સારા પગારની નોકરી છોડી પૅશનને અનુસરી, 'પલક' ઝપકાવતા અમદાવાદને મળી ટૉપ કેક ડીઝાઈનર!

1

દરેક વ્યક્તિને જીવનમાં કંઇકને કંઇક બનવાની ચાહના અને લક્ષ્યાંક હોય છે, પણ ઘણીવાર સંજોગો તમને અણધાર્યા ભવિષ્ય અને કરિઅર તરફ દોરી લઇ જતા હોય છે અને પરિણામે ન ધારેલા લક્ષ્યાંકને ચાહત બનાવી તેને જીવનનું નવું પરિબળ બનાવવું પડે છે. 21મી સદીમાં કરિઅર બનાવવાનું વિશ્વ સીમિત નથી રહ્યું, તમે ઇચ્છો તે અને તમને જેમાં રસ હોય તેવા ફિલ્ડમાં કરિઅર બનાવી શકો છે. પહેલા એવું હતું કે લોકો માત્ર ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, વૈજ્ઞાનિક, અકાઉન્ટન્ટ, માર્કેટિંગમાં કરિઅર બનાવતા હતા અને યુવાનોને બીજા વિકલ્પ મળતા નહોતા કે કોઇ ગાઇડ નહોતું મળતું. એ પણ એક વિચારવાનો વિષય છે. આજનો યુવાન ગમે તે ભણ્યો હોય પણ પોતાને જે ફિલ્ડમાં રસ હોય તેમાં કારકિર્દી બનાવવાનું નક્કી કરે છે.

આવો જ એક કિસ્સો અમદાવાદની પલક ગાંધીનો છે. પ્રોફેશને હાલ કેક ડિઝાઇનર સેટેલાઇટની પલક ગાંધીએ પોતે ટુરિઝમ અને ટ્રાવેલ એજન્સીનો અભ્યાસ કરીને તેમાં કરિઅર બનાવવાનું વિચાર્યું અને તે દિશામાં કામ કરવાનું શરૂ પણ કર્યુ. સમય જતા તે ફિલ્ડની નોકરી પણ મેળવી પણ બાદમાં સારી નોકરી મળતા આ ફિલ્ડ છોડી દીધી. પલકે વિચાર્યુ કે નસીબ ક્યારે.. ક્યાં.. કોને.. કેમ લઇ જાય છે, તે કોઇ જાણતું ન હતું. હજી તો આ શરૂઆત હતી.. એક વખત એવું બન્યું કે, પલકના બોયફ્રેન્ડના બર્થડે પર તેણે તેમના માટે કેક બનાવવાનું વિચાર્યું અને બનાવી. જોકે તે કેક એટલી સારી ન બની કે જે ખાઇ શકાય. જેના કારણે પલકને ખરાબ લાગ્યું અને તેણે તે સારી બનાવવાની પ્રેક્ટિસ શરૂ કરી. જોકે ઘરના પ્રસંગોપાત કેક બનાવવાની તક મળતી હતી અને દરેક વખતે તે ઘરમાં પોતે જ બનાવવાનો આગ્રહ રાખતી હતી. આમ ને આમ એક વર્ષ વીતી ગયું ને તેનો કેક બનાવવા પર હાથ બેસી ગયો. શરૂઆતમાં તો તે પોતાના ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડસની બર્થડે કેક બનાવતી હતી. પણ તેની એક ફ્રેન્ડને પલકે બનાવેલી કેક એટલી પસંદ આવી કે તેમના સંબંધીના બર્થડે માટે કેક બનાવી આપવા પલકને કહ્યું. પણ પલકે પહેલા તો ના પાડી તે તો આ શોખથી બનાવે છે નહીં કે પ્રોફેશનલી, પણ તેની ફ્રેન્ડે આગ્રહ કરીને આ ઓર્ડર લેવા માટે જણાવ્યું અને તે સમયે પહેલી વાર તેના બિઝનેસની શરૂઆત થઇ. 

જોકે તે દરમિયાન તેની જોબ તો ચાલુ જ હતી, પણ સમય જતા ફ્રેન્ડસ એન્ડ ફેમિલી સર્કલમાંથી કેક બનાવવાની ડિમાન્ડ આવતી ગઇ અને એક દિવસ તેને જોબ છોડી આ શોખને વ્યવસાય બનાવવાનું નક્કી કર્યું અને ફૂલટાઇમ આ કામ શરૂ કરી દીધું. શરૂઆતમાં તો માત્ર મિત્રો અને સબંધી પાસેથી ઓર્ડર આવતા હતા પણ બાદમાં પોતાની બનાવેલી કેકના ફોટો ‘પલક કિચન’નામના ફેસબુક પેજ પર મૂકતા લોકો તરફથી પણ તેનો સારો સહકાર અને ઓનલાઇન ઓર્ડર મળવા લાગ્યા.

પલકની ખાસિયત એ હતી કે તે માત્ર સામાન્ય કેક નહીં પણ ડીઝાઇનર અને થીમ કેક પણ બનાવતી હતી. જેના કારણે તેને લોકો વધારે ઓર્ડર આપવા લાગ્યા.

સામાન્ય રીતે ક્યાંય પણ બહાર ડીઝાઈનર કેક ઓર્ડર કરીએ તો ગણીગાંઠ્યી ડિઝાઇન્સ મળે પણ પલક કોઇ પણ પ્રકારની ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણેની કેક ડીઝાઈન કરી આપે છે.

કેક બનાવવામાં લાગતો સમય અને ભાવ

પલકના કહેવા મુજબ સામાન્ય કેક બનાવતા 3થી 4 કલાક જેટલો સમય લાગતો હોય છે, પણ ડિઝાઇનર અને થીમ કેક બનાવતા 10થી 12 કલાક સુધીનો સમય પણ લાગતો હોય છે. અને જો તેમાં પણ મોટી કેક હોય તો ઘણીવાર બે દિવસ પણ લાગી જતા હોય છે.

સામાન્ય કેકનો ભાવ એક કિલોએ 600 રૂપિયા જેટલો હોય છે જ્યારે ડિઝાઇનર અને થીમ કેકના એક કિલોનો ભાવ 1400 રૂપિયા જેટલો થતો હોય છે. આતો સામાન્ય ડિઝાઇનની વાત છે, પણ કહેવાય છે ને કે જેટલી ખાંડ નાંખો એટલું ગળ્યું થાય તે પ્રમાણે વધારે પૈસા ખર્ચતા વધારે ઇનોવેટીવ ડિઝાઇન પણ મેળવી શકાય છે.

કેકની ડીઝાઈન કેવી રીતે નક્કી કરાય છે?

મોટાભાગના કિસ્સામાં ગ્રાહક જ પોતાની ડિઝાઇન સામેથી જણાવતાં હોય છે અને થીમ પણ કહેતા હોય છે. પલક પોતે ઇન્ટરનેટ પર કેક વિશે ઘણું બઘુ સર્ફિગ કરી જાતે શીખતી હોય છે અને ડિઝાઇન મેળવતી હોય છે. બાકી ઘણા કિસ્સામાં પલક પોતે ગ્રાહકને ડિઝાઇનની સમજણ આપી પોતાની રીતે થીમ અને પ્રસંગ પ્રમાણે કેક બનાવી આપે છે.

આ સ્ટોરી પણ વાંચો:

સરિતા સુબ્રમનિયમનો 'બેકિંગ પ્રેમ'

ગુણવત્તા પર ખાસ ધ્યાન

પલક પોતે કેકને લગતી સામગ્રી ખરીદે છે જેના કારણે ગુણવત્તા જળવાય અને ગ્રાહકને સારી વસ્તુ આપીને ખર્ચો કરવાનો સંતોષ આપી શકાય. ખાસ હોમ મેડ કેક હોવાના કારણે કેક ફ્રિઝમાં રખાય તો 10 દિવસ સુધી ખાઇ શકાય તેવી હોય છે.

કિડ્સ થીમના ઓર્ડર વધુ!

બાળકોની બર્થડેની ઉજવણી વધારે થતી હોય છે, જેના કારણે બાળકોને લગતી થીમના ઓર્ડર્સ વધારે મળતા હોય છે. બાળકને જેમાં વધારે રસ હોય તે પ્રમાણે થીમ કેક બનાવાય છે.

જોકે પલક સાથે એવી મહિલાઓનું પણ ગ્રુપ છે જેમાં બાળક જન્મ્યા બાદ તેમના પહેલા મહિનાની, 15 દિવસ થયાની, બેબી શાવર બર્થડે જેવા પ્રસંગો પર પણ સ્પેશિયલ થીમ પર કેક બનાવડાવતા હોય છે.

યુ.એસ અને યુ.કેથી પણ ઓર્ડર્સ મળ્યા

પલકે પોતાના કામનું ફેસબુક પેજ ‘પલક કિચન’નું નામ બદલી ‘ધ કેક બેબી’ રાખ્યું છે અને તે નામની કંપની પણ રજીસ્ટર કરાવી છે. જેના કારણે ફેસબુક પરથી ઘણા લોકો તેનો સંપર્ક સાધતા હોય છે. ઘણી વાર તો મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મોડાસાથી પણ ઓર્ડર્સ આવતો હોય છે, જેમાં તે ખાસ પ્રકારનું પેકિંગ કરીને મોકલાવતી હોય છે જેના કારણે થીમ કેક બગડે નહીં અને ઓગળે પણ નહીં.

એવી જ રીતે અત્યાર સુધીમાં ત્રણથી ચાર વાર યુ.એસ, યુ.કેના પરિવારે પણ સંપર્ક સાધી ઓર્ડર આપી કેક બનાવડાવી છે, જેમાં પરિવાર ભલે વિદેશ રહેતો હોય પણ પલક તેમના અમદાવાદમાં રહેતા પરિવારને તે ગિફ્ટ કેક મોકલાવીને સરપ્રાઇઝ આપતી હોય છે. જેનું પેમેન્ટ વિદેશ રહેતો પરિવાર ઓનલાઇન જ કરી આપે છે.

ફેસબુક પેજ

Related Stories