સેક્સ ટ્રાફિકિંગમાં ફસાઈ ગયેલી મહિલાઓને નવજીવન આપતી 'ટોફુ'

સેક્સ ટ્રાફિકિંગમાં ફસાઈ ગયેલી મહિલાઓને નવજીવન આપતી 'ટોફુ'

Tuesday January 26, 2016,

4 min Read

તમને ગયા વર્ષે રીલિઝ થયેલ રાની મુખર્જીની મર્દાની ફિલ્મ યાદ છે? ફિલ્મમાં સેક્સ ટ્રાફિકિંગમાં ફસાઈ જતી છોકરીઓ અને મહિલાઓની મજબૂરી પર થોડો પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે સેક્સ ટ્રાફિકિંગમાં ફસાઈ ગયેલી છોકરીઓનું જીવન વાસ્તવમાં નરક સમાન હોય છે. એક વખત આ નરકમાં સપડાઈ ગયા પછી તેમાંથી બહાર નીકળવાનું આસાન નથી હોતું. પણ તેમને આ વિટંબણાઓમાંથી બહાર કાઢીને સામાન્ય જીવન જીવવા માટે તમામ પ્રકારનો સાથસહકાર આપવાનું કામ બેંગલુરુ સ્થિત એક સંસ્થા ટોફુ કરે છે.

ટોફુ (થ્રેડ્સ ઓફ ફ્રીડમ એન્ડ યુ) બેંગલુરુ સ્થિત સોશિયલ એન્ટરપ્રાઇઝ અને વસ્ત્રોની બ્રાન્ડ છે. આ સંસ્થા સેક્સ ટ્રાફિકિંગમાંથી બહાર નીકળેલી મહિલાઓ અને છોકરીઓને સ્થાયી રોજગારી આપીને માન-સન્માનપૂર્વક જીવન જીવવા માટે તમામ પ્રકારની સહાય કરે છે. ટોફુ ટેક્સટાઇલ ઉત્પાદકો સાથે સમજૂતી કરે છે, જે મુજબ સંસ્થા ઉત્પાદકોને અમુક ચોક્કસ સંખ્યામાં ઓર્ડર્સ આપે છે અને તેના બદલામાં ઉત્પાદકો સંસ્થાની મહિલાઓને રોજગારી આપે છે.

આ સંસ્થાની શરૂઆત 27 વર્ષના ત્રણ યુવાનો પ્રીતમ રાજા, સૌમિલ સુરન અને આદર્શ નુંગૂરે કરી છે. પ્રીતમનો ઉછેર ઓમાનના મસ્કતમાં થયો હતો. કોલેજના દિવસોમાં તેઓ મહિલાઓના અધિકારો માટે સક્રિય હતા. સેક્સ ટ્રાફિકિંગમાં ફસાઈ જતી મહિલાઓ વિશે જાણકારી મેળવીને તેઓ વિચલિત થઈ ગયા હતા. પણ સુનિતા ક્રિષ્નન દ્વારા તેમના જીવનની દિશા બદલાઈ ગઈ હતી. તેમણે અમેરિકામાં ઊંચા પગારની નોકરી છોડી દીધી અને ભારતમાં આવીને હૈદરાબાદમાં સુનિતા ક્રિષ્નનને મળ્યાં હતા. દરમિયાન તેમને સેક્સ ટ્રાફિકિંગમાંથી બહાર નીકળતી મહિલાઓને સ્થાયી રોજગારી પૂરી પાડવાનો વિચાર આવ્યો હતો.

(ડાબેથી જમણે) આદર્શન નુંગૂર, સહ-સ્થાપક ટોફુ; પ્રીતમ રાજા, સ્થાપક, ટોફુ

(ડાબેથી જમણે) આદર્શન નુંગૂર, સહ-સ્થાપક ટોફુ; પ્રીતમ રાજા, સ્થાપક, ટોફુ


સેક્સ ટ્રાફિંકિંગમાં પીડિત મહિલાઓને છોડાવવી જેટલી સરળ છે, તેટલું જ મુશ્કેલ કાર્ય તેમને પુનઃસ્થાપિત કરવાનું છે. પ્રીતમ અને તેમના મિત્રો સૌમિલ અને આદર્શે આ સમસ્યાનું સમાધાન કરવાનું નક્કી કર્યું હતું અને તેમાંથી ટોફુનો જન્મ થયો. સૌમિલ ધ ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી ગ્રેજ્યુએટ થયા હતા અને એટલાન્ટાની જ્યોર્જિયા ટેકમાંથી ઇન્ડસ્ટ્રિયલ એન્જિનીયરિંગની ડિગ્રી મેળવી હતી. આદર્શ ટોફુની સર્વિસ અને રિ-ઇન્ટિગ્રેશન વિભાગનું સંચાલન કરે છે. તેઓ વિવિધ પાર્ટનર્સ સાથે સંકલન કરે છે અને આ મહિલાઓને રોજગારી મળે તે સુનિશ્ચિત કરે છે.

સેક્સ ટ્રાફિકિંગમાં પીડિત મહિલાઓને પુનઃસ્થાપિત કરવી સહેલું કામ નથી. પ્રીતમ કહે છે,

"ઘણી સામાજિક મર્યાદાઓ છે. ઘણી છોકરીઓ તેમના કુટુંબમાં પાછી ફરવા ઇચ્છતી નહોતી, કારણ કે તેમના પરિવારજનોએ જ રૂપિયાની લાલચમાં તેમને આ માર્ગે ધકેલી હતી. કંપનીઓ તેમને રોજગારી આપતી નથી, કારણ કે તેઓ કામ કરવાની આવડત ધરાવતી નથી. વળી કંપનીઓ આ પ્રકારની છોકરીઓ કે મહિલાઓને રોજગારી આપતા ડર પણ અનુભવે છે. આ પ્રકારની છોકરીઓને ઘણા વર્ષો માનસિક રીતે સામાન્ય થવામાં લાગે છે, કારણ કે તેમને અપાર યાતના વેઠી હોય છે."

ટોફુની શરૂઆત આ સમસ્યાનું સમાધાન કરવાના પ્રયાસરૂપે થઈ હતી. તેમનો ઉદ્દેશ પીડિત મહિલાઓ સમાજમાં સ્વીકાર્ય બને તેવો છે. આ વ્યૂહરચના નવીન પણ સરળ છે. તેઓ ટેક્સટાઇલ કારખાનામાં ગયા હતા અને તેમના વસ્ત્રો માટે ચોક્કસ સંખ્યામાં ઓર્ડર્સની ગેરન્ટી આપી હતી. પણ તેના બદલામાં કારખાનાના માલિકોને ટોફુ સાથે સંકળાયેલી પીડિત મહિલાઓને રોજગારી આપવાની હતી. હકીકતમાં બંને પક્ષ માટે આ લાભદાયક સ્થિતિ હતી.

ટોફુ તેના પાર્ટનર ઉત્પાદકો પાસેથી વસ્ત્રો ખરીદે છે અને પછી તેનું વેચાણ અન્ય બ્રાન્ડ્સ કે ગ્રાહકોને કરે છે. આ વેચાણમાંથી થતી આવકનો ઉપયોગ પીડિતોના જીવનને સુધારવા માટેના કાર્યક્રમમાં થાય છે. સેક્સ ટ્રાફિકિંગની પીડિત મહિલાઓને ટોફુ સ્થાયી રોજગારી આપવાની સાથે તાલીમ, રહેઠાણ, સલાહ, નાણાકીય મદદ, હેલ્થકેર વગેરે તમામ સુવિધા પ્રદાન કરે છે.

ટોફુએ દ્વિપાંખીયો અભિગમ અપનાવ્યો છેઃ એક, અન્ય કંપનીઓ અને બ્રાન્ડ્સ સાથે કામ કરીને તેમના માટે વસ્ત્રોનું ઉત્પાદન કરવું. અને બે, સાથે સાથે પોતાના વસ્ત્રોની બ્રાન્ડ વિકસાવવી. તેમાંથી જે નફો મળે છે તેનો ઉપયોગ સંસ્થાના વિવિધ કાર્યક્રમો અને કામગીરીઓના સંચાલનમાં થાય છે. સેક્સ ટ્રાફિકિંગમાંથી બહાર નીકળી ટોફુના કાર્યક્રમમાં પ્રવેશ કરનાર દરેક મહિલાને રોજગારી મળે તે સુનિશ્ચિત કરવા સંસ્થા ગાર્મેન્ટ ઉત્પાદકો, એનજીઓ અને સરકારી સંસ્થાઓ સાથે જોડાણ કરે છે.

અત્યારે ટોફુ ભારતમાં 14 ફેક્ટરી ધરાવતા ઉત્પાદકો સાથે કામ કરે છે અને વસ્ત્રોનું ઉત્પાદન કરવા કેટલીક અગ્રણી એપેરલ બ્રાન્ડ સાથે વાતચીત કરે છે. વસ્ત્રોની બ્રાન્ડ તરીકે ટોફુ ટૂંક સમયમાં અગ્રણી રિટેલ સ્ટોર્સમાં દેખાય તેવી અપેક્ષા પણ છે.

પોતાની યોજનાનો અમલ કરતી વખતે તેમને સામનો કરવા પડેલા પડકારો વિશે પ્રીતમ કહે છે કે, “આ છોકરીઓ મોટાં કારખાનાંમાં કામ કરવાની હોવાથી સૌથી મોટો પડકાર તેમનો ભૂતકાળ જાહેર ન થવાનો હતો. આ માટે અમે ક્રેડિટ સિસ્ટમ ઊભી કરી હતી. આ સિસ્ટમમાં આ પ્રકારની છોકરીઓ અને મહિલાઓ કામ કરે તે દરેક કલાક માટે મેનુફેક્ચરરને ક્રેડિટ આપવામાં આવી અને તેમની પાસેથી ઓર્ડર મળે ત્યારે આ ક્રેડિટ પોઇન્ટ બાદ કરવામાં આવતા હતા. કારખાનાના માલિક અને એચઆર મેનેજર સિવાય કોઈ આ પ્રોગ્રામ વિશે જાણતું નહોતું.” ટોફુની હાલની યોજના વિસ્તરણની છે. તેઓ શક્ય તેટલી પીડિત મહિલાઓને મદદ કરવા ઇચ્છે છે. ગયા વર્ષે અમેરિકામાં ક્રાઉડફંડિંગ અભિયાનમાં 25,000 ડોલર ઊભા કર્યા હતા અને અત્યારે આ ફંડનો ઉપયોગ કર્ણાટકમાં નેટવર્ક ઊભું કરવા માટે થાય છે. કંપની કર્ણાટક સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ઇન્ટરનેશનલ જસ્ટિસ મિશન અને સ્નેહા, વિદ્યારણ્ય જેવી એનજીઓ સાથે કામ કરે છે.

અત્યાર સુધી ટોફુએ 28 મહિલાઓને રોજગારી આપી છે. સંસ્થા તેમના હાલના પાર્ટનર્સ સાથે 100થી વધારે મહિલાઓને રોજગારી આપવાની સ્થિતિ છે. પ્રીતમ કહે છે,

"દર વર્ષે દેશમાં સેક્સ ટ્રાફિકિંગમાંથી 3,000થી 4,000 પીડિતોને બચાવવામાં આવે છે. અમે તેમના સુધી પહોંચીને તેમના જીવનને સામાન્ય બનાવવા ઇચ્છીએ છીએ."


લેખક- સૌરવ રોય

અનુવાદક- કેયૂર કોટક