દીકરાનાં મૃત્યુ બાદ અભિયાન ચલાવ્યું કે જેથી કોઈ બીજાએ માર્ગ અકસ્માતમાં જીવ ન ગુમાવવો પડે!

દીકરાનાં મૃત્યુ બાદ અભિયાન ચલાવ્યું કે જેથી કોઈ બીજાએ માર્ગ અકસ્માતમાં જીવ ન ગુમાવવો પડે!

Friday February 12, 2016,

4 min Read

વર્ષ 2010માં એક માર્ગ અકસ્માતમાં શુભમ્ સોતીનું મૃત્યુ થયું હતું

પિતા આશુતોષ સોતીએ 'શુભમ્ સોતી ફાઉન્ડેશન'નો પાયો નાખ્યો

ફાઉન્ડેશનનો ઉદ્દેશ લોકોમાં માર્ગ સલામતી અંગેની જાગરૂકતા લાવવાનો છે

સામાન્ય લોકોને વિવિધ પ્રવૃત્તિ મારફતે જાગરૂક કરી રહ્યા છે!

દરેક માણસનાં જીવનમાં સારો-ખરાબ સમય આવે છે. સારો સમય આપણાં સારા પ્રયાસોનું પરિણામ હોય છે. જ્યારે વિપરીત સમયમાં મોટાભાગના લોકો વિચલિત થઈ જાય છે. તેમજ ધીરજ ગુમાવી બેસે છે. લોકોએ એ વિચારવું જોઇએ કે જો ખરાબ સમયમાં આપણે ધીરજથી કામ લઇએ અને પીડાને સહન કરીને આગળ વધવાની શક્તિ મેળવી લઇએ તો આપણા દ્વારા કરવામાં આવેલું કામ લોકો માટે પ્રેરણાદાયી બની શકે છે. તેથી આપણે સદાય સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધતાં રહેવું જોઇએ.

લખનઉ નિવાસી આશુતોષ સોતીની કથા કંઇક આવી જ છે. જે આપણને કષ્ટો સામે લડવાની પ્રેરણા આપે છે. જે આપણને જણાવે છે કે વિપરીત સમયમાં પણ સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધી શકાય છે તેમજ દેશ અને સમાજ માટે કામ કરી શકાય છે. આશુતોષ લખનઉની એક હોસ્પિટલમાં ઊંચા હોદ્દા ઉપર કાર્યરત છે. જુલાઈ 2010માં આશુતોષના દીકરા શુભમ્ સોતીનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું. તે માત્ર 15 વર્ષનો હતો અને 12મા ધોરણમાં ભણતો હતો. આ ઘટનાને કારણે આખો પરિવાર ખરાબ રીતે તૂટી ગયો. તે વખતે જ આશુતોષે નક્કી કર્યું કે તે પોતાના દીકરાનું નામ ભૂંસાવા નહીં દે પરંતુ તેનાં નામે સમાજને એક સકારાત્મક સંદેશ આપવાનું કામ કરશે.

image


શુભમ્ ગુજરી ગયાના થોડા દિવસ પછી જ આશુતોષે 'શુભમ્ સોતી ફાઉન્ડેશન'નો પાયો નાખ્યો. તેનો ઉદ્દેશ લોકોને માર્ગ સલામતી અંગે જાગરૂક કરવાનો છે. આશુતોષ જણાવે છે,

"ભારતમાં રોજ માર્ગ અકસ્માતમાં હજારો લોકોનાં જીવ જતા રહે છે. તેમાંથી મોટાભાગની દુર્ઘટનાનું કારણ બેદરકારી હોય છે. જો લોકોમાં આ અંગે જાગરૂકતા લાવવામાં આવે તો આવી દુર્ઘટનામાં અનેક લોકોને બચાવી શકાય છે."

તેમનું માનવું છે કે વિદેશના લોકોમાં માર્ગ સલામતી અંગે ખાસ્સી એવી જાગરૂકતા છે. તેઓ કારની પાછલી સીટમાં બેસે તો પણ સીટ બેલ્ટ બાંધે છે. જ્યારે ભારતમાં લોકો માત્ર દંડ ન થાય તેના માટે સીટ બેલ્ટ બાંધે છે. આવી જ સ્થિતિ ટુ વ્હીલર ચલાવનારાની પણ છે. તેઓ માત્ર પોલીસના ડરથી જ હેલ્મેટ પહેરે છે. જો લોકોનાં મનમાં દંડને બદલે પોતાની જાતને સલામત રાખવાની ભાવના પેદા થાય તો માર્ગ અકસ્માતથી બચી શકાય છે. આશુતોષ જણાવે છે કે ડર કોઈ સમસ્યાનું સમાધાન નથી. પરંતુ જાગરૂકતા જ કોઈ સમસ્યાને નિવારવા માટે કારગર સાબિત થાય છે. જો લોકો જાગરૂક થશે તો પોતાની જાત વિશે વિચારશે, ક્યાંય પણ જશે તો ટ્રાફિકના નિયમોનું પાલન કરશે. તેમને એ વાતનો ફેર નહીં પડે કે સામે પોલીસવાળા છે કે નહીં.

image


આશુતોષ કહે છે,

"માર્ગ સલામતીનું શિક્ષણ બાળકોને આપવું ખૂબ જ જરૂરી છે. જો આપણે આ બાબત બાળકોને શીખવાડવામાં સફળ રહ્યા તો આગામી પેઢી માર્ગ અકસ્માત અંગે વધુ સજાગ થઈ જશે."

'શુભમ્ સોતી ફાઉન્ડેશન' અમુક ખાસ દિવસે જેમ કે 5 જાન્યુઆરીએ એટલે કે શુભમ્ સોતીના જન્મ દિવસે મોટા પાયે આયોજન કરે છે જેમાં શાળાનાં બાળકો માટે એક ક્વિઝનું આયોજન કરવામાં આવે છે, લોકોને હેલ્મેટ ગિફ્ટ આપવામાં આવે છે અને 15 જુલાઈ એટલે કે શુભમ્ સોતીની મૃત્યુ તીથિએ માર્ગ સલામતીના ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ બે દિવસ ઉપરાંત વર્ષભર સરકાર તેમજ વિવિધ સંગઠનોની મદદથી ઘણા માર્ગ સલામતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આશુતોષ જણાવે છે કે આ કાર્યક્રમોમાં તેમને લોકોનો, વિવિધ સંગઠનોનો અને સરકારનો પૂરેપૂરો ટેકો મળે છે.

image


શુભમ્ સોતી ફાઉન્ડેશન સાથે લગભગ 35 સ્વયંસેવકો નિયમિતરૂપે જોડાયેલા છે. આ લોકો સમયાંતરે શાળામાં જઈને બાળકોને માર્ગ સલામતી વિશે સમજાવે છે. તેમના પ્રશ્નોના જવાબ આપે છે. તેમને રસ્તા ઉપર ચાલવાના અને વાહનો ચલાવવાના ના-નાના નિયમો જેમ કે ગાડીની સ્પીડ કેટલી રાખવી જોઇએ, લાલ લાઇટ કેવી રીતે પસાર કરવી જોઇએ વગેરે જેવી નાની નાની માહિતી આપે છે.

આશુતોષ જણાવે છે કે તેઓ એ પ્રયાસ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર સાથે મળીને માર્ગ સલામતી અંગેનો અભ્યાસક્રમ શાળામાં શરૂ કરવામાં આવે. થોડા સમય પહેલાં જ શુભમ્ સોતી રોડ તહેઝિબ ક્લબ પણ બનાવવામાં આવી છે. તેની સાથે અનેક લોકો સંકળાયેલા છે. તેના મારફતે પણ ક્લબ સાથે સંકળાયેલા લોકો સામાન્ય લોકોને જાગરૂક કરી રહ્યા છે.

image


શુભમ્ સોતી ફાઉન્ડેશન દ્વારા માર્ગ સલામતી ઉપરાંત અન્ય કેટલાંક કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે જેમ કે શાળાનાં બાળકોને સાથે રાખીને વૃક્ષારોપણ કરાવવામાં આવે છે. બાળકોની ક્વિઝ કરાવવામાં આવે છે. આશુતોષ માને છે કે બાળકોનો સર્વાંગી વિકાસ જરૂરી છે. તેના માટે તેઓ બાળકો માટે રમતોનું આયોજન પણ કરે છે. તેના માટે જ શુભમ્ સોતી ક્રિકેટ ક્લબ પણ શરૂ કરવામાં આવી છે. આ ટીમ રાજ્યોમાં યોજાતી વિવિધ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઈ ચૂકી છે.

આશુતોષ જણાવે છે,

"આગામી દિવસોમાં અમે લખનઉ ઉપરાંત ઉત્તરપ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં તેમજ દિલ્હીમાં અમારા કામનું વિસ્તરણ કરવા માગીએ છીએ."

તેના માટે તેઓ લોકોને પણ અપિલ કરે છે કે તેઓ તેમના ફાઉન્ડેશનમાં જોડાય અને લોક કલ્યાણનું કામ કરવા માટે આગળ આવે.

જો તમે પણ માર્ગ સલામતીનાં આ અભિયાન સાથે જોડાવા માગતા હો તો તમે પણ તેમનો સંપર્ક સાધી શકો છો.

વેબસાઈટ


લેખક- આશુતોષ કંટવાલ

અનુવાદક- અંશુ જોશી