બાળકો સાથે સારી રીતે વાતચીત કરવા એક માતાએ શરૂ કર્યું 'Steller children’s museum'

0

જ્ઞાન મેળવવા માટેનો સારામાં સારો રસ્તો 'પ્રયોગ' છે. જેવાં બાળકો પ્રયોગ અને પોતાની આસપાસની દુનિયા સાથે સંવાદ કરવાનું શરૂ કરી દે છે તેટલાં જ ઝડપથી અને સારી રીતે તેઓ શીખવા લાગે છે. આ જ વિશ્વાસ અને ઝનૂન સાથે અંજના મેનન અને તેમનાં પતિએ નવેમ્બર 2012માં ગુડગાંવ ખાતેથી 'Steller children’s museum'ની શરૂઆત કરી.

પ્રશિક્ષણ મારફતે એક એન્જિનિયર અને પ્રોગ્રામર અંજનાએ ઘણાં વર્ષો અમેરિકામાં વિતાવ્યા છે. જ્યારે તેઓ માતા પિતા બન્યાં, તેમના ઘરે એક બાળકનો જન્મ થયો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે બાળકોને તેઓ જ્યાં રહે છે તે દુનિયા વિશેની માહિતી હોવી જોઇએ. તે આશયથી તે પોતાનાં બાળકને સંગ્રહાલય અને વિજ્ઞાન સંગ્રહાલય લઈ જવા લાગી. અમેરિકામાં આ પ્રકારનાં 300 કરતાં વધારે સંગ્રહાલયો છે. સમય બદલાયો, સંજોગો બદલાયા. અંજના ભારત પરત આવી ગઈ. પરંતુ પરત આવ્યા બાદ તેને ભારતમાં આ પ્રકારના સંગ્રહાલયની ભારે કમી દેખાઈ. તેને ખૂબ જ નવાઈ લાગી. અંજનાના જણાવ્યા અનુસાર આ એક દુઃખદ બાબત છે કે માતા-પિતા રજાઓના દિવસોમાં બાળકોને ફિલ્મ કે વીડિયો આર્કેડમાં લઈ જઈને જ વ્યસ્ત રાખી શકે છે. તેથી વર્ષ 2012માં તેમણે 2થી 10 વર્ષનાં બાળકો માટે એક ઇન્ટરેક્ટિવ સંગ્રહાલય બનાવવાના વિચાર ઉપર કામ શરૂ કર્યું. નવેમ્બર 2012માં સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું. હાલમાં દર મહીને અંદાજે 6500 લોકો તે સંગ્રહાલયની મુલાકાત લે છે. ગુડગાંવમાં એમ્બિયસ મોલમાં આવેલું આ સંગ્રહાલય 11 હહજાર ચો. ફૂ.માં ફેલાયેલું છે. જેમાં સાત ગેલેરીઓ, એક થિયેટર અને એક કેફેનો સમાવેશ થાય છે.

એક ભાવુક અને પ્રેરિત માતા અંજના પાસેથી તેની આ યોજના અને દૃષ્ટિકોણને સમજવા માટે યોરસ્ટોરીએ વાતચીત કરી

યોરસ્ટોરી- બાળકોનું સંગ્રહાલય એક નવું અને અજાણ્યું ક્ષેત્ર છે તેને શરૂ કરવા પાછળનું કારણ શું હતું ?

અંજના- જ્યારે અમારાં બાળકો નાનાં હતાં ત્યારે અમે અમેરિકામાં હતાં. હું ઘણી વખત તેને સંગ્રહાલય (મ્યુઝીયમ) લઈ જતી હતી. તેમને આ પ્રકારની મુસાફરીમાં ખૂબ જ મજા આવતી હતી. મને લાગ્યું કે બાળકો બ્લોક બનાવવાની અને ભૂમિકા ભજવવા જેવી સામાન્ય બાબતોમાંથી પણ ઘણું શીખી શકે છે. સમયની સાથે નાનાં બાળકો રંગ અને આકાર જેવી સરળ બાબતો અને મોટાં બાળકો ગુરુત્વાકર્ષણ, ચુંબકત્વ વગેરે જેવી જટિલ બાબતોનાં માધ્યમથી શીખી શકે છે. રમવાનું આનંદ આપે તેવું અને સહયોગાત્મક હોય છે તેના કારણે બાળકો તેના માટે હંમેશા તત્પર રહે છે. જોકે, હું જ્યારે ભારત પરત આવી ત્યારે બાળકો માટે કોઈ ઇન્ટરેક્ટિવ મ્યુઝીયમ નહોતું તે જોઇને મને નવાઈ લાગી હતી. તેના કારણે હું આવું સંગ્રહાલય બનાવવા માટે પ્રેરિત થઈ. એક એવી જગ્યા કે જ્યાં બાળકો જઈ શકે, ત્યાં રાખવામાં આવેલી વસ્તુને લઈ શકે અને તેની સાથે રમી શકે. એક સેતુ બનાવી શકે અથવા તો પોતાની આજુબાજુ રહેલી દુનિયા વિશે જાણી અને શીખી શકે.

યોરસ્ટોરી- સંગ્રહાલયની વિષયવસ્તુ શું છે અને તમે બાળકોને શું શીખવાડવામાં મદદ કરો છો ?

અંજના- સંગ્રહાલયમાં સાત ગેલેરીઓ આવેલી છે. જેમાં વિજ્ઞાન, ભૂગોળ, કલા, શિલ્પ, સાહસિક કાર્યો, સામૂહિક જીવન વગેરે ક્ષેત્રો વિશેની માહિતી છે. તેની પાછળનો વિચાર એવો છે કે બાળકો અહીં આવીને મજા કરે. શીખવાનું તો ગૌણ છે. સંગ્રહાલયમાં બે શિક્ષકો છે. સાત ગેલરી પૈકી દરેક ગેલરીમાં એક સલાહકાર છે જ્યારે તેમાં આવેલાં બાળકો ભ્રમિત થઈ જાય ત્યારે તેઓ બાળકોને તે શીખવા માટે મદદ કરે છે. કેટલીક બાબતો એકદમ સરળ છે જેમ કે સમૂહમાં રહેવું. જેમાં બાળકો પ્રવૃત્તિના માધ્યમથી સમસ્યાનો ઉકેલ લાવવામાં અને તર્ક તેમજ તેને ઝડપથી શીખવાનું કૌશલ્ય કેળવે છે.

યોરસ્ટોરી- આ સંગ્રહાલય કઈ ઉંમરના બાળકો માટે શરૂ કરવામાં આવ્યું છે તમે સંગ્રહાલયની ડિઝાઇન અને સામગ્રી કેવી રીતે નક્કી કરો છો ?

અંજના- સંગ્રહાલય 2થી 10 વર્ષનાં બાળકો માટે છે. તાલિમી શિક્ષકો દ્વારા તેમને સંગ્રહાલયની મુલાકાત લેવામાં તેમની મદદ કરવામાં આવે છે. આ શિક્ષકોને પરંપરાગત શિક્ષણ નવી રીતે આપવાનો અનુભવ ધરાવે છે. આની ડિઝાઇન કરવા માટે અમે શિકાગોના ડિઝાઇનર્સની મદદ લીધી છે. તેમને બાળકોના સંગ્રહાલયો ડિઝાઇન કરવાનો 25 વર્ષનો અનુભવ છે. સંગ્રહાલયને ડિઝાઇન કરવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો. ગેલેરી માટેનો વિષય નક્કી કરવામાં શિક્ષકો અને ડિઝાઇનર બંને સામેલ હતા. ઘણાં લોકો પોતાનાં બાળકો સાથે અહીં આવે છે અને અમે અહીં શાળાના પ્રાવસનું પણ આયોજન કરીએ છીએ કે બાળકો અહીં આવીને સંગ્રહાલયને જોઈ શકે.

યોરસ્ટોરી- નાણાંકીય મદદ અને ભવિષ્યની વિસ્તરણ યોજનાઓ વિશે જણાવો ?

અંજના - Steller children’s museum મુખ્યત્વે તેની મૂળ કંપની Steller group દ્વારા નાણાંકીય મદદ મેળવતી કંપની છે. આ નોઇડા સ્થિત એક રિઅલ એસ્ટેટ કંપની છે. જોકે, અમને ડેટોલ જેવી કંપનીઓ પણ ભંડોળ આપી રહી છે. કોર્પોરેટ જગત ઉપરાંત હાર્પર કોલિન્સ, ટ્રાવેલર કિડ્ઝ, ફ્રેન્ક ટોય્ઝ જેવી કેટલીક કંપનીઓ પણ અમારી પ્રાયોજક છે. તેઓ અમને પુસ્તકો અને DIY કિટ આપે છે. તેનું વેચાણ અમે સંગ્રહાલયમાં આવેલી દુકાનો મારફતે કરીએ છીએ. અમને નફો કમાવાના આશયથી આ કરતાં હોવાને કારણે અમે સરકારનો સંપર્ક નથી કર્યો. વિસ્તરણ કરવું અમને ગમશે. અમે હાલ દિલ્હીમાં એક અન્ય સંગ્રહાલય બનાવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ. ભારતનાં અન્ય શહેરો માટે અમે ફ્રેન્ચાઇઝી મોડલ માટેના વિકલ્પો શોધી રહ્યા છીએ. જોકે, આ બાબતે અમે ખૂબ જ પસંદગીકારક રહેવા માગીએ છીએ. તેમાં રસ ધરાવનારા લોકો માટે આ ક્ષેત્ર માટેનું ઝનૂન અને પ્રેમ હોવો ખૂબ જ જરૂરી છે. કે જે અમારામાં છે. સંગ્રહાલય શરૂ થયે એક જ વર્ષ થયું હોવાને કારણે વિસ્તરણનો વિચાર નવો છે.

યોરસ્ટોરી- સંગ્રહાલયનો સમય અને તેની ફી કેટલી છે?

અંજના- સંગ્રહાલય અઠવાડિયાનાં સાતેય દિવસ સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી ખૂલ્લું હોય છે. અમારી એક સભ્યપદની યોજના છે. જેમાં સભ્યોને વળતર આપવામાં આવે છે. હાલમાં અમારા કુલ 140 કરતાં વધારે સભ્યો છે. અમે શાળાનાં બાળકો માટે પ્રવાસનું પણ આયોજન કરીએ છીએ. જેની સમયમર્યાદા બે કલાકની હોય છે.

સંગ્રહાલયમાં પ્રવેશની શરૂઆત 30 મિનિટના રૂ. 200થી થાય છે. જેમાં સંગ્રહાલયમાં વીતાવેલા સમય અનુસાર વધારો થતો જાય છે. એક બાળકના પ્રવેશ સાથે પુખ્તોનો પ્રવેશ મફત હોય છે. બુધવારે અમે ખાસ વળતર આપીએ છીએ અને જન્મદિવસે તેમજ અન્ય આયોજનો માટે પણ ખાસ વળતર આપવામાં આવે છે.

યોરસ્ટોરી- તમારી ઇચ્છા શું છે, તમને કઈ બાબત પ્રવૃત્તિમય રાખે છે, તમે તમારા કામ અને પરિવાર વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો ?

અંજના- મારી ઇચ્છા મારા ઝનૂનમાંથી નીકળે છે. એક માતા હોવાને કારણે મને દૃઢ વિશ્વાસ છે કે ભારતમાં આવું કશુંક કરવાની જરૂર છે. સંગ્રહાલયમાં ટેકનોલોજીથી દૂર રહેવાના રસ્તાઓ છે. અહીં તમામ અનુભવથી શીખવા ઉપર આધારિત છે. તેના કારણે તે એક વધારે જૂની સ્કુલ જેવું છે. હું તેને એકદમ શુદ્ધ વ્યવસાય તરીકે નથી જોતી. તે મારા માટે એક સપનું છે. હું તેને મોટું બનાવવાનું સપનું જોઉં છું. જ્યાં બાળકો શીખી શકે. મજા કરી શકે. પોતાના આજુબાજુનાં વાતાવરણને શીખી શકે અને વધારે જિજ્ઞાસુ બની શકે.

હું રોજ નોઇડાથી ગુડગાંવની મુસાફરી કરું છું. તેમ છતાં પણ મને દૃઢ વિશ્વાસ છે કે તમે જે કરો તેના પ્રત્યે તમને પ્રેમ હોય તો બધું જ સરળ બની જાય છે. મને મારા સાસુ-સસરા અને મારા પતિ અક્ષયનો સારો સહકાર મળે છે. અક્ષય સંગ્રહાલયની તમામ નાણાકીય બાબતો સંભાળે છે.

યોરસ્ટોરી- ઇચ્છુક ઉદ્યોગસાહસિકોને તમારી શું સલાહ છે, ખાસ કરીને મહિલાઓ માટે ?

અંજના- હું જીવનમાં જોખમો લેવામાં માનું છું અને સદનસીબે મારા પતિ પણ તેવા જ છે. પરંતુ મને વિશ્વાસ છે કે જો તમારી પાસે ઉદ્દેશ, ટેકો અને ઝનૂન હોય તો તમારે તેમાં કૂદી પડવું જોઇએ. બાકી બધું આપમેળે થઈ જશે. તમારી પાસે કોઈ મોટો વિચાર હોય તે જરૂરી નથી. વેપારનાં કદથી મોટો ફેર નથી પડતો. આ એક બાળક જેવું છે જેટલું તમે તેમાં રોકાણ કરશો તેટલો તેનો સારો વિકાસ થશે. કંઈક નવું શરૂ કરવા માટેનો આ સારો સમય છે. ભારતમાં મુક્તપણું છે. લોકો નવા વિચારોને પસંદ કરે છે તમારી પાસે કોઈ વિચાર હોય તો વિશ્વાસ રાખો. તેને વખાણવા અને સ્વીકારવા લોકો તૈયાર છે. તમારે ફક્ત શરૂઆત કરવાની જરૂર છે. ત્યાર પછી તો આકાશ જ તમારી સરહદ છે.

લેખક – અમૃતા શેખર

અનુવાદ – મનીષા જોશી

Related Stories