એવી ફિલ્મો જે દરેક ઉદ્યોગસાહસિકે જોવી જોઈએ, પ્રેરણાનો મહત્વનો સ્ત્રોત છે આ ૧૦ ફિલ્મો

એવી ફિલ્મો જે દરેક ઉદ્યોગસાહસિકે જોવી જોઈએ, પ્રેરણાનો મહત્વનો સ્ત્રોત છે આ ૧૦ ફિલ્મો

Tuesday October 27, 2015,

7 min Read

કહેવાય છે કે ફિલ્મો એ આપણા સમાજના અરિસા જેવી હોય છે. સારી ફિલ્મો હંમેશા આપણા સંઘર્ષ, ખુશીઓ અને આપણી પીડાને પણ ઉજાગર કરતી હોય છે. હોલિવૂડની જેમ આપણે ત્યાં ઉદ્યોગસાહસિકતાને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછી ફિલ્મો બની છે. તેમ છતાં અહીંયા અમે વાચકો માટે એવી 10 ફિલ્મો વિશે વાત કરીશું જે દરેક સાહસિકે જોવી જોઈએ. આ યાદી 1950 થી 2005 વચ્ચે બનેલી ફિલ્મોની છે. 2005 પછીની ફિલ્મોની યાદી ટૂંક સમયમાં જ રજૂ કરીશું.


image


પ્યાસા (ગુરુ દત્ત, 1957)

આ ક્લાસિક ફિલ્મનો નાયક એક કવિ છે, જેની અંતઃકરણની ઈચ્છા છે કે તેની કવિતાઓનું પુસ્તક પ્રકાશિત થાય. તેનો ભાઈ કાયમ તેની મજાક ઉડાવતો હોય છે અને તેની કવિતાઓની ડાયરી પસ્તીવાળાને વેચી દે છે. આ કવિતાઓમાં ગરીબો પ્રત્યેની ઊંડી સંવેદના હતી તો બીજી તરફ આઝાદ ભારતની આદર્શવાદી હતાશાનું પણ વર્ણન હતું. પ્રકાશન તેનું પુસ્તક ત્યારે છાપે છે જ્યારે તે પોતાની આસપાસના પ્રપંચ-છળ વગેરેથી કંટાળીને પોતાને નિષ્પ્રાણ જાહેર કરે છે.

આ ફિલ્મના નાયકનું વ્યક્તિત્વ અને પોતાની કલા પ્રત્યેની નિષ્ઠા આપણને પ્રેરણા આપે છે. ગરીબો પ્રત્યે તેની ઊંડી આસ્થા, ખાસ કરીને તેની એક ગણિકા સાથેની મિત્રતા અને પ્રેમ બતાવે છે કે આપણા સમાજમાં પોતાનો ચિલો ચીતરનાર લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફિલ્મના અંતમાં જ્યારે તે તમામ સન્માન અને સ્વીકૃતિઓને ફગાવે છે ત્યારે આપણને અનાયસે જ તેની તરફ આકર્ષણ થાય. આપણને અનુભવ થાય કે પ્રામાણિકતા અને પોતાની કલા પ્રત્યેની આસ્થા સામે પૈસાનો કોઈ મોલ નથી.

સત્યકામ (ઋષિકેશ મુખરજી, 1969)

આ ફિલ્મ અંગ્રેજોના શાસનકાળના અંતિમ તબક્કા પર આધારિત છે. એન્જિનિયરિંગના કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરે છે જેમાં ફિલ્મનો નાયક પણ હોય છે. તે સિદ્ધાંતવાદી અને જિદ્દી હોય છે. બદલાતા સમયમાં એક આદર્શવાદી યુવાનના સંઘર્ષોને સમાવતી આ ફિલ્મમાં ધર્મેન્દ્રના અભિનયને તેમના જીવનના શ્રેષ્ઠ અભિનયમાં સ્થાન આપવામાં આવે છે. નિર્દેશક ઋષિકેશ મુખરજીએ પણ તેને પોતાના જીવનની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાવી હતી.

જીવનમાં ક્યાંય બાંધછોડ કે સમાધાન નહીં કરવાની માનસિકતાના કારણે ફિલ્મના નાયકને અનેક વખત નોકરીઓ બદલવી પડે છે. દર વખતે તે પોતાના સિદ્ધાંતો પ્રત્યે વધારે દ્રઢ થતો જાય છે. એક તરફ તેની મુશ્કેલીઓનો અંત નથી આવતો ત્યાં આપણે તેના વિવેક અને ચેતનાના ચાહક થતા જઈએ છીએ. આવા સંઘર્ષમાંથી દરેક ઉદ્યોગસાહસિકને ક્યારેક ને ક્યારેક પસાર થવું જ પડે છે. સત્યકામમાં તેમના માટે ઘણું શીખવાનું છે.

મંથન (શ્યામ બેનેગલ, 1976)

ફિલ્મની વાત પ્રાણીઓના એક ડૉક્ટર પર કેન્દ્રીત છે જે દૂધ ઉત્પાદન માટે એક સહકારી મંડળી ખોલવાની આશા સાથે એક ગામમાં પહોંચે છે. ગામની એક ધનિક વ્યક્તિ અને સરપંચ તેના વિરુદ્ધ અનેક ષડયંત્રો રચે છે. તેને ધાર્મિક અને જાતીગત વિસંગતતાઓનો પણ સામનો કરવો પડે છે. આ ફિલ્મ પ્રસિદ્ધ ઉદ્યોગસાહસિક તથા ‘ફાધર ઓફ ધ વ્હાઈટ રેવોલ્યુશન’ ડૉ.વર્ગીશ કુરિયનના જીવન પર આધારિત છે. ગ્રામીણ ભારત અને સામાજિક ઉદ્યમિતા પર ભારતમાં બનેલી ફિલ્મોમાંથી આ અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ છે. ગામમાં લોકોને સંયુક્ત કરવા માટેનો સંઘર્ષ, જ્યાં જાતિ, વર્ણ અને ધર્મના નામે ભેદભાવ ચાલતા હોય તેની વચ્ચે એક ઉદ્યોગસાહસિકે ટકી રહેવાનું હોય છે. પોતાની આશા અને નિરાશાની વચ્ચે પણ નાયક ખૂબ જ જાગ્રત છે. વ્યવસાયના નિયમોનું ઉલ્લંઘન કરીને તે એક એવા સાહસની શરૂઆત કરે છે જેના દ્વારા એક ધનિકને નહીં પણ તમામ ગરીબ ખેડૂતોને ફાયદો થાય છે.

મંઝિલ (બાસુ ચેટર્જી, 1979)

ફિલ્મનો નાયક પોતાની કંપની શરૂ કરવાનું સ્વપ્ન સેવતો હોય છે. એક બેરોજગાર યુવાનની મહત્વાકાંક્ષાનું જ પરિણામ છે કે તે વીજળીના સાધનોનો પોતાનો વ્યવસાય શરૂ કરે છે, જેના માટે તે મોટાપાયે દેવું કરે છે. તેની કંપની બરાબર ચાલતી નથી. તેની પ્રેમિકાના પિતા જે આદર્શવાદી વકીલ પણ છે, તે તેના પર વેપારમાં છેતરપીંડીનો કેસ કરે છે. તેણે તેની પ્રેમિકાને પોતાની સ્થિતિ અંગે ખોટી માહિતી આપી હતી જે છતી થઈ જાય છે. નાયકને પોતાના કરેલા કાર્યોનો પસ્તાવો થાય છે અને તે પોતાની મહેનતના જોરે અંતે સફળ ઉદ્યોગસાહસિક બનીને બતાવે છે.


image


આ ફિલ્મ આપણને પોતાની આર્થિક અને સામાજિક સ્થિતિઓ સામે લડવા માટેના સ્વપ્ન જોવાનું શીખવે છે. તે આપણને એમ પણ જણાવે છે કે, પ્રામાણિકતા સૌથી મોટો ગુણ છે. આપણે ભૂલોને પાછળ છોડીને આગળ વધવું જોઈએ તેવી શીખ પણ ફિલ્મ દ્વારા મળે છે.

જાને ભી દો યારોં (કુંદન શાહ, 1983)

આ ફિલ્મ ઘણા બધા લોકોના પસંદગીની ફિલ્મ છે. પોતાના સમયની સફળ ફિલ્મોમાંની એક એવી આ ફિલ્મમાં બે ઉદ્યોગસાહસિકો સાથે મળીને એક સ્ટૂડિયો શરૂ કરવા માગે છે. સમાજમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કરતી આ ફિલ્મના અંતમાં રાજનેતા, મોટા ઉદ્યોગપતિઓ, સમાજસેવીઓ અને પત્રકારો તમામ લોકો સ્વાર્થી સિદ્ધ થાય છે. ફિલ્મના બે નાયકો જ માત્ર પ્રામાણિક હોય છે અને તેમને પોતાની પ્રામાણિકતાની મોટી કિંમત ચૂકવવી પડે છે. 


image


આ ફિલ્મ જણાવે છે કે ઉદ્યોગસાહસિકતાનો માર્ગ સરળ નથી. પરિસ્થિતિ હંમેશા આપણા પક્ષમાં નથી હોતી. આ ફિલ્મ આપણી લોકશાહી પર કટાક્ષ છે અને તેના કારણે જ જ્યારે આ ફિલ્મ જોઈએ તો ખ્યાલ આવશે કે ફિલ્મ બન્યાને ત્રણ દાયકા થઈ ગયા છતાં આપણા સામાજિક અને રાજકિય પરિવેશમાં કોઈ પરિવર્તન નથી આવ્યું.

એક રુકા હુઆ ફૈસલા (બાસુ ચેટર્જી, 1986)

સિડની લૂમેટની મહાન ફિલ્મ '12 એન્ગ્રી મેન’થી પ્રેરિત આ ફિલ્મમાં બાર લોકો ન્યાયાધિશોની ખંડપીઠ તરીકે એક યુવાનના જીવનનો અંતિમ નિર્ણય કરવાના હોય છે. આરોપી તરીકે રજૂ થયેલા યુવાન પર તેના પિતાની હત્યાનો આરોપ હોય છે અને આ બારમાંથી અગિયાર લોકો પહેલેથી જ યુવાનને દોષિત માની લે છે. ફિલ્મનો નાયક આ વાત માનવા તૈયાર નથી અને તે પોતાની શંકાના આધારે ચર્ચા કરવાનું કહે છે. સુંદર સંવાદોના માધ્યમથી, ફિલ્મના અંતે તે ખંડપીઠના બાકી સભ્યોને એ બાબત માનવા રાજી કરી લે છે કે કદાચ આ યુવાન ગુનેગાર નથી.

આ ફિલ્મની સૌથી મોટી ઉપલબ્ધિ એ રજૂ કરે છે કે, આપણે કેવી રીતે પોતાના જ પૂર્વગ્રહોથી પીડાતા હોઈએ છીએ. હાજર તથ્યોને નિષ્પક્ષ રહીને જાણવા અને તેના આધારે નિર્ણય લેવો તે દરેક ઉદ્યમીના જીવનનો મોટો ભાગ છે. આપણે ઘણી વખત એકલા પડી જઈએ છીએ, પણ આત્મચેતના અને વ્યક્તિની ઓળખ પર ધ્યાન આપીએ તો તથ્ય આધારિત નિર્ણયો કરી શકીએ છીએ.

એક ડૉક્ટર કી મૌત (તપન સિંહા, 1990)

આ ફિલ્મ એક જૂનિયર ડૉક્ટર પર થયેલા અત્યાચાર પર અધારિત છે. ફિલ્મનો નાયક કુષ્ઠરોગની રસીની શોધ કરે છે પણ આ કામનો શ્રેય બાકીના લોકો લેવા માગે છે જે ફિલ્મના નાયક કરતા વધારે શક્તિશાળી અને કુટિલ છે. આખરે બે અમેરિકી ડૉક્ટર્સને આ રસીની શોધ માટે સન્માનિત કરવામાં આવે છે. હતાશ નાયકને એક જાણીતી વિદેશી સંસ્થા દ્વારા આમંત્રણ મળે છે કે, તે દુનિયાના જાણીતા વૈજ્ઞાનિકો સાથે જોડાઈને બિમારીઓના ઈલાજ પર કામ કરે. આ કામ અને માનવતાની સેવાને પોતાના જીવનની સાધના માનીને તે જૂની વાતો ભૂલીને કામ કરે છે.

આ ફિલ્મની સૌથી મોટી ઉપલબ્ધિ છે કે દૂરદર્શી થઈને પોતાની નૈતિકતાને સામે લાવવી. તાત્કાલિક લાભ અને નુકસાનથી વધારે હોય છે પોતાના રસ્તે ચાલતા રહેવું. એ વાત એટલી જ સાચી છે કે આવા લોકો ખૂબ જ ઓછા હોય છે. આ વાતને જે લોકો માને છે કે તે જ આગળ વધી શકે છે.

લગાન (આશુતોષ ગોવારિકર, 2001)

અંગ્રેજોના શાસનકાળમાં ભારતના એક નાનકડા ગામની ઘટનાઓને દર્શાવતી ફિલ્મમાં કેટલાક છોકરાઓ અંગ્રેજોને ક્રિકેટ માટે પડકાર ફેંકે છે. એક તરફ તાલિમબદ્ધ ખેલાડીઓ અને બીજી તફ ધર્મ, જાતિ પર વિખેરાયેલું ગામ અને તેના સામાન્ય લોકો જેનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. તેમનું એકજૂથ થવું જ આપણને પ્રેરણા આપે છે.

જેમ જેમ વાત આગળ વધે છે તેમ તેમ આપણા માનસ પરથી ક્રિકેટ દૂર થાય છે અને ચાલી રહેલા સંઘર્ષ જરૂરી લાગવા માડે છે. તે આપણું ધ્યાન કેન્દ્રીત કરે છે. નાના અને અનુભવહિન લોકો પણ એકજૂથ થઈને સંઘર્ષ કરે છે ત્યારે મોટા મોટાને પડકારી શકે છે તે વાત આપણને શીખવા મળે છે. ઉદ્યોગસાહસિકોએ આ વાત સ્વીકારવી જ રહી.

સ્વદેસ (આશુતોષ ગોવારિકર, 2004)

આ ફિલ્મ વિકાસની એ બાજુને રજૂ કરે છે જેને આપણો સમાજ લગભગ છેવાડે કરતો આવ્યો છે, અને તે છે ગરીબી. ફિલ્મનો નાયક એક બુદ્ધિશાળી અને શિક્ષિત યુવાન હોય છે જે નાસામાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતો હોય છે. પોતાને બાળપણમાં સાચવનાર આયાને પોતાની સાથે અમેરિકા લઈ જવાની ઈચ્છા સાથે તે ગામમાં આવે છે અને અહીંયાની સ્થિતિ જોઈને તેની આત્મા કકડી ઉઠે છે. તે નક્કી કરે છે કે ગામલોકોની સાથે રહીને નહેર દ્વારા વીજળી ઉત્પન્ન કરશે. ગામના મહેનતુ લોકો તે સિદ્ધ કરી બતાવે છે. 


image


આ ફિલ્મ દર્શાવે છે કે, એક જૂથની તાકાત તેમાં રહેલી દરેક વ્યક્તિની તાકાતના આધારે બને છે. પોતાની મુશ્કેલીઓનો નિકાલ આપણે સાથે મળીને જ લાવવાનો છે. તે આપણી સામે પણ સવાલ કરે છે કે, સમાજના શિક્ષિત નાગરિકો તરીકે આપણે શું કરી રહ્યા છીએ? આ ફિલ્મ ઈમાનદારી શીખવે છે, મહેનત કરવાનું શીખવે છે અને પોતાના મૂળ અને વતન સાથે જોડાયેલા રહેવાનું શીખવે છે. ઉદ્યોગસાહસિકોને તેમાંથી ઘણું શીખવા મળે છે.

ઈકબાલ (નાગેશ કૂકનૂર, 2005)

ફિલ્મનો નાયક એક ગૂંગો-બહેરો છે જેને ક્રિકેટ રમવાનો શોખ છે. ખેડૂતનો પુત્ર હોવાના કારણે તેને પિતા તરફથી કોઈ પ્રોત્સાહન નથી મળતું. તેના ગામનો એક દારૂડિયો ખેલાડી તેને ક્રિકેટ શીખવાડે છે. જેમ જેમ વાત આગળ વધે છે તેમ એક ગરીબ યુવક પોતાના જૂનૂનને પૂરો કરતો દેખાય છે.

એક એવા રસ્તે જવું જેમાં પૈસાદારો અને શક્તિશાળી લોકોએ કબજો જમાવી રાખ્યો છે. દરેક ઉદ્યોગસાહસિકે આ વાત શીખવી જોઈએ. ફિલ્મનો નાયક પણ પોતાના બુલંદ ઈરાદાઓ સાથે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. ફિલ્મ જણાવે છે કે, જે લોકો પોતાની નિષ્ઠા અને દ્રઢ સંકલ્પના આધારે કામ કરે છે તે અસામાન્ય સ્થિતિમાંથી બહાર આવી શકે છે.