ગ્રામ્ય વિસ્તારના અભાવ વચ્ચે પણ સંતોષે સફળતાની નવી કેડી કંડારી

એક વખત તમે કોઈ કામ કરવાનો દ્રઢ સંકલ્પ કરી લો પછી તમને રસ્તામાં આવતી કોઈ મુશ્કેલીઓ નડતી નથી અને તમે સફળતા પ્રાપ્ત કરીને જ રહો છે. કર્ણાટકના બેલગામમાં બીજા વર્ષમાં અભ્યાસ કરનારા સંતોષે પરંપરાગત રૂઢીઓને તોડીને સફળતાની નવી જ કેડી કંડારી છે.

ગ્રામ્ય વિસ્તારના અભાવ વચ્ચે પણ સંતોષે સફળતાની નવી કેડી કંડારી

Monday October 12, 2015,

3 min Read

જે લોકો એમ માનતા હોય કે પૈસા સિવાય જીવનમાં કંઈ જ કરી શકાય નહીં અથવા તો સફળતા મેળવવા માટે પૈસા હોવા પ્રાથમિક શરત છે તેમ માનનારા લોકો માટે સંતોષ અપવાદરૂપ સાબિત થયો છે. બેલગામ સમિતિ કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થી સંતોષે દુનિયાને સાબિત કરી આપ્યું કે, કોઈપણ પ્રકારની આર્થિક મદદ વગર પણ સફળતા મેળવી શકાય છે.

જીવનમાં આવતી અડચણોને અવસરમાં કેવી રીતે બદલી શકાય તે જાણવા માટે આપણે સંતોષના જીવનનું ફ્લેશબેક જોવું પડશે. સફળતાના રસ્તામાં આવતા વિઘ્નોનો સામનો કરવાનો જુસ્સો સંતોષે તેના અભ્યાસના પહેલા દિવસથી જ કેળવી લીધો હતો. તે સમયે સંતોષને શાળાએ જવા માટે દરરોજ 10 કિ.મી ચાલવું પડતું હતું. બાળપણથી જ મજબૂત મનોબળ ધરાવતા સંતોષે હાર ન માની અને પરિવારની સારસંભાળ વચ્ચે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો.

બાળપણથી યુવાની સુધીના જીવનમાં સંતોષે દરરોજ કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો અને તેથી તેણે નક્કી કર્યું હતું કે જ્યારે પણ અવસર મળશે ત્યારે સમાજ માટે કંઈક કરશે જેથી અન્ય લોકોને મુશ્કેલી ન પડે. પોતાને નડતી મુશ્કેલીઓને દૂર કરતા કરતા સંતોષે જીવનમાં કંઈક વિશેષ કરવાનું નક્કી કર્યું અને આ દરમિયાન તેને સાથ મળ્યો દેશપાંડે ફાઉન્ડેશનના લીડર્સ એક્સિલરેટિંગ ડેવલપમેન્ટ કાર્યક્રમનો.

સંતોષનું મોટાભાગનું જીવન ગામડાંમાં પસાર થયું હતું જ્યાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. આ કારણે જ તેને ખેતી કરવા દરમિયાન ખેડૂતોને નડતી મુશ્કેલીઓ અંગે વાસ્તવિક અને પાયાગત માહિતી હતી. આ દરમિયાન તેને પોતાના ગામના અને આસપાસના ગામના ખેડૂતોની એક વિકટ સમસ્યાની જાણ થઈ. તેમના ખેતરોમાં ઉગતા ગાજરને સાફ કરવાની સમસ્યા.

ગાજરની સફાઈ શા માટે?

ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા જ એ હતી કે સ્થાનિક બજારોમાં ગાજર વેચતાં પહેલાં તેને યોગ્ય રીતે સાફ કરવા પડતાં હતા. ગાજર જમીનની નીચે ઉગતા હોવાથી તે ખૂબ જ ગંદા અને માટીવાળા હોય છે અને તેથી જ તેને સાફ કરવા પડે છે. સંતોષ જાણતો હતો કે ગાજર સાફ કરવા ખેડૂતો માટે ખૂબ જ કપરું કામ છે. 100 કિલો ગાજર સાફ કરવા માટે ડઝનબંધ માણસોનો ઘણો સમય બરબાદ થઈ જતો અને સંતોષને તેનાથી ઘણું દુઃખ થતું.

image


ખેડૂતોની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ સંતોષને એક દિવસ વોશિંગ મશિન જોઈને કંઈક વિચાર આવ્યો. તેણે ગાજરની સફાઈ કરે તેવા મશિનની શોધ કરવાનું નક્કી કર્યું. લગભગ એક ડઝન વખત નિષ્ફળ ગયા પછી આખરે સંતોષે ગાજર સાફ કરતા મશિનની શોધ કરી.

ઘણા દિવસોની મહેનત પછી તૈયાર થયેલા આ મશિનને લઈને સંતોષ પોતાના ગામડે ગયો. ત્યાંના ખેડૂતોએ તેને વધાવી લીધો. પહેલાં 100 કિલો ગાજર માટે ડઝનબંધ લોકોને અનેક કલાકો આપવા પડતા હતા તેના બદલે માત્ર બે વ્યક્તિ પંદર મિનિટમાં આ કામ કરી છે. આજના સમયમાં પણ સંતોષ દ્વારા બનાવવામાં આવેલા મશિનની મદદથી આસપાસના ખેડૂતો પણ ગણતરીની મિનિટોમાં ગાજર સાફ કરી લે છે.

સંતોષની આ શોધની વ્યાવસાયિક અસર અને બેજોડપણાને ધ્યાનમાં રાખીને દેશપાંડે ફાઉન્ડેશનના 2013ના યુવા સંમેલન દરમિયાન રતન તાતાએ તેને પુરષ્કૃત કર્યો અને સંતોષને ઉત્સાહ પૂરો પાડ્યો.

કંઈક નવું કરીને બીજાને મદદ કરવાના જુસ્સાએ સંતોષને આરામથી બેસવા જ નહોતો દીધો. તે સતત કંઈક નવું નવું શોધવા અને કરવામાં વ્યસ્ત રહેતો. સંતોષે હાલમાં એવું યંત્ર શોધ્યું છે જેમાં ગેસ પર જમવાનું બનાવવા માટે પાણી ગરમ કરવા દરમિયાન નહાવા માટેનું પાણી પણ ગરમ થઈ જાય છે. આ યંત્રને તેણે ‘ઈકો વોટર કોઈલ’ નામ આપ્યું છે. સંતોષ જણાવે છે કે આપણા દેશમાં ગેસ ખૂબ જ મોંઘો છે અને કોઈ તેને બચાવવાનું વિચારતા જ નથી. તેના દ્વારા બનાવવામાં આવેલા આ યંત્રની મદદથી ગેસની તો બચત થાય છે જ સાથે સાથે બંને કામ માટે પાણી પણ ગરમ થઈ જાય છે.

એક તરફ તો આપણા દેશના શહેરી વિસ્તારો સતત પ્રગતિ કરી રહ્યા છે ત્યાં આપણે દેશની વસતીનો એક મોટો ભાગ જે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે તે વિકાસની રાહ જોઈ રહ્યો છે. સંતોષ એ બાબતનું જીવંત ઉદાહરણ છે કે તમે સાચી શ્રદ્ધાથી કોઈ કામ કરવાનું નક્કી કરો તો આર્થિક મદદ વગર પણ તેને પાર પાડી શકાય છે અને સમાજના વિકાસમાં યોગદાન આપી શકાય છે.