એક એવી રેસ્ટોરન્ટ, જ્યાં મૂક-બધિરો જ લે છે ખાવાનો ઓર્ડર! ૬ મહિનામાં જીત્યું લોકોનું દિલ!

એક એવી રેસ્ટોરન્ટ, જ્યાં મૂક-બધિરો જ લે છે ખાવાનો ઓર્ડર! ૬ મહિનામાં જીત્યું લોકોનું દિલ!

Tuesday March 15, 2016,

6 min Read

શું તમે ક્યારે પણ એવી રેસ્ટોરન્ટમાં ગયા છો, જ્યાં તમે તમારા ખાવાનો ઓર્ડર બોલીને નહીં પરંતુ વેઈટરને સાંકેતિક ભાષામાં વાનગીનો ઓર્ડર કરો? અને સામે વેઈટર પણ તરત જ તમારી ભાષા સમજીને ફટાફટ તમારો ઓર્ડર હાજર કરી દે. આવો એક અનોખો પ્રયાસ મુંબઇ ખાતે પ્રશાંત ઇસ્સર અને અનુજ ગોએલે કર્યો છે. 

image


જે ઘણાં વર્ષો સુધી વિદેશમાં રહ્યાં બાદ જ્યારે ભારત પાછા ફર્યા ત્યારે તેઓએ પોતાના બિઝનેસમાં એવા લોકોને પોતાની સાથે જોડ્યા જેઓ બોલી અને સાંભળી નથી શકતા પરંતુ અન્ય લોકો કરતા વધારે સારું સમજી શકે છે.

મુંબઇના પવઇના હીરાનંદાની ગાર્ડનમાં 'મિર્ચ એન્ડ માઇમ' કદાચ દેશની પ્રથમ એવી રેસ્ટોરન્ટ છે જ્યાં કામ કરનાર મહિલા અને પુરુષ મૂક અને બધિર છે.

નિરાધાર લોકોની મદદ કરવાનની ભાવનાથી પાછા ફર્યા વતન!

નિરાધાર લોકોની મદદ કરવાની ઇચ્છાથી પ્રશાંત અને અનુજ મુંબઇ પાછા ફર્યા. જેઓએ અલગ – અલગ વર્ષમાં ઇગ્લેન્ડના હેનરી બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. અનુજે બિઝનેસ ફિલ્ડમાં એમબીએ કર્યું અને જ્યારે પ્રશાંતે 2008માં હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં એમબીએ કર્યું. એમબીએ કર્યા બાદ અનુજ આફ્રિકા જતા રહ્યાં અને પ્રશાંત લંડનમાં જ રહ્યાં. એમબીએનું ભણતર પૂરુ કર્યા બાદ તેઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનુ વિચાર્યુ અને વર્ષ 2011માં તેઓ પાર્ક ગ્રૂપ ઓફ હોટલના એમડી સાથે ભારત પાછા આવી ગયા. ભારત પાછા ફર્યા બાદ તેઓએ અનેક હોટલો માટે કામ કર્યું, પરંતુ થોડા સમય બાદ તેમને લાગ્યું કે તેઓ પોતાના ઉદ્દેશથી ભટકી રહ્યાં છે. પ્રશાંતે યોરસ્ટોરીને જણાવ્યું,

"તે સમયે મેં વિચાર્યું કે હું આ શું કરી રહ્યો છું, મારો ઉદ્દેશ મારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનો હતો અને હું બીજા માટે કામ કરી રહ્યો છું. ત્યાર બાદ મેં કન્સલ્ટન્સી અને હોટલની યોજના બનાવવાની શરૂઆત કરી.”

પ્રશાંત જણાવે છે કે તે સમયે લિંકડ-ઇન દ્વારા તેમની મુલાકાત અનુજ સાથે થઇ જેઓ પણ તેમનો પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતા હતાં. એમબીએના અભ્યાસ દરમિયાન તેઓ નૈતિકતાના પાઠ પણ શીખ્યા હતાં. જ્યાં તેમને શીખવાડવામાં આવ્યું હતું કે બિઝનેસ કરવાથી માત્ર આપણું જ નહીં, પરંતુ સમાજનું પણ ભલું થવું જોઇએ.

image


આ દરમિયાન પ્રશાંત અને અનુજની મુલાકાત શિશિર ગોરલે અને રાજશેખર રેડ્ડી સાથે થઇ. જેઓ મુંબઇમાં 'ઇન્ડિયા બાઇટ' નામની એક સફળ કંપની ચલાવી રહ્યાં હતાં. તેઓએ ફેસબુક પર ટોરન્ટોની એક સાઇન રેસ્ટોરન્ટ જોઇ હતી. આવી જ એક રેસ્ટોરન્ટ મુબંઇમાં ખોલવાની ઇચ્છા શિશિર અને રેડ્ડીએ તેમની સામે રાખી. પ્રશાંત અને અનુજનું કહેવું છે કે તેમને આ આઇડિયા સારો લાગ્યો. કારણ કે પ્રશાંત તેમની 21 વર્ષના કરિયરમાં ભારત અને બ્રિટેનમાં લગભગ 17થી 18 રેસ્ટોરન્ટ ખોલી ચૂક્યા હતા, જે આ પ્રકારની ના હતી પરંતુ ઘણી સફળ હતી. મૂક બધિરો સાથે કામ કરવાનો તેમનો આ પ્રથમ અનુભવ હતો.

પ્રશાંત અને અનુજ આ કાર્ય શરૂ કરતા પહેલા મૂક બધિર લોકો અને તેમના માતા–પિતા સાથે મુલાકાત કરી તેમને સમજાવ્યા કે તેમના બાળકો પણ એક સારું કાર્ય કરી શકે છે.

પ્રશાંત જણાવે છે,

“મને અને અનુજ બંનેને એવું લાગ્યું કે જો આપણે આ બિઝનેસમાં મૂક બધિર લોકોને જોડવા હોય તો તેમની સાંકેતિક ભાષા પણ શીખવી પડશે. ત્યારબાદ અમે બંને મિત્રો સાઇન લેગ્વેજ શીખ્યા. મૂક બધિર સાથે સાઇન લેંગ્વેજમાં વાત કરી ત્યારે અમને ખબર પડી કે તેઓ પણ કંઇક કાર્ય કરવા માંગે છે. સામાન્ય બાળકોની તુલનામાં આ બાળકો ઘણાં હોંશિયાર હોય છે."
image


સ્પેશિયલ ટ્રેઈનિંગ સેશન!

પ્રશાંત અને અનુજે મૂક બધિરને ટ્રેઈનિંગ આપવાની શરૂઆત કરી. તેમના માટે આઠ અઠવાડિયાનો એક ખાસ પ્રકારનો પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો. જેને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યો. પહેલા ભાગમાં તેમને જણાવવામાં આવ્યું કે કામ કેવી રીતે થાય છે. કારણ કે મોટા ભાગના એવા હતા જેઓએ ક્યારે પણ કામ કર્યું જ ના હતું. બીજા ભાગમાં નોકરીની જરૂરિયાત વિશે સમજાવવામાં આવ્યું. ત્રીજા ભાગમાં સામાન્ય અંગ્રેજીનું જ્ઞાન આપવામાં આવ્યું. જેમાં તેમને અંગ્રેજી વાંચતા શીખવાડવામાં આવ્યું. ચોથા અને છેલ્લા ભાગમાં આ લોકોને મોડ્યૂલ્સમાં તેમને હોસ્પિટાલિટીની ટ્રેઈનિંગ આપવામાં આવી. ત્યારબાદ મૂક બધિર મહિલા અને પુરુષને ટ્રેઈનિંગ આપવા માટે 'મિર્ચ એન્ડ માઇમ' માત્ર શરૂઆતમાં પ્રશાંત અને અનુજના મિત્રો અને સગા સંબંધીઓ માટે જ ખોલવામાં આવી. તે સમયે સર્વિસનું તમામ કાર્ય આ લોકો દ્વારા જ કરવામાં આવતું હતું. સગા- સંબંધી અને મિત્રો દ્વારા મળેલા સારા રિસ્પોન્સ બાદ વર્ષ 2015માં આ રેસ્ટોરન્ટ જાહેર જનતા માટે પણ શરૂ કરવામાં આવી.

image


પ્રશાંત જણાવે છે, 

"ભલે તેઓ બોલી કે સાંભળી ન શકતા હોય પરંતુ તેમણે બોલી-સાંભળી શકે તેવા લોકોની તુલનામાં એટલું સરસ કાર્ય કરીને બતાવ્યું કે અમારા રેસ્ટોરન્ટને શરૂઆતના 6 મહિનાની અંદર જ ઝોમેટોના હાઇએસ્ટ રેટેડ રેસ્ટોરન્ટ ઇન મુંબઇનો પુરસ્કાર મળ્યો. જેમાં 800 રીવ્યૂ સાથે અમને 4.9નું રેટિંગ મળ્યું."

હસતાં હસતાં ગ્રાહકને સર્વિસ પ્રદાન કરે છે!

પોતાના ત્યાં કામ કરતા મૂક બધિર સ્ટાફના વખાણ કરતા પ્રશાંત જણાવે છે,

"આ લોકો પોતાના કામ પ્રત્યે ઘણાં સજાગ છે અને હોસ્પિટલિટીના ત્રણેય ગુણ તેમનામાં છે. જેવા કે તેઓ હંમેશા હસતાં જ રહે છે, પોતાના કાર્ય પર પૂરેપૂરું ધ્યાન આપે છે અને તેઓ બીજાની ભાવનાઓને ખૂબ જ જલદી અને સરળતાથી સમજી લે છે. આવા સંજોગોમાં એક ગ્રાહકને આનાથી વધારે સારી સર્વિસ કઇ મળી શકે છે કે વેઈટર હસતાં હસતાં તેને દરેક સર્વિસ આપે છે."

 તેમના ત્યાં કુલ 24 મહિલાઓ અને પુરૂષો વેઈટર કાર્ય કરે છે. જેમની સરેરાશ આયુષ્ય 22થી 35ની વચ્ચે છે. આ રેસ્ટોરન્ટમાં એક સાથે 90 લોકોની બેસવાની વ્યવસ્થા છે.

image


પ્રશાંતનું કહેવું છે કે રેસ્ટોરન્ટના બિઝનેસમાં 60 ટકા લોકો કામ છોડીને ચાલ્યા જતા હોય છે. જ્યાં તેમની સંખ્યા લગભગ 2થી 3 ટકા છે, કારણ કે આ લોકો જલદી કોઇના પર વિશ્વાસ કરતા નથી અને તેમનો વિશ્વાસ આપણે જીતી લઇએ તેઓ જલદી આપણો સાથ પણ છોડતા નથી. આ માટે અમે તેમને અન્ય રેસ્ટોરન્ટના સ્ટાફ કરતા 35 ટકા સેલરી પણ વધારે આપીએ છીએ. તેઓએ તેમના સર્વિસ સ્ટાફની ટી- શર્ટની પાછળ એક સ્લોગન લખાયું છે. – “આઇ નો સાઇન લેંગ્વેજ, વોટ ઇઝ યોર સુપર પાવર.” જેનો મુખ્ય હેતુ એ છે કે કોઇ પણ વ્યક્તિ તેમની તરફ દયાની નજરે ના જોવે કારણ કે તેઓ પણ સામાન્ય વ્યક્તિ જેવા જ છે. પ્રશાંત જણાવે છે,

"હકીકતમાં દિવ્યાંગ તો આપણે છીએ કે જે બોલી અને સાંભળી શકે છે. જો મૂક બધિર ઇચ્છે તો એક સેકન્ડમાં આપણી મજાક ઉડાવી શકે છે અને આપણને ખબર પણ નહીં પડે."

રાત્રે 10 વાગ્યા સુધી કામ કરતી વેઈટર મહિલાને ઘરે મૂકવાની સગવડ પણ આપવામાં આવી છે. જ્યારે પુરુષ વેઈટરને નજીકના બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે.

image


આ ઉપરાંત તેમનું કહેવું છે કે, તેમના ત્યાં કામ કરનાર સ્ટાફને જો એપ્રિલમાં એક વર્ષ પૂર્ણ થઇ જશે તો તેને કંપનીના શેર પણ આપવામાં આવશે. જેને તેઓ ત્રણ વર્ષ બાદ રિડિમ કરાવી શકે છે. કંપનીમાં કુલ 90 ટકા રોકાણ પ્રશાંત, અનુજ, શિશિર અને રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે 10 ટકા રોકાણ તેઓએ મિત્રો પાસેથી લીધું છે. પ્રશાંત અને અનુજ આ કંપનીમાં કો- ફાઉન્ડર્સ જ્યારે રેડ્ડી અને શિશિર તેના એન્જલ રોકાણકાર છે. ભવિષ્યની યોજાનાઓ અંગે પ્રશાંતનું કહેવું છે,

આવતા 3થી 5 વર્ષની અંદર દેશભરમાં 18 તથા દુબઈ, સિંગાપોર અને લંડનમાં એક એક રેસ્ટોરન્ટની શરૂઆત તેઓ કરશે. જેના દ્વારા તેઓ 600 જેટલા મૂક બધિરોને રોજગારી ઉપલબ્ધ કરાવશે. પોતાની યોજનાઓને હકીકતમાં બદલવા માટે રોકાણની જરૂરિયાત રહેશે, જેના માટે તેમની વાતચીત અન્ય કંપનીઓ સાથે થઇ રહી છે.

વેબસાઈટ

લેખક- હરિશ

અનુવાદક- શેફાલી કે. કેલર