આ 'ચુંબક'ની ચમક જ એવી છે કે તમે આકર્ષાયા વગર રહી જ નહીં શકો!

આ 'ચુંબક'ની ચમક જ એવી છે કે તમે આકર્ષાયા વગર રહી જ નહીં શકો!

Monday December 28, 2015,

4 min Read

લાલ ચટક રંગો અને કલા સાથે જોડાયેલી વસ્તુઓના તમે શોખીન હોવ તો બેંગલુરુના ઈન્દિરાનગરના ચુંબક સ્ટોરમાં જઈ આવો. જેની શરૂઆત માર્ચ 2010માં થઈ હતી. વિવેક પ્રભાકર અને શુભ્રા ચઢ્ઢાના ‘ચુંબક’ને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ તરીકે એ હદે પસંદ કરવામાં આવે છે કે આજે બેંગલુરુ સિવાય તેના મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોમાં મોટા સ્ટોર છે જ્યારે નાના શહેરોમાં 35 પોપઅપ સ્ટોર્સ છે. ચુંબકના સહસ્થાપક વિવેક જણાવે છે કે, લોકો તાજમહેલની પ્રતિકૃતિઓ અને હાથબનાવટની વસ્તુઓ જોઈને કંટાળી ગયા હતા. ત્યારે અમે વિચાર્યું કે પ્રવાસીઓ પાસે ઘણા વિકલ્પ હોવા જોઈએ. આ વિચારને વાસ્તવિક બનાવવા માટે ચુંબકની શરૂઆત કરવામાં આવી.

image


ચુંબકની શરૂઆત રૂપિયા 40 લાખના રોકાણથી થઈ. આ પૈસા આ લોકોએ પોતાની બચતમાંથી કાઢીને રોક્યા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં ચુંબક સ્ટેશનરી, બેગ, પર્સ, ઘરેણા, ચાવીના ઝૂડા, કપડાં અને ઘરની કેટલીક વસ્તુઓ વેચે છે. વિવેક જણાવે છે, 

"ચુંબકના સૌથી વધારે ચાહકો ભારતીય યુવાનો છે. બીજી તરફ અમને પણ ખબર છે કે ગ્રાહકો અમારી પાસે વારંવાર નવી નવી વસ્તુઓની માગ કરે છે."

શરૂઆતમાં ચુંબકના ઉત્પાદનોને મોડર્ન બ્રાન્ડના નામે વેચવામાં આવતા હતા પણ ગ્રાહકોની માગ હતી કે તેના તમામ ઉત્પાદનો એક જ છત તળે વેચવામાં આવે અને તેથી તેમણે દેશના મોટા મોટા મૉલ્સમાં પોપઅપ સ્ટોર્સ શરૂ કર્યા. શરૂઆતમાં તેમની ઈચ્છા હતી કે, તેમની ઓળખ બૂટિક બ્રાન્ડ તરીકે થાય પણ ધીમે ધીમે લોકોને તેમની ડિઝાઈન ગમવા લાગી અને તેમણે પણ પોતાની ડિઝાઈનમાં ફેરફાર શરૂ કર્યા જેથી લોકોને કંઈક નવું મળે. આ કારણે જ તેમની ડિઝાઈનમાં પુરાતન ભારતની અને આધુનિક ભારતની ઝાંખી એકસાથે થાય છે.


image


ગત સપ્ટેમ્બરમાં ચુંબકે પોતાનો પહેલો સ્ટોર બેંગલુરુના ઈન્દિરાનગર ખાતે ખોલ્યો. ત્યાં અન્ય પ્રોડક્ટની સાથે ઘરવખરી પણ રાખવામાં આવી. વિવેક આ અંગે જણાવે છે, 

"અમે ચુંબકના રંગો અને ડિઝાઈનની અપીલ જાળવી રાખી અને ગ્રાહકો સમક્ષ સતત નવી નવી પ્રોડકટ્સ લોન્ચ કરી. તેમાં આર્ટ, ક્રોકરી અને અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે."

સફળતાની કોઈ વાત પડકારો વગર અધૂરી છે તેમ આમની સાથે પણ થયું હતું. તેઓ નક્કી નહોતા કરી શકતા કે કયા પોપઅપ સ્ટોરમાં કયો સામાન રાખવો. તમામ સ્ટોરની સાઈઝ અને તે ક્યાં આવેલો છે તેના આધારે બધું નક્કી થતું હતું. કંઈક આવા પડકારો તેમને પોતાના મોટા સ્ટોર્સ શરૂ કરવામાં પણ આવતા હતા. આ લોકોને એ તપાસવાનું હતું કે જ્યાં તેમનો સ્ટોર છે તે સમાજના કયા વર્ગને પોતાની તરફ આકર્ષે છે. તે ઉપરાંત સ્થાનિક માર્કેટિંગની ભાષા સમજવી પણ મોટો પડકાર હતો. વિવેકના જણાવ્યા પ્રમાણે આ સમયે તેઓ સાવ પાગલ જેવા થઈ ગયા હતા છતાં તેઓ વધારે સારી, મજબૂત રીતે અને વધારે ઊર્જા સાથે કામમાં જોડાઈ ગયા.

image


ચુંબક બ્રાન્ડ અત્યારે સતત આગળ વધી રહી છે. એક સમયે આ સ્ટોરનું કામકાજ કરવા માટે 30 કર્મચારીઓ હતા જે આજે વધીને 150 થઈ ગયા છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમણે પોતાની ટેક્નિકલ ટીમ પર વધારે ધ્યાન આપ્યું છે અને તેથી જ છેલ્લાં કેટલાક સમયથી તેમના ઓનલાઈન બિઝનેસમાં પણ વધારો થયો છે. ટીમને વિશ્વાસ છે કે રીટેઈલ સ્ટોરમાં પણ આવી જ તેજી જોવા મળશે. વિવેક માને છે કે, પોતાની એક જ પ્રોડક્ટ માટે ઓનલાઈન અને ઓફલાઈન માર્કેટમાં આવતા પડકારો અલગ છે જેને સમજવા ઘણા જરૂરી છે. શરૂઆતમાં જ્યારે તેમણે આ કામ શરૂ કર્યું ત્યારે ગ્રાહકોને તેમનું શુદ્ધ ભારતીય કામ ખૂબ જ પસંદ પડ્યું પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમણે પોતાની ડિઝાઈન્સમાં પણ ફેરફાર કરવા પડયા.

image


ચુંબકના સહસ્થાપક વિવેક જણાવે છે, 

"ગ્રાહકો હવે તેમની ડિઝાઈન ઓળખવા લાગ્યા છે. સાથે સાથે હવે તેઓ તેમની બ્રાન્ડ સાથે જોડાવા માગે છે. સોશિયલ મીડિયા કોઈપણ બ્રાન્ડને પોતાની સાથે જોડવાનો યોગ્ય માર્ગ છે જ્યાં સમયની સાથે સાથે વાતચીતનું સ્તર પણ વધી જાય છે."

પોતાની ભાવિ યોજનાઓ અંગે તેઓ કહે છે, "આવનારા સમયમાં ઓફલાઈન સ્ટોર્સ પર વધુ ધ્યાન આપીશું. આ માટે દેશભરમાં મોટા સ્ટોર્સ ખોલવામાં આવશે. બીજી તરફ ઓનલાઈન સ્ટોર પર પણ એટલું જ ફોકસ રહેશે કારણ કે લોકોનો મારો તેના પર પણ એટલો જ છે."

આ જ કારણે ચુંબકની પોતાની તો વેબસાઈટ છે પણ તે ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી સાઈટસ પર પણ પોતાની પ્રોડક્ટ વેચે છે.


લેખક – હરિશ બિસ્ત

અનુવાદ – મેઘા નિલય શાહ