દિલ્હીની એક એવી બેંક, જ્યાં રૂપિયા નહીં, જમા થાય છે રોટલીઓ!!!

0

આઝાદપુર મંડીમાં છે 'રોટી બેંક'

ગરીબોમાં વહેંચાય છે બેંકમાં જમા થયેલી રોટલીઓ!

દિલ્હીની આઝાદપુર મંડીનું નામ આખા એશિયામાં સૌથી મોટા શાકમાર્કેટના રૂપમાં લેવાય છે અને હવે તેનું નામ એક વિશેષ કારણ માટે પણ જાણીતું બની રહ્યું છે. જે છે ત્યાં ચાલી રહેલું એક અભિયાન. અહીં રોટલી જમા કરવાની એક બેંક ખોલવામાં આવી છે. જ્યાં લોકો રોટલી જમા કરાવે છે અને તે જરૂરિયાતમંદો વચ્ચે વહેંચી દેવામાં આવે છે.

આ અભિયાન શરૂ કરનાર છે ફળોના વેપારી રાજકુમાર ભાટિયા. જે દિલ્હીના આદર્શનગરમાં રહે છે. તેઓ કહે છે, "એક દિવસ મારી પાસે એક ગરીબ માણસ આવ્યો. તેણે મારી પાસે કામ માગ્યું. પણ મારી પાસે તેને આપવા કોઈ કામ હતું નહીં. છતાં મને થયું કે મારે તેને મદદ તો કરવી જોઈએ. મેં તેને થોડા પૈસા આપ્યા તો તે કહે કે સાહેબ, પૈસાથી ભૂખ નથી ભાંગતી. ભૂખ તો રોટી મળે તો દૂર થાય છે. તેના આ શબ્દોએ મને અંદરથી વીંધી નાખ્યો. મેં તેને રોટી ખવડાવી." પણ તે માણસના સંપર્ક બાદ રાજકુમારના મનમાં અનેક સવાલોની આંધી પ્રગટાવી દીધી. તેમણે પોતાના સાથીઓને આ વાત કરી તો ભાતભાતના પ્રતિભાવો મળ્યા. પણ કેટલાક લોકોએતેમને કહ્યું કે રોજ તો આવા લોકોને ખવડાવવું મુશ્કેલ છે. ત્યારે રાજકુમારે બધાને સમજાવ્યા કે દરેકના ઘરે રોટલી તો બને જ છે. તો બે ચાર રોટલી વધારે ન બની શકે? જો તેની સાથે શક્ય હોય તો દાળ કે અથાણું પણ ઉમેરી શકાય અને તે એક જગાએ આવે તો રોજ ભૂખ્યા લોકોને જમાડી શકાય.

લગભગ 3 મહિના સુધી તેમણે જાતે આ કામ ઉપાડ્યું. પહેલા દિવસે તો માત્ર 7 જ પેકેટ આવ્યા. તેમને લાગતું કે આ રીતે જ ચાલશે તો આ સેવાને અભિયાનનું રૂપ નહીં આપી શકાય. તેમનું મનોબળ તૂટવા લાગ્યું હતું. લોકોને આ સેવામાં વધુ ને વધુ પ્રેરિત કરવામાં તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ચાલુ કરી દીધો. પોતાના ખર્ચે પોસ્ટર્સ છપાવ્યા. ફેસબૂક પર તેના ફોટા મૂકવાના શરૂ કરી દીધા, બેંકનું જ એક પેજ બનાવી દીધું. અને તેમની આ મહેનત આખરે રંગ લાવી. પછી તો લોકોમાં આ સેવા કરવાનો ઉત્સાહ અનેક ગણો થતો ગયો.

આજે તો 'રોટી બેંક'ના 4 સેન્ટર્સ દિલ્હીના આઝાદપુર વિસ્તારની આસપાસ જ ખૂલી ગયા છે.

રાજકુમાર ભાટિયા અંગે કહે છે,

"અમે આ માટે કોઈ પાસેથી એક પણ પૈસો નથી લેતા. અમારી પાસે અનેક દાતાઓ પૈસા આપવા માટે આવે છે, જેથી તેમના નામની રોટીઓ જમાડી શકાય. પણ ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંત મુજબ રોટીનું દાન તો પોતાના ઘરમાંથી જ થવું જોઈએ. આમ કરવાથી સંસ્કૃતિની રક્ષા પણ છે અને પૈસાદારોને પણ તે મુજબ સેવા કરવાની તક ઉભી થાય છે."

રોટી બેંકની એક ખાસિયત તો એ છે કે તેના કોઈ પણ સેન્ટરમાં જઈને કોઈ પણ ગરીબ ખાઈ શકે છે. એટલું જ નહીં, લોકો જુદી જુદી જગાઓ પર જઈને ગરીબોને રોટી આપી આવે છે. રાજકુમાર કહે છે કે પોતે દિલ્હીની એવી કોલોનીમાં લગાતાર ગયા જ્યાં એવા વૃદ્ધો રહે છે જેમની દેખરેખ રાખનાર કોઈ નથી. તેમની વિગતો જાણીને આસપાસના પાડોશીઓ પણ રોટી અભિયાનમાં સામેથી સામેલ થવા લાગ્યા. પાડોશીઓ વિચારવા લાગ્યા કે જે કામ રાજકુમાર કરે છે તે ખરેખર તો એક પાડોશી આ નાતે તેમની જવાબદારી છે. આમ આ સેવા એક સામાજિક ચેતનાનું કારણ બની ગયું.

ભાટિયાજી કહે છે કે તેઓ ખાસ કરીને ગરીબ વૃદ્ધો અને બાળકો સુધી ખાવાનું પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે સ્લમ વિસ્તારોમાં રહેનાર બાળકો મોટેભાગે ભૂખ્યા રહે છે. તેમનું કહેવું છે કે આપનારાઓ અને લેનારાઓમાં કોઈ ભેદ નથી હોતો.

'રોટી બેન્ક'નું મુખ્ય કેન્દ્ર આઝાદપુર શાક માર્કેટના શેડ નંબર 15માં છે. જયારે અન્ય સેન્ટર્સ ટેન્ટ માર્કેટ કોલોની, ઇન્દિરાનગર, નંદા રોડ, આદર્શ નગર અને પંચવટી કોલોનીમાં છે.

રાજકુમાર કહે છે, "એક ગરીબને એક પેકેટ આપવામાં આવે છે જેમાં 3 રોટલી હોય છે અને થોડું અથાણું હોય છે. આ અભિયાનમાં સમાજના દરેક સ્તરના લોકો જોડાયા છે. આ કાર્યને વ્યવસ્થિત રૂપે પાર પાડવા 8 યુવાનોની એક મજબૂત ટીમ છે. જે આ સેવાકાર્ય પર સૂક્ષ્મ નજર રાખી રહી છે." આ સેન્ટર્સથી અલગ રહીને પોતાની જાતે જ રોટીઓ પહોંચાડવાનું કામ અન્ય લોકો પણ કરી રહ્યા છે. હા, પણ તમનો સિદ્ધાંત છે કે જે નશો કરે છે તેવા લોકોને તેઓ રોટી નથી આપતા. સવારે 10.00 થી 1.00 વાગ્યા સુધી રોટીઓ આપવાનું કામ ચાલુ હોય છે. હવે રાજકુમારની યોજના અન્ય વિસ્તારોમાં 'રોટી બેંક' ખોલવાની છે, જેથી વધુ ગરીબો સુધી પહોંચી શકાય.

Related Stories

Stories by Harikrishna Shastri