રેત, ઇંટ અને સિમેન્ટ ઊંચકનાર મજૂર અત્યારે 20 કંપનીઓના માલિક છે!

મધુસૂદન રાવે રાતદિવસ મહેનત કરીને સફળતા મેળવી... પિતા જમીનદારને ત્યાં મજૂરી કરતાં હતાં અને માતા તમાકુની ફેક્ટરીમાં કામ કરતી હતી!

રેત, ઇંટ અને સિમેન્ટ ઊંચકનાર મજૂર અત્યારે 20 કંપનીઓના માલિક છે!

Tuesday May 10, 2016,

12 min Read

ભૂખથી પેટમાં થતી બળતરા આજે પણ તેમને યાદ છે. મેન, મટિરિયલ અને મનીનો યોગ્ય ઉપયોગ કરીને બન્યાં સફળ ઉદ્યોગસાહસિક. પોતાની કંપનીઓમાં હજારો લોકોને રોજગારી આપે છે.

ગામમાંથી ગરીબી દૂર કરવાનું લક્ષ્યાંક, જેથી બીજા કોઈને તેમની જેમ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.

બાળપણમાં એક બાળક બહુ હેરાન-પરેશાન રહેતો હતો. તેના માતાપિતા દરરોજ 18 કલાક કામ કરતા હતા. રાતદિવસ કાળી મજૂરી કરવા છતાં માતાપિતા ઘણી વખત પોતાના બાળકો પેટ ભરીને ભોજન કરાવી શકતા નહોતા. જો કોઈ દિવસ માતા-પિતા કામ પર ન જાય તો આખા કુટુંબને ઉપવાસ કરવો પડતો હતો. ઘરમાં કુલ 10 લોકો હતો – માતાપિતા અને 8 બાળકો. 8 ભાઈ-બહેનોમાં આ બાળકનો નંબર પાંચમો હતો. આઠેય ભાઈબહેન હંમેશા મેલા અને ફાટેલા કપડાં પહેરતાં હતાં. દરેક જગ્યાએ ખુલ્લાં પગે જતાં હતાં. આ બાળકો સ્વપ્નો જોતા હતા, પણ તેમનું સ્વપ્ન હતું – પેટ ભરીને ભોજન, પહેરવા સારાં કપડાં અને પગમાં વારંવાર કાંટા ન વાગે એટલે ચપ્પલ.

10 સભ્યોનું આ કુટુંબ એક નાની ઝૂંપડીમાં રહેતું હતું. બાળકને સમજ પડતી નહોતી કે ગામના બાકીના લોકો પાકાં મકાનમાં રહેતાં હતાં, ત્યારે તેમને કેમ ઝૂંપડીમાં રહેવું પડે છે? બાળકને તેના માતાપિતા શું કરે છે અને આખો દિવસ ક્યાં જાય છે તેની સમજણ પણ પડતી નહોતી. સવારે આંખે ખુલે ત્યારે માતાપિતા કામ પર ચાલ્યાં ગયા હોય. તે રાત્રે ઊંઘી જાય પછી માતાપિતા આવતા. બાળક ક્યારેક જ પોતાના માતાપિતાના દર્શન કરી શકતો હતો. જેમ જેમ તે મોટો થયો તેમ તેમ તેને સમજ પડવા લાગી. તેને સમજાયું કે તેનું કુટુંબ ગરીબ છે અને તેઓ અતિ પછાત જ્ઞાતિ સાથે સંબંધિત છે. તેને એ વાત પણ સમજાઈ કે તેના પિતા એક જમીનદારના મજૂર છે. તેની માતા દરરોજ તમાકુની ફેક્ટરીમાં કામ કરવા જાય છે. કુટુંબનું ભરણપોષણ કરવા તેની મોટી બહેનને પણ માતા સાથે મજૂરી કરવા જવું પડતું હતું.

image


જ્યારે આ બાળકને શાળામાં બેસાડવામાં આવ્યો, ત્યારે તેને ખબર હતી કે તેના માતાપિતા અભણ છે. એક ભાઈ સિવાય બીજા બધા ભાઈ-બહેન અભણ હતા. પેટે પાટા બાંધીને માતાપિતાએ પોતાના બે બાળકોને શાળામાં બેસાડ્યાં હતાં. કુટુંબમાં ગરીબી એટલી હતી કે બાળકોને દિવસમાં એક વખત ભોજન મળે તો પણ તેઓ રાજી થઈ જતાં. સૌથી વધારે દુઃખદાયક વાત એ હતી કે ગામના લોકો આ કુટુંબ સાથે અતિ ખરાબ વ્યવહાર કરતાં હતાં. તેઓ ઘૂંટણિયે પડીને હાથ ફેલાવતાં ત્યારે ગામના લોકો તેમને પાણી આપતા. ગામના લોકોએ નક્કી કર્યા મુજબ, આ બાળકના પરિવારમાં કોઈ ઘુંટણ નીચે ધોતી પહેરી શકતાં નહોતા. તેઓ તેમની મરજી મુજબ ગામમાં ગમે ત્યાં જઈ શકતા નહોતા. ગામના લોકો તેમના પડછાયાને અપશુકન ગણતા હતા.

બાળકને શાળામાં અહેસાસ થઈ ગયો કે તેના કુટુંબને ગરીબીના વિષચક્રમાંથી છોડાવાવનો એક જ ઉપાય છે – સારો અભ્યાસ કરીને નોકરી મેળવવી અને તે પણ ગામથી બહુ દૂર, કોઈ મોટા શહેરમાં. બાળકે બહુ મહેનત કરી અને દસમું-બારમું ધોરણ પાસ કર્યું. પછી પોલિટેકનિક કોલેજમાં પ્રવેશ મેળવી ડિપ્લોમા કોર્સ પૂરો કર્યો. કુટુંબની બધી આશા આ યુવાન પર ટકી હતી. પણ ડિપ્લોમા કર્યા પછી નોકરી ન મળતા બાળકે પણ માતાપિતાની જેમ મજૂરી શરૂ કરી. શહેરમાં વોચમેન તરીકે કામ કર્યું. પછી એક દિવસ મોટો નિર્ણય લીધો.

આ યુવાને ઉદ્યોગસાહસિક બનવાનો નિર્ણય લીધો હતો. પોતાનું સ્વપ્ન સાકાર કરવા યુવાને ઘણી મહેનત કરી. રાતદિવસ એક કર્યા. અપમાનો સહન કર્યા, અનેક જગ્યાએ ઠોકરો ખાધી. તેમ છતાં હિમ્મત ન હાર્યો. છેવટે દલિત, ગરીબ કુટુંબમાં જન્મેલો આ યુવાન સફળ વ્યાવસાયિક બની ગયો. તેણે દર વર્ષે પોતાનો વ્યવસાય વધાર્યો. અત્યારે આ વ્યક્તિ 20 કંપનીઓનો માલિક છે અને હજારો લોકોને રોજગારી આપે છે. અત્યારે તેની ગણતરી દેશના વિશિષ્ટ અને સફળ ઉદ્યોગસાહસિકોમાં થાય છે. તે અનેક લોકોનો રોલ મોડલ છે. વાત છે મન્નમ મધુસૂદન રાવની.

મધુસૂદન રાવ એમએમઆર ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક અને ડિરેક્ટર છે. તેમણે ટેલીકોમ, આઈટી, ઇલેક્ટ્રિક્લ, મિકેનિકલ, ફૂડ પ્રોસેસિંગ જેવાં ઘણાં ક્ષેત્રોમાં પોતાની કંપનીઓ શરૂ કરી છે અને દરેક કંપની સારો નફો કરી રહી છે. 7 મે, 2016ના રોજ વાતચીત દરમિયાન મધુસૂદન રાવે પોતાની જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ વિશે જણાવ્યું. અપમાન અને સંઘર્ષ પછી મળેલી સફળતાની સફર અંગે માહિતી આપી.

image


મધુસૂદન રાવનો જન્મ આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં થયો હતો. તાલુકાનું નામ કન્દુકુરુ અને ગામનું નામ પલકુરુ. પિતાનું નામ પેરય્યા અને માતાનું નામ રામુલમ્મા. પોતાના બાળપણની મુશ્કેલીઓ વિશે રાવે કહે છે, 

"જ્યારે હું નાનો હતો, ત્યારે મને દરરોજ મારા માતાપિતા મળતાં નહોતા. તેઓ વહેલી સવારે મજૂરીએ જતાં હતાં અને મોડી રાતે ઘરે પાછાં ફરતાં હતાં. તે દિવસોમાં મને માતાપિતાનો પ્રેમ મળ્યો નહોતો. મારા પિતા મજૂર હતા. વર્ષોથી તેઓ એક જમીનદારને ત્યાં કામ કરતાં હતાં. મારા દાદા અને પરદાદા પણ એ જમીનદારના દાદા અને પરદાદાને ત્યાં મજૂરી કરતાં હતાં. મારા પિતાને જમીનદારને ત્યાં 18 કલાક કામ કરવું પડતું હતું. જમીનદારોના ખેતરો, તેમના પશુઓની દેખભાળ, ઘરની સાફસફાઈ જેવા કામ મારા પિતા કરતા હતા. જમીનદાર ફરમાનો કરતાં અને મજૂરો કામ કરતાં હતાં. કામ પર જાય તો રૂપિયા મળે. ઘરમાં આઠ બાળકો અને તેમનું પેટ ભરવા માતાને પણ મજૂરી કરવી પડતી હતી. મારી માતા અને બહેનને 12 કિલોમીટર સુધી પગપાળાં તમાકુની ફેક્ટરીમાં જવું પડતું અને કલાકો સુધી મજૂરી કરીને ચાલતાં ચાલતાં ઘરે પરથ ફરતા હતા. આટલી મજૂરી કર્યા પછી પણ અમારે ક્યારેક રાતે ભૂખ્યાં પેટે સૂઈ જવાની ફરજ પડતી હતી. "મધુસૂદન રાવે ભણવાનું શરૂ કર્યું પછી તેમના જીવનમાં પરિવર્તન આવવાનું શરૂ થયું. માતાપિતાએ આઠ બાળકોમાંથી પહેલા મોટા ભાઈ માધવને શાળામાં બેસાડ્યાં અને પછી અભ્યાસ કરવા માટે મધુસૂદન રાવને પસંદ કર્યા. બંને ભાઈએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો અને બહુ મહેનત કરી. મધુસૂદન હંમેશા સારાં ગુણ લાવતા હતા. તે દિવસોમાં ગામની પાસે એક સરકારી સામાજિક કલ્યાણ હોસ્ટેલના વોર્ડન લક્ષ્મી નરસૈયાના કારણે તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. લક્ષ્મીએ મધુસૂદનને હોસ્ટલમાં પ્રવેશ અપાવ્યો, જ્યાં મફતમાં રહેવાની અને ખાવાપીવાની સુવિધા હતી. એટલે મધુસૂદનના પિતા માની ગયા. મોટા ભાઈ માધવ અને મધુસૂદન બંને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવા લાગ્યા.

હોસ્ટેલના દિવસોને યાદ કરતાં મધુસૂદન કહે છે, 

"હોસ્ટેલમાં દિવસમાં ત્રણ વખત ભરપેટ ભોજન મળતું હતું. લક્ષ્મી નરસૈયા અને એક ટીચર જેકેએ મને બહુ મદદ કરી. તેઓ હંમેશા મને પ્રોત્સાહન આપતા હતા. મેં સારાં ગુણ મેળવીને તેમને ક્યારેય નિરાશ ન કર્યા. ક્લાસમાં ટોપ 5માં મારી ગણતરી થતી હતી. ક્યારેક બીજો નંબર આવતો, તો ક્યારેક ત્રીજો નંબર."

સામાજિક કલ્યાણ હોસ્ટેલમાં મધુસૂદને 12મું ધોરણ પાસ કર્યું. મોટા ભાઈ માધવે બી.ટેકમાં પ્રવેશ મેળવ્યો હોવાથી મધુસૂદન પણ બી.ટેકની ડિગ્રી મેળવવા ઇચ્છતાં હતાં. પણ માધવ અને અન્ય લોકોએ પોલીટેકનિકમાં પ્રવેશ મેળવવાની સલાહ આપી. તે દિવસોમાં પોલીટેકનિકમાં અભ્યાસ કર્યા પછી તરત નોકરી મળી જાય છે તેવી માન્યતા હતા. એટલે મધુસૂદને શ્રી વેંકટેશ્વરા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને 2 વર્ષ તિરુપતિ અને એક વર્ષ ઓંગોલમાં ડિપ્લોમા કર્યું. તેમણે ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી કુટુંબની અપેક્ષા વધી ગઈ. માતાપિતા, ભાઈબહેનોને એમ લાગ્યું કે મધુસૂદનને સારી નોકરી મળી જશે અને ગરીબી દૂર થશે.

image


મધુસૂદને નોકરી મેળવવા બહુ જગ્યાએ અરજી કરી. પણ ક્યાંય નોકરી ન મળી. તેઓ ઉદાસ થઈ ગયા અને માતાપિતા નિરાશ. આ ગાળા વિશે મધુસૂદન કહે છે, 

"હું નોકરી માગવા જતો ત્યારે લોકો મારી કાબેલિયતને બદલે રેફરન્સ પૂછતાં હતાં. મારી પાસે કોઈની ભલામણ નહોતી. ગ્રામીણ વિસ્તારોને હોવાથી મને રિજેક્ટ કરી દેવામાં આવતો હતો. આ સંજોગોમાં મેં ગમે તેમ કરીને કમાણી કરવાનો નિર્ણ લીધો."

મધુસૂદને પણ અન્ય ભાઈબહેનોની જેમ મજૂરી કરવાનો નિર્ણય લીધો. તેમનો એક ભાઈ હૈદરાબાદમાં મિસ્ત્રીનું કામ કરતો હતો. મધુસૂદને પણ તેમની સાથે મજૂરી શરૂ કરી દીધી. બંગલા બનાવવા માટે માટી અને પત્થર ઊંચક્યાં. નવી દિવાલો પર પાણી છાંટ્યું. તેમાં મજૂરી બહુ મળતી નહોતી એટલે મધુસૂદને બીજા કામ શોધવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, 

"મને દિવસે મજૂરી કરવામાં 50 રૂપિયા મળતા હતા. મને ખબર પડી કે રાતે કામ કરું તો 120 રૂપિયા મળે છે એટલે મેં રાતે કામ કરવાનું શરૂ કર્યું. હું વોચમેન બની ગયો." 

તેમના ઇરાદા પ્રમાણિક હતા એટલે જીવનને તેમને એક ઉત્તમ તક આપી.

તેઓ તેમના જીવનમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના વિશે જાણકારી આપતા કહે છે, 

"એક દિવસ હું ટેલીફોનનો થાંભલો લગાવવા ખોદકામ કરતો હતો. એક ઇજનેર મારી પાસે આવ્યો અને મારો અભ્યાસ પૂછ્યો. મેં પોલીટેકનિક કર્યું છે તેવું જણાવ્યું. તે મારી કામ કરવાની રીતે જોઈને સમજી ગયો હતો કે હું ભણેલો છું. તેણે મને નોકરી કરવાની ઓફર કરી."

પછી તે એન્જિનિયર મધુસૂદનને પોતાની ઓફિસે લઈ ગયો. એક તરફ ઇન્ટરવ્યૂ ચાલતો હતો, તો બીજી તરફ એક મોટા કોન્ટ્રાક્ટર અને સબકોન્ટ્રાક્ટર વચ્ચે એક કોન્ટ્રાક્ટને લઈને ચર્ચા ચાલી રહી હતી. સબકોન્ટ્રાક્ટર વધારે રકમ માગતો હતો. આ જોઈને મધુસૂદને કોન્ટ્રાક્ટરને તે કોન્ટ્રાક્ટ આપવાની વિનંતી કરી. કોન્ટ્રાક્ટરે મધુસૂદનને ઇન્ટરવ્યૂમાં ધ્યાન આપવાનું કહ્યું. પણ સબકોન્ટ્રાક્ટર સાથે વાત ન જામી એટલે તેણે મધુસૂદનને અજમાવાનો નિર્ણય લીધો અને તેને કોન્ટ્રાક્ટ આપી દીધો. કોન્ટ્રાક્ટ તો મળી ગયો, પણ મધુસૂદનને કામ શરૂ કરાવવા મજૂરોને 5000 રૂપિયા આપવાના હતા. તેમણે પોતાના ભાઈબહેનો પાસે મદદ માંગી. મધુસૂદને કહે છે, 

"મારી એક બહેને મને 900 રૂપિયા આપ્યા. આ રકમ લઈને હું મજૂરો પાસે ગયો અને મારા માટે કામ કરવા મનાવી લીધા. મને પહેલા જ દિવસે 20,000 રૂપિયાની કમાણી થઈ અને મારા નસીબ આડેનું પાંદડું દૂર થઈ ગયું."

પછી મધુસૂદને પાછું વળીને જોયું નથી. તેમના કામથી ખુશ થઈને કોન્ટ્રાક્ટરે મધુસૂદનને એક લાખ રૂપિયા એડવાન્સ આપ્યા. ત્યારબાદ તેમને એક પછી એક નવા કોન્ટ્રાક્ટ મળતાં ગયાં. જ્યારે તેમના હાથમાં એક લાખ રૂપિયા આવ્યાં, ત્યારે તેમણે ગામ તરફ દોટ મૂકી. આ ઘટનાને યાદ કરતાં તેઓ કહે છે, 

"નોકરી નહોતી, રૂપિયા નહોતા અને મને ગામ જવાની શરમ આવતી હતી. હું બે વર્ષ ગામ ગયો નહોતો. પણ એક લાખ આવતા જ હું ગામ ગયો અને માતાપિતાને એક લાખ રૂપિયા આપ્યાં. તેઓ ચોંકી ગયા હતા. તેમને વિશ્વાસ જ આવતો નહોતો. તેઓ મને આટલાં બધાં રૂપિયા ક્યાંથી આવ્યાં તેના વિશે પૂછતાં હતાં. એ જ રકમમાંથી મેં મારી એક બહેનના લગ્ન કર્યા. પછી હું હૈદરાબાદ પરત ફર્યો અને ફરી કામે લાગી ગયો. કોન્ટ્રાક્ટ મળતાં ગયાં અને કમાણી વધતી ગઈ."

ધીમે ધીમે બધું બદલાઈ ગયું. ગરીબી દૂર થઈ. સતત પ્રગતિ થઈ. પણ ફરી એક ઘટનાએ મધુસૂદનને ઠન ઠન ગોપાલ કરી નાંખ્યા. બધી કમાણી એક ઝાટકે જતી રહી. આ ઘટના વિશે મધુસૂદન કહે છે, 

"મેં જે લોકો પર ભરોસો કર્યો હતો તેમણે મને દગો કર્યો. મારા કેટલાંક સાથીદારોના કહેવાથી મેં એક કંપની શરૂ કરી. કંપની કામ પણ સારું કરતી હતી. પણ તેમણે મારી પીઠમાં ખંજર ભોંક્યું." 

તેઓ ઘટના વિશે વધુ જાણકારી આપતા નથી, પણ તેને પોતાના જીવનનો સૌથી મોટો બોધપાઠ ગણે છે. તેઓ કહે છે કે, "જીવનમાં જે થાય છે તે સારાં માટે થાય છે. તે વિશ્વાસઘાતથી હું વધુ સમજદાર થયો અને પછી બમણી ઝડપે આગળ વધ્યો."

તેમણે કોન્ટ્રાક્ટનું કામ છોડીને ફરી નોકરી શરૂ કરી. મધુસૂદન એક એન્જિનીયરિંગ કંપનીમાં નોકરીએ લાગી ગયા. અહીં નોકરી કરતાં કરતાં તેમણે લગ્ન પણ કર્યા. તેમની પત્ની પહ્મલત્તા અને તેમની બહેનો જાણતી હતી કે મધુસૂદન સાથે વિશ્વાસઘાત થયો છે. એટલે તેમની પત્નીએ ફરી વ્યવસાય નહીં કરવાની અને નોકરી જ કરવાની શરત મૂકી હતી. મધુસૂદને શરત સ્વીકારી પણ લીધી હતી. જોકે તેમનું મન વ્યવસાય કરવાનું જ વિચારતું હતું. તેમને લાગતું હતું કે તેમનામાં એક સફળ ઉદ્યોગસાહસિક બનવાના ગુણો છે અને આ ગુણો નોકરી કરવામાં વેડફાઈ રહ્યાં છે.

પછી મધુસૂદને એક પત્નીને જણાવ્યા વિના એક કંપની શરૂ કરી દીધી. કંપનીને કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા અને ગાડી ફરી દોડવા લાગી. એક દિવસ તેમની પત્નીને આ વાતની જાણ થઈ અને તેમને નોકરી પર ધ્યાન આપવાનું કહ્યું. એટલે મધુસૂદને તેમની પત્નીને સમજાવ્યું કે, 

"મારો પગાર 21,000 રૂપિયા છે અને તારો પગાર 15,000 રૂપિયા. ઘરે મહિને 30થી 32 હજાર રૂપિયા આવે છે. તું મને ધંધો કરવાની છૂટ આપ. પછી જો દર મહિને ઓછામાં ઓછા ત્રણ લાખ રૂપિયા આપીશ. આપણો આખા વર્ષનો પગાર હું તને એક મહિનામાં આપીશ. પછી તે મારી વાત માની ગઈ. મારી પત્નીએ હંમેશા મને સાથ આપ્યો છે. તે જ મારી સાચી તાકાત છે."

ત્યારબાદ મધુસૂદને એક પછી એક 20 કંપનીઓની સ્થાપના કરી. આઇટીથી લઈને ફૂડ પ્રોસેસિંગ એમ વિવિધ ક્ષેત્રોમાં તેમની કંપનીઓ સફળ ગણાય છે. તેઓ આ સફળતાને કારણે જ ભારત જ નહીં, પણ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેઓ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સની આંધ્રપ્રદેશની શાખાના અધ્યક્ષ છે. તેઓ એકલા હાથે 20-20 કંપનીઓને કેવી રીતે સંભાળી શકે છે તેવું પૂછતાં રાવ કહે છે, "હું એકલો નથી. મારું આખું કુટુંબ મારી સાથે છે. મારા ભાઈઓ મારી મદદ કરે છે. પરિવારના અન્ય સભ્યો પણ કંપનીમાં કામ કરે છે. તેઓ જુદી જુદી જવાબદારીઓ સંભાળે છે. મેં દરેક વર્ટિકલમાં એક્સપર્ટને હેડ બનાવ્યાં છે. તમામ પોતાનું કામ સારી રીતે કરે છે. હું દરરોજ દરેક કંપનીના હેડ સાથે વાત કરું છું. હું તકો શોધું છું અને જ્યાં તક મળે ત્યાં ફાયદો ઉઠાવું છું. મારા માટે ટાઇમ મેનેજમેન્ટ કોઈ મોટી વાત નથી."

image


તેઓ પોતાના માતાપિતાને પોતાની પ્રેરણામૂર્તિ ગણે છે. મધુસૂદન કહે છે, 

"મારા માતાપિતા જ મારી પ્રેરણા છે. મેં દિવસમાં 18-18 કલાક કામ કરતાં જોયાં છે. હું પણ તેમની જેમ દરરોજ 18 કલાક કામ કરું છું. મારી કંપનીઓમાં દરેક કર્મચારી મન લગાવીને મહેનત કરે છે. બધા લક્ષ્યાંક પૂરો ન થાય ત્યાં સુધી જંપતા નથી. હું જ્યાં સુધી જીવિત છું, ત્યાં સુધી મારો આદર્શ અને પ્રેરણાસ્ત્રોત મારા મારાપિતા જ રહેશે. જ્યારે મને કોઈ મુશ્કેલી પડે છે, ત્યારે હું તેમને યાદ કરું છું. મને ખબર છે કે મારી સમસ્યાઓ મારા માતાપિતાની સમસ્યાઓથી મોટી નથી. તેમણે જે મુશ્કેલીઓ વેઠી છે, તેમની સરખામણીમાં મારી તકલીફો કશું નથી."

પોતાના સફળતાના મંત્ર વિશે મધુસૂદન કહે છે કે, "મેન, મટિરિયલ અને મની (માણસો, ચીજવસ્તુઓ અને રૂપિયા)...આ ત્રણ તમારી પાસે હોય અને તેનો તમે યોગ્ય ઉપયોગ કરો તો સફળતા તમારા કદમ ચૂમે છે. તમને આ ત્રણનું મેનેજમેન્ટ કરતાં આવડવું જોઈએ."

પોતાના સ્વપ્ન અને લક્ષ્યાંક વિશે તેઓ કહે છે, 

"આગામી પાંચથી છ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં યુવાનોને એવી તાલીમ આપવી છે કે તેઓ નોકરી મેળવી શકે અને તેમને ઉદ્યોગસાહસિક બનવામાં સરળતા પડે. હું ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું એટલે ગામડાનાં યુવાનો અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ સારી રીતે જાણું છું. ગ્રામીણ વિસ્તારના યુવાનો કમ્યુનિકેશનમાં બહુ નબળાં હોય છે. મેં નક્કી કર્યું છે કે આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં ઓછામાં ઓછા 5000 યુવાનોને ઉદ્યોગસાહસિક બનાવીશ કે તેમને સારી નોકરી મેળવવા કાબેલ બનાવીશ."

આત્મવિશ્વાસથી સભર મધુસૂદન રાવ કહે છે, 

"હું નથી ઇચ્છતો કે આગામી પેઢી પણ મારી જેવી જ મુશ્કેલીઓનો સામનો કરે. હું ઇચ્છું છું કે ગામડાઓમાંથી ગરીબી હંમેશા માટે દૂર થાય. મને ખબર છે કે કુટુંબમાં એક માણસ નોકરી કરે તો બધા સભ્યો ખુશ થઈ જાય છે. હું કશું બન્યો તો મારું કુટુંબ સુખીસંપન્ન થયું. અમે ઝૂંપડીમાં રહેતા હતા. અત્યારે અમારા બધા પાસે પાકાં મકાન છે. મારાં કુટુંબમાં 65 લોકો છે અને બધા કામ કરે છે. હું એટલું જ ઇચ્છું છું કે બધા યુવાનોને રોજગારી મળે અને કોઈ ગરીબ ન રહે."

લેખકનો પરિચયઃ અરવિંદ યાદવ

અરવિંદ યાદવ યોરસ્ટોરીના મેનેજિંગ એડિટર (ભારતીય ભાષાઓ) છે.

અનુવાદકઃ કેયૂર કોટક

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

MBBSનો અભ્યાસ અધવચ્ચેથી છોડી પર્યાવરણના ડૉક્ટર બની કેટલાંયે જન-આંદોલનોના પ્રણેતા બન્યાં પુરુષોત્તમ રેડ્ડી

'લેડી તેંદુલકર' મિતાલી રાજઃ ભારતની સૌથી સફળ મહિલા ક્રિકેટરના સંઘર્ષથી સફળતા સુધીની સફર...

AC રીપેરિંગથી બૉલિવૂડ-હૉલિવૂડમાં સફળતાની ટોચ પર પહોંચેલા અભિનેતા ઈરફાન ખાનની અજાણી વાતો