ઉત્તર કર્ણાટક- ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નવું કેન્દ્ર

ઉત્તર કર્ણાટક- ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નવું કેન્દ્ર

Tuesday February 02, 2016,

4 min Read

યોરસ્ટોરીને કર્ણાટક સરકારના ‘ઇન્વેસ્ટ કર્ણાટક’ સાથે જોડાવવાનો ગર્વ છે, જેમાં કર્ણાટકે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં કરેલી પ્રગતિ દર્શાવવામાં આવશે અને સમગ્ર દુનિયામાંથી રોકાણો પણ આકર્ષવામાં આવશે. આ ઇવેન્ટ 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી, 2016 વચ્ચે બેંગલુરુમાં યોજાશે. (અહીં રજિસ્ટર કરાવો)

આ ઇવેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે અમે ટેકનોલોજીના કેન્દ્ર તરીકે વિકસી રહેલા ઉત્તર કર્ણાટક પર પ્રકાશ પાડીએ છીએ...

image


અહીં ગ્રામીણ વિસ્તારો અને નાનાં શહેરો છે. અહીં એકથી વધારે ભાષા બોલાય છે અને નાનાં નગરો અને શહેરોમાં પણ કોસ્મોપોલિટન સંસ્કૃતિના દર્શન થાય છે. વાત છે ઉત્તર કર્ણાટકની, જ્યાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધીમે ધીમે વેગ પકડી રહી છે. આ વેપાર-વાણિજ્યનું કેન્દ્ર છે, જ્યાં એક લાખ નાનાં અને મધ્યમ ઉદ્યોગો ધમધમે છે અને આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યારે આ પ્રદેશના યુવાનોમાં ઉદ્યોગસાહસિક બનવાનો ઉત્સાહ જોવા મળે છે. પરંપરાગત ઉદ્યોગધંધાઓ નવા સ્તરે પહોંચવા ટેકનોલોજીનો સહારો લઈ રહ્યાં છે. આ સ્ટોરીમાં આ વિસ્તારે સાધેલી વિકાસની વાત કરીશું. જે વિસ્તારમાં એક સમયે ટેલિફોન અને વીજળી જેવી મૂળભૂત સુવિધા મેળવવા સંઘર્ષ કરવો પડતો હતો, ત્યાં અત્યારે ટેકનોલોજીના સહારે નવી સ્ટાર્ટઅપ ઇકોનોમીની સફર શરૂ થઈ છે.

શરૂઆતમાં સંઘર્ષ

અહીં શરૂઆતમાં ઉદ્યોગસાહસિકોને મૂળભૂત સુવિધાઓ મેળવવા પણ સંઘર્ષ કરવો પડતો હતો. એનએસઆઇના સીઇઓ સંતોષ હુરલીકોપ્પીનું કહેવું છે,

"અમે લેન્ડલાઇન કનેક્શન મેળવવા પણ સંઘર્ષ કરતાં હતાં. અમે આ વિસ્તારમાં ટેલીફોનિક કમ્યુનિકેશનની સુવિધા મેળવનાર શરૂઆતના થોડા ઉદ્યોગસાહસિકોમાં સામેલ હતા."

કૃષિ અને વેપારનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં અત્યારે ટેકનોલોજીમાં કુશળતા ધરાવતા ઉદ્યોગસાહસિકો પોતાની જ ભૂમિમાં પરદેશી હોવાનું અનુભવે છે. અહીંના બજારમાં ઉદ્યોગસાહસિકો ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ અપનાવી રહ્યાં છે, જેમાં તેમને થોડો કડવો તો થોડો મીઠો અનુભવ મળે છે. અત્યારે સુધી વણખેડાયેલ બજારમાં બહુ બધા લોકો આગામી સ્તરે પહોંચવા ડિજિટલ રુટ અપનાવવા ઇચ્છે છે. પરંપરાગત બિઝનેસ ટેકનોલોજીનું મહત્ત્વ સમજી રહ્યાં છે અને ધીમે ધીમે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.

નેટવર્ક અને ટીમનું નિર્માણ

તેમણે આ સ્થિતિનું સમાધાન કરવા શું કર્યું હતું? તેમણે હાથ મિલાવ્યાં હતાં! હુબલી સ્થિત ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ સ્ટાર્ટઅપ કૂકી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના સ્થાપક શશાંક કહે છે, “અત્યારે પણ અમે એકબીજાને સાથસહકાર આપીએ છીએ અને ભાગીદારીમાં અમારા બિઝનેસમાં વધારો થયો છે.” મોટા શહેરોમાં ગળાકાપ સ્પર્ધા પ્રવર્તે છે ત્યારે આ વિસ્તારમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એકતા અને મિત્રતાના સનાતન મૂલ્યો પર વિકસી રહી છે. જે શહેરમાં મોટા ભાગના ટેકનોલોજિસ્ટ રોજગારીની મર્યાદિત તકો હોવાથી અને માળખાનો અભાવ હોવાથી રહેવાનું પસંદ કરતાં નથી, ત્યાં એક ટીમ ઊભી કરવા અને તેને જાળવવી કેટલી મુશ્કેલ છે? વર્ષ 2005માં હુબલીમાં 10 કર્મચારીઓ સાથે કામગીરી શરૂ કરનાર અને અત્યારે 450 કર્મચારીઓ ધરાવતી ભારતની ઝડપથી વિકસી રહેલી એનાલોગ અને મિક્સ્ડ-સિગ્નલ સેમિકન્ડક્ટર કંપની સંકલ્પ સેમિકન્ડક્ટર્સના એક્ઝિક્યુટિવ સીઇઓ વિવેક પવાર કહે છે, “અમારે કર્મચારીઓ જાળવી રાખવા અને ટીમને પ્રોત્સાહિત કરવા સારાં મેનેજરની જરૂર છે.”

બહારનો સાથસહકાર

જ્યારે એકબીજાને સાથસહકાર આપવાથી બંને પક્ષને ફાયદો થાય છે, ત્યારે સરકારનો સપોર્ટ જોઈએ તેટલો મળતો નથી. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ અસ્તિત્વમાં નથી અને અહીં તમારે વિકાસ કરવો હોય તો તમારી પોતાની ક્ષમતા પર જ નિર્ભર રહેવું પડે તેવું સંતોષ જણાવે છે. તેઓ કહે છે કે, “અહીં કોઈ પણ સ્ટાર્ટઅપે પોતાની જાતે જ ઊભું થવું પડે છે.” પણ રોકાણકારો આ વિસ્તારમાં રોકાણ કરવાનું શા માટે ઓછું પસંદ કરે છે? વિવેક કહે છે કે, “જ્યારે ઉદ્યોગસાહસિકો પાસે સારાં વિચારો હશે તો મોટી કંપનીઓ આવશે. અહીં મોટી કંપનીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.” બોરેડબીઝ ટેક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી અને સીઇઓ આનંદ જી નાયક કહે છે કે, “હુબલીમાં વર્ષ 2015માં યોજાયેલ ટેકસ્પાર્ક્સ જેવી ઇવેન્ટ અતિ ઉપયોગી પુરવાર થઈ હતી અને આ પ્રકારની ઇવેન્ટ વિસ્તારમાં ઉદ્યોગસાહસિકો માટે નવા દ્વારા ખોલશે.”

વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ

અત્યારે ઉત્તર કર્ણાટકમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અન્ય મોટા શહેરની જેમ ધમધમે છે અને પ્રગતિ અને વિકાસની ખાતરી આપે છે. ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે આ વિસ્તારમાં યુવાનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા નવા વિચારો અજમાવી રહ્યાં છે. બેલગાંવની ઓન-ડિમાન્ડ ટાયર રિપ્લેસમેન્ટ કંપની ફિટ માય ટાયરનું જ ઉદાહરણ લઈએ. તેના સહસ્થાપક અમિત દોશીનું કહેવું છે કે, “અમને વેસ્ટર્ન ઘાટના જંગલમાં ફસાઈ ગયેલી એક મર્સીડિઝના માલિકનો ફોન આવ્યો હતો. તેમને તાત્કાલિક ટાયર બદલવાના હતા. તેમાંથી અમને આવા અંતરિયાળ વિસ્તારમાં ઓન-ડિમાન્ડ ટાયર પૂરાં પાડવાની સુવિધા ઊભી કરવા ટેકનોલોજીનો સમન્વય કરવાનો વિચાર આવ્યો હતો.” પરંપરાગત બિઝનેસને ટેકનોલોજીની ક્રાંતિકારી ક્ષમતાનો અહેસાસ થઈ રહ્યો છે અને તેઓ હવે તેને આક્રમક રીતે અજમાવી રહ્યાં છે.

ભવિષ્ય

ઉત્તર કર્ણાટકમાં મૂળભૂત માળખાગત સુવિધા આકાર લઈ રહી છે, ત્યારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની સફર હજુ શરૂ થઈ છે. સરકારે બેલગાંવને ટોચના 20 સ્માર્ટ સિટીમાં સ્થાન આપ્યું છે. અહીં બજારની સાઇઝ અને મોટી સંખ્યામાં જાણીતી ટેકનોલોજીકલ યુનિવર્સિટીને ધ્યાનમાં રાખીએ ભવિષ્ય ઉજ્જવળ છે તેવું કહી શકાય. પણ દેશના અન્ય વિસ્તારના સ્ટાર્ટઅપથી આ ભાગના સ્ટાર્ટઅપ કેવી રીતે અલગ છે?

વિવેક કહે છે,

"સ્ટાર્ટઅપનો ઉદ્દેશ ફક્ત નાણાં નથી, પણ રોજગારીનું સર્જન કરીને ભારતના આર્થિક વિકાસમાં લાંબા ગાળા સુધી પ્રદાન કરવાનો છે."

દીર્ઘદ્રષ્ટિ ધરાવતું નેતૃત્વ, શ્રેષ્ઠ વિચારો અને મોટા પાયે વણખેડાયેલ બજાર સાથે ઉત્તર કર્ણાટક પ્રગતિનો નવા પથ પ્રશસ્ત કરશે, વિકાસના નવા શિખરો સર કરશે!

ઇન્વેસ્ટ કર્ણાટક, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં તમામ સહભાગીઓને ડિજિટલ યુઝર પ્લેટફોર્મ પ્રદાન કરવાના આશય સાથે કર્ણાટક સરકારે તાજેતરમાં ઇન્વેસ્ટ કર્ણાટક 2016 મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરી છે. તમે તમારી એન્ડ્રોઇડ ડિવાઇઝ પર એપ ડાઉનલોડ કરી શકો છો.


લેખક- પ્રતીક્ષા નાયક

અનુવાદક- કેયૂર કોટક