વ્હીલચેરનાં પૈડાં થકી દિવ્યાંગ લોકોના જીવનને નવી ઉંચાઈ પર લઇ જવાના પ્રયાસો!

તમે લોકોને બે પગ પર થિરકતાં તો જોયા જ હશે, પરંતુ શું તમે વિશ્વાસ કરશો કે વ્હીલચેરમાં એટલી જ સારી રીતે ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને યોગ કરી શકાય છે?

વ્હીલચેરનાં પૈડાં થકી દિવ્યાંગ લોકોના જીવનને નવી ઉંચાઈ પર લઇ જવાના પ્રયાસો!

Friday February 12, 2016,

4 min Read

સૈયદ સલાઉદ્દીન પાશા યોગના મોટા શોખીન છે. આ યોગને કારણે તેઓ છ વર્ષની ઉંમરે પોતાના જેવડાં બાળકોની સરખમાણીએ વધારે ચુસ્ત અને સ્ફૂર્તિમય હતા. તેમને સંગીતના સૂર અને સંસ્કૃતના શ્લોકોની સારી એવી જાણકારી છે. તેમનું માનવું છે કે સારી બાબતો શીખવા માટે ક્યારેય પણ ધર્મ આડે આવતો નથી. પાશાનું કહેવું છે કે અન્ય લોકોને યોગ શીખવવો એ તેમની નૈતિક જવાબદારી છે, કારણ કે તે સમાનતા, ન્યાય અને સશક્તિકરણ સાથે જોડાયેલો છે.

image


ગુરુ પાશાને લાગે છે કે એક ખાસ સમુદાયને આત્મા, મન અને શરીરને જોડવાની ખાસ જરૂર છે અને એ સમુદાય છે શારીરિક રીતે નબળા-ખોટ ધરાવતા લોકો. છેલ્લાં 40 વર્ષો દરમિયાન તેમણે યોગ દર્શન પર ખાસ્સું એવું કામ કર્યું છે. આનો ફાયદો શારીરિક રીતે નબળા લોકોને ખૂબ મળ્યો છે. ગુરુ પાશાના જણાવ્યા અનુસાર યોગ કોઈ ત્વરિત માનસિક ભાવ નથી, પરંતુ તે જીવનનું દર્શન છે. આને કારણે જ સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેવા લોકો તેને અનુસરતા આવ્યા છે. ગુરુ પાશા શારીરિક રીતે નબળા લોકોને યોગ શીખવે છે ત્યારે તેમના પ્રયાસ હોય છે કે વિદ્યાર્થીઓને ‘પંચભૂત’ દરમિયાન સંતુલન જાળવી રાખવામાં મદદ મળે. આ આપણા બ્રહ્માંડનો એક હિસ્સો છે. આ માત્ર યોગની જેમ એક કસરત માત્ર નથી, બલકે સંગીત, નૃત્ય, મંત્ર, મુદ્રાઓ અને આધ્યાત્મિકતાનું મિશ્રણ છે.

image


image


ગુરુ પાશા જણાવે છે, 

"હું માત્ર યોગ કરવાનું જ નથી શીખવતો, બલકે ઇચ્છું છું કે લોકો કર્મયોગ, ધર્મયોગ અને અધ્યાત્મયોગના માધ્યમથી સ્વસ્થ કઈ રીતે રહી શકે તે પણ જાણે અને શીખે."

પોતાના પ્રારંભિક દિવસોમાં ગુરુ પાશા પાણીમાં પદ્માસન, શવાસન અને પ્રાણાયમનો ખૂબ જ અભ્યાસ કરતા હતા. કોઈ પણ વ્યક્તિમાં શારીરિક અક્ષમતા જન્મથી, કોઈ અકસ્માતમાં કે માનસિક વિકલાંગતાથી થઈ શકે છે. યોગ માત્ર આત્મવિશ્વાસ અપાવે છે અને અંદર છુપાયેલી શક્તિઓને બહાર લાવે છે. દાખલા તરીકે, ગુરુ પાશાના શિષ્ય જે વ્હીલચેરમાં રહે છે, તે શીર્ષાસન અને મયુરાસન જેવા અઘરા આસન પોતાના નૃત્યમાં કરે છે. ગુરુ પાશાના જણાવ્યા અનુસાર,

"નૃત્ય કરતી વખતે વ્હીલચેર શરીરનો એક હિસ્સો હોય છે. આ આસનો તેમની શારીરિક અને માનસિક વિટંબણાઓને દૂર કરે છે અને જણાવે છે કે તમે તમને શારીરિક રીતે નબળા ન માનશો. આ ભાવના તેમને આઝાદી અપાવે છે."
image


'એબિલિટી અનલિમિટેડ ફાઉન્ડેશન' એક ધાર્મિક સંસ્થા છે, જેની સ્થાપના ગુરુ પાશાએ કરી હતી. યોગનો અભ્યાસ ડાંસ થેરાપી, સંગીત ચિકિત્સા, પરંપરાગત યોગ ચિકિત્સા, જૂથ ચિકિત્સા અને રંગ ચિકિત્સાનું સંમિશ્રણ છે. ગુરુ પાશાના જણાવ્યા મુજબ તમે જ્યારે સંગીત સાથે યોગ કરો છો ત્યારે તેનો એક તાલ પણ છોડવા માગતા નથી. એને કારણે એકાગ્રતાનો સ્તર વધે છે. યોગની સાથે સંસ્થાને ચલાવવામાં કેટલીક સમસ્યાઓ હોય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ શારીરિક રીતે નબળા-અક્ષમ હોય. ગુરુ પાશા કહે છે, તેમની સાથે જોડાયેલા દરેક વિદ્યાર્થીની શારીરિક સમસ્યા જુદી જુદી હોય છે. એટલે તેમણે ન માત્ર વિદ્યાર્થીઓ બલકે તેમનાં માતા-પિતા સાથે પણ વધુમાં વધુ સલાહ મસલત કરવી પડે છે. ઘણી વાર કોઈ વિદ્યાર્થીને માનસિક આઘાતમાંથી બહાર લાવવામાં વર્ષો નીકળી જતાં હોય છે. ગુરુ પાશા સુનામીગ્રસ્ત બાળકોનો પણ ઈલાજ કરે છે. તેમનું કહેવું છે કે આ આફત પછી તેઓ પૂર્ણપણે ગુમસુમ થઈ ગયા હતા. બાળકોના મનમાંથી ભયની સ્થિતિ દૂર કરવા અને તેમને શાંત કરવા માટે તેમણે ધ્યાનની મદદ લીધી હતી. આની ખૂબ સારી અસર પડેલી. આ ભલે ધીમી પ્રક્રિયા હોય, પરંતુ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ગુરુ પાશાનું કહેવું છે કે જો કોઈએ કાચબા જેવી જિંદગી જીવવી હોય તો તેણે ધીમે જ ચાલવું પડશે, પરંતુ જો કોઈ ઝડપથી આગળ વધવા માગતું હોય તો તેની જિંદગી આપોઆપ નાની જ થઈ જશે.

image


image


દેશમાં યોગની લોકપ્રિયતા વધી રહી છે. યોગ હવે ધીમે ધીમે ગ્લેમરસ વેપારી પ્રોડક્ટની જેમ વેચાઈ રહ્યો છે. યોગ હવે આકર્ષક વ્યવસાય અને નૌટંકી બની ગયો છે. હજારો લોકો બેસે છે અને અમુક આસનો કરે છે. ગુરુ પાશા આ બધાથી નારાજ છે. તેઓ કહે છે કે યોગ થકી ગુરુ-શિષ્ય પરંપરાને સમજવાની જરૂર છે. તેઓ કોઈ ગુરુનું નામ લીધા વિના કહે છે કે કોઈ કોઈને એમ નથી કહી શકતું કે તેઓ આ કરે કે પેલું કરે. તમે કઈ રીતે જાણી શકો કે કોઈ વ્યક્તિને શું સમસ્યા છે? ગુરુ પાશા કહે છે કે તેઓ પોતાના મિત્રો સાથે મેડિકલ યોગ કરે છે અને આ કામ ખાસ્સું ગંભીરતાથી કરવામાં આવે છે. કોઈને પીઠમાં પીડા થતી હોય તો એ કઈ રીતે ચક્રાસન કરી શકે? આવા સમયે તમારે એવું આસન કરવું જોઈએ, જે કરોડરજ્જુ પર બહુ દબાણ ન કરતું હોય.

image


જે લોકો યોગ શીખવા માટે આતુર છે, તેમણે ખુલ્લામાં ઉઘાડા પગે અને સુતરનાં વસ્ત્રોમાં આવવું જોઈએ તેમજ દેખાડા માટે યોગ કરનારા અને કપડાં અને મેટ ખરીદવામાં હજારો રૂપિયા ખર્ચી નાંખનારાથી બચવું જોઈએ. મુસ્લિમ હોવાથી ગુરુ પાશાનું માનવું છે કે તેઓ પોતાને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે જુએ છે. તેમનું માનવું છે કે કાબાના લાખો ચક્કર લગાવવા, વૈદિક મંત્ર, ખ્રિસ્તી પ્રાર્થના અને દરેક આધ્યાત્મિક પ્રવચનનો એક જ અર્થ છે – મન, શરીર અને આત્માનું એકત્વ. તેમનું માનવું છે કે દરેકે યોગ કરવો જોઈએ.

image


લેખક- હરીશ બિશ્ત

અનુવાદક- સપના બારૈયા વ્યાસ