'આ દેશમાં નફરતની વિચારધારા માટે કોઈ જગ્યા નથી...'

જેએનયુ પ્રકરણ લોકશાહી દેશ ભારત માટે લાલબત્તી સમાન છે, જે લોકશાહીની દરેક સંસ્થા નબળી પડી રહ્યાંનો અને આપણે અંધકારમય ભવિષ્ય તરફ અગ્રેસર થઈ રહેવાનો સંકેત આપે છે!

'આ દેશમાં નફરતની વિચારધારા માટે કોઈ જગ્યા નથી...'

Monday February 22, 2016,

6 min Read

આશુતોષ 

11 સપ્ટેમ્બર, 1948ના રોજ તત્કાલિન ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ગુરુ ગોલ્વલ્કરને એક લાંબો પત્ર લખ્યો હતો. આ પત્ર મહાત્મા ગાંધીની હત્યા અને ભારત સરકાર દ્વારા સંઘ પર મૂકાયેલા પ્રતિબંધના સંદર્ભમાં હતો. ગોલ્વલ્કરે સરદાર પટેલને પત્ર લખીને પ્રતિબંધ ઉઠાવી લેવાની વિનંતી કરી હતી. પટેલે તેનો જવાબ આપ્યો હતો. આ પત્રમાં પટેલ જણાવે છે કે, "સંઘે હિંદુઓની ઘણી સેવા કરી છે એ હકીકતનો ઇનકાર ન થઈ શકે અને તેનો સ્વીકાર કરવો ઘટે." સંઘના સ્વયંસેવકો અને તેની વિચારધારા સાથે સંમત લોકોને આ વાત ગમશે. પણ પછી જે પટેલે કહ્યું હતું તે કદાચ સંઘને, તેના સ્વયંસેવકો અને તેની વિચારધારાના અનુયાયીઓને નહીં ગમે. પટેલ પત્રમાં આગળ કહે છે, "જ્યારે આ જ લોકો મુસ્લિમો સામે બદલો લેવા તેમની પર હુમલો કરવાની શરૂઆત કરે છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. હિંદુઓને મદદ કરવી એક વાત છે અને ગરીબ, નિઃસહાય, મહિલાઓ અને બાળકોને નિશાન બનાવવા બીજી વાત છે અને દેશને અખંડ રાખવા તેને ચલાવી ન શકાય."

પટેલ આ પત્રમાં તેમની પ્રકૃતિ પ્રમાણે સાફ શબ્દોમાં બધું જણાવી દે છે. તેઓ દેશમાં અસ્થિરતાનું વાતાવરણ પેદા કરવા સંઘને જવાબદાર ઠેરવે છે. તેઓ લખે છે કે, "સંઘના સ્વયંસેવકો ઝેર ફેલાવે છે, તેમના ભાષણો કોમી છે." તેઓ ગોલ્વલ્કરને પૂછે છે કે, હિંદુઓનું રક્ષણ કરવા નફરતની આગ ફેલાવવાની શું જરૂર છે? અને પછી તેઓ ઠપકો આપે છે. "આ નફરતની આગમાં જ રાષ્ટ્રપતિ હોમાઈ ગયા. આ ઝેરી વિચારધારાને પગલે જ મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી અને એટલે સંઘ પર પ્રતિબંધ મૂકવો અનિવાર્ય હતો."

કમનસીબ બાબત એ છે કે આ જ પટેલને સંઘ અને મોદી સરકારે તેમના પ્રેરણામૂર્તિ કે આદર્શ તરીકે અપનાવ્યાં છે. પટેલ કોંગ્રેસી હતા. તેઓ મહાત્મા ગાંધીના વફાદાર સમર્થક હતા અને ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના સાથીદાર હતા. સંઘે નહેરુ સામે પટેલને ઊભા કરવામાં કોઈ કચાશ રહેવા દીધી નથી. સંઘ છાશવારે દલીલ કરે છે કે જો નહેરુને બદલે પટેલ વડાપ્રધાન બન્યાં હોત તો દેશનો નકશો જુદો હોત. છેલ્લાં થોડા મહિનાઓમાં નહેરુના વારસાના ભૂંસવા અને અત્યારે દેશમાં જે કંઈ ખરાબ થઈ રહ્યું છે તે માટે નહેરુને જવાબદાર ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ઇતિહાસ બંને મહાપુરુષો નહેરુ અને પટેલનો ન્યાય ઇતિહાસ, પણ ઇતિહાસ સંઘ અને તેના સ્વયંસેવકોને માફ નહીં કરે.

પટેલે તેમના પત્રમાં જે નફરતના વાતાવરણનો ઉલ્લેખ કર્યો હતો, તેવું જ વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો ફરી થઈ રહ્યાં છે. છેલ્લાં 10 દિવસમાં રાષ્ટ્રવાદના નામે એક નવી ચર્ચા શરૂ થઈ છે. જેએનયુમાં થોડા વિદ્યાર્થીઓ દ્વારા કથિત રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચારોના બહાને ઉશ્કેરણી થઈ રહી છે અને જેએનયુએસયુના પ્રમુખ કનૈયા કુમારની ધરપકડ કરવામાં આવી છે. ઇરાદાપૂર્વક બે પ્રકારની વાતો ફેલાવવામાં આવે છે – એક, જેએનયુ આતંકવાદીઓનો અડ્ડો છે અને તેને બંધ કરવી જોઈએ. બે, આ વાત સાથે અસંમત કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રવિરોધી છે.

હું જેએનયુમાં ભણ્યો છું અને જાણું છું કે તે ભારતની જ નહીં, પણ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક છે. તે ઉદાર વિચારધારાઓનું કેન્દ્ર છે અને આપણા બંધારણમાં સ્થાપિત ખુલ્લી ચર્ચાવિચારણાને પ્રોત્સાહન આપે છે. ઉદાર વિચારોની સાથે અહીં સંકુચિત રાષ્ટ્રવાદીઓ અને ચરમપંથીઓ બંનેને પણ સ્થાન મળ્યું છે એ પણ હકીકત છે. અહીં ઉત્તર પૂર્વના રાજ્યોમાં અલગ રાષ્ટ્રની માંગણી કરતાં અને કેટલાંક કાશ્મીરી ચરમપંથીઓ અને નક્સલવાદીઓ અભ્યાસ કરે છે. પણ જેએનયુ રાષ્ટ્રવિરોધીઓને આશ્રય પૂરો પાડે છે તેવું કહેવું બિલકુલ અયોગ્ય છે અને જેએનયુની સ્થાપના જે વિચારથી થઈ છે અને ભારતીય બંધારણ જે વિચારોની હિમાયત કરે છે તેનો અનાદર કરવા સમાન છે. હું મારા પોતાના અનુભવ પરથી કહી શકું કે આ પ્રકારના ઉદ્દામવાદીઓની હંમેશા અવગણના કરવામાં આવી છે અને તેમને ક્યારેય વ્યાપક સ્વીકાર્યતા મળી નથી.

અહીં સમજવાની જરૂર એ છે કે જેએનયુની ઇમેજને ખરડવાનો પ્રયાસ શા માટે થઈ રહ્યો છે? હું વાચકોને યાદ અપાવવા ઇચ્છું છું કે ગોલ્વલ્કરે તેમના પુસ્તક ધ બન્ચ ઓફ થોટમાં લખ્યું છે કે ભારતના ત્રણ દુશ્મનો છે – મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને સામ્યવાદીઓ. અહીં મારે કહેવું છે કે જેએનયુએ હંમેશા સંકુચિત હિંદુત્વ વિચારધારાને ધિક્કારી છે. તેના બદલે અહીં ડાબેરી વિચારધારાને મજબૂત ગઢ તૈયાર થયો હોવાથી બંને વિચારધારા વચ્ચે કુદરતી ઘર્ષણ ઊભું થયું છે. હિંદુ ચરમપંથીઓ જેએનયુએ હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્રની વિચારધારાને માનવાનો ઇનકાર કરતી સંસ્થા છે. તેમને સૂત્રોચ્ચારોના બહાને જેએનયુને નિશાન બનાવવાની તક મળી ગઈ છે. પણ આ તત્ત્વોને એ વાતનું ભાન હોવું જોઈએ કે ઉત્કૃષ્ટ સંસ્થા ઊભી કરવામાં દાયકાઓ પસાર થઈ જાય છે, પણ તેનો નાશ મિનિટોમાં થઈ જાય છે. જેએનયુ શૈક્ષણિક જગતમાં ટોચનું સ્થાન ધરાવે છે અને તેને ભૂંસવાના કોઈ પણ પ્રયાસથી રાષ્ટ્રના હિતને જ નુકસાન થશે.

બીજી વાત એ છે કે જેએનયુનો બચાવ કરતી અને કાશ્મીર અને રાજદ્રોહના મુદ્દે પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરતી કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રવિરોધી ચિતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કનૈયાને રાજદ્રોહના ગુના હેઠળ જેલમાં પૂરી દેવાયો છે. અત્યાર સુધી પોલીસ કોર્ટમાં કોઈ પુરાવો રજૂ કરી શકી નથી, તેમ છતાં તેને વિલન તરીકે ચિતરવામાં આવે છે. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે તેને કોર્ટરૂમમાં ફટકારવામાં આવ્યો હતો અને તેના જીવનું જોખમ ઊભું થયું હતું. વધુ ખતરનાક વલણ તો લોકશાહીની અન્ય સંસ્થાઓનું છે. કાયદાના રખેવાળ ગણાતા અને કોર્ટમાં ન્યાય માટે લડતા વકીલોએ પોતાની રીતે નક્કી કરી લીધું છે કે કનૈયા પર કેસ ચલાવ્યા વિના તેને સજા કરવી. તેમણે કાયદાને પોતાના હાથમાં લીધો હતો, પોતાનાથી વિપરીત મત ધરાવતા દરેકને ફટકાર્યા હતા, પછી તે મીડિયા કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત નિરીક્ષકો. પોલીસે મૂક પ્રેક્ષકની ભૂમિકા સપેરે બજાવી છે. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોવા છતાં પોલીસે વકીલોને વકીલોને છૂટો દોર આપી દીધો હતો. આ લેખ લખાય છે ત્યાં સુધી કાયદો હાથમાં લેનારા વકીલો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.

ટીવી ચેનલોની ભૂમિકા પણ ખેદજનક છે. કેટલાંક એડિટર્સ અને એન્કર્સનું વર્તન વકીલો જેવું જ તુમાખીભર્યું છે. તેઓ ટીવી પર એવો ઉન્માદ જન્માવી રહ્યાં છે કે તટસ્થ વ્યક્તિ પણ કનૈયાને નફરત કરવા મજબૂર બની જાય છે. રાષ્ટ્રવાદી બનવાની દોટમાં તેઓ કનૈયાનો ઉપજાવી કાઢેલો વીડિયો પ્રસારિત કરી રહ્યાં છે. નસીબજોગે કેટલીક તટસ્થ ચેનલ્સે આ કૌભાંડનો પદાર્ફાશ કરી દીધો છે અને દેશની જનતાને ગેરમાર્ગે દોરતી અટકાવી છે. લોકોમાં ઉન્માદ જગાવવા બદલ આવી ચેનલ્સે, તેના એડિટર્સે અને એન્કર્સે માફી દેશની જનતાની માફી માંગવી જોઈએ, પણ તેવું થયું નથી. એટલે મારા જેવા લોકોને એવું માનવાની ફરજ પડી છે કે તેમની પણ આ અપરાધમાં સાંઠગાંઠ હોઈ શકે છે.

ભારત લોકશાહી દેશ છે. અહીં કાયદાનું શાસન છે. જેએનયુએમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચારો કરનારને સજા થવી જોઈએ. પણ દેશમાં નફરતનું વાતાવરણ ઊભું કરવા તેનો ઉપયોગ ન થવો જોઈએ. વકીલો ન્યાયાધીશ ન બની શકે. કોઈ ધારાસભ્ય સામાજિક કાર્યકર્તાને મારી ન શકે. વિરોધી રાજકીય પક્ષોની ઓફિસમાં તોડફોડ ન થઈ શકે. પોલીસ નિષ્ક્રિય ન રહી શકે અને તેની ફરજમાંથી હાથ ઊંચા ન કરી શકે. સુપ્રીમ કોર્ટના ઓર્ડરને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી ન શકાય. પણ આવું બધું જોવા મળે છે એટલે હું, તમે, કોઈ પણ સજાગ નાગરિક ભારત તરીકે ઓળખાતા આપણા ગણતાંત્રિક, પ્રજાસત્તાક દેશના ભવિષ્યની કલ્પના કરી શકે છે.

અત્યારે દેશમાં જે માનસિકતા ઊભી થઈ રહી છે તેની જ વાત પટેલે તેમના પત્રમાં ગોલ્વલ્કરને કરી હતી. નફરત ઊભી કરવી સરળ છે, પણ આ પ્રકારના તત્ત્વોએ એ ભૂલવું ન જોઈએ કે આ નફરત જ ગાંધીજીની હત્યા સુધી દોરી ગઈ હતી. એટલે આ પ્રકારની બાલિશ રમત તાત્કાલિક બંધ કરવી જોઈએ. તે કોઈના હિતમાં નથી.

લેખક પરિચયઃ આશુતોષ

આશુતોષ ટીવીના ભૂતપૂર્વ એન્કર, પત્રકાર છે. તેઓ અત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે.

અનુવાદકઃ કેયૂર કોટક

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)

image