પુરુષોનું વર્ચસ્વ ધરાવનાર ક્ષેત્રમાં ટોચ પર પહોંચનાર 22 વર્ષીય મહિલા હેરા રસૂલ

પુરુષોનું વર્ચસ્વ ધરાવનાર ક્ષેત્રમાં ટોચ પર પહોંચનાર 22 વર્ષીય મહિલા હેરા રસૂલ

Friday December 18, 2015,

4 min Read

માત્ર 22 વર્ષની હેરાએ 'WE DONT SAY CHEESE' નામથી સ્ટૂડિઓનો પાયો નાખ્યો !

10 પ્રોફેશનલ્સ સાથે દિલ્હીના લાજપતનગરમાં હેરા પોતાનો સ્ટૂડિઓ ચલાવી રહી છે!

કોઈ પણ દેશનો આધારસ્તંભ હોય છે તે દેશના યુવાનો. જે દેશના યુવાનો જાગૃત હોય, તે દેશનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ હશે અને તેના વિકાસને કોઈ રોકી શકતું નથી.

છેલ્લા થોડાં વર્ષોથી જોવા મળે છે કે ભારતના યુવાનો માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના અનેક દેશોમાં પોતાના સામર્થ્યનો ડંકો વગાડી રહ્યા છે. પહેલા તો જે ક્ષેત્ર છોકરાઓ માટે કહેવાતા, ત્યાં છોકરીઓ પ્રવેશ કરતી નહીં અને જે ફિલ્ડ છોકરીઓના ગણાતા, ત્યાં છોકરાઓ પગ મૂકતા નહીં. પણ આજની વાત જુદી છે. આજે યુવકો-યુવતીઓ જૂની માનસિકતાને તોડીને નવી નવી વસ્તુઓ શોધી રહ્યા છે. અને પોતાના માટે ઉમદા કારકિર્દીના વિવિધ આયામોનું નિર્માણ કરી રહ્યા છે.

image


આવી જ વિચારધારાને સાકાર કરનારી એક યુવા ઉદ્યમી છે હેરા રસૂલ. તે છે તો માત્ર 22 વર્ષની, પણ પોતાની આવડતના જોરે તે 10 પ્રોફેશનલની ટીમને સાથે રાખીને દિલ્હીના લાજપતનગરમાં પોતાનો સ્ટૂડિઓ ચલાવી રહી છે. આજે તેની પાસે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન,ચંડીગઢ અને હિમાચલપ્રદેશના પણ ગ્રાહકો છે.

તેણે પ્રાથમિક શિક્ષણ લખનૌ અને બરેલીમાં લીધું. પછી દિલ્હી આવી માસ કોમ્યુનિકેશનમાં સ્નાતક થઇ. એ પછી ફ્રીલાન્સ એન્કરીંગનું કામ શરુ કર્યું. જો કે તેના રસનો વિષય તો ફોટોગ્રાફી જ હતો. સમય જતા તેને તેમાં જ રસ વધતો ગયો. તેણે આ માટેની ચર્ચા પરિવારજનો અને મિત્રો સાથે કરી, પણ કોઈએ તેની વાત ગંભીરતાથી લીધી નહીં.

જો કે તેણે આ વિષયના વર્કશોપમાં જવાનું શરૂ કર્યું. અનેક સેમિનાર્સ પણ સાંભળ્યા. તેને ફોટોગ્રાફીની સૂક્ષ્મ સમજ આવવા લાગી. એક વાર તેને પોતાની સહેલીના લગ્નમાં જયપુર જવાનું થયું, તે પોતાનો કેમેરા પોતાની સાથે લઇ ગઈ હતી।. ત્યાં તેણે જે તસવીરો લીધી, તે પોતાના મિત્રોને ભેટ આપી. આ તસવીરોએ તેની કારકિર્દીને અલગ જ દિશા આપવાનું કામ કરી દીધું . કેમ કે તે ફોટોગ્રાફ એટલા સુંદર હતા કે તેના આલ્બમને દરેકે પ્રથમ ક્રમ આપી તેની દિલથી પ્રશંસા કરી. બસ, આ ઘટનાએ તેને વિચારવા મજબૂર કરી દીધી કે તે શા માટે ફોટોગ્રાફીને જ પોતાની કરિયર તરીકે સ્થાપિત ન કરે? જો કે આ નિર્ણય અમલમાં મૂકવો એટલો સરળ ન હતો. કેમ કે આ ઇન્ડસ્ટ્રી પુરુષપ્રધાન હતી, વળી તેણે તે માટે કોઈ વિધિવત ટ્રેઈનિંગ પણ લીધી ન હતી. પણ આખરે તેણે પોતાના દિલની વાત સાંભળી. અને નવેમ્બર 2014 થી તેણે પ્રોફેશનલ ફોટોગ્રાફી શરુ કરી. આજે માત્ર 1 જ વર્ષમાં તેની પાસે 10 યુવા પ્રોફેશનલ્સની કાબેલ ટીમ છે. અને દિલ્હીના લાજપતનગરમાં પોતાનો એક સ્ટૂડિઓ પણ છે.

આ ટીમ દરેક પ્રકારની ઇવેન્ટ કવર કરે છે. જેમાં પ્રિ-વેડિંગ, વેડિંગ, વિભિન્ન ઈવેન્ટ્સ, પ્રોડક્ટ ફોટોગ્રાફી વગેરે તમામ બાબતો સામેલ છે. હેરા કહે છે, "ટીમમાં દરેક પોતપોતાના ક્ષેત્રમાં મહારથી છે, સક્ષમ છે. હું પોતે કેન્ડીડ ફોટોગ્રાફી કરું છું. અમારી પાસે એડિટર છે, કેમેરામેન છે, સિનેમેટોગ્રાફર છે અને આ બધા જ યુવાન છે અને સાથે ક્રિએટીવ પણ છે." હેરા દરેક ચીજ નવી જ રીતે કરવાની આગ્રહી છે. તે કહે છે કે આપણે દરેક બાબત જૂની જ રીતે કરતા રહી નવી અને સારી ચીજોનો સ્વીકાર નથી કરતા તો તે યોગ્ય નથી.

image


image


આજે તો તેના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે અને તે પોતાનું માર્કેટિંગ કરવા સોશિયલ સાઈટના માધ્યમનો ઉપયોગ કરી રહી છે. તે માને છે કે જો આપણે આપણાં કામમાં ગુણવત્તા જાળવી રાખીશું, તો માર્કેટિંગ તો એની જાતે જ થયા કરશે. આથી તે માર્કેટિંગ પર ઓછું અને કામ તથા તેની ગુણવત્તા પર વધારે ફોકસ કરી રહી છે.

હેરા પોતાના શૂટિંગ પહેલા રીસર્ચ કરે છે. તે ફોટોગ્રાફીના લોકેશન પર જાય છે. વાતાવરણ અને સ્થળથી સંપૂર્ણ પરિચિત થયા પછી જ પોતાનું કામ શરુ કરે છે. તે કહે છે કે કોઈ પણ ફોટોગ્રાફર માટે આ જરૂરી છે કે તે રીસર્ચ કરે, પોતાના ગ્રાહક સાથે તેમના રીતિ-રિવાજોની ચર્ચા કરે, તો જ તે પોતાની ફોટોગ્રાફીને ન્યાય આપી શકાશે. સ્થળની મુલાકાતને કારણે તેને પહેલેથી જ કયા એન્ગલ્સથી ફોટોગ્રાફ લેવા, તે પણ સ્પષ્ટ થઈ જાય છે. જેથી તે શ્રેષ્ઠ ફોટો લઇ શકે.

આજે દેશના ઘણા રાજ્યોમાં તેના ગ્રાહકો છે. હેરાનું કહેવું છે, 

"જે એક વાર અમારી પાસે કામ કરાવે છે, તે બીજીવાર ક્યાંય નથી જતા. સાથે બીજાને પણ અમારા કામ વિશે જાણકારી આપે છે."
image


આ આખી ટીમમાં તે એક જ મહિલા છે. અત્યારે તે પોતાના અનુભવથી કહે છે, 

"છોકરાઓ જે કંઈ કરે તે બધાં કામ અમે કરી શકીએ છીએ, પણ એ વાત બિલકુલ જરૂરી છે કે આ માટે છોકરીઓએ તે કામ માટે અનિવાર્ય હોય તેવી તાલીમ, કાબેલિયત અને કામ કરવાની ગતિ પણ બદલવી પડે. જો એમ થાય તો દરેક મહિલા પુરુષોના કહેવાતાં ક્ષેત્રોમાં સફળ નીવડે તેમાં કોઈ શંકા નથી."

લેખક- આશુતોષ ખંતવાલ

અનુવાદક- YS ટીમ ગુજરાતી