અમદાવાદના CA પિતા-પુત્રીનું સ્ટાર્ટઅપ 'બિગગડ્ડી.કૉમ' ધૂમ મચાવી રહ્યું છે દેશભરમાં!

અમદાવાદના CA પિતા-પુત્રીનું સ્ટાર્ટઅપ 'બિગગડ્ડી.કૉમ' ધૂમ મચાવી રહ્યું છે દેશભરમાં!

Saturday January 23, 2016,

4 min Read

વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એવી પિતા-પુત્રીની આ જોડી હાલ ઓટોમોબાઈલ ક્ષેત્રે ધૂમ મચાવી રહી છે. CA અને સાથે જ મીડિયા પબ્લિશિંગનો ધીકતો ધંધો. છતાં પણ અમદાવાદની પિતા-પુત્રીની આ જોડીને સ્ટાર્ટઅપ શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી તે જાણવું પણ ઘણું રસપ્રદ છે.

વાત થઇ રહી છે અમદાવાદમાં રહેતા પરેશભાઈ ગોરધનદાસ અને જૈની ગોરધનદાસની. ઓટોમોબાઈલ ક્ષેત્ર જ્યારે એકદમ પા-પા પગલી ભરી રહ્યું હતું ત્યારે તે ક્ષેત્રમાં યુઝડ વેહિકલ (અગાઉ જે વાહનોનો ઉપયોગ કે વપરાશ થયો હોય તેવા વાહનો) બિઝનેસની તક પારખીને આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું.

આ પિતા-પુત્રીની જોડીની ઓટોમોબાઈલ સ્ટાર્ટઅપ એટલે બિગગડ્ડી ડૉટ કૉમ. જેનું મુખ્ય મથક અમદાવાદમાં છે.

image


ક્યારે અને કેવી રીતે થઇ biggaddi.comની શરૂઆત?

વર્ષ 2009માં પરેશભાઈ અને જૈનીએ બિગગડ્ડી.કૉમની શરૂઆત કરી. આ પાછળના આશય અંગે પરેશભાઈ જણાવે છે,

"અમારું સમગ્ર ધ્યાન યુઝડ વાહનો ખરીદવા કે પછી વેચવા ઈચ્છતા લોકો માટે એક ઑનલાઈન પ્લેટફોર્મ ઉભું કરવામાં હતું. એક સામાન્ય વ્યક્તિ જ્યારે વાહન ખરીદવા માગતી હોય ત્યારે તેને શક્ય હોય તેટલા વધારે વિકલ્પો ઓફર કરવા જેથી તે યોગ્ય નિર્ણય લઇ શકે તે જ અમારો મુખ્ય આશય હતો."

હજી પણ જ્યાં ભારતમાં યુઝડ વાહનોનું ઑનલાઈન માર્કેટ પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યું છે તેવામાં બિગગડ્ડી ડૉટ કૉમ કોઈ પણ વ્યક્તિને તેમના ઘરે કે ઓફિસે બેઠાં-બેઠાં પોતાની પસંદગીના સમયે વિવિધ વિકલ્પો ચકાસવાની તક પૂરી પાડે છે.

કેવી રીતે કામ કરે છે biggaddi.com?

આ વેબસાઈટ યુઝડ કાર ડીલરનો એક વિકલ્પ કે અવેજ બનીને કામ કરવામાં નથી માનતી. 'બિગગડ્ડી'એ ડીલર્સની મજબૂત સ્થિતિનો તાગ મેળવીને એક એવું પ્લેટફોર્મ ઉભું કર્યું છે કે જેમાં ગ્રાહક, ડીલર અને વેબસાઈટ સૌ કોઈ ફાયદામાં રહે.

જોકે સાથે જ પિતા-પુત્રીની આ જોડીએ નિર્ણય કર્યો છે કે તેઓ હંમેશા વેન્ચર ફંડ કે પી.ઈ.ફંડથી દૂર રહેશે. તેઓ માને છે કે ધીમા પણ સાતત્યપૂર્ણ, ખૂબ ઊંડાણપૂર્વક લેવાયેલાં પગલાંઓ દ્વારા જ હરીફાઈમાં જીત મેળવી શકાશે. 

હાલ બિગગડ્ડી ડૉટ કૉમ મુંબઈ, દિલ્હી, પૂણે, ચંદીગઢ, બેંગલુરુ તેમજ તેમના હોમટાઉન અમદાવાદ જેવા શહેરોમાં પોતાની મજબૂત સ્થિતિ બનાવી ચૂકી છે. આ તમામ શહેરોમાં આ વેબસાઈટ બિઝનેસનું ખાસ્સું મોટું નેટવર્ક (ગ્રાહકો-ડીલર્સ-વેબસાઈટ) ઉભું કરી ચૂકી છે.

પ્રતિસ્પર્ધીઓ કરતા કેવી રીતે પડે છે અલગ?

આ અંગે 'બિગગડ્ડી'ના CEO જૈનીનું કહેવું છે,

"અમારી વેબસાઈટ ની ખાસિયત એ છે કે તેમાં સેકન્ડહેન્ડ વાહન ખરીદવા ઇચ્છતી વ્યક્તિ પણ પોતાની જરૂરીયાત પોસ્ટ કરી શકે છે. જ્યારે કે હાલ મોટા ભાગની અન્ય યુઝડ વાહનોનું ખરીદ-વેચાણ કરતી વેબસાઈટ્સ માત્ર વાહન વેચનાર વ્યક્તિલક્ષી છે. જ્યારે કે biggaddi.comમાં ખરીદનાર પણ પોતાની જરૂરીયાત દર્શાવી શકે છે."
image


જૈનીના કહેવા મુજબ હાલ તેઓ તેમના નેટવર્કને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન આપી રહ્યાં છે. વેબસાઈટની તમામ સવલતો ફ્રી હોવાથી તેઓ નાની પણ સમર્પિત ટીમ સાથે આગળ વધી રહ્યાં છે. જોકે તેમના બિઝનેસ પ્લાન પ્રમાણે ભવિષ્યમાં વાહન વેચનાર પાર્ટી પાસેથી ટોકન રકમ મેળવી જાહેરાતના માધ્યમથી આવક મેળવવામાં આવશે. સાથે જ જૈનીના કહેવા પ્રમાણે તેઓ એકમાત્ર એવી ઓટોમોબાઈલ વેબસાઈટ છે જે કાર, ટૂ-વ્હીલર્સ અને કોમર્શિયલ વાહનો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. biggaddi.com સાથે અત્યાર સુધી ભારતના 400 શહેરો અને નગરોના 9 હજારથી વધુ યુઝડ વાહનોના ડીલર્સ જોડાઈ ચૂક્યા છે. સારી ટીમ અને ગ્રાહકલક્ષી સવલતોને કારણે આ વેબસાઈટ રીપીટ-યુઝર્સ પણ મેળવી રહી છે.

image


વિન્ટેજ વાહનો માટે ખાસ વિશેષ સેક્શન

biggaddi.comએ વિશ્વના ટોચના વિન્ટેજ વેહિકલ એસોસિએશન સાથે પણ જોડાયેલી વેબસાઈટ છે. અને તેનાકારણે વિન્ટેજ વાહનોની માહિતી પણ આ વેબસાઈટ પરથી મેળવી શકાય છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં યુઝડ વાહનોની શ્રેણીમાં કદાચ 'બિગગડ્ડી' જ એવી વેબસાઈટ છે જેણે વિન્ટેજ વાહનો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય.

image


ગ્રાહક માટે અન્ય ઓટોમોબાઈલ ક્ષેત્રની જરૂરી માહિતી અને જાણકારી પણ

આ સાઈટ પર નોંધણી કરાવતા ગ્રાહકો માટે અન્ય કેટલીક વિશેષ સવલતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમ કે,

- વાહનના વીમાનું રીમાઈન્ડર

- વાહનની સર્વિસનું રીમાઈન્ડર

- વાહનની માઈલેજ પર દેખરેખ

- ઓટોમોબાઈલ ન્યૂઝ

- વાહનોના રીવ્યૂઝ

- ભવિષ્યમાં માર્કેટમાં આવનાર નવા વાહનોની કિંમત અને તેની સરખામણી

- વાહન લોનના માસિક હપ્તાની ગણતરી

બિગગડ્ડી.કૉમની ટીમના જણાવ્યા પ્રમાણે હાલ દર મહીને આશરે 1 લાખ જેટલા લોકો આ વેબસાઈટની મુલાકાત લે છે.

image


આ અંગે CEO જૈની કહે છે,

"અમે 'ઓલ્ડ સ્કૂલ ઓફ થોટ'માં વિશ્વાસ ધરાવીએ છીએ. અમારું માનવું છે કે ઉછીના પૈસાથી જાહેરાતો કર્યા કરવી અને થોડા સમય માટે ધમાલ ઉભી કરવા કરતા ધીરે ધીરે આગળ વધવામાં લાંબા સમય સુધી ટકી શકાય છે."

હાલ એ વાત ચોક્કસ છે કે નાની પણ સંપૂર્ણ સમર્પિત ટીમ હોવાના કારણે બિગગડ્ડી.કૉમ આ ક્ષેત્રનાં મહારથીઓને મજબૂત ટક્કર આપી રહી છે. સાથે જ રસપ્રદ બાબત તો એ છે કે CA પિતા-પુત્રીની આ જોડી દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ biggaddi.comને પ્રોફેશનલ બંધુઓ જેવા કે CA, ડૉક્ટર્સ, વકીલો તેમજ મીડિયા પ્રોફેશનલ્સ તરફથી મજબૂત સહયોગ મળી રહ્યો છે.

Website

FB Page