એક અભણ મહિલા ખેડૂતે દેશને બતાવ્યું કે કેવી રીતે કરવી જોઈએ બાજરાની ખેતી, પ્રધાનમંત્રીએ કર્યું સન્માન 

2

મુશ્કેલીઓથી ગભરાઈને તેની સામે ગોઠણિયે થઈ જવું કોઈ હોશિયારી નથી. પરિસ્થિતિ જાણે જેટલી પણ ખરાબ અને તમારાથી વિપરીત કેમ ન હોય, માણસે પોતાનો સંઘર્ષ હંમેશાં કરતા રહેવો જોઈએ. કારણ કે સ્થિતિથી લડવું, લડીને પડવું અને ફરી ઊઠીને પોતાની જાતને સંભાળવી એ જ જિંદગી છે. નસીબના ભરોસે બેસી રહેનારાઓને માત્ર એ જ મળે છે જે પ્રયત્ન કરનારા કાયમ છોડી દેતા હોય છે. એટલે કે દાવપેચથી જ તકદીર બનાવવામાં આવે છે. જો તમને આ વાતનો ભરોસો ન હોય તો આપ રેખા ત્યાગીને મળીને જુઓ. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના જલાલપુર ગામમાં રહેનારી મહિલા ખેડૂત રેખા ત્યાગીના જીવનમાં ઘણા સંઘર્ષ બાદ સફળતાની ભાષા લખાઈ છે. રેખા ત્યાગીએ કૃષિ ઉત્પાદનના ક્ષેત્રમાં એવી ઉપલબ્ધિ મેળવી છે, જે મોટામોટા ખેડૂત અને જમીનદાર નથી મેળવી શક્યા. રેખા બાજરાની ખેતીમાં બમ્બર પાક કરનારી પ્રદેશની પ્રથમ મહિલા બની ગઈ છે. રેખાના આ સંઘર્ષ અને ઉપલબ્ધિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે તેમનું સન્માન કર્યું છે. છેવટે ખોટનો ધંધો ગણાતી ખેતીને રેખાએ કેવી રીતે લાભના ધંધામાં ફેરવી છે, આવો સાંભળીએ રેખાની કહાણી તેમના જ શબ્દોમાં...

એક સામાન્ય મહિલાની જેમ રેખા ત્યાગીનું જીવન પણ સામાન્ય રીતે પસાર થઈ રહ્યું હતું. રેખાના પતિ ખેતી કરતા હતા અને ધોરણ 5 સુધી ભણેલી રેખા ઘરમાં તેનાં ત્રણ બાળકોને કુશળ ગૃહિણીની જેમ સંભાળતી હતી. પરંતુ દસ વર્ષ પહેલાં રેખાના જીવનમાં તે સમયે દુઃખોનો પહાડ તૂટી પડ્યો જ્યારે અચાનક તેના પતિનું નિધન થયું. પતિના અવસાન બાદ રેખાનું જીવન ખૂબ સંઘર્ષમય બની ગયું હતું. તેમની સામે ઘર ચલાવવા માટે આર્થિક સંકટ ઊભું હતું. ખેતર તો હતાં, પરંતુ ખેતીમાં લગાવવા માટે ન તો રેખા પાસે નાણાંની સગવડ હતી, કે ન હતો ખેતીનો કોઈ અનુભવ. પતિની હયાતીમાં રેખાએ ક્યારેય ખેતરમાં પગ પણ નહોતો મૂક્યો, પરંતુ હવે રેખા સામે પોતાની અને તેનાં ત્રણ બાળકોના ઉછેરનો પડકાર હતો. પોતાના જેઠ અને દિયરોની આર્થિક મદદથી રેખાએ શ્રમિકો પાસે ખેતી કરાવવી શરૂ કરી. આ સિલસિલો ઘણાં વર્ષો સુધી આમ જ ચાલતો રહ્યો, ઘણાં વર્ષો સુધી રેખાએ ખેતીમાં નુકસાન સહન કર્યું. ખેતીમાં રોકેલી રકમ કાઢવી પણ મુશ્કેલ થઈ પડતી હતી. જો કે ખેતીમાં નુકસાન એકમાત્ર રેખાની જ કહાણી નથી, પ્રદેશના મોટાભાગના ખેડૂતો આ સમસ્યાથી પડાઈ રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી સતત મધ્યપ્રદેશમાં પ્રાકૃતિક પ્રકોપના કારણે ખેડૂતોને ઘણું નુકસાન સહન કરવું પડે છે. ક્યારેક બરફવર્ષા, તો ક્યારેક ધુમ્મસે ખેડૂતોની કમર તોડી નાખી છે. છેલ્લાં 4 વર્ષથી સફેદ જીવાતના આક્રમણના કારણે સોયાબિનની ખેતીની આવક પણ પ્રભાવિત થઈ છે. ખેડૂતો શાહુકારો અને બેન્કો પાસેથી ઊંચી ટકાવારી પણ નાણાં મેળવીને ખેતી કરે છે, પરંતુ પ્રાકૃતિક આપદાના કારણે પાક નિષ્ફળ જતાં ખેતીમાં રોકાણરકમ પણ કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. પાક બરબાદ થવા અને ઋણ ન ચૂકવવાના કારણે પ્રદેશમાં છેલ્લાં 3 વર્ષમાં અઢી હજારથી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. એવામાં રેખાની સામે સૌથી મોટો પડકાર એ હતો કે, પોતાની ખેતીલાયક લગભગ 20 હેક્ટર જમીનને ભાડા કરાર પર કોઈ અન્ય ખેડૂતને આપી દેવામાં આવે, અથવા નુકસાનને લાભમાં પરિવર્તિત કરવામાં આવે.

વારંવારના નુકસાને બતાવ્યો લાભનો રસ્તો

ખેતીમાં સતત થનારા નુકસાનથી ઊભા થવા માટે રેખાએ તેનાં ખેતરમાં નવા પ્રકારનો પાક લગાવવાનો નિર્ણય કર્યો. તેનામાટે તેણે અનુભવી ખેડૂતોની સાથેસાથે જિલ્લા કૃષિ અધિકારીનો પણ સંપર્ક કર્યો. અધિકારીઓની સલાહ પર રેખાએ પોતાના ખેતરમાં બાજરાનો પાક વાવ્યો. બાજરાનો પાક લગાવવા માટે રેખાએ પરંપરાગત પદ્ધતિનો ત્યાગ કરીને નવી અને વૈજ્ઞાનિક ટેકનિકનો ઉપયોગ કર્યો. નવી નસલનાં બીજ અને માટીની તપાસ કરીને ખેતરમાં ખાતર નાખીને પિયત કરવામાં આવી. ખેતરમાં સીધી રીતે બાજરો ઉગાડવાની જગ્યાએ પહેલાં બાજરાનો નાનો રોપ તૈયાર કરવામાં આવ્યો.

રોપ તૈયાર થયા બાદ તેને તેની જગ્યાએથી ઉખાડીને ખેતરમાં લગાવવામાં આવ્યો. આમ સટિક રીતે રોપેલા બાજરાની ખેતી દ્વારા રેખાએ રેકોર્ડતોડ ઉત્પાદન મેળવ્યું. સામાન્યતઃ પરંપરાગત ટેકનિકથી કરવામાં આવેલી બાજરાની ખેતીમાં પ્રતિ હેક્ટર 15થી 20 ક્વિંટલ બાજરાનું ઉત્પાદન થાય છે, પરંતુ સઘનતા પદ્ધતિથી કરવામાં આવેલી ખેતીમાં રેખાએ એક હેક્ટરમાં લગભગ 40 ક્વિંટલ બાજરાનું ઉત્પાદન કર્યું. રેખા દ્વારા બાજરાની આ રેકોર્ડતોડ પેદાશ પ્રદેશની સાથે આખા દેશ માટે અભૂતપૂર્વ છે. આ રીતે રેખાએ બાજરા ઉત્પાદન કરનારા ખેડૂતોની સાથે સરકારનું ધ્યાન પણ તેની તરફ ખેંચ્યું.

પ્રધાનમંત્રીએ દિલ્હી બોલાવીને કર્યું સન્માન

રેખાની આ સફળતાની કહાણી કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને પ્રધાનમંત્રી સુધી પહોંચી ચૂકી હતી. 19 માર્ચે દિલ્હીમાં આયોજિત કૃષિ કર્મણ એવોર્ડ કાર્યક્રમમાં રેખા ત્યાગીને આમંત્રિત કરીને પ્રધાનમંત્રીને પ્રશસ્તિપત્ર અને રૂ.બે લાખ રોકડનું ઈનામ આપ્યું. આ દિવસે દેશભરનાં આઠ રાજ્યોના સરકારી ઓફિસર ખેતીમાં ઉત્તમ પ્રદર્શન કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મળવાપાત્ર સમ્માન મેળવવા દિલ્હી પહોંચ્યા હતા. વર્ષ 2014-15માં ખાદ્યાન્ન ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢ સહિત આઠ રાજ્યોને 'કૃષિ કર્મણ પુરસ્કાર'થી સન્માનિત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અને ખેડૂત કલ્યાણ મંત્રી રાધામોહનસિંહે જણાવ્યું કે, વર્ષ 2014-15ના કૃષિ કર્મણ પુરસ્કાર માટે સ્ક્રીનિંગ સમિતિએ 8 રાજ્યોની ભલામણ કરી છે. જેમાં ખાદ્યાન્ન પ્રથમ શ્રેણી માટે મધ્યપ્રદેશ, ખાદ્યાન્ન શ્રેણી દ્વિતીયમાં ઓડિશા અને ખાદ્યાન્ન શ્રેણી ત્રણ માટે મેઘાલયની પસંદગી કરવામાં આવી છે. આવી જ રીતે ચોખાની ખેતી માટે હરિયાણા, ઘઉંના માટે રાજસ્થાન અને કઠોળ માટે છત્તીસગઢની પસંદગી કરવામાં આવી છે. આના સિવાય મોટા અનાજની શ્રેણીમાં તામિલનાડુ અને તેલીબિયાંની શ્રેણી માટે પશ્ચિમ બંગાળની પસંદગી કરવામાં આવી છે. સાથે જ વ્યક્તિગત રીતે કૃષિ ઉત્પાદનમાં ઉત્તમ પ્રદર્શન કરવા માટે મધ્યપ્રદેશનાં ખેડૂત રેખા ત્યાગીને બાજરા ઉત્પાદન અને મધ્યપ્રદેશના જ નરસિંહપુર જિલ્લાના ખેડૂત નારાયણસિંહ પટેલને ઘઉં ઉત્પાદનમાં સર્વોત્કૃષ્ટ પ્રદર્શન માટે ઈનામની સન્માનિત કરવામાં આવ્યાં. રેખા તેમની આ ઉપલબ્ધિનો શ્રેય પોતાનો અથાગ પરિશ્રમ, લગન અને કૃષિ વિભાગના અધિકારીઓને આપે છે.

સરકાર બનાવશે રોલ મોડેલ

મુરૈના જિલ્લાના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ઉપસંચાલક વિજય ચૌરસિયાનું કહેવું છે કે મધ્યપ્રદેશ સરકાર રેખા ત્યાગીની આ શાનદાર ઉપલબ્ધિ માટે તેમને પ્રદેશમાં મહિલા ખેડૂતો માટે રોલ મોડેલ રીતે રજૂ કરશે. કૃષિ આધારિત કાર્યક્રમ, પ્રદર્શન, સેમિનારમાં મહિલા ખેડૂતને લઈ જઈને રેખાની ઉપલબ્ધિઓથી માહિતગાર કરીને તેમને પ્રેરિત કરશે. વિજય ચૌરસિયા કહે છે કે, જિલ્લાનો ખેડૂત રેખાની જેમ નવી ટેકનિકના આધારે જો પાક લગાવશે તો નિશ્ચિત રીતે હાલમાં મળનારા ઉત્પાદનથી બે ગણું ઉત્પાદન થવાની સંભાવના છે. રેખાએ પણ પોતાની આ સફળતાને બાકીના ખેડૂતો સાથે વહેંચવાની વાત કરી છે. રેખાએ કહ્યું,

"હવે હું ખેડૂતોને ખેતીમાં આધુનિક ટેકનિકના ઉપયોગ પર ભાર આપવા માટે તેમને જાગૃત કરવાનું કામ કરીશ."

ત્યાં જ મુરૈના જિલ્લાના કલેક્ટર વિનોદ શર્મા કહે છે કે, રેખા ત્યાગીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સન્માન થવું પૂરા જિલ્લાની સાથે પ્રદેશનું પણ સન્માન છે. ખરીફ પાકમાં રેખાએ રેકોર્ડતોડ ઉત્પાદન કર્યું છે, જેનાથી જિલ્લાના અને પ્રદેશના અન્ય ખેડૂતોએ પણ શીખ લેવાની જરૂર છે.

ઈનામમાં મળેલાં નાણાંથી કરશે દીકરીના વિવાહ

પ્રધાનમંત્રી દ્વારા મળેલા રૂ. બે લાખ રોકડ ઈનામને ખેડૂત રેખા ત્યાગી તેમની દીકરી રૂબી ત્યાગીનાં લગ્નમાં ખર્ચ કરશે. આ મહિને એટલે કે એપ્રિલમાં રૂબીનાં લગ્ન છે. મેથેમેટિક્સમાં બી.એસસી. ફાઈનલ યરમાં અભ્યાસ કરનારી રૂબી તેની માતાની આ સફળતાથી ખૂબ ખુશ છે. રૂબી અભ્યાસ કરીને ભવિષ્યમાં શિક્ષક બનવા ઈચ્છે છે, તેના માટે જ તે બી.એડ્.નો અભ્યાસ કરવા માગે છે. રેખા કહે છે,

"મને બી.એસસી. અને બી.એડ્.ના અભ્યાસની કોઈ જાણકારી નથી, પરંતુ હું દીકરીનાં લગ્ન બાદ પણ તેને ભણાવવા માગું છું, તે પણ મારા ખર્ચા પર. મને દુઃખ થાય છે કે હું અભ્યાસ ન કરી શકી, એટલા માટે જ દીકરીને ભણાવવા માગું છું."

લેખક- હુસૈન તાબિશ 

અનુવાદક- બાદલ લખલાણી

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.

સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

11મું પાસ ખેડૂતની કોઠાસૂઝનો કમાલ, શેરડીની ખેતીમાં લાવ્યા ક્રાંતિકારી પરિવર્તન

લલિતા પ્રસિદાએ નકામા મકાઈ ડોડામાંથી પાણી શુદ્ધ કરતું સસ્તુ અને શ્રેષ્ઠ વોટર પ્યોરિફાયર બનાવ્યું

૩ અભણ મહિલાઓએ બનાવી કરોડોની કંપની, આજે 8 હજાર મહિલાઓ છે શેરધારક!

Related Stories