"કોલેજકાળના દિવસોમાં જ તમે સૌથી વધુ નવું શીખી શકો છો"- બિલ ગેટ્સ

બિલ ગેટ્સ પોતાના હાર્વર્ડના દિવસોથી લઈને પોતાની નિવૃત્તિની યોજના વિશે જણાવે છે

"કોલેજકાળના દિવસોમાં જ તમે સૌથી વધુ નવું શીખી શકો છો"- બિલ ગેટ્સ

Tuesday May 17, 2016,

4 min Read

ટેકનોલોજીએ દુનિયાના કોઈ પણ ખૂણામાં કમ્યુનિકેશનને સરળ બનાવી દીધું છે. ગુજરાતના અંતરિયાળ ગામડામાં બેઠેલી વ્યક્તિ અમેરિકાના તેના દિકરાને અડધી રાત્રે ફોન કરીને તેની સાથે વાતો કરી શકે છે. વર્ષ 2009માં મનોરંજન, સોશિયલ ન્યૂઝ સર્વિસ વેબસાઇટ રેડ્ડિટે સેલિબ્રિટીઓ સાથે વાતચીત કરવા લોકો માટે એએમએ (આસ્ક મી એનીથિંગ) સબરેડ્ડિટ સેવા શરૂ કરી હતી. આ પ્લેટફોર્મ પર બિલ ગેટ્સે તેમના હાર્વર્ડના દિવસો, તેમના અંગત જીવન, ભવિષ્યમાં તેમની યોજના અને તેમના વિચારો વગેરે વિશે મન ખોલીને વાતો કરી હતી.

બિલ ગેટ્સ 

બિલ ગેટ્સ 


હાર્વર્ડ યુનિવર્સિટીના દિવસો

મેં નક્કી કર્યું હતું કે, હું કંઈ અલગ કરીશ. મેં જે શાખામાં પ્રવેશ કર્યો હતો તેના વર્ગોમાં ક્યારેય હાજરી આપતો નહોતો અને જે શાખાની સાથે મારે કોઈ સંબંધ નહોતો તેના વર્ગો હોંશેહોંશે ભરતો હતો. હું બ્રેઇન સ્ટડીઝની શાખામાં જોડાયો હતો અને કોમ્બિનેટોરિક્સના વર્ગો ભરતો હતો. એટલે જ્યારે ફાઇનલ એક્ઝામ આવી ત્યારે મારા વર્ગના વિદ્યાર્થીઓ મને કહેતા કે તારે કોમ્બિનેટોરિક્સની એક્ઝામ આપવી જોઈએ.

તેઓ સખત મહેનત પર ભાર મૂકતાં હતાં. તેઓ કહેતાં કે – મેં રીડિંગ પીરિયડ દરમિયાન ઘણી મહેનત કરી હતી અને મને હંમેશા A ગ્રેડ મળતો હતો. સૌથી મોટો અપવાદ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હતો, જ્યાં લેક્ચર્સના વીડિયો ટેપનો સાઉન્ડ કે વીડિયો મારી પાસે નહોતો એટલે મારે તેમાં C+ ગ્રેડ આવ્યો હતો!

ભવિષ્યની પ્રગતિ માટે ત્રણ મહત્ત્વપૂર્ણ બાબતો

પ્રથમ, ખર્ચ ઘટાડવા અને ગ્રીનહાઉસ વાયુઓના વિષચક્રમાંથી મુક્ત થવા ઊર્જાનું નવીનીકરણ. તેમા આપણે સરકારી અને ખાનગી એમ બંને પ્રકારનું જોખમ લેવું પડશે.

બીજું, વિવિધ રોગ પર નિયંત્રણ મેળવવું, ખાસ કરીને ચેપી રોગો પર. પોલિયો, મેલેરિયા, એચઆઇવી, ટીબી વગેરે તમામ રોગોને આપણે દૂર કરવા જોઈએ અથવા તેમને નેસ્તોનાબૂદ કરવા જોઈએ. વિજ્ઞાનમાં પ્રગતિ કરીને આપણે આ હાંસલ કરી શકીએ.

ત્રણ, આપણે શિક્ષણને વધારે સમાજોપયોગી અને વ્યહારિક બનાવવું જોઈએ. આપણે શિક્ષકોને વધારે સારી રીતે કેવી રીતે શિક્ષણ આપી શકાય તે શીખવવું જોઈએ અને વિદ્યાર્થીઓને શિક્ષણના ફાયદા વધુ અસરકારક રીતે સમજાવવા જોઈએ.

પુસ્તકો – મારું જીવન

મેં એક નિયમ બનાવ્યો છે કે એક વખત કોઈ પુસ્તકનું વાંચન શરૂ કરીશ તો તેને પૂરી કરીશ. આ દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે. હું એકસાથે બે જ પુસ્તક વાંચું છું – હકીકતમાં એક જ વાંચું છું, પણ જો કોઈ જટિલ અને થોડું કંટાળાજનક પુસ્તક હોય તો સાથે થોડું હળવું પુસ્તક વાંચવાનું શરૂ કરું છું. હું મોટા ભાગે રાત્રે વાંચું છું અને મોડી રાત સુધી વાંચીને બીજા દિવસે વહેલા જાગી ન શકવા બદલ પસ્તાવો કરું છું.

કોલેજના શિક્ષણનું મૂલ્ય

મારું માનવું છે કે કોલેજના શિક્ષણના મૂલ્યને નજરઅંદાજ કરવું સહેલું છે. સૌથી વધુ રસપ્રદ જીવન કોલેજજીવન હોય છે. હકીકતમાં કોલેજમાં તમે ઘણું વાંચી શકો છો, નવી ચીજવસ્તુઓ શીખી શકો છો અને તમારી જિજ્ઞાસુવૃત્તિ જળવાઈ રહે છે. પણ કોલેજનું જીવન પૂરું થયા પછી આ તમામ બાબતો માટે પ્રયાસ કરવો પડે છે અને ત્યારે તમને કોલેજકાળનું મહત્ત્વ સમજાય છે. કોલેજમાં તમે શું વાંચવું, શું બોલવું, વિચારીને બોલવું વગેરે શીખવા મળે છે.

બાયોલોજિકલ શસ્ત્રો ખતરનાક

મને બાયોલોજિકલ શસ્ત્રોની બહુ ચિંતા છે. તેનો ઉપયોગ આતંકવાદીઓ કરી શકે છે. જોકે આ જ ટેકનોલોજીનો ઉપયોગ માનવસમાજના હિત માટે કરી શકાય છે.

અબજોપતિ હોવા છતાં નિર્બળ હોવાનો અહેસાસ

આપણે લાખો લોકોને મારવા પરમાણુ કે બાયોલોજિકલ સાધનો સાથે આવતા આતંકવાદીઓના જૂથનો સામનો કેવી રીતે કરશું તેની મને ચિંતા છે. જો સરકાર શ્રેષ્ઠ કામગીરી કરે તો તેઓ તેનું નિદાન કરી શકે અને તેને અટકાવી શકે તેવી સારી શક્યતા છે. પણ જો મારું માનવું છે કે તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી અને હું જાણું છું કે હું તેનું સમાધાન નહીં કરી શકું.

નિવૃત્તિની યોજના

મને મારું કામ પસંદ છે. મને વિજ્ઞાનીઓ અને ફિલ્ડ વર્કર્સને મળવું ગમે છે. વળી હું ઇચ્છું તો ઓછું કામ કરવાની અનુકૂળતા છે અને ગમે ત્યારે વેકેશનની મજા માણી શકું છું. જ્યારે મારી ઉંમર 20 વર્ષની આસપાસ હતી, ત્યારે હું વેકેશનમાં માનતો નહોતો. જો મને ફાઉન્ડેશનના કામમાં મિલિન્દા સાથે વધુ 30 વર્ષ કામ કરવાની તક મળશે તો મારી જાતને અતિ નસીબદાર ગણીશ.

તમે સ્ટ્રીટમાંથી 40,000 ડૉલર ઉઠાવશો?

અમારું ફાઉન્ડેશન મૂળભૂત રીતે દર 1,000 ડોલરના ખર્ચે જીવન બચાવી શકે છે એટલે હું તે નાણાં ઉઠાવી લઈશ, કારણ કે તે 40 લોકોનું જીવન બચાવી શકશે.

પ્રેસિડન્ટ બનવા અંગે

મને ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ બનવાને બદલે વર્તમાન કામગીરી ગમે છે. વળી ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે તમારી જે અપેક્ષા હોય છે તે પૂરી કરવા હું પૂરતો સમર્થ નથી.

તમારા જીવનના અતિ મહત્ત્વપૂર્ણ ત્રણ નિર્ણયોમાં મિલિન્દા સાથે કરવાનો નિર્ણય સામેલ છે?

તમે સો ટકા સાચાં છો! હું તો તેને મારાં જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય ગણું છું. સોફ્ટવેર પર કામ કરવું સારો નિર્ણય હતો.

લેખકનો પરિચય- આદિત્ય ભૂષણ દ્વિવેદી

આદિત્ય સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વર્કશોપ કન્સલ્ટન્ટ છે અને સીએસસી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે ક્લાઉડ ડેવલપર હતા.

અનુવાદક- કેયૂર કોટક

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

હું હજી શીખી રહ્યો છું, હું જોવા માગું છું કે યુવાનો ટેક્નોલોજી સાથે શું કરી શકે છે! : રતન તાતા

આપણે 'આઇ લવ યૂ' કહેવામાં કે કોઈની પ્રશંસા કરવામાં પાછી પાની કેમ કરીએ છીએ!?

આ 10 વાતોનું ધ્યાન રાખી તમે જીવનમાં બની શકો છો સફળ!