આજે છે રૂપિયા 20 કરોડના માલિક, ક્યારેક કમાતા હતા માત્ર રૂ.240!

આજે છે રૂપિયા 20 કરોડના માલિક, ક્યારેક કમાતા હતા માત્ર રૂ.240!

Monday January 25, 2016,

7 min Read

અલ્કેશ અગ્રવાલ માટે એક વ્યવસાયનો પ્રારંભ કરવો તેની મહત્વકાંક્ષા કે વિલાસિતા નહીં બલ્કે તે સમયની એક જરૂરીયાત હતી. માત્ર 16 વર્ષની ઉંમરમાં જ માતા-પિતાનો હાથ માથા પરથી ઉઠી ગયા બાદ અનેક વખતે અલ્કેશે એવો સમય નિહાળ્યો જ્યારે અનેક વખત તેમને બે ટાઈમ ભોજનના પણ ફાંફા પડવા માંડ્યા. તેમજ ઘણી વખત તો એવો સમય પણ આવતો કે જ્યારે તેમને જ ખ્યાલ ન હોય કે તેને હવે આગલા ટાઈમનું ભોજન મળશે કે કેમ?

image


“મારી માતાએ હંમેશા એ વાત પર ભાર મૂક્યો હતો કે ભલે ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય પરંતુ હું મારો અભ્યાસ નહીં છોડું. ત્યાં સુધી કે મારું જીવન ચલાવવા માટે હું કામ કરી રહ્યો છું, તો પણ હું મારો અભ્યાસ ચાલુ રાખીશ. હું લગભગ દરરોજ રાત્રિના 11 વાગ્યા સુધી કાર્ય કરું છું.”

જોકે તેમની સાથે જે કંઈ પણ થયું તે કોઈ પણ રીતે ઉચિત ન કહી શકાય. પરંતુ જીવનમાં સામે આવનારી કપરી પરિસ્થિતિએ તેમને વધુ મજબૂત બનાવ્યા, અને તેને કારણે જ તેઓ પોતાની અંદર સકારાત્મકતા બહાર લાવવામાં સફળ રહ્યા. એટલું જ નહીં, પોતાના લક્ષ્ય પ્રાપ્તિ માટે વધુ અને કઠોર પરિશ્રમ કરવા માટે તત્પર બન્યા. આ તમામ કારણોને કારણે જ આ દુનિયાના નકારાત્મક પાસાથી રૂબરૂ થયા અને એક અલગ જ અંદાજમાં લડ્યા.

અલ્કેશ કહે છે, “જોકે તે સમયે પણ મેં જે કંઈ પણ કરવાનો નિર્ણય કર્યો, તે પોતાના અંદાજમાં જ કર્યું.”

સમયની સાથે તેમની મહેનત સફળ થઈ, તેમણે વધુ મહેનત કરવાનો નિશ્ચય કર્યો અને એનઆઈઆઈટીના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો. જે બદલ તેમને પ્રતિ અઠવાડીયે રૂ.240 મળતા હતા, અને તે સરળતાથી પોતાની કોલેજની ફી રૂપિયા 1240 વ્યવસ્થા કરવામાં સફળ રહેતા હતા. થોડા સમય બાદ તેમણે કોમ્પ્યુટર રિપેરિંગ માટેનું પણ સેન્ટર શરૂ કર્યું અને આ કામ થકી તેમને પ્રતિ માસ રૂપિયા 10 હજાર મળવા લાગ્યા.

અમુક વર્ષો સુધી કોમ્પ્યુટર સાથે કામ કર્યા બાદ અલ્કેશને લાગ્યું કે હવે તે સમય આવી ગયો છે જ્યારે કંઈક મોટું સાહસ કરવું જોઈએ. તેમણે પોતાના નાનપણના મિત્ર અને ભવિષ્યના પાર્ટનર અમિત બરમેચા પર વિશ્વાસ મૂકી કોમ્પ્યુટર રીપેરીંગનું તેમનું સેન્ટર અમિતને સોંપ્યુ અને મોટા સાહસ તરફ ચાલવા લાગ્યા

પોતાની શોધ દરમિયાન તેમને જાણવા મળ્યું કે મોટાભાગના ઉપભોક્તાઓને પ્રિન્ટરમાં શાહી સમાપ્ત થયા બાદ કાર્ટ્રેજને બદલવી એક એવું કામ છે જેની કિંમત ચૂકવવી દરેકને ભારે પડી રહી છે. આ ઉપરાંત પ્લાસ્ટિકના બનેલી જૂની કાર્ટ્રેજ પણ એક મોટો પડકાર છે. આશરે 35 મિલિયન ટન પ્લાસ્ટિક દર વર્ષે 17 ફૂટબોલ મેદાનો જેટલા વિસ્તારોમાં જમીનમાં દાટવામાં આવે છે. જે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. અલ્કેશની દ્રષ્ટિએ તેનું એક જ સમાધાન હતું જેમાં આને રિસાઈકલ કરી તેના ખર્ચને ઘટાડી ઉપરાંત કાર્બન પ્રિન્ટની કિંમતને પણ ઘટાડી શકાય.

“હું આ મામલમાં ખૂબ જ નસીબદાર છું, કે મને ચાર એવા મિત્રો મળ્યા જેને કારણે હું સફળ થયો.”

અલ્કેશના સૌથી સારા મિત્રો રાજેશ અગ્રવાલ, સમિત લખોટિયા અને અમિતે તેમને પૂર્ણ સહકાર આપ્યો. તેના વિચારને અમલમાં લાવવા માટે જીવનભરની જમા કરેલી રકમ અલ્કેશને આપી. અને પોતાના મિત્રોના સહયોગ અને અલ્કેશ પાસે જમા પડેલા રૂ. 2 લાખની સામાન્ય પૂંજી થકી અલ્કેશ પોતાની આ નવી જીવનયાત્રાની શરૂઆત કરી. વિતેલા સમયને વાગોળતા અલ્કેશ કહે છે,

“હું આશરે અઢી મહિના સુધી ચંદીગઢ, લુધિયાના, અમૃતસર અને દિલ્હી વચ્ચે પ્રવાસ કરતો રહ્યો. તે સમયે આ વિસ્તારોમાં અહીં કોઈ એવો દુકાનદાર ન હતો કે જેને મેં પોતાના કામને લઈને સંપર્ક ન કર્યો હોય.” સફરનો આ જ સમય તેમને ચીન લઈ ગયો. જ્યાં તેમનો સામાન ગુમ થઈ ગયો અને તે છેતરપિંડીનો ભોગ બન્યા. એવામાં તેમની પાસે બે ટાઈમ ભોજનના પણ પૈસા ન હતા, જો કે સદનસીબે તેમની પાસે ઘરેથી પેક કરી લઈ આવેલી કાજુની બરફી હતી જેણે તેમને સાથ આપ્યો.

image


આ દરમિયાન અલ્કેશે નિહાળ્યું કે જૂના કાર્ટ્રેજની સમસ્યાના નિવારણનું કામ બિલ્કુલ અસંઠિત છે, એવામાં ‘કાર્ટ્રેજ વર્લ્ડ’ આ ક્ષેત્ર પર રાજ કરી રહી છે. એવામાં અલ્કેશે માર્કેટના રાજા સાથે જોડાણ કરવાનો નિર્ણય કર્યો.

તેમની પાસેથી જવાબ મળ્યો, “એક ફ્રેન્ચાઈન્ઝી માટે 1 કરોડ રૂપિયા.”

ચારેય મિત્રોના કુલ મળીને માત્ર બે લાખ રૂપિયા હતા. અને તેમને તે સમયે લાગ્યું કે તેઓ કોઈ અંધકારમય કૂવામાં ફસાઈ ગયા છે કે ત્યારે જ અંધારામાં એક રોશનીની કિરણ દેખાઈ. આપણે આપણી જ એક બ્રાન્ડ શરૂ કરીએ, પ્રતિસ્પર્ધામાં પડવાને બદલે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીએ.

આ કામ માટેની સમગ્ર યોજના તૈયાર કર્યા બાદ આ ચારેય મિત્રોએ એક એવું નામ નક્કી કર્યું કે જે આ કામ સાતે બંધ બેસતુ હતું. અને નામ હતું ‘રી-ફીલ’(Re-Feel). અલ્કેશે પૈસા બચાવવા માટે સ્વંય જ લોગો અને બાકીના કામ કરવાનો નિર્ણય કર્યો, અને માત્ર 30 દિવસમાં જ ફોટોશોપ શીખવામાં સફળ રહ્યા.

ત્યારબાદ 9 ફેબ્રુઆરી, 2007નો તે દિવસ આવ્યો જ્યારે ચારેય મિત્રોએ સાથે મળીને આ બ્રાન્ડને ભૌતિક ઉપસ્થિતિ પ્રદાન કરી અને એક સામાન્ય ઓફિસમાં ‘રી-ફીલ’ની શરૂઆત કરી. આ સાથે જ તેમણે એક સ્વપ્ન પણ જોયું કે એક દિવસ એક મોટા શોરૂમનો પણ પ્રારંભ કરીશું. આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા 25 લાખ રૂપિયાની જરૂરીયાત હતી. જે તે સમયે એક બહુ મોટી રકમ હતી. સમયથી આગળના વિચારો ધરાવતા અલ્કેશે ભવિષ્ય વિશે વિચાર્યુ, અને પોતાની બ્રાન્ડની ફ્રેન્ચાઈન્ઝી આપવાનો નિર્ણય કર્યો અને તે પણ માત્ર 1 લાખ રૂપિયાની મામૂલી રોકાણથી.

“દરેક કામનો એક સમય અને એક રીત હોય છે.”

દાર્શનિક અંદાજમાં અલ્કેશ કહે છે,

“ઈશ્વર અમારી સાથે હતા. અમે કામ શરૂ કર્યા ને હજુ માત્ર 10-15 દિવસ જ થયા હતા, અને અમારી પાસે એન.એમ.બોથરા એક દેવદૂતની જેમ પહેલી ફ્રેન્ચાઈઝ ખરીદવા માટે આવ્યા અને ટૂંક સમયમાં જ બોથરા દ્વારા બીજી ફેન્ચાઈઝ ખરીદવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો.”

image


જોકે શરૂઆત તેમની અપેક્ષાઓથી અનેક સારી રહી. પરંતુ વધતા ખર્ચાને કારણે બેંક એકાઉન્ટ બેલેન્સ સતત નીચે આવી રહ્યું ગતું. જ્યારે તેમની પાસે છેલ્લા 1.25 લાખ રૂપિયા જ રહ્યા. ત્યારે અલ્કેશે વધુ એક સાહસ કર્યું અને મુંબઈમાં ફ્રેન્ચાઈન્ઝી ઈન્ડિયા ફેરમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. જે ફ્રેન્ચાઈન્ઝી આપનારા લોકોને લેનારા લોકો સાથે રૂબરૂ થવાનો અવસર પ્રદાન કરાવતી હતી.

પ્રદર્શનમાં આયોજકો સાથે વાતચીત કરી તે લગભગ અડધે સુધી પહોંચવામાં સફળ રહ્યા, અને પછી તેમણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. અલ્કેશ કહે છે,

“હું અન્ય કંપનીઓની જેમ પોતાના કાઉન્ટર પર સુંદર યુવતીઓને ચારે તરફ રાખવા નહોતો ઈચ્છતો. આ ઉપરાંત ફેન્સી લાઈટ અને આકર્ષક બેનરો જેવા મોંઘા સાઘનોનો પણ ઉપયોગ કરવાના પક્ષમાં ન હતો. હું માત્ર ઈચ્છતો હતો કે મારી કંપનીનું કામ જ બોલે, તે સ્વંય સાબિત થાય.”

તેમની આ યોજના સફળ રહી, અને ખૂબ જ ઓછા સમયમાં તેમનો ત્રણ લોકોએ ફ્રેન્ચાઈન્ઝી માટે સંપર્ક કર્યો, અને આ પ્રકારે તેમના ખાતામાં રકમ જમા થઈ.

અને સમય બદલાયો અને માત્ર બે વર્ષના સમયમાં જ તેઓ માર્કેટમાં એક ખેલાડીના રૂપમાં સ્થાપિત થવામાં સફળ રહ્યા. થોડા જ સમયમાં તે સમય પણ આવ્યો જ્યારે તેમણે પોતાના સૌથી મોટા પ્રતિસ્પર્ધી કાર્ટ્રેજ વર્લ્ડને પાછળ રાખી સફળતા પ્રાપ્ત કરી, અને ભારતીય માર્કેટના શીર્ષ પર પહોંચી ગયા.

“જ્યારે કાર્ટ્રેજ વર્લ્ડના 30 સ્ટોર્સ હતા ત્યારે અમારા માત્ર 3 હતા. અને જ્યારે તેઓ 50ના આંકડા પર પહોંચ્યા ત્યારે અમે પણ 50ના આંકને આંબી ચૂક્યા હતા. વર્ષ 2009માં અમે દર પાંચમા દિવસે ભારતમાં એક સ્ટોર ખોલ્યો.” આ ઉપરાંત મીડિયાએ પણ તેમનો ભરપૂર સાથ આપ્યો અને આ 18થી 20 મહિનાના સમયગાળામાં તેમના પર 100થી વધુ લેખ છપાયા. આ ઉપરાંત વર્ષ 2009માં જ દેશમાં ઉભરતી કંપની, વર્ષ 2009, 2010, અને 2011માં સતત શીર્ષ 100 ફ્રેન્ચાઈન્ઝર્સ અને વર્ષ 2010માં સર્વશ્રેષ્ઠ ઉપભોક્તા સહાયતા કરાવતી કંપનીના પુરસ્કાર પણ પ્રાપ્ત થયા. આ ઉપરાંત ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા અલ્કેશને ઉભરતા 10 ઉદ્યોગસાહસિકોમાં પણ સ્થાન આપવામાં આવ્યું.

વર્ષ 2010 આવતા આવતા રી-ફીલ એક શ્રેષ્ઠ બ્રાન્ડ તરીકે બહાર આવવા લાગી, અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવી દિગ્ગજ કંપની સાથે 15 કરોડ રૂપિયાના કરાર કર્યા. તેના એક વર્ષ બાદ તેમણે કંઈક એવુ કર્યુ કે જે કદાચ જ અત્યાર સુધીમાં ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં કોઈએ કર્યું હોય. તેમણે સ્ટાર્ટઅપ કંપની પાસેથી પોતાની ઈક્વિટી પરત લઈ લીધી.

ત્યારબાદ તુરંત જ એક બ્રિટિશ કંપની ટીએલજી કેપિટલને 10 કરોડ રુપિયાની રી-ફીલ કાર્ટ્રેજ એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડની કિંમત 53 કરોડ રૂપિયા એટલે કે લગભગ 5 મિલિયન અમેરિકી ડોલર આંકી અને કંપનીનો 36 ટકાનો હિસ્સો ખરીદ્યો. ત્યારબાદ તેમણે એક સહાયક કંપની ક્લબ લેપટોપની નીવ રાખી. આ દરમિયાન તેમની મૂળ કંપની દેશના અન્ય વિસ્તારોમાં વિસ્તરી રહી હતી. અને વર્તમાન સમયમાં દેશભરમાં 83 સ્થળો પર તેમના 100થી પણ વધુ સ્ટોર્સ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.

હવે તેમની પાસે પૂરતા ઉપભોક્તાઓ છે. અલ્કેશ કહે છે કે એક કટિબદ્ધ ટીમનું નિર્માણ અને તેને વ્યકિતગત વિકાસમાં કંપનીનું યોગદાન ઉપરાંત સફળતાના પગથિયા ચઢવા એ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે. વર્ષ 2011 આવતા આવતા 16 સભ્યોની આ ટીમ 100 લોકોની સેનામાં બદલાઈ ચૂકી છે, અને આ ઉપરાંત 800થી વધુ લોકો તેમની ફેન્ચાઈન્ઝીમાં કામ કરી રહ્યા છે. “ગત્ત 8 વર્ષો દરમિયાન અનેક લોકો અમારી સાથે ચાલ્યા અને કંપનીના વિકાસમાં ભાગીદાર બન્યા. અમારી કંપનીમાં વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે આજે વરિષ્ઠ પ્રબંધક છે, અને તેમની સાથે એમબીએ કરેલા 10 યુવાઓ પણ કામ કરી રહ્યા છે.”

અલ્કેશની આ અવિશ્વસનીય કહાની એ જ સાબિત કરે છે કે, કોઈપણ વ્યવસાયની સૌથી મોટી સંપત્તિ તેમના વિચાર, લોકોનો તેમની પ્રત્યેની વિશ્વસનીયતા અને તેમનું સાહસ હોય છે, જેના થકી કોઈપણ અઘરામાં અઘરી મુશ્કેલીને પાર કરી સફળતા મેળવી શકાય છે.


લેખક- બિન્જલ શાહ

અનુવાદક- YS ટીમ ગુજરાતી