‘સત્સંગ’માં શીખીએ સફળતાના સૂત્રો, યશસ્વિની રામાસ્વામીને સંગ

‘સત્સંગ’માં શીખીએ સફળતાના સૂત્રો, યશસ્વિની રામાસ્વામીને સંગ

Wednesday October 21, 2015,

8 min Read

ટોચના 15 પ્રોફેશનલના જૂથ દ્વારા તૈયાર થયેલું સંગઠન ‘સત્સંગ’ યશશ્વિની રામાસ્વામીના મગજની ઉપજ છે. સત્સંગ એક એવું સંગઠન છે જે લાભની ચિંતા કર્યા વગર સંઘર્ષ કરતા ઉદ્યોગસાહસિકોને શોધીને તેમને સંરક્ષણ આપવાનું કામ કરે છે અને જરૂર પડે ત્યારે તેમને સ્વબળે આગળ વધવામાં મદદ કરે છે અને તરત જ નવા ઉદ્યોગસાહસિકને શોધવામાં વ્યસ્ત થઈ જાય છે. કેટલાક તબક્કે તેમના પ્રયાસ નિષ્ફળ જાય તો તેઓ ઉદ્યોગસાહસિકને તે વ્યવસાય છોડીને અન્ય કોઈ વ્યવસાય પસંદ કરવા પ્રેરિત કરે છે. 2012માં ‘ફોર્ચ્યુન/યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ગ્લોબલ વિમેન મેન્ટરિંગ પાર્ટનરશિપે’ યશશ્વિનીને ભારતમાં મહિલાઓમાં નેતૃત્વની ભાવના અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના પોતાના કાર્યક્રમ માટે પસંદ કર્યા હતા.

image


તેમણે ચાર વર્ષ પહેલાં પોતાની એક કંપની ‘ઈ2ઈ પીપલ્સ પ્રેક્ટિસિઝ’ની શરૂઆત કરી હતી અને હવે તે બેંગ્લુરુંમાં તેનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. અગાઉ ઈન્ફોસિસ બીપીઓ સાથે મેનેજમેન્ટ એડવાઈઝર તરીકે કામ કરી ચૂકેલા યશશ્વિનીએ પોલિસી ફોર્મ્યુલેશન, વ્યક્તિગત માળખું અને ઓડિટ, નેતૃત્વ પ્રશિક્ષણ અને હસ્તક્ષેપ તથા ટેલેન્ટ કમ્પાઈલેશન જેવા ક્ષેત્રોમાં વિશેષતા પ્રાપ્ત કરી હતી. પાછલા ઘણા વર્ષોમાં તેઓ આર્થિક, બીપીઓ અને આઈટી ઉદ્યોગના વિવિધ ક્ષેત્રોમાં લોકોને પોતાની સાથે જોડી અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં પ્રચલિત બીપીઓ મોડલનું સફળ માઈગ્રેશન કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ 3 હજારથી વધારે લોકોને નેતૃત્વના સિદ્ધાંતો, સ્વસંચાલન, ગતિશીલ વાતાવરણમાં લોકોને વ્યવસ્થાપન કેવી કરવું, વ્યક્તિત્વ વિકાસ, પ્રામાણિકતા અંગે જાગ્રતી કાર્યક્રમ સહિત અનેક ક્ષેત્રોમાં તાલિમ આપી ચૂક્યા છે.

તે ઉપરાંત તેમને ભારતમાં સમગ્ર આઈઆઈએમના પૂર્વ વિદ્યાર્થીઓ અને સ્નાતકની ડિગ્રીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક એક્સીલરેટર પ્રોગ્રામ તૈયાર કરવાની જવાબદારી આપતા આઈઆઈએમ-બીના પ્રોગ્રામ ડાયરેક્ટરમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે YourStory સાથે પોતાના જીવન અને સફળતા સાથે સંકળાયેલા કેટલાક પ્રસંગોની ચર્ચા કરે છે:

સ્વતંત્ર થવાની સલાહ

“મારો જન્મ કોઈમ્બતુરમાં થયો અને ઉછેર દિલ્હીમાં. મારા પિતા આઈએએસ અધિકારી હતા તેથી મારો ઉછેર ગામડાના પવિત્ર વાતાવરણથી લઈને રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણ સુધી થયો છે. મેં મારા જીવનમાં ગરીબથી ગરીબ અને ધનવાનથી ધનવાન એવી દરેક પ્રકારની વ્યક્તિ અને પરિસ્થિતિને ખૂબ જ નજીકથી જોઈ છે. મારી માતા અર્થશાસ્ત્રમાં ગોલ્ડ મોડાલિસ્ટ હતી અને મારા માતા-પિતાએ મને ખૂબ જ નાની ઉંમરે કમ્પ્યૂટર શીખવવાનું શરૂ કરાવી દીધું હતું. હું નસીબદાર છું કે મને ભવિષ્ય અંગે વિચારનારા માતા-પિતા મળ્યા. મેં મારા માતા-પિતા પાસેથી શીખ્યું છે કે જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ અને પોતાની મૂલ્ય પ્રણાલી પ્રત્યે પ્રમાણિક રહેવું. મેં મારા માતા-પિતા અને દાદા-દાદીના કારણે દેશભક્તિની ભાવના સાથે ઉછરી છું. મેં વિનમ્ર રહેવું, સ્વતંત્રતાપૂર્વક જીવન પસાર કરવું અને પોતાના માટે અડગ રહેવાનું શીખ્યું છે.”

image


વ્યવસાયમાં પ્રવેશ

“હું બાળપણથી જ એમ ઈચ્છતી હતી કે મોટી થઈને હું લશ્કરમાં જોડાઉ અને ઘણાં વર્ષો સુધી હું તે સ્વપ્નને જીવતી આવી હતી. તે ઉપરાંત હું ટેનિસ પ્લેયર બનવા માટે પણ ખૂબ જ ઉત્સુક હતી પણ નસીબજોગે હું એક બિઝનેસવુમન બની ગઈ. હું એક એવા પરિવારમાંથી આવું છું જેમાં બિઝનેસનો કોઈને અનુભવ નથી કે ઈતિહાસ પણ નથી. અમારા ઘરમાં કાયમ લક્ષ્મીની નહીં સરસ્વતીની પૂજા થતી આવી છે. 13 વર્ષ સુધી ઈન્ફોસિસ અને વેલંકણી જૂથ જેવા સંગઠનો સાથે એડવાઈઝર તરીકે કામ કર્યા બાદ મેં આગળ પોતાના જીવનમાં શું કરવું તે અંગે વિચાર્યું. મારા પરિચિતોમાંથી એક વ્યક્તિએ મને ઉદ્યોગસાહસિક બનવાની દિશામાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. માત્ર એડવાઈઝરીના ક્ષેત્રમાં જોડાયેલા રહેવાના ઈરાદા સાથે હું વ્યાપારીક ક્ષેત્રમાં આવી ગઈ. એડવાઈઝની વાત કરીએ તો ભારતમાં તેની કોઈ વેલ્યૂ જ નથી કારણ કે, તે ગમે ત્યાં અને ગમે ત્યારે મફતમાં મળી રહે છે. કંપની શરૂ કર્યાના ચાર વર્ષમાં હું 51 કરતા વધારે ગ્રાહકોને સફળતાપૂર્વક સલાહ આપી ચૂકી છું અને હું મારા ઉદ્દેશમાં સાર્થક રહી છું.”

કામથી અલગ નેટવર્ક તૈયાર કર્યું

image


“મેં CIIE માટે એક મહિલા મંચની સ્થાપના કરી. મેં મહિલાઓ સાથે સંકળાયેલા ક્ષેત્રમાં સારું કામ કરી રહેલી સંસ્થાઓ સાથે જોડાવામાં ક્યારેય પાછી પાની નથી કરી. આપણા દેશની કુલ વસતીમાં અડધી સંખ્યા મહિલાઓની છે પણ તેમને પોતાની વાત પહોંચાડવા માટે યોગ્ય મંચનો અભાવ છે. અમે મહિલાઓ માટે ઘણી કાર્યશાળાની શરૂઆત કરી જે સફળ રહી. ઉદાહરણ તરીકે અમે મહિલાઓ માટે અસંખ્ય આર્થિક કાર્યશાળાનું આયોજન કર્યું છે કારણ કે અમને અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે મહિલાઓ હિસાબના મામલે પાછી પાની કરી લે છે. તે હિસાબો જાતે ન કરતા બીજા પર આધાર રાખવાનું પસંદ કરે છે અને તેને સશક્ત સ્થિતિ ન ગણી શકાય. આ ઉપરાંત અમે વ્યાપક નોકરીના સ્થળોનું સર્જન કરવા માટે કાર્ય સંસ્કૃતિનો પણ અભ્યાસ શરૂ કર્યો. અમે એ પણ જોયું કે મહિલાઓ માટે થતા કાર્યક્રમોમાં માત્ર મહિલાઓને જ આમંત્રણ આપવામાં આવે છે. ખરેખર તો તેમાં પુરુષોને પણ આવકારવા જોઈએ. 2012માં ફોર્ચ્યુન-યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ગ્લોબલ વિમેન મેંટરિંગ પાર્ટનરશિપ માટે અમેરિકામાં યોજાયેલી એક યાત્રા દરમિયાન દુનિયાભરમાંથી પસંદગી પામેલી 25 મહિલાઓમાં મને પણ સ્થાન મળ્યું હતું. આ એવી 25 મહિલાઓ હતી જેમનું તેમના દેશમાં સફળ અને ઉજ્જવળ ભવિષ્ય હતું. અમે વોશિંગ્ટનમાં ઘણો સમય પસાર કર્યો અને ઘણા અમેરિકી સાંસદો સાથે ચર્ચા કરી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે નીતિના સ્તરે શું કરી શકાય અને ત્યારબાદ હિલેરી ક્લિન્ટન સાથે ડિનર પણ લીધું. ત્યાર બાદ અમને સિલિકોન વેલી લઈ જવામાં આવ્યા જ્યાં મારું માર્ગદર્શન ફોર્ચ્યુનની 500 સીઈઓની યાદીમાં સ્થાન પામેલા એક સીઈઓએ કર્યું. યાત્રાના અંતિમ અઠવાડિયે અમે ન્યૂયોર્કમાં હતા જ્યાં અમે ઘણા બેંકર્સ સાથે મુલાકાત કરી અને આર્થિક બજારોમાં કામ કરવાની રીત અને પદ્ધતિ વિશે જાણકારી મેળવી.”

સ્વપ્ન મોટા રાખો અને આગળ વધવાનું લક્ષ્ય રાખો

“તમે જો મહત્વાકાંક્ષી છો તો તમે ભીડમાં પોતાને એકલા જ અનુભવશો અને તમારે આ પડકારનો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર કરવી જ પડશે. તમારે સતત નિરાશા ફેલાવતા લોકોનો સામનો કરવાનો આવશે. મારા માટે તો અમેરિકાની સમગ્ર યાત્રા મારા મનોબળમાં વધારો કરવામાં મદદગાર સાબિત થઈ છે. તેનું કારણ એ છે કે, મેં સમગ્ર દુનિયાની એવી મહિલાઓને જોઈ અને જાણી છે જે એવી વિપરિત પરિસ્થિતિઓમાં રહીને તેનો સામનો કરીને અને હાર ન માનીને આગળ વધી રહી છે. આજે મારી પાસે દુનિયાભરની એવી મહિલાઓનું તંત્ર ઉપલબ્ધ છે જે મોટા સ્વપ્નો જૂએ છે. મેં અફઘાનિસ્તાન અને યૂરોપમાં પોતાનો વ્યવસાય ચલાવતી એવી મહિલાઓ પણ જોઈ છે જે અમારા કરતા વધારે મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરી રહી છે અને છતાં પોતાના રસ્તે મક્કમ છે. આ પ્રવાસ મારા માટે કંઈક નવું શીખવાનો અનુભવ રહ્યો છે.

તે ઉપરાંત મેં વ્યાપારી જગતમાં મુખ્ય કાર્યકારી અધિકારીઓ માટે ‘સીઈઓ સત્સંગ’ની પણ શરૂઆત કરી છે. તેના દ્વારા અમે વિવિધ વર્ગો અને જૂથ ચર્ચાનું આયોજન કરીએ છીએ અને એકબીજાના વ્યાપારમાં આગળ વધવા માટેની યોજનાઓ પર ચર્ચા કરી મદદ કરીએ છીએ. મૂળ રીતે અમે તેમને વિકાસ તરફ અગ્રેસર કરીએ છીએ.

image


મારું સૌથી મોટું લક્ષ્ય છે કે હું ક્યારેય કોઈપણ સ્થિતિ સાથે સમજૂતી નહીં કરું. હું પોતાની કંપનીને વિશાળ અને વ્યવસ્થિત બનાવવાની સાથે તેનો પ્રસાર સમગ્ર વિશ્વમાં કરવા માગું છું. તે ઉપરાંત મેં પોતાના દેશ માટે પણ ઘણું કરવાનું નક્કી કર્યું છે. મારી પાસે દેશની બહાર જઈને કરવા માટેના ઘણા કામ અને અવસરો છે પણ હું અહીંયા રહીને લોકો માટે કંઈક સારું કરવા માગું છું. મારા માટે આ બાબત ઘણી કપરી સાબિત થઈ રહી છે.”

જાડી ચામડીના બની જાઓ

“તમે તમારી વધતી આવક દ્વારા આરામના સાધનો વિકસાવો તેના કરતા પોતાની સંસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવાના સંસાધનોનો વિકાસ કરો તે વધારે જરૂરી છે. આ કામ ખૂબ જ મહત્વનું અને પાયાગત છે. બીજો મહત્ત્વપૂર્ણ બોધપાઠ એ છે કે, પોતાના પર વિશ્વાસ રાખો અને બીજાની સલાહ લેતા રહો. પોતાની સાથે જે લોકો છે તેમના સાથેનો સંપર્ક ક્યારેય છોડશો નહીં. તેના માટે જે કરવું પડે તે કરજો. સફળતાને ક્યારેય માથે ન ચડવા દેશો.

તમે એક મહિલા છો તો મોટાભાગના લોકોની તમારા માટે એ જ ધારણા હશે કે તમે વિકાસ કરવા કે પોતાના બિઝનેસને આગળ વધારવા મહત્વાકાંક્ષી નથી. તેઓ એવું વિચારે છે કે તમે આ બધું માત્ર પોતાના ખર્ચા પૂરા કરવા કરો છો અને તમારા પતિને મદદ કરો છો. મને વિશ્વાસ છે કે કોઈ મને આવા સવાલ કરવાની હિંમત નહીં કરે. સતત પોતાના કામમાં ધ્યાન પરોવો તથા પોતાના ગ્રાહકોને આદર આપો તો તમે ઝડપથી પરિસ્થિતિને પોતાને આધિન બનાવી લેશો. તમારે વ્યાપાર કરવો હોય તો સંવેદનાહિન અને જાડી ચામડીના બનવું જ પડશે. મેં પણ સમયાંતરે આ બોધપાઠ શીખી લીધો છે.

જ્યારે પણ કોઈની મદદ લેવાની વાત આવે ત્યારે ખૂબ જ સ્પષ્ટ રહેવું જોઈએ. જો હું પોતાના સલાહકારો પાસેથી સલાહ ન લેતી હોય તો આજે મારી પાસે જે પણ છે તેમાંથી અડધું પણ ન મળ્યું હોત. અમેરિકામાં આ પ્રક્રિયાને ઔપચારિક સ્વરૂપ આપી દેવાયું છે. તેઓ જણાવે છે કે જો તમારે સફળ થવું હશે તો જેવી રીતે તમારી કંપનીનું એક બોર્ડ હોય છે તેવી રીતે તમારું પોતાનું પણ એક બોર્ડ હોવું જોઈએ. મહિલાઓ પુરુષોની સરખામણીમાં મદદ લેવાનું ઓછું પસંદ કરે છે. મહિલાઓએ પણ કોઈપણ ખચકાટ વગર બીજાની મદદ અને સલાહ લેવા તત્પર રહેવું જોઈએ. એક ઉદ્યોગસાહસિક તરીકે મેં મારી યાત્રા જાતે જ કરી છે અને તેથી હવે હું આધ્યાત્મ તરફ જવા ઈચ્છું છું.”

આપણે જ આપણા સૌથી મોટા દુશ્મન છીએ

“હું હંમેશા બે વાતો યાદ રાખું છું. આપણે આપણી નિષ્ફળતાથી એટલા નથી ડરતા જેટલા સફળતાથી ડરીએ છીએ. બીજું કે કાલે આપણા બાકીના જીવનનો પહેલો દિવસ છે.

મારા મતે આપણે પોતે જ પોતાના સૌથી મોટા દુશ્મન છીએ, કારણ કે આપણે આપણા માટે પહેલેથી જ સીમાઓ નક્કી કરી લઈએ છીએ. જીવનમાં કંઈક મોટું કરવા માટે આપણે પોતાની જાત સાથે લડવાનું છે. તે ઉપરાંત મને લાગે છે કે, ભારતીય સમાજના સ્વરૂપે આપણે આપણા ખભા પર વધારે લાગણીઓ થોપી દીધી છે. જીવનના મોટા પરિદ્રશ્યમાં ક્યારેક નાની નાની બાબતો વિસરાઈ જતી હોય છે. પોતાનું જીવન ગર્વ સાથે જીવો અને એવી રીતે જીવો કે રોજ પોતાની કિસ્મતનું નિર્માણ જાતે જ કરી રહ્યાં છો.”