નીલમ કુમાર: બે કેન્સર, 5 પુસ્તકો અને જીવન પ્રત્યે ગજબની સકારાત્મકતા

નીલમ કુમાર: બે કેન્સર, 5 પુસ્તકો અને જીવન પ્રત્યે ગજબની સકારાત્મકતા

Thursday January 14, 2016,

8 min Read

તેઓ માને છે કે જીંદગી આપણને હંમેશા વિકલ્પ આપતી હોય છે. તમે કાં તો હતાશ થઈ જાઓ અથવા તો કોઈ પણ સંજોગોનો હિંમતભેર સામનો કરો!

એક સપનાના લીધે, વહેલી પરોઢે 4 વાગે મારી ઊંઘ ઉડી ગઈ. મને આખું સપનું તો નહીં, પણ તેની કેટલીક વસ્તુઓ યાદ છે. એક નાની ભારતીય છોકરી હતી, જે રશિયાનાં કોઈ જંગલમાં સ્ટ્રૉબૅરી ખાઈ રહી હતી; પછી મેં પ્રખ્યાત લેખક ખુશવંત સિંઘને જોયા, જેઓ એક યુવતીના ગાલ પર કિસ કરવા નીચે નમી રહ્યાં હતાં; પછી તે યુવતી બ્લેક સી માં તરી રહી હતી; એક સ્ત્રી બ્રૅસ્ટ કેન્સરનાં લીધે કીમોથેરાપી લઈ રહી હતી; પછી વધુ એક સ્ત્રી કોઈક સંમેલનમાં પ્રેરણાત્મક સ્પીચ આપી રહી હતી; તો વધુ એક સ્ત્રી ‘નમ મ્યોહો રેન્ગે ક્યો’(બૌધ મંત્ર) નો જાપ કરી રહી હતી અને, અને... બસ, તે જ સમયે મારી આંખ ખુલી ગઈ! તે જ સમય હતો જ્યારે મને અહેસાસ થયો કે, હું નીલમ કુમારની લાજવાબ સ્ટોરી જ લાંબા સમયથી મારા મનમાં ચાલી રહી છે. અને ત્યારે જ મેં આ આર્ટિકલ લખ્યો... સવારે 4 વાગ્યે...

image


‘સ્ટ્રૉબૅરી જેવાં’ વર્ષો

નીલમે તેમનું સપના જેવું સુંદર બાળપણ રશિયામાં વિતાવ્યું. તેઓએ તેમની બહેન પૂનમ સાથે મોસ્કોમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેઓ તેને ‘સ્ટ્રૉબૅરી જેવાં’ વર્ષો કહે છે: રશિયાની સ્કૂલનાં ક્લાસરૂમમાં, વાંચવા માટે કોઈ પુસ્તકો નહોતા માટે, બાળકોને વારંવાર પાસે આવેલા એક જંગલમાં લઈ જવાતા હતાં, જ્યાં તેઓ સરસ મજાની સ્ટ્રૉબૅરીઝ તોડીને ખાતાં હતાં! બાકીની સ્ટોરી નીલમનાં શબ્દોમાં જ વાંચો, 

"ઉનાળામાં ત્રણ મહીના માટે, અમને એક નૈસર્ગિક સમર રિસોર્ટ ‘અનાપા’ લઈ જવામાં આવતાં હતાં. બ્લેક સી માં ડૂબકી મારીને રંગબેરંગી છિપલાઓ શોધવામાં, તરતાં શીખવામાં તથા ‘સનબાથ’ લેવામાં અમારા દિવસો વીતી જતાં હતાં. ત્યાંની સ્કૂલનાં 6 વર્ષોમાં, અમને પુસ્તકો નહીં, પણ પ્રકૃતિમાંથી શિક્ષણ આપવામાં આવતું હતું”. 

(અકસ્માતે, તેમના માતા-પિતા બન્ને લેખક હતાં: શ્રી ઓ.એન પંચાલર અને શ્રીમતી ઉર્મિલા પંચાલર, રશિયાનાં ‘શ્રેષ્ઠતમ’ કાર્યને હિન્દી તથા અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે, રશિયામાં ભારતીય ઍમ્બેસી દ્વારા ભારતમાંથી પસંદ કરવામાં આવેલા ત્રણમાંથી બે લોકો હતાં!)

ત્યારબાદ, નીલમને ભારત પાછા આવવું પડ્યું હતું અને તેમને અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં મોકલવામાં આવ્યાં. તેમણે શૂન્યથી શૂરૂઆત કરવી પડી: તેમની અંગ્રેજીની શિક્ષિકાને લાગ્યું, કે નીલમ ભણવામાં બહુ સારી નથી તથા, ‘લાકડાની ઉપર લાકડું’ મૂક્યું હોય એવી છે! તેઓએ એવું પણ કહ્યું હતું કે, નીલમ ક્યારેય અંગ્રેજી ભાષા નહી શીખી શકે. પણ આ વાત કદાચ નીલમ માટે પ્રેરણાત્મક સાબિત થઈ અને તેઓ જણાવે છે કે, 

“મેં તેમને ખોટાં સાબિત કરવા માટે મારી આખી જીંદગી ખર્ચી નાખી. મેં અંગ્રેજી ભાષામાં 5 પુસ્તકો લખી નાખ્યા." 

માત્ર એ જ નહીં, તેમણે અંગ્રેજી ભાષામાં B.A, B.Ed, પબ્લિક રિલેશન્સ ઍન્ડ ઍડવર્ટાઈઝિંગમાં PG અને USA, AZ, ટક્સન, એરિઝોનાની યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં માસ્ટર્સ પણ કર્યું છે.

image


કઠીન વર્ષો

નીલમ માટે, 1996માં જીવન બદલાઈ ગયું. તેમને બ્રૅસ્ટ કેન્સર નિદાન થયું. તેઓ જણાવે છે,

“મારી પાસે આ વાતને સહન કરવાની કોઈ તાકાત નહોતી, હું ચિડચિડી અને ભાવનાશૂન્ય સ્ત્રી બની ગઈ. મારી અંદર સતત એક જ વાત ચાલતી કે, ‘મને જ કેમ આવું થયું’?"

તેમને પોતાના જીવનનાં સૌથી કઠીન સમયમાંથી પસાર થવું પડ્યું. તેમણે વર્ષ 1993માં પોતાના પતિને પણ ગુમાવી દીધા હતાં, જેઓ તેમને હંમેશા પ્રેરણા તથા પ્રોત્સાહન આપતાં હતાં. હવે તેમણે વૈધવ્ય, સિંગલ પેરેન્ટિંગ, આર્થિક જવાબદારી, સંબંધોનાં ઉતાર-ચઢાવ અને સંપર્કનાં મડાગાંઠનો પડકાર, એકલે હાથે સાચવવાનો હતો. એક સશક્ત વ્યક્તિ તરીકે, તેઓ આ મુશ્કેલ સમયને તેમના બાળકો (રજનીલ અને અભિલાષા), તેમનાં ભાઈ-બહેનોના પરિવાર, તેમની દાદી, તેમના મિત્રો, તથા જેમણે ટ્રીટમેન્ટ દરમિયાન તથા ત્યારબાદ પણ તેમની કાળજી રાખી, એ ડૉક્ટર્સની સતત મદદ દ્વારા પસાર કર્યો. તેઓ તેમના ડૉક્ટર્સની ઘણી પ્રશંસા કરે છે.

"હું ઘણી નસીબદાર છું કે, મને આવાં સારા તથા શ્રેષ્ઠ ડૉક્ટર્સ, મુંબઈમાં જ મળી ગયાં- ટાટા મેમોરિયલ હોસ્પિટલનાં ડૉ. રાજેન્દ્ર બાડવે, ડૉ. મુઝમ્મિલ શેખ અને પી.ડી હિન્દુજા હોસ્પિટલનાં ડૉ. વિનય આનંદ. તેઓએ મને સાજી થવા માટે પ્રોત્સાહન આપ્યું. અને તેમણે ઘણી જ કરૂણાપૂર્વક આવું કર્યું."

તેઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયાં, પણ તેમની વેદના હજીયે બાકી હતી. વર્ષ 2013માં ફરીથી તેમને બ્રૅસ્ટ કેન્સર થયું. જોકે આ વખતે તેઓ વધુ તૈયાર હતાં, તેઓ જણાવે છે, 

“જ્યારે મને 2013 માં બીજું કેન્સર નિદાન થયું ત્યારે, મેં આને તદ્દન જુદી રીતે જોવાનો નિર્ણય કર્યો. મેં પહેલાંથી જ બૌદ્ધ ધર્મની શક્તિશાળી ફિલસૂફીને અપનાવી લીધી હતી, અને તેથી મેં મારા જીવનનાં માઈક્રોકૉસમને બ્રહ્માંડનાં મૅક્રોકૉસમ સાથે જોડવાનો નિર્ણય કર્યો. ત્યારપછી બધું આપમેળે સારું થતું ગયું. મને તે જોઈને ઘણું આશ્ચર્ય થયું કે, ‘નમ મ્યોહો રેન્ગે ક્યો’ જેવાં સરળ શબ્દોએ મને કેવી રીતે સશક્ત બનાવી દીધી હતી. મારી બીમારી મારા માટે એક આનંદિત યાત્રા સમાન બની ગઈ અને હું જાપ કરવાની શક્તિને, મારા જીવન દ્વારા સાબિત કરી શકું છું."

ટૂ કેન્સર, વિથ લવ- પુસ્તકનું કવર

ટૂ કેન્સર, વિથ લવ- પુસ્તકનું કવર


‘કેન્સરને મારનાર’

નીલમને, ‘કેન્સરમાંથી બચનાર’ ને બદલે, ‘કેન્સરને મારનાર’ તરીકે કહેવડાવું ગમે છે. તેઓ એક અત્યંત સકારાત્મક વ્યક્તિ છે અને તેમનો આ ભાવ, જીવન પ્રત્યે તેમના ઍટિટ્યૂડનો ટેસ્ટામેન્ટ છે: “બે વાર કેન્સર થયું, તેનાથી વધું સારું બીજું શું હોઈ શકે? જુઓ મને બદલામાં શું ભેટ મળી છે- ઘુંઘરાળા વાળ (જે પહેલાં એકદમ સીધા હતાં), નવાં સેલ્સ, મહાસાગર જેટલું વિશાળ પરીપ્રેક્ષ્ય, સમુદ્ર જેટલી ઊંડી કરૂણા અને એક અત્યંત મારક સેન્સ-ઑફ-હ્યૂમર. જો આપણે ગંભીરપણે ‘આંતરિક બગીચો’ બનાવીશું જેને આપણે ‘માવન ક્રાંતિ’ કહીએ છીએ, તો આપણે એ જાણીને ઘણાં આશ્ચર્યચકિત થઈ જઈશું કે, આપણાં હાડ-ચામની અંદર કેટલી સર્વોચ્ચ સાધન-સંપત્તિ અસ્તિત્વ ધરાવે છે."

‘અનફોર્ગેટેબલ નીલમ’

નીલમ, વર્ષ 1996માં, જમશેદપુરની રૉટરી કલ્બ કૉનફરૅન્સમાં ખુશવંત સિંઘને મળ્યાં હતાં. ઑડિયન્સને ખુશવંત સિંઘનો પરિચય આપવાની જવાબદારી, નીલમને સોંપવામાં આવી હતી અને નીલમે, આ તકનો લાભ લેતા, ખુશવંત સિંઘનાં લેખોમાં સ્ત્રીઓનાં વર્ણન પ્રત્યે, મહિલાઓના કેવા પ્રતિભાવ છે તે જણાવ્યાં. જોકે, ખુશવંત સિંઘ, જેમણે ઈરાદાપૂર્વક પોતાની ઓછી-ગમે-તેવી છબી બનાવી હતી, તેઓ નીલમ પાસે આવ્યાં અને પ્રશંસાનાં બદલામાં, તેમના ગાલ પર કિસ કરી! આ વાતને સ્થાનિક મીડિયામાં રિપોર્ટ કરવામાં આવી અને ખુશવંત સિંઘે પણ આ બનાવ ઉપર, તેમના અપ્રતિમ લોકપ્રિય કૉલમ- ‘વિથ મલિસ ટૂવર્ડ્સ વન ઍન્ડ ઑલ’- માં, ‘અનફોર્ગેટેબલ નીલમ’ નામનો એક લેખ લખ્યો અને તેમાં તેમણે નીલમની લેખન તથા બોલવાની કળાની પ્રશંસા પણ કરી!

image


આ રીતે, નીલમ તથા ખુશવંત સિંઘનાં પરિવાર વચ્ચે મિત્રતાનાં સંબંધો વિકસિત થયાં; જેનાં લીધે, બાદમાં અમને વાંચકોને એક બૅસ્ટ-સૅલિંગ પુસ્તક ઈનામરૂપે વાંચવા મળવાની હતી. આ પુસ્તકનું નામ છે, ‘અવર ફેવરેટ ઈન્ડિયન સ્ટોરીઝ’ અને આ પુસ્તકનાં લીધે, નીલમે દેશભરમાં પુષ્કળ પ્રમાણમાં યાત્રા કરવી પડી. તેમણે મોટાભાગનું સંશોધન, લેખન, અને પુનર્લેખન (ખુશવંત સિંઘની મંજૂરી મેળવી સહેલી નહોતી) કર્યું હતું. અલબત્ત નીલમ, ખુશવંત સિંઘનાં સખત હોવા પ્રત્યે નારાગજી નથી દેખાડી રહ્યાં, કેમ કે છેવટે તેમને અંગ્રેજીમાં લખવાની કળા, ભારતનાં શ્રેષ્ઠ લેખકોમાંથી એક, એવા ખુશવંત સિંઘ પાસેથી શીખવાની તક મળી હતી.

ફળદાયી લેખન

તેમણે પાતાની વ્યક્તિગત વાર્તા, ‘ટૂ કેન્સર વિથ લવ- માય જર્ની ઑફ જૉય’ લખવાની પ્રેરણા, આશ્ચર્યજનક રીતે તેમનાં પોતાનાં વાંચનમાંથી જ મળી હતી. જ્યારે તેમનો કેન્સર સાથે બીજી વાર સામનો થયો, ત્યારે તેઓ પોતાનું મન હલ્કું કરવા માટે, કેટલીક બૅસ્ટ-સૅલિંગ ક્લાસિક પુસ્તકો વાંચવા માટે લાવ્યાં હતાં. તેઓ જણાવે છે કે, “રૅન્ડી પૉશ દ્વારા લખવામાં આવેલી પુસ્તક ‘ઈન ધ લાસ્ટ લૅક્ચર’ માં હીરો મરી જાય છે; મિચ્છ ઍલ્બોમ ની ‘ટ્યૂસ્ડેસ વિથ મૉરી’ માં હીરો મરી જાય છે; કૅન વિલ્બરની ‘ગ્રેસ ઍન્ડ ગ્રીટ’ માં હીરોઈન મરી જાય છે. આ બધું વાંચ્યાં પછી, મને એવું લાગ્યું કે, કેન્સર શબ્દ સાથે ઘણી નિષ્ઠુરતા જોડાયેલી છે. મને મારા જીવનનો હંમેશા સુખદ અંત જોઈતો હતો. મેં જીવવાનો નિશ્ચય કરી લીધો હતો. માટે, પોતાને જ પ્રેરણા આપવા માટે, મેં પુસ્તક લખ્યું."

image


નીલમે પાંચ પુસ્તકો લખ્યા છે. તેમની બૅસ્ટ સૅલિંગ પુસ્તક ‘અવર ફેવરેટ ઈન્ડિયન સ્ટોરીઝ’ (JAICO, 2002), ‘ટૂ કેન્સર, વિથ લવ- માય જર્ની ઑફ જૉય’ (Hayhouse publishers, 2015-Distributors Penguin), સારું પ્રદર્શન કરી રહી છે. તેમની અન્ય પુસ્તકો છે:

‘લેજેનડરી લવર્સ- 21 ટેલ્સ ઑફ અનઍન્ડિંગ લવ’ (JAICO, 2004)

‘માયરા- લવ...સોઉલસોન્ગ... દૅથ’ (Image India, 2011)

‘આઈ, અ વોમન’ (A Writers Workshop Redbird Book, 1991)

વ્યસ્ત રહેવું

લેખક તરીકે તેમની સફળતા સાથે, આજે નીલમ અત્યંત વ્યસ્ત વ્યક્તિ છે. તેઓ મલ્ટી-ટાસ્કિંગ કરે છે અને એક સાથે ઘણાં બિરૂદ સંભાળે છે. તેઓ મુંબઈની આર.એન પોદ્દાર સ્કૂલમાં, લાઈફ સ્કિલ્સ કોચ છે. તેઓ એક કૉર્પોરેટ ટ્રેઈનર તરીકે, ઉચ્ચ કૉર્પોરેટ્સમાં સોફ્ટ સ્કિલ્સ અને કમ્યૂનિકેશનની શિક્ષા આપે છે. તમે તેમની વૅબસાઈટ www.thetraininghub.co દ્વારા, તેમનો સંપર્ક સાધી શકો છો.

તેમને ઘણી સભાઓમાં સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવે છે. તેમાનાં બે ઈવેન્ટ્સ જેમાં તેમને જુદો જ અનુભવ થયો તે છે: ટાટા મેમોરિયલ હોસ્પિટલની વિમેન્સ કેન્સર ઈનિશિએટિવ દ્વારા, બ્રૅસ્ટ કેન્સરથી મુક્ત થનાર 200 મહીલાઓની સર્વાઇવર્સ મીટ, અને MAX ફાઉન્ડેશન દ્વારા સંચાલન કરવામાં આવેલ સર્વાઇવર્સ મીટ ઑફ રેર (જુજ) કેન્સર્સ. નીલમની સકારાત્મકતા ફરીથી દેખાઈ આવે છે: "હું કોઈ પણ સંમેલનમાં, એક મોટીવેશનલ સ્પીકર તરીકે પ્રવેશ કરું છું, અને પ્રોત્સાહિત થઈને બહાર નીકળું છું." તેઓ મુંબઈમાં છઠ્ઠાં ટાટા લિટરેચર લાઈવ ફૅસ્ટમાં પણ સ્પીકર હતાં.

તેમના સહ-લેખક ખુશવંત સિંઘ સાથે

તેમના સહ-લેખક ખુશવંત સિંઘ સાથે


આશાઓ અને મહત્વાકાંક્ષાઓ

કેન્સરની સારવાર, તથા તેનાં કમરતોડ ખર્ચ વિશે વાત કરતાં નીલમ કહે છે કે, 

"હું આશા રાખું છું કે, કેન્સરની સારવાર થોડી સસ્તી થઈ જાય. હું કેન્સર વિશે જાગૃતિના આ સંદેશને ફેલાવવાં માંગું છું, ખાસ કરીને તેની પ્રારંભિક તપાસ વિશે. હું શક્ય હોય એટલાં શહેરોમાં જઈને, બની શકે તેટલાં સર્વાઇવર્સ (બચી જનાર) સાથે વાતચીત કરવા માંગું છું- મારું પોતાનું ઉદાહરણ આપીને તેમને આશા તથા હિંમત આપવા માંગું છું. કમનસીબે, મને તેના માટે સ્પોન્સર્સ જોઈશે- અને તેમનું મળવું સહેલું કામ નથી."

નીલમ પાસેથી આપણે સૌ ઘણું શીખી શકીએ છીએ. આપણાંમાંથી મોટાભાગનાં લોકોને જીવનની ઉદાસીનતા પ્રત્યે ફરિયાદો કરવાની ટેવ હોય છે- જોકે, મોટાભાગે આપણે જ એના જવાબદાર હોઈએ છીએ! હું, નીલમને આપણા સૌ માટે, એક સકારાત્મક સંદેશ આપવાનું કાર્ય સૌંપુ છું: 

"હું માનું છું, કે જીંદગી તમને હંમેશા વિકલ્પ આપતી હોય છે. તમે કાં તો હતાશ થઈ જાઓ અને તમારી આસપાસનાં લોકોને પણ દુ:ખી કરી દો, અથવા કોઈ પણ સંજોગોનો હિંમતભેર સામનો કરો. સાથે જ, કોઈ પણ વિષમ પરિસ્થિતિનું હળવું પાસું પણ હોય છે. તમારે બસ તેને શોધવાનું હોય છે. મને ખરેખર લાગે છે કે, જીંદગી એક ઍટિટ્યૂડ છે. તેનો આનંદ માણવા માટે, આપણે આપણા દ્રષ્ટિકોણમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે. મને સાચે જ એવું લાગે છે કે, આપણને ધરતી પર ખુશ રહેવા તથા અન્યોને ખુશી આપવા માટે મોકલવામાં આવ્યાં છે. જો આપણે તેવું નથી કરી રહ્યાં, તો આપણે ખરા અર્થમાં જીવી નથી રહ્યાં!"


લેખક: સૌમિત્ર કે. ચેટર્જી

અનુવાદક: નિશિતા ચૌધરી