વિકાસથી જોજનો દૂર એક ગામની અભણ મહિલાઓએ સ્ટાર્ટઅપ દ્વારા શહેરની મીઠાશ વધારી

વિકાસથી જોજનો દૂર એક ગામની અભણ મહિલાઓએ સ્ટાર્ટઅપ દ્વારા શહેરની મીઠાશ વધારી

Sunday February 28, 2016,

5 min Read

પહાડોથી ઘેરાયેલા કલાકુંડ ગામને મહિલાઓએ પોતાની મહેનતથી પ્રસિદ્ધ કરી દીધું

મહિલાઓએ કલાકંદ મીઠાઈને એક જાણીતી બ્રાન્ડ બનાવી દીધી

image


જીવનમાં કંઇક કરી છૂટવાની ધગશ જરૂરી છે. જો આ વિચાર તમારા મનમાં હોય તો દુનિયાની કોઈ તાકાત તેને રોકી નથી શકતી. તેવામાં વર્ષોથી વીંટળાયેલાં બંધનો તોડવામાં પણ વાર નથી લાગતી. આ જ થયું ઇન્દોર પાસે આવેલા પહાડોથી ઘેરાયેલા કલાકુંડ ગામમાં. આ ગામના પુરુષોએ પણ સાધનોના અભાવે હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં તેવામાં મહિલાઓએ દાખલો બેસાડ્યો. મજબૂરીમાં શરૂ કરેલા વેપારને શહેરો સુધી પહોંચાડીને તેને બ્રાન્ડ બનાવી દીધો. આજે ઇન્દોર પાસે રહેલું ગામ પોતાની સુંદરતા કરતાં વધારે ત્યાંના કલાકંદના કારણે પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. જેને બનાવવાથી માંડીને વેચવા સુધીનું તમામ સુકાન મહિલાઓનાં હાથમાં છે.

કલાકુંડની વસતી માત્ર 175 લોકોની છે. આ ગામ સુધી પહોંચવા માટે મિટર ગેજ ટ્રેન એક જ સાધન છે. ઇન્દોરથી 53 કિમી. દૂર આવેલા આ ગામ સુધી પહોંચવા માટેનો ટ્રેનનો માર્ગ આંખોને અને મનને શાતા આપનારો છે. ધુમાડો કાઢતું ડીઝલ એન્જિન, અંગ્રેજો દ્વારા બનાવેલી સુરંગોમાંથી પસાર થતી છુકછુક કરતી રેલગાડી. નાનકડી મુસાફરીમાં વરસાદી મોસમમાં ટ્રેનની એક તરફ પહાડ ઉપરથી પડતાં ઝરણાં તો બીજી તરફ ખળખળ વહેતી ચોરલ નદી જોવા મળે છે. કલાકુંડ પહોંચતાં જ તમે તેની કુદરતી સુંદરતામાં ખોવાઈ જાવ છો. નાનાં સ્ટેશન ઉપર ગાડી રોકાતાં જ પ્લેટફોર્મ ઉપર બે-ત્રણ લારીઓમાં પલાસના પાન ઉપર સફેદ રંગની ખાવાની ચીજ જોવા મળે છે. આ જ છે અહીંના ગણ્યાગાંઠ્યા રોજગાર પૈકીનું એક કલાકુંડનું પ્રસિદ્ધ કલાકંદ.

image


કલાકુંડમાં રોજગારીનાં નામે કંઈ હોય તો તે છે લાકડાં કાપીને તેને વેચવાં અને કેટલાંક દૂધાળાં ઢોર. દૂધ બહાર મોકલવા માટે ટ્રેન ઉપર જ આધારિત રહેવું પડતું હતું. તો પશુપાલકોએ દૂધનું કલાકંદ બનાવીને તેને સ્ટેશન ઉપર જ વેચવાનું શરૂ કર્યું. બહુ જ ઓછી ટ્રેનો અહીં આવતી હોવાને કારણે રોજગાર માત્ર પેટ ભરવા પૂરતો જ સિમિત રહ્યો. તેમને કલાકંદની જે કિંમત મળતી હતી તે મજૂરીથી વિશેષ નહોતી. પરંતુ છેલ્લાં બે વર્ષમાં જે થયું તે ચોંકાવનારું હતું. ગળા સુધી લાજ કાઢનારી અને ઘરમાં કચરા પોતાં કરીને ચૂલો ફૂંકનારી મહિલાઓએ પોતાના વડવાઓના વ્યવસાયનું સુકાન પોતાનાં હાથોમાં લઈ લીધું. 10 મહિલાઓનું જૂથ બનાવવામાં આવ્યું અને તેને સંગઠિત વ્યવસાયની સૂરત આપી દેવામાં આવી. ગામની મહિલાઓએ કલાકુંડના કલાકંદને એક બ્રાન્ડ બનાવી દીધી. સારું પેકેજિંગ કર્યું. પલાસનાં પાનની જગ્યા સુંદર બોક્સે લઈ લીધી. મહિલાઓનાં જૂથે હવે આ કલાકંદ ઇન્દોર-ખંડવા રોડ ઉપરનાં કેટલાંક ઢાબા અને હોટલ ઉપર વેચવાનું શરૂ કર્યું છે. આ જૂથ જેટલી માત્રામાં કલાકંદ બનાવે છે તે ચપોચપ વેચાઈ જાય છે.

આ માર્ગ મહિલાઓને આ વિસ્તારમાં જળ સંચયનું કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા નાગરથ ચેરિટેબલ ટ્રસ્ટે બતાવ્યો હતો. ટ્રસ્ટના પ્રોજેક્ટ પ્રભારી સુરેશ એમ. જી.એ જ્યારે કલાકંદનો સ્વાદ ચાખ્યો તો મહિલાઓને સલાહ આપી કે તેમની આ પાક કલાને મોટા વ્યવસાયમાં બદલી નાખે. ટ્રસ્ટની સલાહ બાદ જ્યારે મહિલાઓનો વ્યવસાય ચાલવા લાગ્યો અને માગ વધવા લાગી તતો ઇન્દોર જિલ્લા વહીવટી તંત્રએ મહિલાઓની મદદ માટે વ્યવસાયને આગળ વધારવા માટેની રૂપરેખા આપી. આ જૂથને તાત્કાલિક રૂ. દોઢ લાખની લોન આપવામાં આવી. રૂપિયા હાથમાં આવતાં જ સમૂહની ઉડાનને પાંખો લાગી ગઈ. કલાકંદ બનાવવા માટે મોટાં વાસણો અને રાંધણ ગેસ આવી ગયો. પેકેજિંગ મટિરિયલમાં સુધારો થવા લાગ્યો. જાહેરાત અને પ્રચાર માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા. હવે મહિલાઓ પણ આસપાસના વિસ્તારમાંથી સારી ગુણવત્તા ધરાવતું દૂધ ખરીદવા લાગી. જિલ્લા વહીવટી તંત્રએ મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ગાય, ભેંસ આપી. જેના થકી તેઓ દૂધ ઉત્પાદન કરવા લાગ્યાં. હવે પહાડો વચ્ચે આવેલાં નાનાં સ્ટેશન ઉપર વેચાતું કલાકંદ હાઇવે ઉપર આવી ગયું હતું. મહિલાઓનો રસ જોતાં વહીવટી તંત્રએ હાઇવે ઉપર બે વર્ષમાં એક પછી એક ત્રણ સ્ટોર ખોલી નાખ્યા. અહીં મુસાફરો બસ રોકાવીને કલાકંદ ખરીદે છે. પહેલા આ સ્ટોરને મહિલાઓ ચલાવતી હતી પરંતુ વેપાર વધતાં અહીં કર્મચારીઓ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. હાલમાં ઇન્દોરના બે પ્રસિદ્ધ મંદિરો ખજરાના ગણેશ અને રણજિત હનુમાન ખાતે કલાકંદના બે સ્ટોર ખોલવામાં આવ્યા છે.

image


જૂથનાં અધ્યક્ષ પ્રવીણા દુબે અને સચિવ લીલાબાઈએ જણાવ્યું,

"એક સમયે તો અમને વિશ્વાસ જ નહોતો બેસતો કે ગામનું કલાકંદ ચૌરલના મુખ્યમાર્ગની દુકાનો ઉપર વેચાઈ રહ્યું છે. પણ આજે ઇન્દોરના સ્ટોર ઉપર જઈને લોકોને અમારું બનાવેલું કલાકંદ ખરીદતાં જોઇએ છીએ તો ખુશીનો પાર નથી રહેતો."

નાગરથ ચેરિટબલ ટ્રસ્ટના પ્રોજેક્ટ પ્રભારી સુરેશ એમ. જી.નું કહેવું છે,

"મહિલાઓની મહેનત અને મહેનત પછી તેમનાં ઉત્પાદનનો સ્વાદ જોઇને આશ્ચર્ય થયું. પરંતુ દુઃખ એ વાતનું છે કે સ્ટેશન ઉપર તેમની મહેનતનું યોગ્ય ફળ નહોતું મળતું. ત્યારે અમે અમારા પ્રોજેક્ટમાંથી સમય કાઢીને મહિલાઓને તેનું નિર્માણ, પેકેજિંગ, અને માર્કેટિંગ માટે તાલિમ આપવાની શરૂ કરી. જિલ્લા વહીવટી તંત્રએ પણ રસ લઈને કામ કરવાનું શરૂ કર્યું. હવે પરિણામ સહુની સામે છે."

જૂથની સ્વાદિષ્ટ મીઠાઈની વધતી જતી માગને જોઇને ઉત્પાદન વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. અહીં રોજ એક ક્વિન્ટલ મીઠાઈ બનાવીને વિવિધ સ્ટોર્સ ઉપર વેચવામાં આવી રહી છે. માગ સતત વધી રહી છે હવે જૂથની યોજના એવી છે કે આમાં કેટલીક વધુ મહિલાઓ અને ગામના બેરોજગાર પુરુષોને જોડીને ઉત્પાદનમાં અનેક ગણો વધારો કરવામાં આવે. ઇન્દોરના કલેક્ટર પી. નરહરિએ જણાવ્યું હતું કે મહિલાઓમાં કંઇક કરી છૂટવાની ધગશને જોતાં અમે તેમને આગળ વધારવાનું બીડું ઝડપ્યું છે. જો તે વખતે મદદ ન કરી હોત તો તેમનાં સપનાંઓ મરી પરવારત. આજે તેમની ઓળખ દૂરસુદૂર સુધી ફેલાઈ છે. અમે સ્ટોર્સમાં સતત વધારો કરી રહ્યા છીએ. આ એક સફળ મોડલ બની ગયું છે કે જેનો લોકો દાખલો આપી રહ્યા છે.

લેખક- સચિન શર્મા

અનુવાદક- મનીષા જોશી

આવી વધુ પ્રેરણાદાયક સ્ટોરીઝ વાંચવા માટે અમારું ફેસબુક પેજ લાઇક કરો