કૅબ, ગ્રોસરી કે શાકભાજીની જેમ લોન્ડ્રી સર્વિસ પણ કરાવો ઑનલાઈન બુક, laundrynow.inની અમદાવાદથી શરૂઆત

	કૅબ, ગ્રોસરી કે શાકભાજીની જેમ લોન્ડ્રી સર્વિસ પણ કરાવો ઑનલાઈન બુક, laundrynow.inની અમદાવાદથી શરૂઆત

Tuesday April 19, 2016,

5 min Read

આપણામાંથી મોટા ભાગના લોકો ક્યારેક ને ક્યારેક આ સમસ્યામાંથી પસાર થઇ જ ચૂક્યા હશે. કે ડ્રાય ક્લીન કે પછી ઈસ્ત્રી માટે કપડાં આપ્યા હોય ત્યારે તેની સમયસર ડિલિવરી આપણને ન મળે. આપણે પ્લાન બનાવીને બેઠાં હોય કે ડ્રાય ક્લીનમાંથી બ્લ્યૂ ડ્રેસ આવે એટલે નેક્સ્ટ વીકની પાર્ટીમાં એ પહેરીને જઈશ. પણ એ બ્લ્યૂ ડ્રેસ આપણને સમયસર મળે તો પહેરાય ને? અને આખરે કેટલાયે ફોન કરીને, બહાના સાંભળીએ તોય એ આપણને જોઈતા કપડાં તો સમયસર ન જ મળે.

image


આવો જ અનુભવ થયો છેલ્લા ૧૨ વર્ષોથી અમદાવાદમાં રહેતા શૈલેન્દ્રસિંઘ રાવને અને આખરે આ સમસ્યાનું સમાધાન લાવવા શૈલેન્દ્રએ www.laundrynow.inની સ્થાપના કરી. laundrynow.in એ એક એવું ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમ છે જે એક મોબાઈલ કે કમ્પ્યુટર ક્લિક દ્વારા તમારા ઘર કે ઓફિસના આંગણે લોન્ડ્રીની સેવા પૂરી પાડે છે. જેનાથી ગ્રાહકોના સમય અને નાણાંની બચત થઇ શકશે.

laundrynow.inના ફાઉન્ડર્સ

laundrynow.inના ફાઉન્ડર્સ


laundrynow.inની સ્થાપના કરવાનો વિચાર અને બિઝનેસ આઈડિયા વિશે ફાઉન્ડર શૈલેન્દ્રસિંઘ રાવ કહે છે,

"હું છેલ્લા ૧૨ વર્ષોથી અમદાવાદમાં રહું છું. પહેલા ભણ્યો અને હવે પોતાનો બિઝનેસ કરું છું. પણ જ્યારે હું અહીં એકલો રહેતો ત્યારે હંમેશાં મને એક પ્રોબ્લેમ રહેતો અને તે હતો લોન્ડ્રીનો. દર 10 દિવસે મારે લોન્ડ્રીના કપડાં આપવામાં કે લેવામાં ટાઈમ બગાડવો પડે. ધોબી સમયસર આવે નહીં, એક વાર કપડાં લઇ જાય તો સમયસર પાછાં ન આપે. એ સમયે મને લાગ્યું કે લોન્ડ્રી માર્કેટનો આ ગેપ ભરાવો જોઈએ. અને ત્યારે આ આઈડિયા આવ્યો. મેં તેના પર રીસર્ચ કરવાનું શરૂ કર્યું. લોન્ડ્રી બિઝનેસમાં હોય તેવા અન્ય મોડેલ્સનો અભ્યાસ કર્યો. આશરે 4 થી 6 મહિના સુધી મેં રીસર્ચ કર્યું અને આશરે 100થી વધુ લોન્ડ્રીમેટ્સ અને કોર્પોરેટ્સને મળ્યો."

અમદાવાદ બાદ ગુજરાતના અન્ય શહેરોમાં કરશે એન્ટ્રી

laundrynow.inની શરૂઆત અમદાવાદથી કરવામાં આવી છે. પરંતુ આગામી ૨ મહિનામાં ગુજરાતના અન્ય ટીઅર-2 શહેરોમાં તે એન્ટ્રી કરશે. ટૂંક સમયમાં જ laundrynow.in ગુજરાતના રાજકોટ, જામનગર, વડોદરા, સુરત જેવા શહેરોમાં પોતાની કામગીરી શરૂ કરશે. તો સેકન્ડ ફેઝમાં તેઓ જયપુર તેમજ પૂણેમાં કામગીરી આરંભશે.

laundrynow.inના સ્થાપક શૈલેન્દ્રસિંઘ રાવ

laundrynow.inના સ્થાપક શૈલેન્દ્રસિંઘ રાવ


કેવી રીતે કામ કરે છે laundrynow.in? 

કોઈ પણ કસ્ટમર હવે લોન્ડ્રી, ઈસ્ત્રી, ડ્રાયક્લીન જેવી સુવિધાઓ માટે laundrynow.in વેબસાઈટ પર, મોબાઈલ એપ કે ફોન કરી ઓર્ડર કરી શકે છે. અથવા તો બેડશીટ્સ, સોફા કવર્સ, પડદા નજીકના ઓફલાઈન આઉટલેટ પર મૂકી શકે છે. તમે ઓનલાઈન સર્વિસ બૂક કરાવો કે તરત જ laundrynow.inના એજન્ટ્સ 25થી 55 મિનિટમાં ઇકો-ફ્રેન્ડલી બેગ્સ લઈને તમારા લોકેશન પર આવી પહોંચશે. અને તમારી જરૂરીયાત પ્રમાણે તમારા કપડાં પર પ્રોસેસ કરી 12 કલાકથી 72 કલાકમાં કામગીરી પતાવી તમારા લોકેશન પર તમારા કપડાની ડિલિવરી કરે છે. જોકે આ સર્વિસ લેવા માટે શું કોઈ વધારનો ચાર્જ ચૂકવવાનો રહેશે કે કેમ, કે પછી આ સર્વિસ અન્ય લોન્ડ્રી સર્વિસ કરતા મોંઘી હશે કે નહીં તે અંગે ફાઉન્ડર શૈલેન્દ્રસિંઘ જણાવે છે,

"આજના સમયમાં ટેકનોલોજી ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે. એક સર્વેક્ષણ અનુસાર અંદાજે 80% લોકોને લોન્ડ્રીની કોઈ સારી સર્વિસ ન મળતી હોવાથી વધારાની રકમ ખર્ચવી પડે છે. હાલમાં લોન્ડ્રી માર્કેટમાં મોટાભાગે ઓફલાઈન કામ કરનારા લોકોનું વર્ચસ્વ છે. આ સર્વિસ આપનારા લોકો જરૂરીયાતને પારખીને વધારે રકમ વસૂલતા હોય છે જે ઘણાં લોકોને અનુકૂળ નથી આવતું. પણ અમે laundrynow.in પર પોસાય તેવી કિંમતે આ સર્વિસીસ ઓફર કરીએ છીએ." 

કોર્પોરેટ્સ પર પણ ફોકસ

laundrynow.in અત્યાર સુધી ૩ મોટા લોન્ડ્રીમેટ્સ સાથે જોડાણ કરી ચૂક્યું છે જ્યાં એકસાથે ૧૦ હજારથી ૨૦ હજાર કપડાં લોન્ડ્રી કરી શકવાની ક્ષમતા છે. જેથી તેઓ કોર્પોરેટ્સને પર ફોકસ કરી આગળની યોજનાઓ બનાવી રહ્યાં છે. 

ભારતમાં ઓનલાઈન લોન્ડ્રી સર્વિસની કેટલી જરૂરીયાત?

ભારતમાં લોન્ડ્રી માર્કેટનું કદ આશરે રૂ. 2 લાખ 20 હજાર કરોડ જેટલું માનવામાં આવે છે જેમાંથી અસંગઠિત માર્કેટ એટલે કે ધોબી, ઘરે કામ કરતા લોકો, મોમ એન્ડ પોપ સ્ટોર્સ આશરે રૂ. 5 હજાર કરોડનો હિસ્સો ધરાવે છે. આ સેક્ટર કૂલ 7 લાખ 67 હજાર એકમોમાં પથરાયેલું છે અને તેમાં 98% માઈક્રો સાઈઝ લોન્ડ્રીઝ છે જેમાં 10થી ઓછા કામદારો કામ કરે છે. લોન્ડ્રી માર્કેટનું સંગઠિત ક્ષેત્ર ભારતના સમગ્ર લોન્ડ્રી માર્કેટના માત્ર 2થી 3% જેટલું છે. 

એવાં કેટલાંક ચોક્કસ પરિબળો છે જે ભારતમાં ઓનલાઈન લોન્ડ્રી સર્વિસને ગતિશીલતા આપે છે. ભારતમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વપરાશમાં ઘણો વધારો થતાં લોન્ડ્રી માર્કેટ માટે નવો સ્કોપ ઉભો થયો છે. હાલના સમયમાં જોઈએ તો, ગુજરાતમાં ગ્રોસરી, ફૂડ કે ઘરવપરાશની વસ્તુઓમાં ઓનલાઈન સર્વિસીસ લોકપ્રિય બની રહી છે. શૈલેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે laundrynow.inના આઈડિયાને ધોબીઓની અછત તેમજ સ્થાનિક ધોબીઓમાં સ્પેશિયાલાઈઝડ વોશ કેરના અભાવે કારણે વેગ મળ્યો છે. ટીઅર-2 શહેરોમાં વસતા વર્કિંગ કપલ્સ, પરિવારો, શિક્ષણ કે નોકરી/ધંધા માટે ઘરેથી દૂર એકલા રહેતા લોકો, હોસ્પિટાલિટી ઉદ્યોગ તેમજ કોર્પોરેટ્સમાં થયેલા વધારાને કારણે લોન્ડ્રીની તમામ જરૂરીયાતો માટેના વન સ્ટોપ સોલ્યુશન તરીકે laundrynow.inએ માર્કેટમાં એન્ટ્રી કરી છે જે આગામી સમયમાં લાભકર્તા સાબિત થશે. 

સાથે જ જો હાલનો સમયગાળો જોઈએ તો જેટલા પણ હોમ સર્વિસ સ્ટાર્ટઅપ્સ છે તેઓ ટીઅર-1 શહેરોને પ્રાધાન્ય આપી રહ્યાં છે. જ્યારે કે laundrynow.in સૌથી પહેલા ટીઅર-2 શહેરો પર પોતાની પકડ મજબૂત બનાવવા માગે છે. જેથી સીધી રીતે કોઈની પણ સાથે સ્પર્ધામાં ઉતર્યા સિવાય પોતાનો બેઇઝ મજબૂત બનાવી શકાય.

ટીમ મેમ્બર્સ

ટીમ મેમ્બર્સ


હાલ જ્યારે laundrynow.inને કામગીરી શરૂ કર્યે જ્યાં 5 દિવસ માંડ થયા છે ત્યારે તેમની સાથે 160 જેટલા ગ્રાહકો જોડાઈ ચૂક્યા છે અને તેઓ 1200થી વધુ કપડાં પર જરૂરી પ્રોસેસ કરી ચૂક્યા છે. જોકે લોકો વધુ સરળતાથી તેમનો સંપર્ક કરી શકે તે માટે આગામી ૧ મહિનામાં એન્ડ્રોઈડ તેમજ ios પર laundrynow.inની મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી દેવાશે.

માર્કેટિંગ સ્ટ્રેટેજી

laundrynow.in ના લોન્ચ બાદ સ્થાપકોએ વિવિધ માધ્યમો દ્વારા તેનું માર્કેટિંગ અને પ્રમોશન કરવાનો પ્લાન કર્યો છે. પ્રિન્ટ મીડિયા, હોર્ડિંગ્સ, ટેલિવિઝન જાહેરાતો, ગિફ્ટ કૂપન્સ, રેડિયો, સોશિયલ મીડિયા જેવા માધ્યમો દ્વારા તેઓ તેમના ટાર્ગેટ ગ્રૂપ સુધી પહોંચશે. 

ફંડિંગ

laundrynow.in પોતાના આઈડિયા લેવલે જ ઉદેપુરના એક ઇન્વેસ્ટર પાસેથી 1 કરોડનું ફંડિંગ મેળવવામાં સફળ રહ્યાં હતા. જ્યારે હવે તેઓ 1 મિલિયન USDનું ફંડ મેળવવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યાં છે. હાલ laundrynow.inની મેનેજમેન્ટ ટીમમાં ૩ સભ્યો છે અને 12 લોકોની ટીમ સાથે તેઓ હાલ અમદાવાદમાં કાર્યરત છે. બોર્ડ ઓફ એડવાઈઝર્સમાં 3 એક્સપર્ટ્સનો સમાવેશ થાય છે.

image


જોકે જ્યાં લોકો વર્ષોથી પોતાના વિશ્વાસુ ધોબીને કપડાંને લોન્ડ્રી કે ડ્રાયક્લીન કરવા આપી રહ્યાં છે અને તેમની અનિયમિતતાથી પણ ટેવાઈ ગયા છે ત્યારે આ સેગમેન્ટમાં પોતાની જગ્યા બનાવતા laundrynow.inને સમય લાગશે તેમ કહી શકાય. જોકે અહીં એકલા રહી અભ્યાસ કે કામ કરતા લોકો સરળતાથી આ સર્વિસ પર ડાયવર્ટ થઇ શકે છે. જોકે જ્યાં વાત કરીએ પરિવારોની, મહિલાઓની ત્યારે કાર્પેટ, પડદા, સોફાકવર્સ માટેની સર્વિસ લેવામાં લોકો વધુ રસ દાખવે તેવું દેખાઈ રહ્યું છે. 

વેબસાઈટ

Facebook Page

ગુજરાતને લગતા અન્ય સ્ટાર્ટઅપ્સ વિષે અપડેટ્સ મેળવવા અમારી સાથે Facebook પર સંપર્કમાં રહો