અનુરાધા ભોંસલે- બાળમજૂરી અને ઘરેલું હિંસા સામે ક્રાંતિ લાવનાર સામાજિક નાયિકા

અનુરાધા ભોંસલે- બાળમજૂરી અને ઘરેલું હિંસા સામે ક્રાંતિ લાવનાર સામાજિક નાયિકા

Thursday December 10, 2015,

6 min Read

અનુરાધા ભોંસલે એ મહિલાનું નામ છે જેણે માત્ર પોતાના જ નહીં, સમાજની અન્ય મહિલાઓ માટે પણ સંઘર્ષ કર્યો. 6 વર્ષની ઉંમરે જ મજૂરી કરવા માટે મજબૂર બનેલી આ મહિલાએ આગળ વધીને બાળમજૂરી દૂર કરવાની લડાઈ શરૂ કરી. બાળકો અને મહિલાઓના અધિકારોના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. શોષણનો શિકાર બનેલા નિઃસહાય બાળકો અને મહિલાઓની મુક્તિ અને પ્રગતિ માટે જે કાર્ય કર્યા અને કાર્યક્રમ બનાવ્યા તે આદર્શ હતા. જીવનમાં આવેલા દરેક પડકારને સ્વીકારનારા અનુરાધા ભોંસલેએ ક્યારેય વિપરિત સ્થિતિમાં પોતાની જાતને નિરાશ નથી થવા દીધી. તેઓ મુશ્કેલ સ્થિતિમાં તેનો ઉકેલ શોધવા દરમિયાન વધારે શક્તિશાળી થતા હતા. નારીશક્તિનું ઉદાહરણ બની ગયેલા અનુરાધા અનેક માટે માર્ગદર્શક, આદર્શ અને પ્રેરણાસ્ત્રોત છે.

image


અનુરાધાનો જન્મ કેથલિક પરિવારમાં થયો હતો. પરિવાર પહેલા હિન્દુ હતો પણ તેમના દાદાએ ખ્રિસ્તિ ધર્મ અપનાવ્યો હતો. તેઓ પછાત જાતિના હતા અને તેમના દાદાના સમયમાં પછાત જાતિ સાથે ઓરમાયું વર્તન કરાતું હતું. અનુરાધાના દાદા પણ છૂત અછૂતનો શિકાર બનેલા હતા. તે સમયે પછાત જાતિના લોકોને મંદિર, સ્કૂલ વગેરેમાં પ્રવેશવા દેતા નહોતા. એટલું જ નહીં, પછાત જાતિના લોકોને ગામની બહારના વિસ્તારમાં રહેવા માટે કહેવામાં આવતું હતું. પછાત જાતિના લોકોને અછૂત માનવામાં આવતા અને તેમની સાથે મોટાભાગે દુર્વ્યવ્હાર જ કરાતો. આ બધાથી કંટાળીને અનુરાધાના દાદાએ ખ્રિસ્તિ ધર્મ અપનાવી લીધો હતો. તે સમયે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખ્રિસ્તિ મિશનરીઓ ઘણી સક્રિય હતી અને તેમાંથી એક મિશનરીના પ્રભાવમાં આવીને અનુરાધાના દાદાએ ખ્રિસ્તિ ધર્મ અપનાવી લીધો. મિશનરી દ્વારા મદદ કરાતા જ અનુરાધાના પિતા ભણી શક્યા હતા અને આગળ જતાં તેમને શિક્ષકની નોકરી પણ મળી હતી.

અનુરાધાના પિતાના અનેક સંતાનો હોવાથી તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ હતું. અનુરાધા લગભગ 6 વર્ષના હતા ત્યારે જ તેમને કામ કરવા મોકલવામાં આવ્યા. તે 4 લોકોના ઘરે જતાં અને ખૂબ જ કામ કરવું પડતું. અનુરાધા કપડાં ધોવા, વાસણ ઘસવા, સાફસફાઈ કરવી જેવા કામ કરતા હતા. નાનકડી ઉંમરમાં જ અનુરાધા મજૂર બની ગયા હતા.

અભ્યાસમાં રસ હોવાના કારણે તે કામ કરવા છતાં સ્કૂલ જતાં હતાં. સવારે 6 થી 11 વાગ્યા સુધી તે લોકોના ઘરે કામ કરતા અને પછી સ્કૂલ જતા.

સારી વાત એ હતી કે મકાનમાલિકો અનુરાધા સાથે દુર્વ્યવહાર નહોતા કરતા. તે તેની પાસે ઘરનું બધું કામ કરાવતા અને તેને પગાર આપતા. તેમણે ક્યારેય અનુરાધાને સ્કૂલ જવા માટે ના નહોતી પાડી. તેમ છતાં અનુરાધાને ઘણી મહેનત કરવી પડતી. સ્કૂલ જવામાં મોડું ન થાય તે માટે ઘણી વખત અનુરાધા ભૂખ્યા પેટે જ સ્કૂલ જતા રહેતા. અભ્યાસમાં રસ હોવાના પરિણામે જ અનુરાધા મજૂરી કરવા છતાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવામાં સફળ રહ્યા હતા.

11 વર્ષની ઉંમરે અનુરાધા એટલું કમાવા લાગ્યા હતા કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માતા-પિતા પર નિર્ભર રહેતા નહોતા. શિક્ષણ અને બાકીના તમામ કામકાજ માટે જરૂરી રૂપિયા અનુરાધા જાતે જ કમાઈ લેતા. કિશોરાવસ્થામાં પહોંચતા પહેલાં ગરીબ પરિવારની છોકરી આત્મનિર્ભર થઈ ગઈ હતી. ચર્ચની મદદથી અનુરાધાએ ઉચ્ચ શિક્ષણ મેળવી લીધું.

અનુરાધાએ બાળપણમાં જ ઘણુંબધું શીખી લીધું હતું. ગરીબીને તેમણે ખૂબ જ નજીકથી જોઈ હતી. તેઓ એ પણ જાણી ગયા હતા કે ગરીબ પરિવારોમાં બાળકો અને મહિલાઓ કઈ સ્થિતિમાંથી પસાર થાય છે. અનુરાધા ખૂબ જ નાની ઉંમરે જાણી ગયા હતા કે કઈ સ્થિતિમાં બાળકો મજૂર બને છે અને મજૂર બન્યા પછી કેવી રીતે તેમનું બાળપણ છીનવાઈ જાય છે.

અનુરાધાએ બાળપણમાં ઘણી મુશ્કેલીઓ સહન કરી હતી, પણ તેમને આશા હતી કે લગ્ન બાદ જીવન બદલાઈ જશે. તેમણે લગ્ન માટે પણ અનેક સ્વપ્નો જોયા હતા. અનુરાધા જ્યારે મોટા થયા ત્યારે તેના મિત્રો અને સાથીઓની સલાહ માનીને એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા. લગ્ન માટે બંને પરિવાર માની ગયા. અનુરાધાનો પતિ અન્ય જાતિનો હોવા છતાં બંને પરિવારે લગ્ન માટે પરવાનગી આપી.

લગ્ન પછી થોડા સમય સુધી તો બધું બરાબર હતું પણ પછી તેમના સાસરીયાંએ અનુરાધાને હેરાન કરવાનું શરૂ કર્યું. સાસુ અને નણંદે ઝઘડવાનું અને માર-પીટ કરવાનું શરૂ કરી દીધું. સાસરીયા ઘરનું બધું જ કામ અનુરાધા પાસે જ કરાવતા હતા. અનુરાધાને સવારે 4 વાગ્યે ઉઠવું પડતું અને ઘરનું બધું જ કામ કરવું પડતું. સાસરીયા કોઈપણ કામમાં કોઈપણ જાતની મદદ કરતા નહીં. તેના બદલે તેઓ અનુરાધાને ટોણા મારતા અને જાણી જોઈને પરેશાન કરતા. પતિ તરફથી પણ અનુરાધાને કોઈ મદદ મળતી નહીં. તેમ છતાં તેમણે બધું સહન કર્યું. અનુરાધા માટે તે દિવસ અસહ્ય બની ગયો જ્યારે તેમને જાણ થઈ કે તેમના પતિને અન્ય મહિલા સાથે સંબંધો છે. જ્યારે અનુરાધાએ તેના પતિને આ સંબંધ વિશે સવાલ કર્યા તો તેમને તેમના સાસરીયાએ બંને બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂક્યા.

ત્રણ અઠવાડિયા સુધી અનુરાધાને પોતાના બે નાના બાળકો સાથે એકલી અને નિઃસહાય બની ઝૂંપડીમાં રહેવું પડ્યું.

જીવનની સૌથી મોટી મુશ્કેલીમાં પણ અનુરાધાએ હાર ન માની અને તેઓ નિરાશ પણ ન થયા. આ ઘટનાઓએ તેમને વધારે મજબૂત કરી નાખ્યા. ઘરેથી કાઢી મૂકાયા બાદ તેમને ખ્યાલ આવ્યો કે સુશિક્ષિત અને નોકરી કરતી મહિલા સાથે પણ આવું વર્તન કરવામાં આવે છે, તો નિરક્ષર ગૃહિણીઓ સાથે તો કેવા અત્યાચાર થતા હશે.

આ વિચારે અનુરાધાનું જીવન બદલી નાખ્યું. તેમણે નક્કી કર્યું કે હવે તે મહિલાઓના અધિકારો માટે લડશે. તે હવે એવી મહિલાઓની મદદ કરશે જે શોષણ અને અન્યાયનો શિકાર બની હોય. અનુરાધા પોતે બાળમજૂર હતા અને જાણતા હતા કે કેવી રીતે અને કેવી સ્થિતિમાં બાળપણ કચડાય છે તેથી તેમણે બાળમજૂરી સામે પણ જંગ છેડ્યો.

અનુરાધા સારી રીતે જાણતા હતા કે ગરીબી અને બાળમજૂરીની સમસ્યા એકબીજા સાથે જોડાયેલી છે. વિષમ સ્થિતિમાં માતા-પિતા પોતાના નાના બાળકોને સ્કૂલના બદલે મજૂરી કરવા મોકલે છે. અનુરાધાએ બાળકો અને મહિલાઓના અધિકારોના રક્ષણ માટે 'વિમેન એન્ડ ચાઈલ્ડ રાઈટ્સ કેમ્પેઈન' નામની સંસ્થા શરૂ કરી. આ સંસ્થા દ્વારા અનુરાધાએ ગરીબ, વિધવા, ત્યક્તા અને જરૂરિયાતવાળી મહિલાઓને શિક્ષિત બનાવવાનું કામ શરૂ કર્યું. અનુરાધાએ એવી મહિલાઓને પ્રાથમિકતા આપી જે પોતાના બાળકોને સ્કૂલ મોકલવાના બદલે કામ પર મોકલવાનું વિચારતી હતી.

અનુરાધાએ મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગરૂક કરવાનું શરૂ કર્યું. તેમને શોષણ અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપી. મહિલાઓને એવું પ્રશિક્ષણ આપ્યું જેથી તે નોકરી કરીને સ્વમાન સાથે જીવી શકે. તેમણે ઘણી મહિલાઓને રોજગારી માટેના રસ્તા પણ બતાવ્યા. ઘણી મહિલાઓને સરકારી યોજનાના લાભ પણ અપાવ્યા.

કેટલાક જ મહિનાઓમાં કોલ્હાપુર અને આસપાસના વિસ્તારોમાં અનુરાધા જાણીતા મહિલા કાર્યકર્તા બની ગયા. દૂરદૂરથી મહિલાઓ તેમની સલાહ અને મદદ લેવા આવવા લાગી.

ભારતના અન્ય સામાજિક કાર્યકર્તાઓ સાથે જોડાઈને અનુરાધાએ ‘શિક્ષણનો અધિકાર’ કાયદાની રૂપરેખા નક્કી કરી. આ કાયદાને સંસદમાં પસાર કરાવવા માટે પણ ખૂબ જ સંઘર્ષ કર્યો.

અનુરાધાએ ગરીબ, એકલી અને જરૂરિયાતમંદ મહિલાઓ ભોજન, કપડાં, મકાન, શિક્ષણ અને રોજગાર જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વધુ એક સંસ્થાની શરૂઆત કરી અને તેનું નામ રાખ્યું 'અવની'. અવની દ્વારા અનુરાધાએ કોલ્હાપુર અને આસપાસના વિસ્તારોની મહિલાઓના ઉત્થાન અને વિકાસ માટે સખત મહેનત કરી. એટલું જ નહીં અનુરાધાએ પોતાની સંસ્થાઓ દ્વારા અનેક બાળમજૂરોને તેમના માલિકોની ચુંગલમાંથી મુક્ત કરાવ્યા. કોલ્હાપુરમાં ઈંટોની અનેક ભઠ્ઠીઓ છે. આ ભઠ્ઠીઓમાં લોકો બાળકો પાસે જ કામ કરાવે છે. અનુરાધાએ આ ભઠ્ઠીઓમાંથી ઘણા બાળમજૂરોને મુક્ત કરાવ્યા. તેમણે અન્ય જોખમી કામ કરતા બાળમજૂરોને પણ મુક્ત કરાવ્યા. બાળમજૂરીમાંથી મુક્ત કરાવીને આ બાળકોને અનુરાધાએ પોતાની સંસ્થાઓ દ્વારા શિક્ષણ, સારું સ્વાસ્થ્ય અને ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. આવા બાળકો માટે રાહત શિબિરો ઉપરાંત સ્કૂલ પણ ખોલવામાં આવી.

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ‘અવની’ના કાર્યોથી એટલા પ્રભાવિત થયા કે તેમણે એક વિશાળ જગ્યાએ તમામ સુવિધાઓવાળી સ્કૂલ ખોલવામાં અનુરાધાની મદદ કરી. સ્કૂલનો શિલાન્યાસ તુષાર ગાંધી અને અરુણ ગાંધીના બાળકોએ સાથે મળીને કર્યો.

સ્વાભાવિક હતું કે જે રીતે અનુરાધાએ કામ કર્યા તેમની પ્રશંસા ભારત જ નહીં, વિદેશમાં પણ થઈ. મહિલાઓ અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવામાં જોડાયેલા અનેક કાર્યકર્તાઓએ અનુરાધાના મોડલનું અનુસરણ કર્યું. અનુરાધા ભોંસલેએ છેલ્લાં કેટલાક વર્ષોમાં ભ્રુણ હત્યા અને ટ્રાફિકિંગ સામે પણ જંગ છેડ્યો છે. આજે અનુરાધા ભોંસલેની ગણતરી દેશ-દુનિયાના બાળ અધિકારો અને મહિલા અધિકારો માટે કામ કરતા ટોચના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોમાં થાય છે. અનુરાધાએ ઘણાં બાળકોને મજૂરીથી મુક્ત કરાવ્યા અને તેમને તેમનું બાળપણ જીવવાનો અવસર આપ્યો. અનેક મહિલાઓને તેમના અધિકારોના રક્ષણ કરતા શીખવી અને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું.