માત્ર રૂ.1500માં એક એન્જિનિયરે બનાવ્યું સૌથી સસ્તું વૉશિંગ મશીન

માત્ર રૂ.1500માં એક એન્જિનિયરે બનાવ્યું સૌથી સસ્તું વૉશિંગ મશીન

Tuesday December 15, 2015,

3 min Read

આ વાતની શરૂઆત કરતા પહેલાં એક સવાલનો જવાબ આપો કે આપણે બજારમાં વૉશિંગ મશીન લેવા જઈએ તો તેની કિંમત કેટલી હોય છે. આમ જોવા જઈએ તો લગભગ 10 થી 15 હજાર રૂપિયા આપવા પડે. જો અમે કહીએ કે માત્ર 1500 રૂપિયામાં તમને વૉશિંગ મશીન મળી શકે છે તો તમે આ વાત સ્વીકારશો કે નહીં. પોતાની ક્ષમતા અને હોંશિયારીના આધારે એન્જિનિયર પીયૂષ અગ્રવાલે આ વાતને વાસ્તવિક બનાવી દીધી. પીયૂષે માત્ર 1500 રૂપિયામાં બનાવી દીધું એક પોર્ટેબલ વૉશિંગ મશીન. આ વૉશિંગ મશીનને નામ આપવામાં આવ્યું ‘વિનસ’.

image


વિનસને CROWDFUNDINGના માધ્યમથી INDIGOએ રજૂ કર્યું છે. આ મશીનનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. નાનકડું દસ વર્ષનું બાળક પણ તેનો ઉપયોગ કરી શકે છે.

image


વિદેશમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી પીયૂષે ભારતમાં 'વિમાબ્સ' નામની પોતાની કંપની શરૂ કરી. ‘વિનસ’ આ કંપનીની મુખ્ય પ્રોડક્ટ છે. વર્ષ 2002 સુધી પીયૂષને ભારતમાં પુરુષોના શૌચાલયમાં લાગેલા ફ્લશ સેન્સરના માર્કેટિંગમાં ફાયદો ન થતાં તેમણે આ કામ બંધ કરી દીધું અને ગુડગાંવની એક કંપનીમાં બિઝનેસ કન્સલટન્સી સાથે કામ કર્યું અને બાકીનો સમય પોતાની કંપનીને સમર્પિત કરી દીધો જેનું પરિણામ આજે બધાની સામે છે.

કેવી રીતે કામ કરે છે 'વિનસ' વૉશિંગ મશીન?

તમે વિચારતા હશો કે આખરે આ મશીન કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલાં તમને એ જણાવી દઈએ આ મશીન બીજા મોંઘા વૉશિંગ મશીનોની જેમ ચાલે છે. વીજળીથી જ, પણ આ મશીનમાં વીજળી નહીંવત્ પ્રમાણમાં વપરાય છે. પીયૂષ અગ્રવાલે જણાવ્યું કે તેનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલાં ડોલમાં મશીનના માઉંડવાળા ભાગને નાખવો પડશે. ત્યાર પછી પાણી અને પાઉડર નાખીને મશીન ચાલુ કરવાનું અને તેમાં 2-4 કપડાં નાખીને 5 મિનિટ મશીન ચલાવવાનું અને પછી ચોખ્ખા પાણીથી તેને ધોઈ નાખવાના. પીયૂષ જણાવે છે કે આ મશીન ખાસ કરીને ગ્રામીણ મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આજથી 40 વર્ષ પહેલાં બલ્ગેરિયામાં આવા મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ તે મશીન ખૂબ જ ભારે હતું જે એકસાથે ઘણા કપડાં ધોઈ શકતી હતી. તેનાથી પ્રેરિત થઈને પીયૂષે આ હળવું અને નાનું મશીન બનાવ્યું, જે એક ડોલમાં પણ સરળતાથી ચાલી શકે છે.

image


'વિનસ' બનાવવા પાછળવી વાત

પીયૂષ અગ્રવાલના મતે આઠ વર્ષ પહેલાં તેમની માતાની બ્રેન સર્જરી કરાવવામાં આવી હતી જેના પછી તેમને લકવો થઈ ગયો. તે કાયમ માટે પથારીવશ રહેતા. આ દરમિયાન પીયૂષ સામે સૌથી મોટો પડકાર એક હતો કે તેમના માતાની પથારીની ચાદર અને કપડાં ધોવા. વૉશિંગ મશીનમાં કપડાં ધોવા સ્વચ્છતાના માપદંડ પ્રમાણે યોગ્ય નહોતા અને બાથરૂમમાં કપડાં ધોવાનું મુશ્કેલ હતું અને તેથી જ પીયૂષના મનમાં પોર્ટેબલ વૉશિંગ મશીન બનાવવાનો વિચાર આવ્યો. એવું મશીન કે જે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, કપડાં ધોવો અને સાથોસાથ સમય અને પૈસા પણ બચાવે, તેનું પરિણામ હતું 'વિનસ'.

'વિનસ'ને બનાવવામાં સાત લોકોનો ફાળો હતો. પીયૂષે જણાવે છે, "અમારી કંપની હાલ નવી છે તેથી વધારે રોકાણ થઈ શકતું નથી. અમારા ગ્રૂપમાં જેટલા લોકો છે તે બધા જ પોતાના ક્ષેત્રના જાણકાર છે તેથી અમને ખાસ મુશ્કેલી થઈ નહીં. બધાની સંયુક્ત મહેનતનું પરિણામ છે 'વિનસ'."

કઈ કઈ મુશ્કેલી આવી?

પીયૂષ જણાવે છે કે, આ મશીન બનાવવું સરળ નહોતું. તેમાં ઘણા પડકારો નડ્યા પણ કહેવાય છે ને કે તમે તમારા સ્વપ્નો પૂરા કરવાનું નક્કી કરી લો તો કોઈ મુશ્કેલી નડતી નથી. જે લોકો પોતાની નિષ્ફળતા પાછળ સમય અને સંસાધનોની અછતને દોષ દે છે તે લોકો પીયૂષને પસંદ નથી, કારણ કે તે માને છે કે, તમારી પાસે જેટલા સંસાધનો છે તેના દ્વારા જ કામ પૂરા કરવા જોઈએ. એક વાત સ્વીકારી લો કે પડકારો લાંબા સમય સુધી ટકવાના નથી. હવે સૌથી મોટો પડકાર છે લોકોને એ સમજાવવું કે 'વિનસ' સારું તો છે જ સાથે તેની કિંમત પણ વ્યાજબી છે.

લેખક – શિવાની સક્સેના

અનુવાદ – મેઘા નિલય શાહ