માસૂમ મિનાવાલાઃ ટોમબોયથી ફેશન ક્વીન સુધીની સફર

ફૂટબોલના મેદાનમાં દોડતી એક યુવતી અત્યારે ફેશન એક્સેસરીઝનું વેચાણ કરતી વેબસાઇટની સીઇઓ છે!

માસૂમ મિનાવાલાઃ ટોમબોયથી ફેશન ક્વીન સુધીની સફર

Thursday April 07, 2016,

5 min Read

તેણે શરૂઆત એક ફેશન બ્લોગર તરીકે કરી અને અત્યારે ફેશન પોર્ટલના સીઇઓ છે. તેણે ફેશનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો તે અગાઉ ફૂટબોલના મેદાનમાં એક છેડેથી બીજા છેડે દોટ મૂકતી હતી અને ઘરે મેલાં મોજાઓ સાથે પરત ફરતી હતી. પણ અત્યારે તેની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તે અત્યારે ફેશન ક્વિન તરીકે ઓળખાય છે. તે જે એક્સેસરીઝ ધારણ કરે છે એ જ તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. વાત છે 21 વર્ષીય યુવાન મહિલા ઉદ્યોગસાહસિક માસૂમ મિનાવાલાની. 

image


માસૂમ સ્ટાઇલ ફિએસ્ટા નામની એક વેબસાઇટની સીઇઓ છે, જેના પર તે મહિલાઓની એરિંગ્સ, નેકલેસ, બ્રેસલેટ, સનગ્લાસ વગેરે એક્સેસરીઝનું ધૂમ વેચાણ કરે છે. આ કંપની શરૂ થયાના પ્રથમ જ વર્ષમાં નફો કરતી થઈ ગઈ છે.

સ્ટાઇલ ફિએસ્ટા ચમકદાર, ટ્રેન્ડી, વિશિષ્ટ અને સરળ પોર્ટલ છે. માસૂમ ચીજવસ્તુઓમાં અંગત રસ લે છે એટલે એ તેમની વ્યક્તિગત સ્ટાઇલનું પણ પ્રતિબિંબ છે.

ઓનલાઇન ફેશન વર્લ્ડની દુનિયા બહુ મોટી છે. જબોંગ, કૂવ્સ અને ફ્લિપકાર્ટ જેવા ફેશન પોર્ટલ્સ પર આ પ્રકારના ઘણા ડિઝાઇન હાઉસ છે, જેના પર માસૂમ તેમની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. યોરસ્ટોરીએ માસૂમ સાથે સ્ટાઇલ ફિએસ્ટાની શરૂઆત અને આ ગળાકાપ સ્પર્ધામાં સફળતા મેળવવા તેમની યોજના પર વિસ્તૃત વાતચીત કરી.

ટોમબોયથી ફેશનિસ્ટાઃ

માસૂમ સ્કૂલમાં ટોમબોય હતી. તે ફૂટબોલની કેપ્ટન હતી અને ઘરે મેલા મોજાંમાં આવતી હતી. 12મા ધોરણથી બધું બદલાઈ ગયું અને માસૂમ એકાએક ફેશન પ્રત્યે સભાન બની. તેને ફેશનમાં રસ જાગ્યો. એટલે તેણે તેની ફેશન ડિઝાઇનર પિતરાઈ બહેન પાસે ફેશનના ફંડા શીખવા તાલીમ લીધી. પણ આ અનુભવ તેને બહુ ઉપયોગી પુરવાર ન થયો.

પછી માસૂમે બ્રાન્ડ માર્કેટિંગ ઇન્ડિયામાં માર્કેટિંગ ઇન્ટર્નશિપ કરી, જ્યાં તેમના રિસર્ચનો એક પ્રોજેક્ટ ફેશન બ્લોગર્સ પર હતો. તેમાંથી તેમની ફેશન વેબસાઇટના બીજા રોપાયા હતા. માસૂમ કહે છે, 

"મેં પહેલી વખત ફેશન બ્લોગિંગનો પરિચય કેળવ્યો હતો અને મને તે અનુભવમાં ખરેખર મજા પડી હતી. તેમાંથી મને મારો પોતાનો બ્લોગ શરૂ કરવાની પ્રેરણા મળી હતી. તેમાં મેં મારા પોતાના વોર્ડરોબના પિક્ચર ઓનલાઇન મૂકવાનું શરૂ કર્યું. મેં મારો શોખ સંતોષવા બ્લોગ શરૂ કર્યો હતો, જેને હજારો હિટ, પુષ્કળ કમેન્ટ અને અજાણ્યા લોકો તથા વાચકો તરફથી પ્રોત્સાહનજનક પ્રતિસાદ મળ્યો હતો. વાચકોએ મારી પોસ્ટ લખવાની સ્ટાઇલ અને ફેશન એક્સસરીઝ પરના વિચારોને આવકાર્યા હતાં. તેનાથી મને પ્રોત્સાહન મળ્યું અને દર મહિને મેં મારા વાચકો સાથે સંબંધોને ગાઢ કરવા વધુને વધુ પોસ્ટ મૂકી. તેમાં મને સંતોષ મળતો હતો."

મહિલા દ્વારા, મહિલાઓ માટે ટ્રેન્ડી ફેશનનો ખજાનો

દોઢ વર્ષ ફેશન પર બ્લોગ લખ્યા પછી માસૂમને અહેસાસ થયો હતો કે તેને તેઓ કારકિર્દી બનાવી શકે છે. તે સમયે તેમના પિતાએ માસૂમને ફેશન ક્ષેત્રમાં ઔપચારિક શિક્ષણ મેળવવાની સલાહ આપી હતી અને તેણે લંડનમાં છ ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યા. પછી તેઓ મુંબઈ પરત ફર્યા અને ઇ-કોમર્સ વેબસાઇટ પર કામગીરી શરૂ કરી. ડિસેમ્બર, 2012માં સ્ટાઇલ ફિએસ્ટા શરૂ થઈ ગઈ. માસૂમ કહે છે, 

"હું મારા બ્લોગમાંથી વેબસાઇટ પર ટ્રાફિક ડાઇવર્ટ કરતી હતી અને મારા વાચકોને ગ્રાહકો બનાવતી હતી.”

પડકારો

સામાન્ય રીતે ઉદ્યોગસાહસિક માટે ટેકનોલોજી અત્યારે ઉપયોગી પુરવાર થાય છે ત્યારે આશ્ચર્યજનક રીતે ટેકનોલોજી જ માસૂમ માટે સૌથી મોટો પડકાર કે અવરોધ બની હતી. માસૂમ કહે છે કે તેમને ઇ-કોમર્સ વેબસાઇટ શરૂ કરતા અગાઉ ચાર વખત ડેવલપર્સ બદલવાની ફરજ પડી હતી. આ પ્રક્રિયામાં તેમની કસોટી થઈ હતી. સૌથી મોટી સમસ્યા એ છે કે ભારતમાં ઇ-કોમર્સ માટે ટેકનોલોજીકલ દ્રષ્ટિએ કુશળ લોકો પૂરતી સંખ્યામાં નથી. "હું આજે પણ મજેન્ટોમાં સાઇટ આપે તેવો ડેવલપર શોધું છું. અત્યારે સ્ટાઇલ ફિએસ્ટા શોપિફાઇ પર હોસ્ટેડ છે અને હું બેઝિક કોડિંગ શીખી છું, જેથી મારે અન્ય કોઈ વ્યક્તિ પર નિર્ભર ન રહેવું પડે.”

જ્યારે માસૂમ તેમનો બિઝનેસ શરૂ કરતા હતા ત્યારે આ તમામ અવરોધો વચ્ચે તેમણે મનોબળ ટકાવી રાખ્યું હતું. તે આત્મવિશ્વાસ સાથે કહે છે, 

“મને યાદ નથી કે મેં ક્યારેય કોઈ કામ નિષ્ફળતા મળશે તેવા ડર સાથે કર્યું હોય. મારી પાસે સારો આઇડિયા ન હોય તો પણ મને કોઈ ડર લાગતો નથી. જીવનમાં દરેક બાબત કશું શીખવે છે અને હું શીખવા તૈયાર છું.”

ઓનલાઇન ફેશનની દુનિયામાં સ્પર્ધા આકરી છે. વિવિધ ફેશન પોર્ટલ પર એક જ ચીજવસ્તુઓ ઉપલબ્ધ હોય છે. આ સમયે સ્ટાઇલ ફિએસ્ટામાં નવું શું હતું એ વિશે માસૂમ જણાવે છે કે, “સ્ટાઇલ ફિએસ્ટા પર ઉત્પાદનો જ ઉપલબ્ધ નથી, પણ તમને તેની ફિલીંગ મળે છે. મારી વેબસાઇટમાં સુંદર છે, સ્ટાઇલ-કેન્દ્રિત વેબસાઇટ છે. તેના પર તમે સરળતાપૂર્વક તમારી પસંદગીના ઉત્પાદનો મળે છે, પરફેક્ટ પ્રોડક્ટ તમને માર્ગદર્શન મળે છે. એટલું જ નહીં અમે ઇન્ટરનેશનલ ટ્રેન્ડ ડિલિવર કરીએ છીએ. આ બધી સ્ટાઇલ ફિએસ્ટાની વિશેષતા છે, જે બીજી સાઇટ ધરાવતી નથી. અમે સૌથી ફેશનેબલ પ્રોડક્ટની ગેરેન્ટી આપીએ છીએ. અમે કોઈ પણ પ્રોડક્ટ વેબસાઇટ પર મૂકતા અગાઉ ગ્રાહકની દ્રષ્ટિએ અમે વિચાર કરીએ છીએ અને ગણતરીપૂર્વકનું જોખમ લેતા અગાઉ અમારી પસંદગીઓનું મૂલ્યાંકન કરીએ છીએ.”

ટર્નઓવર

તેને શરૂઆતમાં તેમના પિતા પાસેથી રોકાણ મળ્યું હતું. માસૂમ કહે છે, 

“પ્રથમ વર્ષના શરૂઆતના છ મહિનામાં જ અમે અમારું રોકાણ પરત મેળવ્યું હતું અને ત્યારબાદ અમે બિઝનેસમાં અમારા નફાનું જ રોકાણ કરતાં હતાં.”

માસૂમ કહે છે કે તેમણે પ્રથમ ક્વાર્ટરમાં અંદાજે રૂ. 22,00,000નું વેચાણ કર્યું છે અને વર્ષ 2014માં રૂ. 1.5 કરોડથી વધુ વેચાણ કરવા દર મહિને વેચાણમાં નોંધપાત્ર વધારાનો અંદાજ ધરાવે છે.

હજુ હમણા સુધી તેમનું 90 ટકા વેચાણ સંપૂર્ણપણે તેમના સંપર્કોના આધારે થતું હતું. તેમણે આ માટે જાહેરાત પર કોઈ ખર્ચ કર્યો નહોતો. છેલ્લાં ત્રણ મહિનાથી તેમણે માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ અને પીઆર માટે ભંડોળ ફાળવવાની શરૂઆત કરી છે. માસૂમ કહે છે, 

“અમે જુલાઈમાં ઓનલાઇન એડ અભિયાન શરૂ કર્યા પછી વેચાણમાં સારો વધારો થયો છે અને આગામી મહિનામાં મોટા પાયે વધારો થવાની અપેક્ષા છે.”

તેમની ટીમમાં સાત સભ્યો છે અને તેઓ લોઅર પરેલમાં વેરહાઉસમાં કામ કરે છે. ભારતમાં કોઈ પણ જગ્યાએ ફ્રીમાં કેશ-ઓન-ડિલિવરી સેવા ઓફર કરવા ઉપરાંત માસૂમ ફ્રી રિટર્ન અને શોપિંગનો અનુભવ વધારવા લાઇવ સ્ટાઇલિસ્ટ ઓફર કરે છે. તાજેતરમાં તેમણે થર્ડ પાર્ટી વેબસાઇટ પર પણ વેચાણ શરૂ કર્યું છે.

તેમની ભવિષ્યની યોજના પ્રોડક્ટ કેટેગરીઓ વધારવાની અને લોકોને સંપૂર્ણપણે નવો ફેશન અનુભવ આપવાની છે.

વાંચકો માટે સંદેશ:

આપણી સ્ટાઇલ આપણી પર્સનાલિટીનું પ્રતિબિંબ છે. જેમ એક કલાકાર પોતાની કળા મારફતે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે, તેમ હું મારા ડ્રેસિંગ દ્વારા મારા વિચારો, મારા અભિપ્રાયો અને મારું વ્યક્તિત્વ વ્યક્ત કરું છું. સ્ટાઇલિશ હોવાનો નિયમ પહેલો છે – તમારી પોતાની સ્ટાઇલ વિકસાવો. આ દુનિયામાં કોઈ ફેશન ગુરુ છે, જે મને કે તમને અટકાવી શકે છે. તો તમે જ તમારા સ્ટાઇલ ગુરુ બનો!

લેખિકા- તન્વી દુબે

અનુવાદક- કેયૂર કોટક

વધુ પ્રેરણાદાયી અને સકારત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સ્ટોરીઝ વાંચો:

એક સમયે કોલ સેન્ટરમાં નોકરી કરતી સૌમ્યા આજે ઓનલાઈન ફેશન પોર્ટલની માલિક, દર વર્ષે કરે છે કરોડોનું ટર્નઓવર!

3 મહિલાઓ, 1 જ લક્ષ્ય- ઓછી કિંમતમાં ફેશનેબલ કપડાંનું વેચાણ!

મહિલા ઉદ્યોગસાહસિકો માટે સફળતા મેળવવાના 10 રહસ્યો