25 વર્ષની એક યુવતીએ ગ્રામીણ કળાને રાષ્ટ્રીય સ્તરે ચમકાવી દીધી

ઉત્તરપ્રદેશના નાના શહેર સીતાપુરની યુવાન નવ્યાએ કારીગરોની કળાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવીને ગ્રામીણ કારીગરોના જીવનની ગુણવત્તા સુધારી છે

25 વર્ષની એક યુવતીએ ગ્રામીણ કળાને રાષ્ટ્રીય સ્તરે ચમકાવી દીધી

Wednesday April 27, 2016,

6 min Read

કળાનો ઉદ્દેશ આપણા આત્મા પર દરરોજ જામી જતી વિકૃતિઓને સાફ કરવાનો છે.

- પાબ્લો પિકાસો

લખનૌથી 90 કિમીના અંતરે એક નાનું અને અર્ધવિકસિત શહેર સીતાપુર છે. જ્યારે 23 વર્ષની યુવાન નવ્યા અગ્રવાલ તેના આ વતનમાં પરત ફરી, ત્યારે તેને અંદાજ પણ નહોતો કે તે ક્યારેય મોટા શહેરોમાં નહીં જાય અને રોમાંચક કોર્પોરેટ લાઇફ નહીં માણે. તે સીતાપુરમાં તેના ફાઇનલ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા આવી હતી, પણ વર્ષ 2013માં અહીં આવીને આ વેલ્યુ એવરી આઇડિયા (આઇવીઇઆઈ)ની સ્થાપના કરી છે.

આઈ વેલ્યુ એવરી આઇડિયાના સ્થાપક નવ્યા અગ્રવાલ

આઈ વેલ્યુ એવરી આઇડિયાના સ્થાપક નવ્યા અગ્રવાલ


આઇવીઇઆઈની શરૂઆત અગાઉના દિવસોને યાદ કરતાં નવ્યા કહે છે, 

“હું ચાર સુથારને મળી હતી અને તેમને ચાર પીસ બનાવવા જણાવ્યું હતું. હકીકતમાં હું તેમની કુશળતા અજમાવવા માંગતી હતી. પછી જે પરિણામ મળ્યું તે મારી ધારણા કરતાં વધારે સારું હતું. તેમણે આધુનિક મશીનરીનો ઉપયોગ કર્યા વિના પરંપરાગત પદ્ધતિથી તેમની સુંદર કળા પ્રદર્શિત કરીને મને ચકિત કરી દીધી હતી.”

આ લોકો શા માટે બેરોજગાર રહે છે તેના વિશે નવ્યા જણાવે છે,

"શહેરો સૌથી મોટા ગ્રાહકો છે. તેમાં આ નાના શહેરોને કામ કરવા મળતું નથી. વળી તેમની પાસે પૂરતી નાણાકીય જોગવાઈ હોતી નથી એટલે તેઓ તેમની કુશળતા વધારી શકતાં નથી. એટલે તેઓ તેમની હસ્તકળાને વૈકલ્પિક રોજગારી બનાવે છે અને તેમાંથી તેઓ નિયમિત આવક મેળવી શકતાં નથી. સીતાપુરના કારીગરોની પણ આ જ સમસ્યા છે."
image


ભારતીય હસ્તકળા ઉદ્યોગની સ્થિતિ

ભારતીય હસ્તકળા દેશમાં રોજગારીના સૌથી મોટાં ક્ષેત્રો પૈકીનું એક છે. તેમાં આશરે 70 લાખ કારીગરો કામ કરે છે અને 67,000 નિકાસ ગૃહો કાર્યરત છે, તેમ છતાં ભારતીયના મોટા ભાગના કારીગરોની આર્થિક સ્થિતિ નબળી છે અને તેઓ દેશના અંતરિયાળ વિસ્તારોમાં કામ કરે છે. તેમનો ઉદ્ધાર કરવા તેમને તાલીમ આપવાની અને બજારો સુધી પહોંચ સુલભ કરવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય કૌશલ્ય સંવર્ધન અભિયાન અંતર્ગત કારીગારોને તેમની ક્ષમતાનો લાભ પહોંચાડવા ‘સ્કિલ ઇન્ડિયા મિશન’ પણ શરૂ કર્યું છે.

ગ્રામીણ કારીગારોની કળાના સંરક્ષણ માટે અને તેમના ઉદ્ધાર માટે ફેબ ઇન્ડિયા, મધર અર્થ અને દસ્તકાર બાઝાર જેવી કેટલીક મોટી કંપનીઓ કાર્યરત છે. તેમાં આઇવીઇઆઈ જેવી ઘણી નાની-નાની પહેલ પણ શરૂ થઈ છે, જે સમગ્ર દેશમાં કારીગરોની કળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા આતુર છે.

તૂટલી બંગડીઓમાંથી બનાવેલ બુકમાર્ક

તૂટલી બંગડીઓમાંથી બનાવેલ બુકમાર્ક


પ્રારંભ, નિષ્ફળતા અને બોધપાઠ

નવ્યાએ નાના પાયે અને ઓછા જોખમ સાથે શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2013માં તેમણે તેમના પિતા પાસેથી રૂ. 3,50,000ની લોન લીધી હતી અને ‘આઇ વેલ્યુ એવરી આઇડિયા’ની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તેમને કારીગરો પર બહુ વિશ્વાસ નહોતો. આ વિશે તેઓ કહે છે,

"કારીગરો મારા પર હસતાં હતાં. તેઓ મજાક ઉડાવતાં હતાં કે આ 23 વર્ષની યુવતી આપણને કામ કરવાનું શીખવે છે. એટલે મેં તેમની વર્કશોપ પર જવાનું અને નવી ડિઝાઇન દેખાડવાનું શરૂ કર્યું. તેમને નાનાં-મોટાં સૂચનો કર્યા. એક વખત તેમને મારા વિચારમાં દમ લાગ્યો પછી મારી સૂચના મુજબ કામ કરવાનું શરૂ કર્યું. પછી તો એવું બન્યું કે તેમાંથી કેટલાંક મારી પાસે આવ્યાં અને મારા માટે ફ્રી કામ કરવા તૈયાર થઈ ગયા હતા. તેઓ કશું નવું શીખવાં ઇચ્છતાં હતાં."
આઇ વેલ્યુ એવરી આઇડિયાની ટીમ

આઇ વેલ્યુ એવરી આઇડિયાની ટીમ


ત્યારબાદ નવ્યાએ 12 કારીગરોની ટીમ સાથે એક નાની વર્કશોપ શરૂ કરી, જેમાં એક મહિલા લાકડાની બંગડીઓ બનાવે છે, એક યુવતી મેહેંદીની ડિઝાઇન બનાવે છે. નવ્યા કારીગરોને મૂળભૂત ડિઝાઇન આપે છે (પેન સ્ટેન્ડ, વોલ ક્લોક, ટ્રે અને સ્નેક બાઉલ વગેરેની ડિઝાઇન). પછી તો અવનવી ડિઝાઇન જોઈને મહિલા કારીગરોએ તેમની કુશળતા વધારી હતી. જોકે માલસામાન તૈયાર થઈ ગયો ત્યારે સૌથી મોટો પ્રશ્ર એ હતો કે આ ઉત્પાદનો માટે બજાર કેવી રીતે ઊભું કરવું?

આ માટે તેમણે બેંગાલુરુની સન્ડે સૉલ સાન્તેને સૌપ્રથમ પસંદ કર્યું હતું. આ અંગે તેઓ કહે છે,

"અમારું પ્રથમ વેચાણ ફક્ત રૂ. 20,000નું હતું. હકીકતમાં મને ખોટ ગઈ હતી. પણ મારા માટે તેમનો પ્રતિસાદ વધારે મહત્ત્વપૂર્ણ હતો. લોકોએ અમારા ઉત્પાદનોની પ્રશંસા કરી હતી, જેનો અર્થ એ હતો કે અમે યોગ્ય દિશામાં હતા."

ત્યારબાદ આઇવીઇઆઈને કુકુ ક્રેટ પાસેથી પ્રથમ ઓર્ડર મળ્યો હતો. કુકુ ક્રેટ (અત્યારે બંધ થઈ ગયું છે) એક સ્ટાર્ટઅપ હતું, જે બાળકો માટે ડીઆઇવાય ઉત્પાદનો માટે કામ કરતું હતું. કુકુ ક્રેટ તરફથી મિકી માઉસના આકારની 100 ક્લોકનો ઓર્ડર મળ્યો હતો. તેમાં નવ્યાની પડતર કિંમત રૂ. 100 હતી અને તેનું વેચાણ રૂ. 110માં કર્યું હતું. પણ કુકુ ક્રેટે નવ્યાને નવા બજારનો પરિચય કરાવ્યો હતો.

image


નવા બજારો, નવી દિશા

હકીકતમાં નવ્યા શરૂઆતમાં મોટા ઓર્ડર મેળવવા માટે દોટ મૂકતી હતી. પણ કુકુ ક્રેટમાંથી તેમને બુટિક શોપનો સંપર્ક કરવાની પ્રેરણા મળી હતી. એક વર્ષ કરતાં ઓછા સમયમાં આઇવીઇઆઈના ઉત્પાદનો બેંગાલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને મુંબઈમાં એક્સક્લૂઝિવ શોપમાં જોવા મળતાં હતાં. પછી વર્ષ 2014માં આઇવીઇઆઈને મોટી સફળતા મળી હતી. નવ્યા અને તેની ટીમને 500 વ્હાઇટબોર્ડ કેલેન્ડર્સનો ઓર્ડર દિલ્હીની ઇકોસેન્સ નામની સંસ્થાએ આપ્યો હતો. આ પ્રોજેક્ટમાં આઇવીઇઆઈને સારો નફો મળ્યો હતો. પછી આઇવીઇઆઈ ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને એમેઝોન જેવી મોટી ઇ-કોમર્સ કંપનીઓ સાથે જોડાણ કરવામાં તથા કોર્પોરેટ ઓર્ડર્સ મેળવવામાં સફળ નીવડી છે.

સફળતા, ભવિષ્ય અને સૂચનો

અત્યારે નવ્યા પાસે 18 ફૂલટાઇમ કારીગરો છે અને તે દરેકને કલાક દીઠ રૂ. 60 પેટે પગાર ચુકવવામાં આવે છે. અગાઉ આ લોકો રોજના રૂ 200થી વધારે કમાણી કરી શકતા નથી. વળી તેઓ કોર્પોરેટ ગિફ્ટ, હોમ ડિકોર, ડીઆઇવાય અને વ્યક્તિગત ભેટસોગાદો જેવા તમામ પ્રકારના ઉત્પાદનો બનાવે છે. આઇવીઇઆઈને પહેલાં વર્ષે રૂ. 1,00,000ની કમાણી થઈ હતી. આટલી નાની રકમ કોઈ પણ વ્યક્તિને નિરાશ કરી શકે છે, પણ નવ્યાને પોતાના વિચારમાં શ્રદ્ધા હતી. ગયા વર્ષે તેની ટીમે રૂ. 18,00,000ની કમાણી કરી હતી! નવ્યા અને ટીમને આવી સફળતાનો અંદાજ નહોતો. તેના તેમનો ઉત્સાહ બેવડાયો છે. સીતાપુરમાં શરૂ થયેલી પોતાની સફરમાં શીખવા મળેલા બોધપાઠ વિશે નવ્યા કહે છે –

1. તમે ક્યાં વ્યવસાય કરો છો એ મહત્ત્વપૂર્ણ નથી - “શરૂઆતમાં મને સીતાપુરમાંથી બજાર શોધવાની ચિંતા હતી. પણ ઓનલાઇન સ્પેસથી કામ સરળ થઈ ગયું છે. લોકો આઇવીઆઇઆઈ જેવા સ્ટાર્ટઅપ પાસેથી ખરીદી કરીને અનુભવ મેળવવા ઇચ્છે છે. એટલે હવે તમે ક્યાં ધંધો કરો છો એ મહત્ત્વપૂર્ણ નથી. આખી દુનિયામાં તમે તમારા ઉત્પાદનો પહોંચાડી શકો છો.”

2. તમારા કર્મચારીઓને વિકલ્પો આપો - “મેં ક્યારેય મારા કારીગરોને તેમની ફૂલટાઇમ નોકરી કે કામ છોડવાનું કહ્યું નથી. મને જ્યાં સુધી તેમનામાં વિશ્વાસ ન બેસે ત્યાં સુધી તેમને મારી સાથે ફૂલટાઇમ જોડતી નથી. એટલે તેઓ સતત કામ કરે છે અને જ્યારે તેમની પાસે સમય હોય છે ત્યારે મારા માટે કામ કરવા આવે છે. તેમાંથી જ મને કલાક દીઠ ચુકવણી કરવાની પ્રેરણા મળી હતી.”

3. કેટલીક વખત નાની શરૂઆત સારી હોય છે - “ઘણી વખત મોટા બનવામાં આપણે નાના પાયે શરૂઆત કરવાની મજા અને રોમાંચ ગુમાવીએ છીએ. કેટલીક વખત નાની શરૂઆત સારી હોય છે. મને આશા છે કે આ કારીગરોને કાયમ રોજગારી આપી શકીશ, જેથી તેઓ અનુકૂળતાપૂર્વક જીવી શકશે, તેમના બાળકોને શિક્ષણ આપી શકશે અને નવી બાબતો શીખી શકશે.”

ચાલુ વર્ષના અંત સુધીમાં નવ્યા તેમની ટીમ વધારીને 40 કારીગરોની કરવા આતુર છે. પણ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે,

"હું મારી ટીમ આનંદ સાથે કામ કરે તેવું ઇચ્છું છું. છેવટે તેમની રચનાત્મકતા અને સુંદર કારીગરી જ મહત્ત્વપૂર્ણ છે."

લેખક- શ્વેતા વિટ્ટા

અનુવાદક- કેયૂર કોટક

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

એક સામાન્ય ઇવેન્ટમાંથી પેદા થયું ઝનૂન, હવે છે લગ્નસરાની ફોટોગ્રાફીમાં મોટું નામ!

રાસાયણિક પ્રોડક્ટ્સથી ખુદને બચાવો, ‘રસ્ટિક આર્ટ’ અપનાવો!

જીવનની મુશ્કેલીઓને રંગી કલાની દુનિયામાં નામ ઉજાળ્યું