે. તેઓ અત્યારે સ્ટાર્ટઅપ એડવાઇઝર, એન્જલ ઇન્વેસ્ટર છે. તેઓ ટેકસી4શ્યોર, ચાર્જબી, મોબસ્ટેક, હોટેલઓજિક્સ, ટૂકીટાકી, એક્સપ્લારા, ઇન્ડિયનસ્ટેજ, અનબોક્સ્ડ, ઇન્ડિક્સ જેવા સ્ટાર્ટઅપ્સના માર્ગદર્શક પણ છે.

(ડિસ્ક્લેઇમરઃ અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના પોતાના છે. યોરસ્ટોરી તેની સાથે સંમત હોય તે જરૂરી નથી.)

અનુવાદક- કેયૂર કોટક