મહિલા ટેક્સી ડ્રાઇવર ગંગા, પિન્કી અને શબાના: મોડી રાતની મુસાફરીમાં મહિલાઓને રક્ષણ આપતા હીરો

1

એ અંધારી રાત્રે અંતહિન માર્ગ પર ટેક્સી ડ્રાઇવર તેને લઈ જઈ રહ્યો હતો. ડ્રાઇવર તેનો પરિચિત હોય તે રીતે કરી રહ્યો હતો. તમને કશું અજુગતું લાગે ત્યારે તમે ઉત્સુકતાવશ તમારી જેવી જ અનુભૂતિ કરનારી વ્યક્તિને શોધતાં હોવ છો. ડ્રાઇવર પોતાની પીડા સમજતો હોવાનું તે જાણતી હતી, તે બંને ભયભીત અને એક પ્રકારના બંધનમાં હતાં, પરંતુ અંદરખાને બંને મુક્તિ ઇચ્છતાં હતાં.

ડ્રાઇવર એક યુવતી હતી. તમારી આવી અનેક નિરવ રાત્રિઓની એ યુવતી હીરો હતી. તે ડ્રાઇવિંગ કરવા માત્રથી જ હીરો હતી. આ હીરો કારકિર્દી ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. અહીં ત્રણ મહિલા ટેક્સી ડ્રાઇવરની વાત કરીએ. આ ટેક્સી ડ્રાઇવર બેંગલુરુ, મુંબઈ અને દિલ્હીમાં ઉબેર અને ઓલામાં ડ્રાઇવર્સ છે. તેમની કહાણી મહિલાઓનો જુસ્સો દર્શાવે છે.

શબાના શેખ અમીન, પિંકી રાની અને ગંગા આર.વી. તેમના કામને ખૂબ પ્રેમ કરે છે
શબાના શેખ અમીન, પિંકી રાની અને ગંગા આર.વી. તેમના કામને ખૂબ પ્રેમ કરે છે

શબાના શેખ અમીન, જૂન, 2011થી ડ્રાઇવર 

મહિલાઓને ઘરની બહાર પર મૂકવા ઉપર પણ નિયંત્રણ રાખનારા મુસ્લિમ પરિવારમાં જન્મેલી શબાનાએ હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના અમ્મી બીમાર થયાં અને દવાનાં બિલ પાંચ આંકડા સુધી પહોંચવા લાગ્યા ત્યારે ઘરના દરેક સભ્યે બે છેડા ભેગા કરવા માટે તમામ નિયમો કોરાણે મુક્યા. અને શબાનાને સૌ પહેલાં નોકરી મળી, મુંબઈના વાશીની એક મોલમાં. ત્યારે પછી તેણે અન્ય કેટલાક ડેપો અને સ્ટોર્સમાં ક્લાર્ક અને મદદનીશ તરીકેની નોકરીઓ કરી. એક ઘરેડમાં સપડાયેલી શબાના સ્વતંત્રતાનાં સપનાં જોતી હતી.

શબાના 23 વર્ષની હતી ત્યારે એક મિત્રે તેને મહિલાઓની કેબ શરૂ કરવા કહ્યું. જોકે શબાનાને ડ્રાઇવિંગ નહોતું આવડતું છતાં સ્વતંત્રતા હાથવેંતમાં હોવાનું તેને લાગ્યું.

“વાહન ચલાવવાના વિચાર માત્રથી હું ઉત્તેજિત થઈ ગઈ. હું જે કંપનીમાં જોડાઈ, ત્યાં મહિલાઓને પહેલાં તાલિમ અપાતી હતી અને જે મહિલા શીખી જાય તેને નોકરી અપાતી હતી. આંખના પલકારામાં હું કંપનીમાં જોડાઈ. જોકે, હું નોકરી ન મેળવી શકી. હવે મારે ડ્રાઇવ કરવું જ હતું, પરંતુ મને તેની મંજૂરી ન મળી. ઘરમાં કોઈને પણ કહ્યા વિના મેં તાલિમ લેવાનું શરૂ કર્યું.”

મારા નામનો ઓફર લેટર હાથમાં આવ્યો ત્યારે મારું સપનું સાચું પડ્યું. તેણે પરિવારના સભ્યોને આ વાત કહી, પરંતુ તે જવાબમાં ના સાંભળવા નહોતી માગતી.

“હું જે કરી રહી છું, તેમાં ખોટું શું છે, તે પ્રશ્ન હું પૂછીશ એટલે તેઓ મને મંજૂરી આપશે, એ હું જાણતી હતી. પરિવારનું વલણ નરમ રાખવા માટે મેં પૂર્વતૈયારી કરી હતી.”

કંપનીમાં જોડાયા પછી તેનું જીવન બદલાઈ ગયું. તેણે દોઢ વર્ષ પહેલાં ઉબેર કંપની છોડી અને કંપનીએ તેને પોતાનું વાહન લેવા માટે લોન પણ આપી. અને બીજા દોઢ વર્ષ પછી તે પોતાની કારની માલિક બની ગઈ. શબાનાને કામથી સંતોષ છે. તે આ અંગે કહે છે,

“સંતોષ ન થાય તેવું શું છે? હું મોટે ભાગે એરપોર્ટ પર ડ્યૂટી કરતી હોઉં છું. આથી હું આખા દેશના લોકોને મળતી હોઉં છું. મારા માટે આ ઉત્સાહજનક બાબત છે.”

બે વર્ષ પહેલાં શબાનાનાં અમ્મીનો ઇન્તેકાલ થયો. તે રોજના રૂ. 2000-3000 કમાતી હતી પરંતુ પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે તેને ઘણી વાર આખીઆખી રાત કેબમાં ગાળવી પડી હતી. જોકે હવે ધ્યેયસિદ્ધિનો તે ગર્વ અનુભવે છે.

પિંકી રાની, 2014થી ડ્રાઇવર

પિંકીએ રોહતકમાંથી શાળા કક્ષાનો અભ્યાસ કર્યો હતો. આંખ વિંચાય તે પહેલાં દીકરીનો સુખી સંસાર જોવાની સતત બીમાર રહેતા પિતાની ઇચ્છાને કારણે પિંકીનાં નાની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં.

પિંકીની કહાણી થોડી જુદી છે. તેનાં સાસરિયાંને કોસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સની દુકાન હતી અને પિંકી માલ લાવવાનું કામ કરતી હતી. રોજ બસ કે રિક્ષામાં આખા શહેરમાં ફરીને ભારેખમ સામાન લાવવો પડતો હતો. ઘણી વાર સામાન ઉતારવા-ચડાવવા માટે મહેનતાણું પણ ચુકવવું પડતું હતું, જે ઘણી વાર વધુ ખર્ચાળ થઈ જતું હતું.

“આથી ખર્ચ ઘટાડવા અને મારી સરળતા માટે મેં કાર ખરીદવા આગ્રહ કર્યો.”

થોડી સમજાવટ અને દબાણ પછી પરિવારજનો તેના માટે કાર ખરીદવા સંમત થયા.

“મારા પતિ ડ્રાઇવ કરવાની પણ હિંમત નહોતા દાખવતા. ગુસ્સામાં તેઓ મારા હાથમાં ચાવી આપીને મને જ કાર ચલાવવા કહેતા. પરંતુ હું શીખવા માટે ઉત્સાહી હતી. ત્યાર પછીથી મારું નસીબ બદલાયું અને તે માટે હું ઈશ્વરનો આભાર માનું છું.”

પતિને ડાયાલિસીસ કરાવવા માટે પિંકીએ કાર વેચી દીધી. તેના નસીબે ફરી પલટો માર્યો, ત્રણ નાનાં સંતાનને પિંકીના ભરોસે મૂકીને પતિ અવસાન પામ્યો. યુવાન વયે ત્રણેય સંતાનને એકલા હાથે ઉછેરવાની જવાબદારી આવી પડી. એ સમયે સાસરિયાં સાથેનાં સંબંધોમાં પણ કડવાશ આવી ગઈ હતી. “પરિવાર માટે ભોગ આપ્યો હોવા છતાં મારાં સાસુએ અમને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. દરમિયાન 2014માં ઓલા અને ઉબેર મહિલા ડ્રાઇવરની શોધમાં હતા અને પાર્ટ-ઓનરશિપ સ્કિમ હેઠળ મહિલાઓને આર્થિક મદદ પણ કરતા હતા. આ સ્કિમમાં અમારે દર મહિને હપતા કે ફી ચુકવવાની હતી અને અઢી વર્ષના કરાર કરવાના હતા.”

પિંકીને ભાઈની પણ થોડી મદદ મળી. તેણે હપતા માટે રૂપિયા એકઠા કર્યા અને તેના નિર્ણયનો વિરોધ કરનારા પરિવારજનોની ઉપેક્ષા કરીને ડ્રાઇવિંગ શરૂ કર્યું.

“શરૂઆતમાં મારા સંબંધીઓ મને ગમે તેમ બોલતા હતા, પરંતુ હું મારા નિર્ણય માટે મક્કમ હતી. મારા પરિવારના ઉછેરની જવાબદારી છે, એ લોકોની નહીં.”

મેં પિંકી સાથે સવારે 11 વાગ્યે વાત કરી હતી, અને ત્યાં સુધીમાં તે રૂ. 1500 કમાઈ ચૂકી હતી. હજી ત્રણ કલાક તે કામ કરવાની હતી. તે વધુમાં કહે છે,

“મારાં ત્રણેય સંતાન અત્યારે સ્કૂલમાં ભણે છે અને હું જે કમાઉં તેમાંથી જ તેમનું ભરણપોષણ કરવાનું છે. ઓલાએ અનુકૂળતા મુજબ કામ કરવાની મંજૂરી આપી છે ત્યારથી હું રોજના 7-8 કલાક ડ્રાઇવિંગ કરું છું અને બાળકો પણ મને ખૂબ ટેકો આપે છે. બાળકો મને રસોઈ કરવામાં મદદ કરે છે; મારાં દીકરા-દીકરી બોઇલ્ડ ઈંડાં, ચટણી, રોટલી બધું જ બનાવે છે, આથી હું ખૂબ ખુશ છું.”

મુસાફરો સાથેના જુદા જુદા અનુભવો અંગે તે કહે છે કે હું માત્ર મારા કામને વળગી રહું છું અને એટલે મારું ધ્યાન ડ્રાઇવિંગ અને રસ્તા પર જ રાખું છું. પરંતુ દરેક મુસાફરોના પ્રતિભાવો નકારાત્મક નથી હોતા. સંતાનોની ઇચ્છા અને મુસાફરોને સારી સુવિધા આપવાનો પિંકીનો એક માત્ર હેતુ છે.

ગંગા આર.વી., જાન્યુઆરી, 2015થી ડ્રાઇવર

આંધ્ર પ્રદેશના નાનકડા ગામ હિંદુપુરામાં ગંગાનો જન્મ થયો હતો. કોમર્સ ગ્રેજ્યુએટ ગંગાએ શિક્ષિકા તરીકે સ્કૂલના તમામ ઉંમરના વિદ્યાર્થીઓને 7 વર્ષ સુધી અંગ્રેજી અને કમ્પ્યુટરનું શિક્ષણ પણ આપ્યું હતું. લગ્ન પછી ગંગા બેંગલુરુ સ્થાયી થઈ. જીવનમાં કશુંક કરવા આગળ વધવાની ધગશને કારણે તેણે બુક ગમ બનાવતી કંપનીમાં નોકરી શરૂ કરી. તેનો પતિ રેલવે કર્મચારી હતો અને રેલવેની શાળામાં ગંગાને નોકરી મળે તે માટે તેણે પૂરતા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ગંગા અને પરિવાર માટે આ તેની છેલ્લી મદદ હતી.

હિંદી અને અંગ્રેજી શીખવા માટે ગંગા રોજ અખબાર વાંચતી હતી. 14 જાન્યુઆરી, 2015એ તેણે એક અખબારમાં ઓલા કંપનીની જાહેરાત વાંચી. આ કંપની મહિલા ડ્રાઇવરની શોધમાં હતી.

“મને ડ્રાઇવિંગ નહોતું આવડતું, છતાં આ ઓફરે મને ઉત્તેજિત કરી. મેં ત્યાં ડ્રાઇવિંગની તાલિમ લીધી. કંપનીએ નિઃશૂલ્ક તાલિમ આપી અને હું શીખી ગઈ. મેં પ્રમાણપત્ર પણ મેળવી લીધું. હું તૈયાર હતી, પરંતુ મારી પાસે વાહન હોય તો જ હું તેમના માટે કામ કરી શકું, તેવો નિયમ હતો. આથી, ટેક્સીના માલિકો પાસે હું ગઈ, પરંતુ મહિલાને ડ્રાઇવર તરીકે રાખવા કોઈ તૈયાર નહોતું. મેં પતિને કાર ખરીદવાનું કહ્યું, પરંતુ તેમણે પ્રસ્તાવ ફગાવી દીધો. હું ડ્રાઇવર બનું તે તેમને પસંદ નહોતું. શિક્ષકની નોકરીમાં વધુ માન-સન્માન હોવાનું તેમનું કહેવું હતું, પરંતુ મારી પાસે કોઈ જ વિકલ્પ નહોતો અને આ વિશે વધુ કશું જ ન કહેવાનો નિર્ણય તેમણે જાહેર કરી દીધો હતો.”

તેનો પતિ ઘરખર્ચમાં કોઈ જ મદદ કરતો નહોતો.

“તે સતત દારૂ પીતા હતા અને આખો પગાર દારૂ ખરીદવામાં વેડફી નાખતા હતા. અમારે બે બાળક હતાં, બંને સ્કૂલમાં જતાં હતા અને મારે તેમનું ભરણપોષણ કરવાનું હતું. મારા એકલીના પગારમાંથી વર્ષો સુધી ઘર ચલાવવાનું હતું અને શિક્ષકની નોકરીનો રૂ. 20000નો પગાર પૂરો પડતો નહોતો.”

આખરે તેણે માતા-પિતાને મદદ કરવા કહ્યું અને હ્યુંડાઈ એસેન્ટ કાર ખરીદી. ગંગા કહે છે,

“શરૂઆતમાં ડ્રાઇવિંગ અને ટ્યૂશન વચ્ચે સંતુલન રાખવામાં મને મુશ્કેલી પડતી હતી, પરંતુ હું શીખી ગઈ. હવે, મેં ડ્રાઇવિંગ અને ટ્યૂશનમાં મારો દિવસ વહેંચી દીધો છે. કેટલાક દિવસો હું બપોરે 1 વાગ્યા સુધી ડ્રાઇવ કરું છું. મારાં બાળકો અને સંબંધીઓ પણ ઘણાં ખુશ છે. હું તેમને કોઈ વસ્તુની ક્યારેય ના પાડતી નથી, હું તેમની તમામ જરૂરિયાત પૂરી કરું છું.”

ગંગા કારમાં રૂ. 500નું ઇંધણ પુરાવે છે અને સારો દિવસ હોય તો રૂ. 2500 સુધી કમાય છે, પરંતુ સારા દિવસો ધીરેધીરે આવતા હોય છે. તે કહે છે,

“શરૂઆતમાં ઘણા મુસાફરો કેબ મગાવે છે, પરંતુ ડ્રાઇવર તરીકે મહિલાને જુએ ત્યારે અમે કાર ઝડપથી નહીં ચલાવી શકીએ કે ટ્રાફિકમાં ફસાઈ જઈશું તેવું માનીને ના પાડી દે છે. પરંતુ હવે, એવું નથી. હવે લોકો ખાસ મહિલા ડ્રાઇવર મોકલવા કહે છે. ખાસ કરીને રાતના સમયે કે વહેલી સવારે મુસાફરી કરતી મહિલાઓ મહિલા ડ્રાઇવર વધુ પસંદ કરે છે. સંતોષકારક કામ કરવા માટે હું ગર્વ અને આનંદ અનુભવું છે.”

લેખક- બીંજલ શાહ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અને જાણવા અમારું Facebook Page લાઈક કરો

હવે આ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

જ્યારે પણ બેંગ્લોર જાઓ ત્યારે આ મહિલા ડ્રાઈવરને ચોક્કસ મળજો!

પતિના મૃત્યુ બાદ આવી પડી ઓચિંતી જવાબદારી, પતિના સપનાને પૂરા કરવા અથાગ પરિશ્રમ કરતી ઉજ્જવલાના જીવનની સફર

નાના પરિવારની મહિલાઓની મોટી સફળતા


Related Stories