MBBSનો અભ્યાસ અધવચ્ચેથી છોડી પર્યાવરણના ડૉક્ટર બની કેટલાંયે જન-આંદોલનોના પ્રણેતા બન્યાં પુરુષોત્તમ રેડ્ડી

MBBSનો અભ્યાસ અધવચ્ચેથી છોડી પર્યાવરણના ડૉક્ટર બની કેટલાંયે જન-આંદોલનોના પ્રણેતા બન્યાં પુરુષોત્તમ રેડ્ડી

Monday May 09, 2016,

10 min Read

ઘટના 1996ની છે. અવિભાજીત આંધ્રપ્રદેશના નલગોંડા જિલ્લાના એક ગામમાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી. ખેડૂત અને બીજા ગામના લોકો ફ્લોરોસિસની સમસ્યાથી છૂટકારો મેળવવાના ઉપાય શોધવા ચર્ચા કરતા હતા. તે દિવસોમાં નલગોંડા જિલ્લાના ઘણાં ગામમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોવાથી પાણી પીવા માટે લાયક રહ્યું નહોતું. પણ લોકો પાસે અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી તેમની પાસે ફ્લોરાઇડયુક્ત પાણી પીવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. નલગોંડા જિલ્લાના અનેક બાળકો, યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ ફ્લોરોસિસનો શિકાર બન્યા. અનેક લોકોના દાંત પીળા પડી ગયા. અનેક લોકોના હાથ અને પગના હાડકાં વળી ગયા. તેઓ વિકલાંગ થઈ ગયા. અન્ય ઘણા લોકોને સાંધાનો દુઃખાવો થતો હતો. ગર્ભવતી મહિલાઓ પર પણ આ બિમારીની અસર થઈ હતી. દૂષિત પાણી પીવાથી ઘણી મહિલાઓને ગર્ભપાત થઈ ગયો. સિંચાઈ માટે યોગ્ય પાણી ન મળવાથી લાખો એકર જમીન બંજર થઈ ગઈ.

ફ્લોરોસિસની સમસ્યાથી પીડિત દર્દીઓ સંખ્યા સતત વધતી હતી. રાજ્ય સરકાર કોઈ મદદ કરતી નહોતી. જિલ્લા વહીવટીતંત્ર મૂક પ્રેક્ષકની જેમ તમાશો જોતું હતું. તેઓ સમસ્યાનું સમાધાન જાણતા હતા. તેમને આ ગામડાઓમાં સુરક્ષિત પાણી પહોંચાડવાનું હતું, પણ નક્કર પગલાં લેવા કોઈ તૈયાર નહોતું. ગામના લોકોએ આંદોલનો કર્યા, પણ સરકારે ઠાલાં વચનો આપવા સિવાય કશું કર્યું નહીં. સરકાર સામે હવે મોટું આંદોલન કરવા માટે જ આ ગામમાં બેઠક યોજાઈ હતી. તેમાં રાજ્યશાસ્ત્રના એક વિદ્વાન પણ હાજર હતા. મોટા ભાગના ખેડૂતો સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં હતા. પણ રાજ્યશાસ્ત્રના આ વિદ્વાનનો વિચાર અલગ હતો. તેમણે ખેડૂતોને એવી સલાહ આપી, જેને સાંભળીને બધા ચકિત થઈ ગયા.

image


આ વિદ્વાને સૂચન કર્યું કે લોકસભાનું વિસર્જન થઈ ગયું છે અને ચૂંટણી ફરી થવાની છે. એટલે સમગ્ર દેશનું ધ્યાન નલગોંડા જિલ્લાની સમસ્યા તરફ ધ્યાન ખેંચવાનો એક ઉત્તમ ઉપાય છે. આ વિદ્વાને સૂચન કર્યું કે આ વખતે નલગોંડા લોકસભા બેઠક માટે યોજનાર ચૂંટણીમાં ફ્લોરોસિસથી પ્રભાવિત વધુને વધુ ખેડૂતો ચૂંટણી લડશે. ખેડૂતોએ વિદ્વાનની વાત માની. અનેક ઉમેદવારીપત્રકો ભરાયા. 540 ખેડૂતોએ ઉમેદવારી નોંધાવી. 1996ની લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારો નલગોંડા જિલ્લામા હતા. આખા દેશમાં નલગોંડાના ખેડૂતોની સમસ્યા ચર્ચાસ્પદ બની. ચૂંટણી પંચ ચોંકી ગયું. તેની પાસે આટલા બધા ઉમેદવારોને આપવા માટે ચિહ્નો નહોતા એટલે આ બેઠક પર ચૂંટણી સ્થગિત કરવી પડી. રાજ્ય સરકારની પોલ ખુલી પડી ગઈ, જેના પગલે સરકારને 3 લાખ એકર જમીનને સિંચાઈ માટે પાણી અને 500 ગામનો પીવાનું સુરક્ષિત પાણી આપવાની વ્યવસ્થા કરવી પડી.

જે સમસ્યા આંદોલન કરવાથી ઉકેલાઈ નહોતી તેનું સમાધાન રાજ્યશાસ્ત્રના એક પ્રોફેસરે કરી દીધું હતું. રાજ્યશાસ્ત્રના આ વિદ્વાન બીજું કોઈ નહીં, પણ જાણીતા શિક્ષણશાસ્ત્રી, પર્યાવરણશાસ્ત્રી, સમાજશાસ્ત્રી પ્રોફેસર પુરુષોત્તમ રેડ્ડી હતા. તેમણે એક નહીં, અનેક સફળ જનાંદોલનો કર્યા છે. તેમણે ઘણા આંદોલનોમાં સીધો ભાગ લીધો નથી, પણ પોતાના વ્યવહારિક સૂચનોથી તેમને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

એક વિશેષ મુલાકાતમાં પુરુષોત્તમ રેડ્ડીએ ફ્લોરોસિસથી પીડિત નલગોંડાના ખેડૂતોના આંદોલનની યાદ વાગોળતા કહ્યું કે તે દિવસોમાં અવિભાજીત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર ટી એન શેષાન હતા. આ બંને પોતાને વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવતા હતા. નાયડુ પોતાને આંધ્રપ્રદેશના સર્વેસર્વા સમજતાં હતાં. પણ જનતા અને લોકશાહીની તાકાતે બંનેને કદ પ્રમાણે વેતરી નાંખ્યા હતા. શેષાન ચૂંટણી ન કરાવી શક્યા અને નાયડુને નીચી મુંડીએ નલગોંડાના ખેડૂતોને સુરક્ષિત પાણીની વ્યવસ્થા કરવી પડી. પુરુષોત્તમ રેડ્ડી કહે છે,

"નલગોંડાના લોકોને રાજકીય પક્ષો અને નેતાઓ પરથી ભરોસો ઊઠી ગયો હતો. મારું સૂચન ખેડૂતોને વિચિત્ર લાગ્યું હતું, પણ તેઓ આંદોલનો કરીને થાકી ગયા હતા. મને શંકા હતી કે ખેડૂતો રૂ. 500 ખર્ચીને ઉમેદવારી નોંધાવશે. બધાને ખબર હતી કે ચૂંટણી જીતવાના નથી, પણ ખેડૂતોએ તૈયારી દાખવી ત્યારે હું બહુ રાજી થયો હતો. ખેડૂતો કહેતા હતા કે ખાતરનો ઉપયોગ કરવા છતાં પાક બરબાદ થઈ જાય છે. આ વખતે એમ સમજીશું."
image


રેડ્ડી આ આંદોલનની સફળતાને યાદ કરીને ખુશ થાય છે, પણ તેઓ તેને પોતાની સૌથી મોટી સફળતા ગણતા નથી. તેઓ જણાવે છે કે, રાજીવન ગાંધી વડાપ્રધાન હતા ત્યારે નાગાર્જુન સાગર બંધની પાસે પ્રસ્તાવિત પરમાણુ રિએક્ટરનું નિર્માણ અટકાવવું તેમની સૌથી મોટી સફળતા હતી. તેમના કહેવા અનુસાર, 

"કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધ બહુ મોટો અને મહત્ત્વપૂર્ણ યોજના છે. કેન્દ્ર સરકારે આ જ બંધ પાસે પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. પ્લાન્ટ માટે જમીન પણ ફાળવવામાં આવી હતી. કામ શરૂ થઈ ગયું હતું. મને ખબર પડી ત્યારે મેં તેને ગમે તે ભોગે અટકાવવાનો નિર્ણય લીધો. મને લાગ્યું હતું કે પર્યાવરણ અને જનહિતની દ્રષ્ટિએ તે ઘણો નુકસાનકારક છે. હું નિરીક્ષણ કર્યું અને લોકોના જીવન જોખમમાં મૂકાશે તેવું અનુભવ્યું."

રેડ્ડી જાણતા હતા કે તેઓ એકલા આ યોજનાનો વિરોધ નહીં કરી શકે. એટલે તેમણે આસપાસના ગામના લોકોને પરમાણુ રિએક્ટરથી સંભવિત નુકસાનની જાણકારી આપી. લોકોમાં જાગૃતિ લાવ્યા. ગ્રામીણ લોકો અને ખેડૂતોને સચેત કર્યા. તેઓ અનેક ગામ ફર્યા. નાની-મોટી સભાઓ કરી. નિઃસ્વાર્થ ભાવે પુરુષોત્તમ રેડ્ડીએ આંદોલન ઊભું કર્યું. તેમન મહેનત રંગ લાવી. લોકોએ પોતપોતાની રીતે પણ વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા. પછી તો પ્રોફેસર શિવાજી રાવ, ગોવર્ધન રેડ્ડી અને ડૉ. કે બાલગોપાલ જેવા મોટા આંદોલનકર્તાઓ પણ કૂદી પડ્યાં. છેવટે સરકારને ઝૂકવું પડ્યું. તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ગોવર્ધન રેડ્ડીને ચિઠ્ઠી લખીને સૂચના આપી કે નાગાર્જુન સાગર પાસે પરમાણુ રિએક્ટરની યોજના પડતી મૂકવામાં આવી છે.

ચહેરા પર હાસ્ય સાથે રેડ્ડી કહે છે કે, "એક વખત અમે શરૂ કર્યું તો પાછળ ફરીને ન જોયું. તે મોટું આંદોલન હતું. સફળતા પણ એટલી જ મોટી મળી હતી." તેમના કહેવા મુજબ, બીજા રાજ્યોમાં લોકો પરમાણુ રિએક્ટરને રોકી ન શક્યા. કોટા, કૈગા, કુડનકુલમ જેવા સ્થળો પર લોકોએ આંદોલન તો કર્યા, પણ સફળતા ન મળી. નાગાર્જુન સાગરના આંદોલનની સફળતાનું રહસ્ય જણાવતા રેડ્ડીએ કહે છે કે, "હું ગામડે-ગામડે ફરતો અને લોકોને સમજાવતો કે પરમાણુ રિએક્ટરથી કેવી રીતે તેમને નુકસાન થાય છે. મેં લોકોને સમજાવ્યા કે પરમાણુ રિએક્ટરથી કેવી દુર્ઘટનાઓ સર્જાય છે અને વિકિરણો તથા પ્રાણઘાતક તરંગો મુક્ત થાય ત્યારે 50થી 100 કિમીના વર્તુળમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવા ફક્ત 24 કલાકનો સમય રહેશે. લાખો લોકોને અસર થશે. મેં લોકોને તેમની ભાષામાં પરમાણુ રિએક્ટરના જોખમોથી પરિચિત કરાવ્યા હતા. આ કારણે અમને સફળતા મળી હતી."

લગભગ પાંચ દાયકાથી પ્રોફેસર પુરુષોત્તમ રેડ્ડી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનચેતના લાવવાનું અને સરકારોનું ધ્યાન આકર્ષિક કરવાનું કામ કરે છે. સમાજસેવા તેમનો ધર્મ છે. જનહિત અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલું કોઈ પણ કામ હોય તો તેઓ પોતાનું યોગદાન આપવામાં પીછેહટ કરતા નથી. આ માટે પુરુષોત્તમ રેડ્ડી બાળપણમાં તેમના માતાપિતાએ સિંચેલા સંસ્કારોને જવાબદાર ગણે છે. આ કારણે જ તેમણે સમાજ અને પર્યાવરણને પોતાનું જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો હતો.

image


પુરુષોત્તમ રેડ્ડીનો જન્મ 14 ફેબ્રુઆરી, 1943ના રોજ તેલંગાણાના સુખીસંપન્ન અને ધનિક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમને માતાપિતા કૌશલ્યા દેવી અને રાજા રેડ્ડી દયાળુ હતા તથા લોકોની સેવામાં સમર્પિત હતા. માતાપિતા ચુસ્ત આર્યસમાજી હતા. તેમના પર દયાનંદ સરસ્વતી, આચાર્ય અરવિંદ અને રવીન્દ્રનાથ ઠાકુરનો પ્રભાવ હતો. પરિવાર આધ્યાત્મિક હતો. આચાર્ય વિનોબા ભાવેથી પ્રભાવિત થઈને રાજા રેડ્ડીએ 1000 એકર ભૂમિ ભૂદાન આંદોલનમાં ભેટ આપી દીધી હતી. પછી લોકોની મદદ કરવા વધુ 3000 એકર જમીનનું દાન કર્યું હતું.

બાળપણની યાદો તાજાં કરીને રેડ્ડીએ જણાવ્યું, 

"માતાપિતા અને ઘરના વાતાવરણનો મારા પર ઊંડી અસર થઈ. મારા માતાપિતા બહુ આધ્યાત્મિક હતા. તેમનો મિલનસાર સ્વભાવ, તેમનો દયાનો ગુણ, તેમની સમાજસેવા ખરેખર ગજબ હતી. તેમનું અંગત જીવન સમાજ માટે ઉત્તમ સંદેશ છે. મારા પિતાએ મને એક વખત કહ્યું હતું કે, મનુષ્યનું મૂલ્ય તેના ગુણથી અંકાય છે, જમીન કે સંપત્તિથી નહીં. અભ્યાસ કર, ફાયદો થશે." 

પોતાની પિતાની વાત માનીને રેડ્ડીએ અભ્યાસ પર બહુ ધ્યાન આપ્યું અને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેમને "મેરિટ"ના આધારે તે દિવસોમાં પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઉસ્માનિયા મેડિકલ કોલેજમાં એમબીબીએસ કોર્સમાં સીટ મળી હતી. બે વર્ષ બહુ અભ્યાસ કર્યો. પરીક્ષામાં સારાં ગુણ મેળવ્યા. તેમને ડૉક્ટર બનવામાં ફક્ત બે વર્ષ બાકી હતા. તેમણે એકાએક ડૉક્ટરનો અભ્યાસ પડતો મૂકીને સમાજસેવામા લાગી જવાનો મોટો નિર્ણય લીધો હતો અને રાજ્યશાસ્ત્રને પોતાનો મુખ્ય વિષય બનાવ્યો.

આ વિશે રેડ્ડી કહે છે, 

"મને લાગતું હતું કે ડૉક્ટર બનીને લોકોની સેવા નહીં કરી શકાય. મને લાગ્યું કે રાજ્યશાસ્ત્રનો પંડિત બનીને હું લોકોની વધારે મદદ કરી શકી. ડૉક્ટરનો અભ્યાસ સારો હતો, પણ મારું મન રાજ્યશાસ્ત્રમાં રમતું હતું. આ કારણે મેં બી એ કર્યું."

આગળ જઈને રેડ્ડીએ લગભગ ત્રણ દાયકા સુધી હજારો વિદ્યાર્થીઓને રાજ્યશાસ્ત્રના પાઠ ભણાવ્યા. તેઓ ઘણાં વર્ષ સુધી રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન પણ રહ્યાં. તેઓ બે ટર્મ ઉસ્માનિયા યુનિવર્સિટીના ટીચર્સ યુનિયનના અધ્યક્ષ પણ હતા.

ઉસ્માનિયા યુનિવર્સિટીના લેક્ચરર અને પ્રોફેસર તરીકે કાર્યરત હોવા છતાં રેડ્ડી સમાજના હિત માટે જનાંદોલનોમાં ભાગ લેતા હતા. તેઓ ખેડૂતોની અવાજ અને આંદોલનકર્તા બની ગયા. દૂરદૂરથી લોકો પોતાન સમસ્યાના સમાધાન માટે તેમની પાસે આવતા. વિષયની ગંભીરતા જોઈને રેડ્ડી આંદોલનમાં પોતાની ભૂમિકા નક્કી કરતા હતા. તેઓ ક્યારેય નાયક બની જતા તો ક્યારેય સલાહકાર. રેડ્ડીએ જનહિત માટે કાયદાકીય લડાઈઓ પણ લડી છે. પર્યાવરણ સંરક્ષણ અને માનવ કલ્યાણ માટે રેડ્ડી જુદી જુદી કોર્ટમાં પોતાની લડાઈ લડ્યાં છે.

એક વિશેષ મુલાકાત દરમિયાન અમે પુરુષોત્તમ રેડ્ડીએ સવાલ પણ કર્યો કે તમે વર્ષો સુધી રાજ્યશાસ્ત્ર ભણાવ્યું હતું, છતાં શિક્ષાવિદ અને રાજ્યશાસ્ત્રીમાંથી પર્યાવરણ નિષ્ણાત અને જનઆંદોલનના પ્રણેતા કેવી રીતે બની ગયા? આ સવાલના જવાબમાં રેડ્ડીએ જણાવ્યું કે બે ઘટનાઓએ તેમનું જીવન બદલી નાંખ્યું. તેમને બહુ દુઃખ અને પીડા થઈ હતી.

તેમાં પહેલી ઘટના ભોપાલ ગેસ દુર્ઘટના હતી, જેમાં અનેક લોકોના જીવ ગયા હતા. બીજી ઘટના તેમના પરિવાર સાથે જોડાયેલી હતી. રેડ્ડીના ભાઈ ખેડૂત હતા અને ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હતા. તેમના ખેતરોને સરુરનગર સરોવરમાંથી પાણી મળતું હતું. પણ આસપાસ ઔદ્યોગિક એકમોએ કચરો છોડવાની જગ્યા બનાવી લીધી. રાસાયણિક દ્રવ્ય સરોવરમાં છોડવામાં આવ્યું, જેથી તેમાં પ્રદૂષણ ફેલાયુ. તેના પગલે રેડ્ડીનો બધો પાક બરબાદ થઈ ગયો. ખેતર ઉજ્જડ થઈ ગયું અને પરિવારની રોજીરોટી છીનવાઈ ગઈ. બધા હચમચી ગયા. આ સંકટ સમયે રેડ્ડીએ સંકલ્પ કર્યો કે તેઓ પર્યાવરણના સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દેશે. તેમણે પહેલું આંદોલન સરુરનગર સરોવરનો પુનરોદ્ધાર કરવા માટે કર્યું હતું. તેમના એક સંબંધી અને રેડિયોલોજિસ્ટ ગોવર્ધન રેડ્ડીએ તેમની આ આંદોલનમાં મદદ કરી હતી.

રેડ્ડીએ સરુરનગર સરોવરને બચાવવામાં દરેક સંબંધિત અધિકારીને કામ કરવા મજબૂર કરી દીધો. તેઓ સતત કામમાં વ્યસ્ત રહ્યાં. તેમની મહેનતને પરિણામે આંદોલન સફળ રહ્યું અને સરુરનગર સરોવરનો પુનરોદ્ધાર થયો. આ સફળતાથી રેડ્ડીને પ્રોત્સાહન મળ્યું અને તેમણે પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઉદ્યોગો અને કારખાનાઓ સામે લડાઈ છેડી દીધી. તેમણે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં અનેક સરોવરો અને જળાશયોનો પુનરોદ્ધાર કરવામાં સફળતા મેળવી. રેડ્ડીએ જનતાની મદદ કરવા પર્યાવરણ સાથે જોડાયેલી પુસ્તકો અને સંશોધનોનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો. તેમણે એમ. ફિલમાં આચાર્ય અરવિંદના દર્શનશાસ્ત્ર પર સંશોધન કર્યું અને પીએચ.ડી માટે "પર્યાવરણ નીતિ" વિષય પસંદ કર્યો. તેઓ અત્યારે 73 વર્ષના છે અને યુવાનની જેમ લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે.

રેડ્ડી અત્યારે યુવાનો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. તેઓ માને છે કે જો દેશના યુવાનો પર્યાવરણની સમસ્યાઓને સમજશે તો પરિણામ સારાં અને વધારે ઝડપથી આવશે. તેઓ કહે છે, 

"મારી બધી આશા યુવાનો પર છે. જો આપણે પર્યાવરણને બચાવી લઇશું તો દેશને બચાવીશું. દુષ્કાળ, પૂર, દાવાનળ...આ બધી સમસ્યા પર્યાવરણને નુકસન પહોંચાડવાનું પરિણામ છે. પર્યાવરણને બચાવવા આઝાદીની બીજી લડાઈ છેડવાની જરૂર છે અને આ લડાઈ યુવાનો પાસે જ શરૂ કરાવીશું તો સફળતા મળશે."

રેડ્ડીને આ વાતનું દુઃખ પણ છે કે અત્યાર સુધી દેશમાં કોઈ સરકારે વિકાસની પરિભાષા નક્કી કરી નથી. તેમના કહેવા મુજબ, બધી સરકારો ખતરનાક ઉદ્યોગો, કારખાનાઓ, માર્ગો અને ઇમારતોના નિર્માણને જ વિકાસ માને છે, જે ખોટું છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા કોઈ પણ કામથી વિકાસ ન થઈ શકે. રેડ્ડીને દેશના વિવિધ ભાગોમાં પર્યાવરણ સંરક્ષણ સાથે સંબંધિત ઘણા આંદોલનો સફળ ન રહ્યાં તેનું કારણો પૂછવામાં આવ્યાં ત્યારે તેમણે કહ્યું, 

"સમસ્યા આંદોલનના નેતાઓ સાથે છે. આંદોલનનું નેતૃત્વ કરનાર લોકો પોતાનું નામ કમાવવામાં જેટલું ધ્યાન આપે છે, તેટલું ધ્યાન સમસ્યા અને મુદ્દાને જનતા વચ્ચે લઈ જવામાં આપતા નથી. તેઓ મુદ્દો ઉઠાવે છે અને અખબારોમાં ચમકી જાય છે. પછી મુદ્દા ભૂલી જાય છે અને વધુ પબ્લિસિટી મળે તેવા મુદ્દા શોધે છે. આ કારણે આંદોલન નિષ્ફળ નિવડે છે. આંદોલનકર્તાઓએ પોતાને હાઇલાઇટ કરવાને બદલે જનતા વચ્ચે મુદ્દાઓ લઈ જવા જોઈએ."


લેખકનો પરિચયઃ અરવિંદ યાદવ

અરવિંદ યાદવ યોરસ્ટોરીના મેનેજિંગ એડિટર (ભારતીય ભાષાઓ) છે.

અનુવાદકઃ કેયૂર કોટક

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

રાસાયણિક પ્રોડક્ટ્સથી ખુદને બચાવો, ‘રસ્ટિક આર્ટ’ અપનાવો!

એક આદિવાસી વિસ્તારના જીવનને મળી ગતિ, જાણો 'બાઈસિકલ પ્રોજેક્ટ' વિશે...

વેલો વોટર વ્હીલ! આંતરિયાળ ગામોની મહિલાઓનો ગરમીમાં પાણી ભરવામાંથી છૂટકારો!