MBA થઇ કરી મજૂરી, આજે કરે છે 60 લાખનું ટર્નઓવર! પાર્થ ભટ્ટે અમદાવાદમાં શરૂ કર્યું ‘ઇકો-ફ્રેન્ડલી’ કલ્ચર

MBA થઇ કરી મજૂરી, આજે કરે છે 60 લાખનું ટર્નઓવર! પાર્થ ભટ્ટે અમદાવાદમાં શરૂ કર્યું ‘ઇકો-ફ્રેન્ડલી’ કલ્ચર

Friday November 27, 2015,

4 min Read

શેફાલી કે. કલેર

- અમદાવાદના પાર્થ ભટ્ટે ઇકોફ્રેન્ડલી હેન્ડમેઈડ પેપર બનાવી સમાજને બતાવી એક નવી દિશા

- નાના પાયે ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ બનાવતા કારીગરો, કલાકારો, ડીઝાઈનર્સ પાર્થના શોરૂમમાં પોતાની પ્રોડકટ્સ ડિસ્પ્લે માટે મૂકી શકે છે. જેના માટે પાર્થ એક પણ રૂપિયાનો ચાર્જ લેતો નથી.

image


સમયની સાથે સાથે લોકો પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત થઇ રહ્યાં છે. અને એટલે જ ઇકોફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરનાર વ્યક્તિઓની સંખ્યા ઘણી વધી રહી છે. ઇકોફ્રેન્ડલી વસ્તુઓનો વપરાશ લોકોમાં વધે તે માટે પાર્થ ભટ્ટે કમર કસી છે. મૂળ અમદાવાદના પાર્થે અહીની એલ.જે કોલેજથી બીબીએ કર્યા બાદ લંડન જી એમબીએ કર્યું. એમબીએ કર્યા બાદ પાર્થને તગડા પગારની નોકરી મળતી હતી પરંતુ તેને પોતાના દેશ પાછા ફરીને પોતાના દેશ માટે જ કંઇક કરવાની ઇચ્છા હતી. ભારત પાછા ફર્યા બાદ પાર્થે વિચાર્યું કે એવો કયો બિઝનેસ કરી શકાય કે જેનાથી પોતાના અને અન્ય બેરોજગાર યુવાનો માટે આવકનો સ્ત્રોત તો ઉભો થાય જ અને સાથે સાથે દેશ અને પર્યાવરણ માટે ઉપયોગી પણ થવાય. ઘણું વિચાર્યા બાદ પાર્થે ઇકોફ્રેન્ડલી વસ્તુઓ બનાવવાનું નક્કી કર્યું. કારણ કે પ્લાસ્ટિકથી પાર્યવરણને ઘણું નુક્સાન પહોંચી રહ્યું છે. અને છેલ્લા કેટલાંયે વર્ષોથી પાર્થ 'સનરેઈઝ પેપર બેગ્સ, બોક્સીસ એન્ડ પ્રોડક્ટ્સ' નામે ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સનો સ્ટોર ચલાવે છે. જોકે વેબસાઇટ પરથી તે પ્રોડક્ટ્સનો ઓર્ડર કરી શકાય છે.

image


હેન્ડમેઈડ પેપર બનાવવાના કારખાનામાં કરી મજૂરી!

ઇકોફ્રેન્ડલીની વાત આવે એટલે હાથની કારીગરી જરૂરી બની જાય. પાર્થે જ્યારે ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ અંગે વિચાર્યું ત્યારે તેને કાગળ કેવી રીતે બને તેનો અંદાજ ન હતો. આ માટે તેણે રાજસ્થાનની એક સંસ્થામાં 2 મહિના હેન્ડમેઈડ પેપર બનાવવાનું કામ શીખ્યો. આ હેન્ડમેઈડ પેપર બનાવવાની સાથે સાથે ઇકોફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કાર્ય કરી શકાશે તે પણ તેણે જાણ્યું. આ અંગે પાર્થ કહે છે, “રાજસ્થાનથી જ્યારે હું અમદાવાદ પાછો ફર્યો ત્યારે ઇકોફ્રેન્ડલી પેપર અંગે લોકોમાં જાગરૂકતા ઘણી ઓછી હતી. લોકોના મનમાં એવો ભ્રમ છે કે પ્લાસ્ટિકની બેગ કરતા હેન્ડમેઇડ પેપરમાંથી તૈયાર થતી બેગ મોઘી હોય છે. પરંતુ પ્લાસ્ટિક અત્યારે પર્યાવરણ માટે ઘણું હાનિકારક છે.” આ માટે હેન્ડમેઈડ વસ્તુઓ અંગે જાગૃતિ લાવવાના કામને પાર્થે પોતાનું મિશન બનાવી દીધું.

image


મશીન કરતાં મનુષ્યને વધુ મહત્વ

પાર્થ હંમેશા એવું જ કંઇક કાર્ય કરવા માંગતો હતો કે જેનાથી અન્ય લોકોને પણ રોજગારી મળી રહે. જ્યારે ઇકોફ્રેન્ડલી પેપર એ હાથની બનાવટ હોવાથી તેમાં લોકોને પણ કામગીરી સરળતાથી મળી રહે છે. ઇકોફ્રેન્ડલી પેપર હાથથી બનાવવાનું શીખ્યા બાદ તેમાંથી બેગ સિવાય કેવી કેવી ડિઝાઇનર વસ્તુઓ બનાવી શકાય તે અંગે પાર્થે વિચાર્યું. ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરમાં કેવા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ વધુ થાય છે તેની ચકાસણી તેણે સૌ પ્રથમ કરી લીધી. હાલમાં પાર્થ ઇકોફ્રેન્ડલી બેગની સાથે સાથે લેમ્પ શેડ પેપર, પર્સ, ડાયરી, પેપર વોલેટ, ફોટો આલ્બમ, ગ્રિટિંગ્સ કાર્ડ, સીડીના પાઉચ, ડોરબેલ જેવી અનેક વસ્તુઓ તૈયાર કરે છે.

image


10 હજારના રોકાણથી શરૂઆત, આજે વર્ષે 60 લાખોનું ટર્ન ઓવર!

image


જયપુરના એક કારખાનામાં અને ખાદીગ્રામ ઉદ્યોગમાં કાગળ બનાવવાની કળા શીખીને પાર્થ જ્યારે અમદાવાદ પાછો ફર્યો ત્યારે તેણે દસ હજારનું રોકાણ કરી તેના બિઝનેસની શરૂઆત કરી. કારણકે ગુજરાતમાં ઇકોફ્રેન્ડલી વસ્તુ લોકો માટે વર્ષ 2005માં તદ્દન નવી હતી. ઉપરાંત, આખા ગુજરાતમાં ઇકોફ્રેન્ડલી વસ્તુઓનું ઉત્પાદન ક્યાંય થતું જ ન હતું. પાર્થ કહે છે, “આ માટે શરૂઆતમાં તો કારીગરો પણ મને મળતા હતાં. કેટલાંય સમય સુધી હુ પોતે જ વસ્તુઓ તૈયાર કરતો હતો.” અમદાવાદમાં સેટલાઇટ જેવા પૉશ વિસ્તારમાં પાર્થે શોરૂમ ખોલ્યો. જ્યાં માત્રને માત્ર ઇકોફ્રેન્ડલી વસ્તુઓ તૈયાર કરીને તેનું વેચાણ કરવામાં આવે છે.

image


ઉપરાંત આ શોરૂમની સૌથી મોટી ખાસિયત એ છે કે જે લોકો નાના પાયે ઇકોફ્રેન્ડલી વસ્તુઓ તૈયાર કરે છે તેઓ પણ તેમની વસ્તુઓ આ શોરૂમમાં મૂકી શકે છે. પાર્થ તેમની પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેતો નથી. પાર્થ કહે છે, “ઇકોફ્રેન્ડલી વસ્તુ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ તૈયાર કરનાર લોકોને પણ એક સારી તક મળી રહે તે હેતુથી હું તેમની પાસેથી એક પણ રૂપિયો લેતો નથી. 2005માં જ્યારે આ ધંધાની શરૂઆત કરી ત્યારે લોકોને ઇકોફ્રેન્ડલી વસ્તુઓના વપરાશ માટે ઘણી મહેનતથી મનાવવા પડતા. જ્યારે આજે લોકોમાં ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ અંગે ઘણી અવેરનેસ આવી ગઇ છે.” દસ હજારના રોકાણથી શરૂ થયેલો આ ધંધો આજે વર્ષે રૂપિયા 50થી 60 લાખનું ટર્નઓવર કરે છે. અને પાર્થના ઉદ્યમ થકી 20થી વધુ લોકોને રોજગારી પણ મળી રહી છે.

ગુજરાત સહિત વિદેશમાં પણ અમદાવાદની ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ્સની બોલબાલા

image


ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં તૈયાર થતી આ ઇકોફ્રેન્ડલી વસ્તુઓની બોલબાલા અમેરિકા, જર્મની, ઇટલી તથા ઈંગ્લેન્ડ જેવા દેશામાં પણ ઘણી છે. આ દરેક દેશમાં હેન્ડમેઇડ વસ્તુઓની ડિમાન્ડ વર્ષોથી રહી છે. તેમાં પણ જ્યારે ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ તૈયાર થવા લાગી ત્યારે વિદેશમાં તેને વધારે મહત્વ મળે છે.

image


કેવી રીતે તૈયાર થાય છે ઇકોફ્રેન્ડલી પેપર?

હેન્ડમેઈડ પેપર તૈયાર થવામાં એક અઠવાડિયોનો સમય લાગે છે. હાલમાં ઉત્પાદન માટે આ પેપર રાજસ્થાન, ચાઇના અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી આવે છે. ઇકોફ્રેન્ડલી પેપરમાં કોટનના રેગ્સ તથા ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાગળનો પાયો કોટનનો હોય છે માટે તે અન્ય કાગળ કરતા ઘણો મજબૂત પણ હોય છે. આ પેપરના જુદા જુદા પ્રકાર હોય છે. જેમાં લેધર, સિલ્ક એમ્બ્રોઈડરી વર્ક, એમ્બોસ, સ્લીટર ફોઇલ, બાટીક, ટેકસ્ચર વગેરનો સમાવેશ થાય છે. આ પેપરમાંથી જેટલી પણ વસ્તુઓ તૈયાર થાય છે, તેના બેઇઝમાં પૂઠાંનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તે વળી ના જાય અને પેપર જલદી ફાટી પણ ના જાય. ગુજરાતમાં આ પ્રકારની વસ્તુઓ તૈયાર કરનાર કારીગરો પણ ઘણાં ઓછા છે.

ફેસબૂક પેજ

વેબસાઇટ- Sunrays