કર્ણાટકના સંતુલિત વિકાસ પર ભાર મૂકતાં તાતા, ગોપાલક્રિષ્નન અને બિરલા

કર્ણાટકના સંતુલિત વિકાસ પર ભાર મૂકતાં તાતા, ગોપાલક્રિષ્નન અને બિરલા

Wednesday February 03, 2016,

4 min Read

તાતા, ગોપાલક્રિષ્નન અને બિરલાએ બેંગલુરુને બદલે સમગ્ર રાજ્યના વિસ્તારોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી

ઇન્વેસ્ટ કર્ણાટકની શરૂઆત થયાની ગણતરીની મિનિટો અગાઉ ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગને મદદ કરવા તમામ પ્રકારની ખાતરી આપવાની જાહેરાત કરી હતી તેમજ નીતિઓ જાહેર કરવાની સાથે તેના ઝડપી અને અસરકારક અમલીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

કર્ણાટક આ બે દિવસની ઇવેન્ટમાં રૂ. 1,00,000 કરોડનું મૂડીરોકાણ મેળવવાની યોજના ધરાવે છે. પણ આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ સ્ટાર્ટઅપ્સ છે. આ ઉપરાંત એરોસ્પેસ, સંરક્ષણ, હેલ્થકેર, બાયો-ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

image


રતન તાતાએ કર્ણાટકમાં ઉદ્યોગસાહસિકતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું,

"દેશમાં ‘સ્ટાર્ટઅપ’ શબ્દ લોકપ્રિય થયો નહોતો તે અગાઉ અહીં નાની નાની કંપનીઓએ જબરદસ્ત સફળતા મેળવી છે."

તાતાએ અત્યાર સુધીમાં 25 સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. તેમણે, કર્ણાટકે હેલ્થકેર અને સામાજિક અસર કરતી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે બેંગલુરુ ઉપરાંત સમગ્ર રાજ્યનો સંતુલિત વિકાસ થવો જોઈએ તેવું સૂચન પણ કર્યું હતું.

કેન્દ્રિય શહેરી વિકાસ પ્રધાન પણ સંતુલિત વિકાસ પર તાતાની વાત સાથે સંમત થયા હતા અને વિકાસ કેટલાંક મોટો શહેરો પૂરતો કેન્દ્રિત ન હોવો જોઈએ તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું,

રતન તાતાએ ખરેખર ઉદ્યોગસાહસિકો માટે માપદંડ સ્થાપિત કર્યો છે. મારું માનવું છે કે ઇન્વેસ્ટ કર્ણાટક અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા એકબીજાના પૂરક બનવા જોઈએ.

આઇટી ઉદ્યોગના દિગ્ગજ અને ઇન્ફોસિસના ભૂતપૂર્વ સીઇઓ ગોપાલક્રિષ્નન માને છે કે રાજ્યમાં રોકાણ પ્રતિભાઓને જોરે આવે છે. તેમણે કહ્યું,

"મેં વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે વાત કરી છે અને તેઓ કર્ણાટક આવવા આતુર છે."

અહીં આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આઇટી અને સ્ટાર્ટઅપ્સ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ રોકાણ મેળવવાની તક કર્ણાટક ધરાવે છે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે યોરસ્ટોરીને જણાવ્યું હતું કે, તેઓ કર્ણાટકમાં રિટેલ, ઉત્પાદન, સિમેન્ટ અને સ્ટાર્ટઅપ્સ એમ વિવિધ ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. બિરલાએ કહ્યું હતું કે, “અમે છેલ્લા 50 વર્ષથી કર્ણાટક સાથે જોડાયેલા છીએ.”

તેઓ રાજ્યમાં ડિજિટલ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ સાથે જોડાણ કરવા આતુર છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે બેંગલુરુમાં ઇ-કોમર્સ અને ડિજિટલ કંપનીઓમાં રોકાણ કર્યું છે. અમને રાજ્યમાં સ્ટાર્ટઅપ્સની અભૂતપૂર્વ વૃદ્ધિની અપેક્ષા છે.”

ઇન્વેસ્ટ કર્ણાટક પર બિરલાએ જણાવ્યું હતું કે, કર્ણાટક હવે સાચી દિશામાં અગ્રેસર થયું છે અને સરકારે એક કે બે શહેરોને બદલે સંતુલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, "ભારત સરકાર અત્યારે ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે હું દેશમાં ઉત્પાદન ક્ષેત્રને લઈને ઘણો પોઝિટિવ છું. ભારતમાં ઝડપથી ઊંચો આર્થિક વિકાસ કરવા ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂર છે."

આ બંને દિગ્ગજ ઉદ્યોગપતિઓના અભિપ્રાયોનો પડઘો રાજ્યના નીતિનિર્માતાઓએ મીટિંગ રૂમમાં પાડ્યો હતો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચાલુ વર્ષની ઇન્વેસ્ટ કર્ણાટકની એડિશનની દિશાને લઈને સ્પષ્ટ હતા. તેમણે કહ્યું હતું કે, “રાજ્યમાં હંમેશા આર્થિક વૃદ્ધિ અને વેપારવાણિજ્યનું વિસ્તરણ જોવા મળ્યું છે. ચાલુ વર્ષે ઇન્વેસ્ટ કર્ણાટકની એડિશનમાં અમે બેંગલુરુ જ નહીં, પણ સંપૂર્ણ રાજ્યના સંતુલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.”

રાજ્યના ભારે અને મધ્યમ ઉદ્યોગના પ્રધાન આર વી દેશપાંડેએ પ્લેટફોર્મ પર કર્ણાટકના આર્થિક વિકાસની ઝાંખી રજૂ કરવાની તક ઝડપી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “કર્ણાટક ભારતની અંદર વિકસિત અર્થવ્યવસ્થા છે, જેનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. વળી કર્ણાટક સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી સંચાલિત નવા વ્યવસાયોની વૈશ્વિક રાજધાની છે.”

રાજ્ય ટેકનોલોજી સેવાઓમાં દુનિયાની કેટલીક ટોચની કંપનીઓ ધરાવે છે. કર્ણાટકની વસ્તી 3.8 કરોડ છે, જેમાંથી 13 લાખ લોકોને આઇટી સેવાઓમાં સીધી રોજગારી મળે છે અને તે વૃદ્ધિના કારણે અન્ય 20 લાખ લોકો માટે પરોક્ષ રીતે રોજગારીનું સર્જન થયું છે. વળી રાજ્યમાં પાંચ લાખથી વધારે કામદારો ઉત્પાદન ક્ષેત્રમાં સંકળાયેલા છે.

આ સમિટમાં ઉપસ્થિત કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે,

"ભારતમાં વિવિધ રાજ્યો વચ્ચે સમૃદ્ધિના શિખરો સર કરવા સ્વસ્થ સ્પર્ધા જોવા મળે છે. જે રાજ્યો પારદર્શકતાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે તે વિકાસની આ દોટમાં આગળ રહેશે."

જ્યારે ઉદ્યોગની વાત આવે છે ત્યારે કર્ણાટકે હંમેશા નવા માપદંડો સ્થાપિત કર્યા છે. પણ છેલ્લાં ત્રણ વર્ષથી બેંગલુરુ પાણીની ખેંચ, વીજકાપ અને ટ્રાફિકની ગીચતા જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યાઓ હોવા છતાં દરરોજ શહેરમાં ત્રણ સ્ટાર્ટઅપ શરૂ થાય છે. કર્ણાટકના ટિઅર-ટૂ શહેરોમાં 500 સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે.

રાજ્ય સરકારે બેંગલુરુ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અન્ય શહેરોમાં રોકાણ પર આકર્ષવા અને યુનિવર્સિટીઓ સાથે જોડાણ કરવાની જરૂર છે. તેનાથી કર્ણાટકનો સંતુલિત વિકાસ સુનિશ્ચિત થશે.

(ડિસ્ક્લેઇમરઃ રતન તાતા યોરસ્ટોરીના રોકાણકાર છે)

લેખક- વિશાલ ક્રિષ્ના અને સિંધુ કશ્યપ

અનુવાદક- કેયૂર કોટક