વિદ્યાર્થીઓએ લીધું વારાણસી નજીકનું એક ગામ દત્તક, પોકેટમનીમાંથી ઉપલબ્ધ કરાવે છે મૂળભૂત જરૂરિયાતો

વિદ્યાર્થીઓએ લીધું વારાણસી નજીકનું એક ગામ દત્તક, પોકેટમનીમાંથી ઉપલબ્ધ કરાવે છે મૂળભૂત જરૂરિયાતો

Friday February 12, 2016,

5 min Read

ચાર મિત્રોનો ઉમદા પ્રયાસ!

'હોપ વેલફેર ટ્રસ્ટ'ની કરી સ્થાપના

વારાણસી પાસેના ખુશિયારી ગામને લીધું દત્તક!

આજે 287 યુવાનો આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે

ગામને દત્તક લેવાના પ્રયાસને રાષ્ટ્રપતિએ પણ વખાણ્યો!

3 જાન્યુઆરી, 2015ના રોજ એક મિત્રનો જન્મ દિવસ મનાવ્યા પછી ચાર મિત્રો અસ્સી ઘાટથી પાછા ફરી રહ્યા હતા ત્યારે જ તેમની નજર માર્ગના કિનારે કચરાના ઢગલામાં ખાવાની ચીજવસ્તુઓ શોધતાં બાળકો અને મહિલાઓ પર પડી. હાલત એવી હતી કે એક તરફ કૂતરાં હતાં, બીજી તરફ માનવ બાળ અને મહિલાઓ. બાળકો અને મહિલાઓ સતત કૂતરાંઓને ભગાડવાની કોશિશ કરતાં હતાં, પણ ન તો કૂતરાં ત્યાંથી હટતાં હતાં ન આ લોકો. રોટલીના બે ટુકડા માટેની એ મથામણે આ ચારેય મિત્રોને અંદરથી હચમચાવી નાખ્યા. એક જ પળમાં જન્મદિવસની તમામ મસ્તી ગાયબ થઈ ગઈ. એ જ ક્ષણે આ ચારેય મિત્રોએ નિશ્ચય કર્યો કે સમાજ અને ગામને બદલાવવામાં પોતે કંઈક યોગદાન આપશે. આ ચારેય મિત્રો હતા – રવિ મિશ્રા, દિવ્યાંશુ ઉપાધ્યાય, ધર્મેન્દ્રસિંહ યાદવ અને વિપુલ ત્રિપાઠી. એવું નહોતું કે આ મિત્રો કોઈ મોટી કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. આ યુવાનો વારાણસીની અલગ અલગ યુનિવર્સિટીઝમાં ભણી રહ્યા હતા અને તેમનો અભ્યાસ ચાલુ જ હતો. પણ કહે છે કે જ્યારે લક્ષ્ય સામે હોય ત્યારે પછી ન ઉંમર જોવાય છે અને ન પૈસા. બસ હોય છે માત્ર જુસ્સો. કંઈક કરી છૂટવાનો ઉત્સાહ હવે નવું રૂપ ધારણ કરવાની તૈયારીમાં હતો.

image


સંગઠન

કહેવાય છે કે યુવાનોના ખભે દેશની જવાબદારી છે. યુવાનો નિશ્ચય કરી લે તો દેશની દશા અને દિશા બદલી શકે છે. આવું જ કર્યું રવિ મિશ્રા, દિવ્યાંશુ ઉપાધ્યાય, ધર્મેન્દ્રસિંહ યાદવ અને વિપુલ ત્રિપાઠીએ. આ ચારેય મિત્રોએ સમાજસેવાની સાથે સાથે એક સંસ્થાની સ્થાપના કરી અને નામ આપ્યું 'હોપ વેલફેર ટ્રસ્ટ'. આ ટ્રસ્ટ પૂર્ણપણે પોકેટમનીના આધારે ચાલે છે અને તેને ચલાવે છે બનારસ હિંદુ યુનિવર્સિટી અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના યુવાનો. સમયની સાથે આમાં યુવાનોની સંખ્યા વધતી ગઈ અને તેનો વ્યાપ પણ વધતો ગયો. હવે તેમાં માત્ર વારાણસીના જ નહીં, બલકે દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. અત્યાર સુધીમાં તેમાં 287 વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે.

image


હોપ વેલફેરનાં પ્રારંભિક કાર્યો

રવિ મિશ્રાએ યોર સ્ટોરીને જણાવ્યું,

"વારાણસીના દુર્ગાકુંડની સફાઈ, વૃદ્ધાશ્રમમાં મદદ જેવાં અનેક કાર્યો બાદ અમે યુવાનોએ ગામડાંમાં કામ કરવાનું વિચાર્યું, કારણ કે આજે પણ એવાં અનેક ગામ છે, જ્યાં સરકારી યોજનાઓના લાભ, વીજળી અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો પણ ઉપલબ્ધ થઈ શકી નથી. વારાણસીની આજુબાજુનાં અનેક ગામનો સરવે કર્યા પછી અમે 9મી ઑગસ્ટ, 2015ના રોજ ખુશિયારી ગામને દત્તક લીધું અને તેનો પૂરેપૂરો કાયાપલટ કરવાનો સંકલ્પ કર્યો. ખુશિયારી ગામ વારાણસીથી 12 કિમી દૂર છે, જે કાશી વિદ્યાપીઠ તાલુકામાં આવે છે."

ખુશિયારી ગામને પસંદ કરવાનાં મુખ્ય કારણો

હોપ વેલફેરના સંસ્થાપકોમાંના એક દિવ્યાંશુ ઉપાધ્યાય જણાવે છે,

"જ્યારે અમે લોકોએ ખુશિયારી ગામની મુલાકાત લીધી ત્યારે ગામના લોકોને જોઈને અચંબિત થઈ ગયા. આશ્ચર્યની વાત એ છે કે દેશભરમાં ગામડાંઓમાં શૌચાલય બનાવવાના કામ માટે સરકાર તરફથી સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આ ગામમાં માત્ર બે જ શૌચાલય હતાં અને એ પણ ખાનગી."


આ સ્ટોરી પણ વાંચો:


વેકેશનમાં મિત્રો સાથે ગપ્પા મારવાના બદલે વડોદરાનાં યુવાને પકડી હઠ! 'ચેન્જ વડોદરા' થકી લાવ્યો કેટલાંયે લોકોના જીવનમાં બદલાવ!


આ સ્થિતિ જોઈને હોપ વેલફેરે નક્કી કર્યું કે આ ગામમાં કામ કરવું જરૂરી છે. આ ઉપરાંત આ યુવાનોને એ જોઈને પણ આશ્ચર્ય થયું કે વારાણસીથી માત્ર 12 કિલોમીટર દૂર આ ગામમાં આજદિન સુધી વીજળી પહોંચી નથી. તૂટેલા ફૂટેલા રસ્તાઓ અને પીવાના ચોખ્ખાં પાણીની અછત પોતાની જુદી જ કહાણી કહી રહી હતી. આ સ્થિતિમાં ગામલોકો માટે શિક્ષણની ચિંતા તો એક લક્ઝરી બાબત હતી. ખુશિયારી ગામમાં અડધાથી ઓછા લોકો આજદિન સુધી શિક્ષણ સાથે જોડાઈ શક્યા નથી. નિરક્ષર હોવા ઉપરાંત ગામના લોકોમાં નશાની આદત સામાન્ય બાબત હતી. આટલી બધી સમસ્યાઓ એક સાથે એક જ ગામમાં હોય ત્યારે પછી બેરોજગારી તો હોય જ!

image


ગામમાં કરવામાં આવેલાં કાર્યો

યુવાનોને આ બધું જોઈને સમજાઈ ગયું હતું કે ખુશિયારી ગામમાં સઘન કાર્ય કરવાની જરૂર છે. ગામ લોકોને જેની સખત જરૂરિયાત હતી, એ દરેક કામ કરવાના ભરપૂર પ્રયાસો આ યુવાનોએ કર્યા. ગામ માટે 50 શૌચાલય બનાવવાની મંજૂર મળી અને કામ પ્રગતિ પર છે. ગામમાં વીજળી પહોંચાડવા માટે વિદ્યાર્થીઓએ એડીચોટીનું જોર લગાવ્યું. આનું પરિણામ એ આવ્યું છે કે આગામી બે મહિનાઓમાં ગામમાં વીજળી પહોંચી જશે. હોપ પરિવાર તરફથી ખુશિયારી ગામને નશામુક્ત કરાવવા માટે તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. કેમ્પ ચલાવવાથી લઈને શેરી નાટક થકી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. લોકોને સ્વાવલંબી બનાવવા માટે તેમને લઘુ-કુટીર ઉદ્યોગ સાથે જોડવામાં આવી રહ્યા છે. મહિલાઓને સિલાઈ-ગૂંથણની તાલીમ આપવામાં આવી રહી છે. સાથે સાથે ગામનાં બાળકોને શિક્ષણ સાથે જોવવા માટે તેમનાં માતા-પિતાની કાઉન્સેલિંગ ચાલું છે. પરિણામ સ્વરૂપ ગામની બાળાઓ પણ શાળાએ જવા માંડી છે. ઘણી વિદ્યાર્થિનીઓને સાઇકલ પણ આપવામાં આવી છે. બાળાઓને લેપટૉપ થકી સપ્તાહમાં એક દિવસ કૉમ્પ્યૂટરની જાણકારી આપવામાં આવી રહી છે. આનાથી મોટી વાત એ છે કે ગામમાં પૌઢ શિક્ષણનો પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. લોકોને સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી રહી છે, જેથી તેઓ પોતાના અધિકાર માટે આગળ આવે.

image


ગામના લોકોને રોજગારીની તક પણ ઊભી કરવામાં આવી રહી છે. જોકે, આનો અર્થ એવો નથી કે તેમને ખેતીથી અલગ કરવામાં આવે છે. ખેડૂતોને નવી નવી ખેતપદ્ધતિઓ થકી ખેતી કરવા માટે જાણકારી પણ આપવામાં આવે છે. હોપ વેલફેરના પ્રયાસોનું પરિણામ એ આવ્યું છે કે યુનિયન બેન્કની મદદથી ગામમાં 3 સોલર લાઇટ લગાવાઈ છે. સ્પષ્ટ છે કે દેશના વિકાસમાં સૌથી ભાગીદારી મહત્ત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં હોપ વેલફેર ખુશિયારી ગામ માટે વરદાન સાબિત થઈ રહ્યું છે.

પ્રશંસા

હોપ વેલફેરના તમામ પ્રયાસોનું પરિણામ એ આવ્યું છે કે ગામ હવે નવી રીતે શ્વાસ લઈ રહ્યું છે. ગામની દરેક વ્યક્તિને જિંદગીનો એક ઉદ્દેશ મળી ગયો છે. હોપ વેલફેરના યુવાનોના આ સેવાભાવી પ્રયાસોની વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ છે. ધર્મેન્દ્ર યાદવ અને વિપુલ ત્રિપાઠીએ યોરસ્ટોરીને જણાયું,

image


"અમારા માટે સૌથી મોટી વાત એ હતી કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બીએચયુ વિડિયો કોન્ફરન્સિંગમાં ખુશિયારી ગામને દત્તક લેવાની ઘટનાની પ્રશંસા કરી અને કહ્યું કે આવાં કાર્યોમાં વધુમાં વધુ યુવાનોની ભાગીદારી હોવી જોઈએ. આ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ રામ નાઇકે અમને મળવા માટે બોલાવ્યા છે."

આ સંસ્થાનો સૌથી મોટો સિદ્ધાંત છે કે તેને રાજકારણથી પૂર્ણપણે દૂર રખાઈ છે. કોઈ સભ્ય જો કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો કે તેનો પ્રચાર કરતો જોવા મળે તો તેનું સભ્યપદ છીનવી લેવામાં આવે છે.

વડાપ્રધાને પોતાના સાંસદોને એક એક ગામ દત્તક લેવા જણાવ્યું હતું. આ વિદ્યાર્થીઓએ પણ પોતાની જવાબદારી સમજી અને પોતાના દેશનો વિકાસ કરવા મથવા માંડ્યા છે. યોરસ્ટોરીને આ વિદ્યાર્થીઓ પર ગર્વ છે. વડાપ્રધાન મોદીને પણ ચોક્કસ આ વાતે ગર્વ થશે.


લેખક- નવીન પાંડેય

અનુવાદક- સપના બારૈયા વ્યાસ


આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરો